Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગેટવે ઑફ ઇન્ડિયાનાં ૧૦૦ વર્ષ

ગેટવે ઑફ ઇન્ડિયાનાં ૧૦૦ વર્ષ

Published : 30 November, 2024 01:06 PM | Modified : 30 November, 2024 01:18 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

મુંબઈના તાજની ઉપમા જેને મળેલી છે એ ગેટવે ઑફ ઇન્ડિયા શહેરની ઓળખ બની ગયું છે

ગેટવે ઑફ ઇન્ડિયા

ગેટવે ઑફ ઇન્ડિયા


ભારત પર  બ્રિટિશ રાજ અને એના અંત તેમ જ ભારતની આઝાદી અને એનાં ૭૫ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં દેશભરમાં ઊજવાયેલા અમૃત મહોત્સવની સાક્ષી રહેલા ગેટવે ઑફ ઇન્ડિયાને ૪ ડિસેમ્બરે ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. સમયની થપાટ વચ્ચે પણ એક સદીથી અડીખમ ઊભું રહેલું આ ઐતિહાસિક સ્મારક અનેક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ગેટવે ઑફ ઇન્ડિયા દેશનું પ્રસિદ્ધ ટૂરિસ્ટ સ્પૉટ તો છે જ અને સાથે-સાથે એ અનેક લોકો માટે રોજગારીનું સ્થાન પણ છે, દાખલા તરીકે અહીંના ફોટોગ્રાફર્સ


મુંબઈના તાજની ઉપમા જેને મળેલી છે એ ગેટવે ઑફ ઇન્ડિયા શહેરની ઓળખ બની ગયું છે. એક સદીથી પણ જૂના આ સ્મારક પ્રત્યેનું લોકોમાં આકર્ષણ યથાવત‍્ રહ્યું છે અને એટલે જ દેશ-વિદેશથી વર્ષે લાખો સહેલાણીઓ અહીં મુલાકાત લે છે. મુંબઈ દર્શનની વાત આવે ત્યારે પર્યટકોને સૌથી પહેલાં કોઈ સ્થળની મુલાકાત લેવાની ઇચ્છા થાય તો એ ગેટવે ઑફ ઇન્ડિયા છે. એક સમયે ગેટવે ઑફ ઇન્ડિયા ભારતમાં બ્રિટિશ રાજની ગવાહી આપતું હતું, પણ આઝાદી સમયે એ દેશમાં બ્રિટિશ રાજના અંતનું સાક્ષી બની ગયું. સમય સાથે આ ઐતિહાસિક સ્મારક પ્રસિદ્ધ ટૂરિસ્ટ સ્પૉટ બની ગયું. એ સાથે જ આ જગ્યા અનેક લોકો માટે રોજગારીનું સાધન બની ગઈ. આ ઐતિહાસિક સ્મારકને ચોથી ડિસેમ્બરે ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે એની સફર પર એક નજર નાખીએ.



ઇતિહાસ
એક સદી પહેલાં ગેટવે ઑફ ઇન્ડિયા બ્રિટિશ સરકાર દ્વારા શા માટે બાંધવામાં આવ્યો હતો એનો ઇતિહાસ પણ રસપ્રદ છે. કહેવાય છે કે ૧૯૧૧ની બીજી ડિસેમ્બરે ઇંગ્લૅન્ડના રાજા જ્યૉર્જ પંચમ અને રાણી મૅરીના મુંબઈમાં અપોલો બંદર ખાતે થયેલા આગમનની યાદમાં ગેટવે ઑફ ઇન્ડિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે એ સમયે આ ઐતિહાસિક સ્મારક બંધાયું નહોતું, ફક્ત એક મૉડલ તૈયાર કરાયું હતું. આ સ્મારકની આધારશિલા ૧૯૧૩માં મૂકવામાં આવી હતી. આ સ્મારકની ડિઝાઇન સ્કૉટિશ આર્કિટેક્ટ જ્યૉર્જ વિટેટે તૈયાર કરી હતી. આ સ્મારક ઇન્ડો-ઇસ્લામિક સ્ટાઇલમાં બાંધવામાં આવ્યું છે. ગેટવે ઑફ ઇન્ડિયા ૧૯૨૪માં બનીને તૈયાર થયો હતો. આ સ્મારકને બાંધવામાં ૧૦ વર્ષ જેટલો સમય લાગી ગયો. આની પાછળનું એક કારણ પહેલું વિશ્વ યુદ્ધ પણ હતું. એ સમયે અંદાજે ૨૧ લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ સ્મારક બાંધવામાં આવ્યું હતું. બેસાલ્ટ (એક પ્રકારનો પથ્થર)થી બનેલું આ સ્મારક ૨૬ મીટર ઊંચું છે. ભારતમાં બ્રિટિશરોનું રાજ ખતમ થયું ત્યારે બ્રિટિશ સૈન્યની છેલ્લી ટુકડી અહીંથી જ રવાના થઈ હતી એટલે ગેટવે ઑફ ઇન્ડિયાને બ્રિટિશ રાજના અંતના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. એ પછી તો ૧૯૬૧માં ગેટવે ઑફ ઇન્ડિયા ખાતેથી જ્યૉર્જ પંચમનું સ્ટૅચ્યુ હટાવીને છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું બેસાડવામાં આવ્યું હતું. ગેટવે ઑફ ઇન્ડિયા મુંબઈમાં ૨૦૦૩ અને ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાનો પણ સાક્ષી રહેલો છે. જોકે એ પછીથી જગ્યાની સુરક્ષા વધારીને CCTV કૅમેરા, બૅરિયર્સ, મેટલ ડિટેક્ટર્સ, બૅગેજ સ્કૅનર્સ વગેરે ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા હતા. ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે લોકોના વધતા ધસારાને ધ્યાનમાં લેતાં ગાર્ડનને હટાવીને ૨૦૧૨માં આસપાસના પ્લાઝા એરિયાનો પણ વિસ્તાર કરવામાં આવ્યો હતો. એ સિવાય ૨૦૧૪માં સ્મારક ખાતે LED લાઇટિંગ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવાનું કામ પણ કરવામાં આવ્યું હતું જેથી સ્પેશ્યલ ઓકેઝન પર સ્મારકને લાઇટ્સથી ઝળકાવી શકાય. ઉપરાંત છેલ્લાં આટલાં વર્ષોમાં ગેટવે ઑફ ઇન્ડિયાના ઐતિહાસિક સ્મારકની જાળવણી માટે વખતોવખત રિપેર અને મેઇન્ટેનન્સનું કામ થતું રહ્યું છે.


અન્ય આકર્ષણો
ગેટવે ઑફ ઇન્ડિયાનું ઐતિહાસિક બાંધકામ તો લોકોને આકર્ષે જ છે અને એ સિવાય પણ બીજી અનેક વસ્તુ છે જે લોકોને અહીં સુધી ખેંચી લાવે છે. એક તો આ જગ્યા પરથી અરબી સમુદ્રનો સુંદર નઝારો માણવા મળે છે. બીજું, અહીંથી જ પર્યટકો બોટમાં બેસીને અલીબાગ તેમ જ એલિફન્ટા કેવ્સ જઈ શકે છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બોટમાં બેસીને સમુદ્રના રસ્તેથી અલીબાગ, એલિફન્ટા કેવ્ઝ જતી વખતે રસ્તામાં અનેક સીગલ પક્ષીઓને જોવાનો પણ એક લહાવો છે. બોટમાં બેસીને થોડે દૂર ગયા બાદ ગેટવે ઑફ ઇન્ડિયાનો જે પૅનોરૅમિક વ્યુ મળે છે એ પર્યટકોને ખૂબ આકર્ષે છે. ત્રીજું, અહીં સાંજના સમયે થતો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ શો ૨૦૨૩માં ૨૮ ફેબ્રુઆરીના શરૂ કરવામાં આવ્યો હતો. ૧૯૪૮માં ૨૮ ફેબ્રુઆરીના દિવસે જ બ્રિટિશ સૈન્યની છેલ્લી ટુકડીએ ગેટવે ઑફ ઇન્ડિયા ખાતેથી વિદાય લીધી હતી. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં રજૂ કરાતા આ શોમાં શિવાજી મહારાજની વીરગાથા, બ્રિટિશ રાજ, ગુલામીમાંથી મળેલી આઝાદી અને એ પછીથી દેશની આર્થિક રાજધાની બનવાની મુંબઈના સફરની રજૂઆત કરવામાં આવે છે. એ સિવાય ઇન્ડિપેન્ડન્સ ડે હોય, મન કી બાતના ૧૦૦ એપિસોડ પૂરા થવાની ઉપલબ્ધિ હોય કે પછી G-20 સમિટ જેવી કોઈ સ્પેશ્યલ ઇવેન્ટ હોય, અવેરનેસ કૅમ્પેન કરવું હોય, દિવાળી-ન્યુ યર જેવા ઓકેઝન પર ખાસ આ ઐતિહાસિક સ્મારકને લાઇટ્સથી ઝળકાવવામાં આવે છે. એ સિવાય ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે વિશાળ સ્મારક અને અરબી સમુદ્રની ફરતે આવેલા પ્રોમેનાડ પર ચાલતાં-ચાલતાં લોકલ ફેરિયાઓ પાસેથી ભેળ, ચણા, આઇસક્રીમ જેવા સ્ટ્રીટ-ફૂડનો આસ્વાદ માણવાની અને સૂર્યોદય-સૂર્યાસ્તનો લહાવો લેવાની પણ એક અલગ મજા છે.

વિદેશી પર્યટકોનો અનુભવ


યાનિક અને પૅટ્રિક


આટલાં વર્ષો પછી પણ પર્યટકોમાં ગેટવે ઑફ ઇન્ડિયાનું આકર્ષણ ઓછું થયું નથી. મુંબઈના ટૂરિસ્ટ સ્પૉટની વાત આવે ત્યારે સૌથી પહેલાં ગેટવે ઑફ ઇન્ડિયાનું નામ આવે. અહીં દેશના વિવિધ ખૂણેથી ફરતા લોકો આ ઐતિહાસિક સ્મારકને જોવા આવે જ છે, પણ વિદેશી સહેલાણીઓમાં પણ આનું અનેરું આકર્ષણ છે. ન્યુ યૉર્કમાંથી પત્ની યાનિક સાથે ફરવા આવેલા પૅટ્રિક કહે છે, ‘મેં ગેટવે ઑફ ઇન્ડિયાના ફોટોગ્રાફ જોયા હતા પણ વાસ્તવિકતામાં એ ખૂબ સુંદર છે. મને આના ઇતિહાસ વિશે વધુ માહિતી નથી, પણ એટલી ખબર છે કે એ ૧૦૦ વર્ષ જૂનો છે. લાઇટ શો શરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે મેં કુતૂહલવશ ગેટવે ઑફ ઇન્ડિયા વિશે ઇન્ટરનેટ પર થોડી માહિતી વાંચી હતી. આટલી મોટી ખુલ્લી જગ્યામાં એકસાથે આટલાબધા લોકોની ભીડ મેં પહેલી વાર જોઈ. અહીંના લોકો ખૂબ ફ્રેન્ડ્લી છે. હંમેશાં સ્માઇલ કરતા હોય. અમને જોઈને ઘણા લોકો અમારી સાથે ફોટોગ્રાફ્સ પણ ખેંચે છે. મારા માટે આ ખૂબ સારો એક્સ્પીરિયન્સ છે. મેં ઇન્ડિયાના સ્ટ્રીટ-ફૂડ વિશે પણ ઘણું સાંભળેલું હતું. મને એ સ્પાઇસી લાગે છે, પણ મારી પત્નીને એ પસંદ છે. અમે છેલ્લા છ મહિનાથી ભારતને એક્સપ્લોર કરી રહ્યાં છીએ. હજી વધારે સમય સુધી અહીં રહેવાની અમારી ઇચ્છા છે. મુંબઈ શહેર મને બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરની યાદ અપાવે છે કારણ કે ત્યાં પણ ખૂબ વસ્તી છે, સિટી અને સ્લમનું મિક્સ્ચર છે.’ 

ઍન્ટોલી અને એલિયસ

બેલ્જિયમથી ગેટવે ઑફ ઇન્ડિયા ફરવા માટે આવેલા વધુ એક કપલ ઍન્ટોલી અને એલિયસ તેમનો એક્સ્પીરિયન્સ શૅર કરતાં કહે છે, ‘અમે જે દેશમાંથી આવીએ છીએ ત્યાંની વસ્તી મુંબઈથી અડધી છે. અહીં ખૂબ ઘોંઘાટ, ભીડ છે. અમે અહીં ફરવા માટે આવ્યા ત્યારે ખબર જ હતી કે આ બધું જોવા મળશે. જોકે સારી વાત એ છે કે અહીંના લોકો ખૂબ મળતાવડા છે. અહીંનું સ્ટ્રીટ-ફૂડ ખૂબ ટેસ્ટી છે. અહીંનું ઑલઓવર એન્વાયર્નમેન્ટ ખૂબ લાઇવલી છે. અહીં એકસાથે આટલી બધી ઍ​ક્ટિવિટી થઈ રહી છે. લાઇટ શો ચાલુ છે, કોઈ ફોટોગ્રાફ્સ ખેંચી રહ્યું છે, કોઈ સ્ટ્રીટ-ફૂડ વેચી રહ્યું છે. અહીં ખૂબ જ ચહલપહલનો માહોલ છે, જે અમારા માટે ખૂબ એક્સાઇટિંગ છે. ગેટવે ઑફ ઇન્ડિયા વિશે મને વધુ માહિતી નથી, પણ આ એક ફેમસ પ્લેસ છે એટલે અમે ફરવા માટે આવ્યાં છીએ.’

ફોટોગ્રાફરોની ડિમાન્ડ ઘટી ગઈ છે


પર્યટકો માટે જે હરવા-ફરવાનું સ્થાન છે એ અહીંના ફોટોગ્રાફર્સ માટે કાર્યસ્થળ અને રોજીરોટીનું સાધન છે. બધાના જ હાથમાં સ્માર્ટફોન આવી ગયા હોવાથી યાદગીરી માટે ફોટોઝ પાડીને એની હાર્ડ કૉપી લેવામાં લોકોને હવે રસ રહ્યો નથી. એને કારણે અહીં વર્ષોથી કામ કરતા ફોટોગ્રાફર્સને રોજીરોટી રળવામાં મુશ્કેલી નડી રહી છે. પોતાના જીવનનો અનુભવ જણાવતાં અંદાજે ૩૦ વર્ષથી અહીં ફોટોગ્રાફર તરીકે કામ કરતા ૪૧ વર્ષના ગણેશ ચૌધરી કહે છે, મેં ૧૨ વર્ષની ઉંમરથી જ અહીં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. માતા-પિતા ગુજરી જતાં નાની ઉંમરથી જ માથે પૈસા કમાવાની જવાબદારી આવી ગયેલી. આમ હું મૂળ બિહારનો છું, પણ કમાણી માટે મુંબઈમાં આવેલો. એ સમયે ગેટવે ઑફ ઇન્ડિયામાં એટલા ફોટોગ્રાફર નહોતા. ઉપરથી પર્યટકોની સારીએવી ભીડ રહેતી. એટલે ફોટોગ્રાફર ભારે ડિમાન્ડમાં રહેતા. આ કામ કરીશ તો સારી કમાણી થશે એમ વિચારીને જ મેં અહીં ફોટોગ્રાફીનું કામ શરૂ કર્યું હતું.’

જૂના દિવસોને યાદ કરતાં ગણેશ કહે છે, ‘એ સમયે ગેટવે ઑફ ઇન્ડિયા પાછળ દેખાય એ રીતે ફોટોગ્રાફ ક્લિક કરાવવા માટે લોકો રીતસર અમારી પાસે લાઇન લગાવતા. એ વખતે તો ઇન્સ્ટન્ટ ફોટોગ્રાફનો જમાનો પણ નહોતો. અમે રીલવાળા કૅમેરા વાપરતા. એ રીલ પણ મોંઘી આવતી. એટલે રીલ વેસ્ટ ન જાય એ માટે દરેક ફોટોગ્રાફ એકદમ ચીવટથી પાડવો પડે. સ્ટુડિયોમાંથી ફોટોગ્રાફ પ્રિન્ટ થઈને આવતા પણ એક દિવસ લાગી જાય. અમે લોકોના ઍડ્રેસ લઈ લઈએ. એ પછી ફોટોગ્રાફની કૉપી રેડી થઈને આવે ત્યારે અમે પોસ્ટથી તેમને કુરિયર કરીએ. અહીં વિવિધ રાજ્યથી લોકો પરિવાર સાથે ફરવા માટે આવતા. પ્રવાસની યાદગીરી રૂપે ફોટોગ્રાફની કૉપી સાથે લઈ જઈને સગાંસંબંધી અને મિત્રોને દેખાડતા. એ સમયે લોકોને એકબીજામાં ટ્રસ્ટ હતો. ફકત ગેટવે ઑફ ઇન્ડિયા નહીં, તાજ મહલ હોટેલની આગળ ઊભા રહીને પણ ફોટોગ્રાફ પડાવવાનું લોકોમાં આકર્ષણ હતું.’

આજની બદલાયેલી પરિસ્થિતિ વિશે વાત કરતાં ગણેશ કહે છે, ‘અત્યારે તો અમે ઇન્સ્ટન્ટ ફોટો પ્રિન્ટ કરીને આપીએ છીએ. બૅગમાં કેમેરા, ફોટો-આલબમ, પ્રિન્ટર બધું જ ભરીને ફરીએ છીએ. તેમ છતાં લોકો અમારી પાસે ફોટોગ્રાફ ક્લિક કરાવતા નથી. બધા પાસે કૅમેરાવાળો સ્માર્ટફોન છે એટલે જાતે જ સેલ્ફી લઈ લે. એ સિવાય અહીં ફોટોગ્રાફર્સમાં પણ કૉમ્પિટિશન વધી છે. મેં કામ કરવાની શરૂઆત કરી ત્યારે ખૂબ ઓછા ફોટોગ્રાફર્સ હતા, પણ અત્યારે ૪૫૦થી વધુ રજિસ્ટર્ડ ફોટોગ્રાફર છે. દિવસના ૧૦ કલાક ડ્યુટી કરીએ ત્યારે માંડ ૧૦ કસ્ટમર્સ મળે. લોકો અમારી પાસેથી વધારે ફોટો કૉપી ખરીદીને જાય એટલે અમે ડિફરન્ટ પોઝમાં ફોટોગ્રાફ્સ ક્લિક કરીએ. અહીં કામ કરતા મારા જેવા ઘણા સિનિયર ફોટોગ્રાફર છે જેમને દિવસના દસ-બાર કલાક ઊભા રહી-રહીને અને બૅગમાં સામાનનું વજન ઊંચકીને પીઠ અને પગનાં ઘૂંટણમાં દુખાવો થઈ ગયો છે. મને ડૉકટરે આ કામ છોડવાની સલાહ આપી છે, પણ કામ છોડી દઈશ તો પરિવારનું ભરણપોષણ કેમ થશે એ વિચારીને જ હજી સુધી કામ ચાલુ રાખ્યું છે.’

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2024 01:18 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK