ગૅસ્ટન લરુએ લખેલી ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ના મૂળમાં એક બંધ રહેતું થિયેટર હતું. ૧૯૦૭માં લખાયેલી આ નવલકથા કેવા રેકૉર્ડ કરશે એનો એ નવલકથા લખતી વખતે લરુને પણ અંદાજ સુધ્ધાં નહોતો
બુક ટૉક
ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા અને ગૅસ્ટન લરુ
ગયા રવિવારે ‘મિડ-ડે’ના સન્ડે-લાઉન્જમાં ઇન્ડિયાના બેસ્ટ કોરિયોગ્રાફર જોડી સમીર-અર્શે ઑપેરા શોની વાત કરતાં સૌથી લાંબા ચાલેલા બ્રૉડવે શો ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ની વાત કરી. ચાળીસથી પણ વધારે વર્ષોથી ચાલતો આ મ્યુઝિકલ બ્રૉડવે શો હકીકતમાં આ જ નામની નવલકથા પર આધારિત છે, જે નવલકથા ફ્રેન્ચ રાઇટર ગૅસ્ટન લરુએ લખી હતી. ઓગણીસમી સદીના આરંભનાં વર્ષોમાં પ્રસિદ્ધ થયેલી આ નવલકથા પૅરિસના જ એક ન્યુઝપેપરમાં ડેઇલી સોપ તરીકે છાપવામાં આવી. નૉવેલ એટલી તે પૉપ્યુલર થઈ કે લરુની આ નવલકથા બુક ફૉર્મમાં છાપવા માટે રીતસર પબ્લિશર્સની લાઇન લાગી અને માત્ર દસ જ વર્ષમાં આ નવલકથાની એક લાખ કૉપીઓ વેચાઈ ગઈ.
ફ્રેન્ચમાં લખાયેલી આ નવલકથાની પહેલી એડિશન પૂરી થતાં સુધીમાં તો એના અંગ્રેજી ભાષાંતર માટે માગ આવી ગઈ હતી. પોતાની માતૃભાષાને દિલથી ચાહતા લરુએ અંગ્રેજી ભાષાંતર કરવાની છૂટ જે શરતે આપી હતી એ સાંભળીને તમને પરસેવો છૂટી જશે અને મજા જુઓ, પરસેવો છોડાવનારી એ શરત પણ મંજૂર રાખવામાં આવી હતી; કારણ કે ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ નવલકથા એટલી પૉપ્યુલર થઈ હતી.
ADVERTISEMENT
ગૅસ્ટન લરુએ અંગ્રેજી ભાષાંતર માટે શરત મૂકી હતી કે નવલકથાની એક લાઇન ફ્રેન્ચમાં આવશે અને એની નીચે એનું અંગ્રેજી ભાષાંતર લખવાનું રહેશે. મતલબ દરેક ફ્રેન્ચ લાઇન પછી એક અંગ્રેજી લાઇન! આજના કમ્પ્યુટરના યુગમાં પણ આ શરતનું પાલન કરવું અઘરું પડે પણ ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ની જે ડિમાન્ડ ક્રીએટ થઈ હતી એ જોઈને પબ્લિશરે ગૅસ્ટનની એ શરત માન્ય રાખી અને ટ્રાન્સલેટેડ પહેલી બુક એ જ રીતે પ્રિન્ટ થઈ જેમાં પહેલી લાઇન ફ્રેન્ચ અને બીજી લાઇન અંગ્રેજીમાં હતી!
લૉયરમાંથી બન્યો લેખક | ગૅસ્ટન લરુને બનવું તો લૉયર હતું અને ૧૯૦૧ના સમયગાળામાં ફ્રાન્સમાં લૉયર જબરદસ્ત ડિમાન્ડ પર પણ હતા, પણ બહુ વિચિત્ર સંજોગોમાં તે સ્થાનિક ન્યુઝપેપરમાં પત્રકાર તરીકે નોકરીએ લાગ્યો. પત્રકાર હોવાના કારણે ગૅસ્ટનને અલગ-અલગ જગ્યાએ જવાનું બહુ બનતું. રિપોર્ટિંગ દરમ્યાન જ્યાં પણ અળવીતરી વાતો તેને સાંભળવા મળતી એ વાતો ગૅસ્ટન ટપકાવી લેતો. એક દિવસ ગૅસ્ટનને એક એવી ઘટનાની ખબર પડી જે સાંભળીને તેના કાન ઊભા થઈ ગયા અને એમાંથી જ સર્જન થયું ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’નું.
પોતાની પ૮ વર્ષની આવરદામાં ગૅસ્ટને અનેક સર્જનો ઘડ્યાં, જેમાંથી મોટા ભાગનાં પૉપ્યુલર થયાં પણ એમાંથી કોઈ ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ની તોલે આવ્યાં નહીં એ પણ કહેવું જ રહ્યું તો સાથોસાથ એ પણ કહેવું રહ્યું કે ગૅસ્ટને જે કંઈ લખ્યું એ સસ્પેન્સ-થ્રિલર અને ડિટેક્ટિવ બેઝ્ડ વાર્તાઓ જ હતી. નવલકથા ઉપરાંત ગૅસ્ટને શૉર્ટ સ્ટોરીઝ પણ લખી તો સાથોસાથ તેણે નાટકો પણ લખ્યાં.
અત્યાર સુધીમાં સાત ફિલ્મ | ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ પરથી અત્યાર સુધીમાં સત્તાવાર રીતે સાત ફિલ્મો બની છે તો આ શો પરથી બનેલો બ્રૉડવે શો છેલ્લા ચાર દશકથી લગાતાર ચાલી રહ્યો છે. આ તો થઈ ઑફિશ્યલ વાત, હવે વાત કરીએ ગેરકાનૂની તો ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ પરથી પ્રેરણા લઈને દુનિયામાં ઓછામાં ઓછી વીસ ફિલ્મો બની અને એના પરથી નાટકો પણ બન્યાં. જોકે ગૅસ્ટને પોતાની હયાતી સુધી કોઈની સામે કોઈ પ્રકારનો વિરોધ નોંધાવ્યો નહીં.
ગૅસ્ટન લરુની ઇચ્છા ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ પરથી એવો બ્રૉડવે શો બનાવવાની હતી, જે જોવા માટે એક જ વ્યક્તિ જઈ શકે! આ અદ્ભુત વિચાર માટે તેમણે એ માટે સ્ક્રિપ્ટ પર કામ પણ શરૂ કર્યું હતું, પણ આર્થિક રીતે એ સંભવ નહીં હોવાને કારણે એ પ્રોજેક્ટ પેપર પર જ પડતો મૂકવામાં આવ્યો.
સ્ટોરી શૉર્ટકટ
‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ની વાત સત્યઘટના પણ વર્ષો પછી અફવા પુરવાર થયેલી વાત પર આધારિત છે. પોતાના રિપોર્ટિંગ દરમ્યાન લેખક ગૅસ્ટન લરુએ પૅરિસમાં એક બંધ ઑપેરા થિયેટર જોયું. ઑપેરાના સમયમાં કોઈ જાજરમાન થિયેટર બંધ હોય એ કેવી રીતે ધારી શકાય? ગૅસ્ટને વધારે તપાસ કરી તો ખબર પડી કે સદી પહેલાં એ થિયેટરમાં ચાલુ ઑપેરાએ આગ લાગી હતી અને એ આગમાં કલાકારો સહિત અનેક પ્રેક્ષકો મૃત્યુ પામ્યા હતા. થિયેટર તો પછી ફરી શરૂ કરી દેવામાં આવ્યું, પણ થોડા સમયમાં લોકોને અનુભવ થવા લાગ્યો કે થિયેટરમાં કંઈક ભૂતાવળ છે. અનેક લોકોને સ્ટેજ પર બબ્બે સીન ચાલતા દેખાતા તો અનેક લોકોને એવો અનુભવ થતો કે તેના ખોળામાં કોઈ આવીને બેસી ગયું છે. વાત વહેતી રહી અને છેલ્લે એ થિયેટર બંધ કરવામાં આવ્યું.
ગૅસ્ટનના મનમાં સ્ટોર થયેલી આ આખી ઘટનાએ મહિનાઓ સુધી જગ્યા રોકી રાખી અને ફાઇનલી તેણે ‘ધ ફૅન્ટમ ઑફ ધી ઑપેરા’ લખવાનું શરૂ કર્યું. આપણે નાના હતા ત્યારે ફૅન્ટમની સ્ટ્રિપ-સ્ટોરીઝ વાંચતા. આ ફૅન્ટમ હકીકતમાં ફ્રેન્ચ શબ્દ છે. ફ્રેન્ચમાં ભૂત કે પછી અગોચરી તાકાત ધરાવતી અને ક્યારેય જોવા ન મળતી વ્યક્તિને ફૅન્ટમ તરીકે ઓળખવામાં આવે છે.