લાખોની જનમેદની જે ઘટનાક્રમને જોવા માટે ટોળે વળતી હોય છે એવું શું ખાસ છે આ પુષ્પવૃષ્ટિમાં એ આજે જાણીએ...
પુષ્પવૃષ્ટિ ઉત્સવ
આને તમે મુંબઈનું એક યુનિક નજરાણું કહી શકો. લાલબાગના શ્રોફ બિલ્ડિંગ દ્વારા છેલ્લાં ૫૪ વર્ષથી એક પરંપરા શરૂ થઈ છે જેમાં તેમને ત્યાંથી પસાર થતી ૨૦૦ જેટલી ગણપતિબાપ્પાની મૂર્તિ પર ક્રીએટિવિટી સાથે પુષ્પવર્ષા કરવામાં આવે છે. લાખોની જનમેદની જે ઘટનાક્રમને જોવા માટે ટોળે વળતી હોય છે એવું શું ખાસ છે આ પુષ્પવૃષ્ટિમાં એ આજે જાણીએ...
ક્રીએટિવિટીને કોઈ સીમા નથી અને જો કોઈ કામને સતત એકધારું કરતા હો અને છતાં તમારી ક્રીએટિવિટી ક્યારેય ખૂટે નહીં તો સમજવું કે એ કાર્યના તમે પ્રેમમાં છો. સતત કંઈક નવું-અવનવું ત્યારે જ સૂઝે જ્યારે તમે દિલથી એ કામને અપનાવ્યું હોય. લાલબાગચા રાજાનો દબદબો દુનિયાભરમાં છે, પરંતુ લાલબાગચા રાજા પોતાની વિસર્જનયાત્રામાં સર્વાધિક જે જગ્યાએ સમય પસાર કરતા હોય તો એ છે લાલબાગચા રાજાની ગલીના કૉર્નર પર આવેલું શ્રોફ બિલ્ડિંગ. યસ, કારણ કે રાજાને પાંચ વાર પૃષ્પવૃષ્ટિ દ્વારા અહીં સલામી અપાય છે. લાખોની જનમેદની વચ્ચે ઉપરથી પુષ્પવૃષ્ટિનો અનોખો માહોલ જાણે કે દેવલોકની પ્રતીતિ કરાવનારો હોય છે. મજાની વાત એ છે કે આ પૃષ્પવૃષ્ટિ પણ લોકો દ્વારા નહીં, ક્યારેક વાદળ તો ક્યારેક ધર્મયુદ્ધ માટે નીકળેલા અર્જુન અને શ્રીકૃષ્ણના રથ દ્વારા તો ક્યારેક વર્લ્ડ કપ દ્વારા થાય છે. દોરીઓની કમાલથી આવો જ કોઈ ઑબ્જેક્ટ વચ્ચોવચ પહોંચે અને એમાં રહેલાં પુષ્પો ભરેલી બાલદીથી એક્ઝૅક્ટ બાપ્પાના મસ્તિષ્ક પર પુષ્પવર્ષા કરે. અજાયબીથી ભરપૂર એવી આ પરંપરા છેલ્લાં ૫૪ વર્ષથી ચાલે છે. આ વર્ષે પંચાવનમા વર્ષમાં પ્રવેશેલી આ પરંપરાની શરૂઆત કઈ રીતે થઈ? એની ખાસિયત શું છે? કઈ રીતે આખું આયોજન પાર પડે છે જેવી તમામ વિગતો જાણી લઈએ.
ADVERTISEMENT
માનતા પૂરી થઈ
મિનિમમ ૭૦ વર્ષ પહેલાંની વાત છે. શ્રોફ બિલ્ડિંગમાં રહેતા બે મિત્રો હતા. જિગરજાન દોસ્ત કહેવાય એવી મૈત્રી. લાલબાગચા રાજા પાસે બેમાંથી એક મિત્રની મનોકામના પૂરી થઈ અને તેના મનમાં થયેલી ભાવોની વૃદ્ધિમાં તેને વિચાર આવ્યો કે જ્યારે રાજા વિસર્જન માટે પ્રયાણ કરતા હોય ત્યારે તેમનું સ્વાગત પુષ્પવર્ષાથી કરીએ અને તેમને એક રાજવી જેવી જ વિદાય આપીએ. જોકે હાથમાં પુષ્પો લઈને ઉપરથી રાજાને વધાવવા એ એક વાત થઈ અને એક્ઝૅક્ટલી રાજાના માથા પર પુષ્પનો વરસાદ થતો હોય એવો માહોલ સર્જાય એ બીજી વાત થઈ. બન્ને મિત્રોએ એવી વ્યવસ્થા કરી. લાઇટના પિલરના આધારે એવી રીતે દોરી બાંધી કે બરાબર વચ્ચોવચ ફૂલની ટોકરી આવે અને દોરીની મદદથી જ એને ઊંધી વાળી શકાય. જ્યારે આ ઘટના ઘટી એ જોઈને ત્યાં ભેગું થયેલું ક્રાઉડ આફરીન પોકારી ઊઠ્યું. એ વર્ષ અને આજનું વર્ષ. એ પછી સતત દર વર્ષે કોઈક થીમને પકડીને પુષ્પવૃષ્ટિની અનોખી પરંપરા અકબંધ રહી છે.
બધા કામે લાગે
બે માળના શ્રોફ બિલ્ડિંગમાં કુલ ૯૦ ફ્લૅટ્સ છે. દરેક ભાષા અને જ્ઞાતિના લોકો સાથે મળીને પુષ્પવૃષ્ટિનું આયોજન પાર પાડે. ‘શ્રોફ બિલ્ડિંગ પુષ્પવૃષ્ટિ ઉત્સવ મંડળ’ના સભ્યો આ સંદર્ભે કહે છે, ‘અમારે ત્યાં લગભગ દરેક ઉત્સવ સેલિબ્રેટ થાય છે, પરંતુ સર્વાધિક ઉત્સાહ હોય ગણેશોત્સવનો. પહેલાં માત્ર લાલબાગચા રાજાને પુષ્પવૃષ્ટિ કરવાથી શરૂઆત થઈ હતી, પરંતુ હવે લગભગ દરેક નાના-મોટા ગણપતિ જે અમારા રોડ પરથી પસાર થાય છે તેમના પર પુષ્પવૃષ્ટિ કરીએ. લગભગ અઢીથી ત્રણ ગાડી ભરીને ફૂલો લાવીએ. ૧૦૦૦ કિલો જેટલાં ગલગોટાનાં ફૂલ અને ૩૦૦ કિલો જેટલાં ગુલાબનાં પુષ્પો. મુખ્યત્વે બાલદીની મદદથી ગણપતિબાપ્પા પર પુષ્પવૃષ્ટિ થાય, પરંતુ બાલદી લોકોને દેખાય નહીં એ રીતે રાખી હોય. વાદળના આકારનું પતરાનું એક ડેકોરેટિવ પીસ બનાવ્યું હોય એ વચ્ચોવચ પહોંચે એ પછી બાપ્પા પર બાલદી ઊંધી વળે. એમાં કારીગરોની કરામત હોય અને કારીગરો પાછા આ બિલ્ડિંગના રહેવાસીઓ પોતે જ હોય.’
પરેલચા રાજા, કોટનગ્રીનચા રાજા, ચેમ્બુરચા રાજા એમ જુદા-જુદા વિસ્તારના નાના-મોટા મળીને લગભગ ૨૦૦થી વધુ ગણપતિબાપ્પા પર આ રીતે પુષ્પવૃષ્ટિ કરવામાં આવે છે. મંડળના સભ્યો કહે છે, ‘કોઈ પણ આકારની વસ્તુ બનાવવી હોય તો એને માટે બિલ્ડિંગના લગભગ બધા સભ્યો સાથે મળીને કામ કરતા હોય છે. મેકૅનિકનું, વેલ્ડિંગનું, કાર્પેન્ટરનું, કલરકામ અને ડિઝાઇનિંગ એમ બધું જ કામ અમે જાતે કરીએ. મહિનાઓ પહેલાં તૈયારી શરૂ થઈ જાય. ઇન ફૅક્ટ, વિસર્જન નિમિત્તે આ ક્ષણના સાક્ષી બનવા માટે અમારા બધાને ત્યાં મહેમાનોનો ધસારો પણ વધી જાય. ૧૧ વાગ્યે અમે તૈયાર હોઈએ. પહેલાં લાલબાગચા રાજા સમક્ષ પાંચ વાર પુષ્પવૃષ્ટિ થાય. સવારે ૧૧થી છેલ્લે રાતે બે વાગ્યા સુધી અમારું આ પુષ્પવૃષ્ટિનું કામ ચાલતું હોય. ઘરમાં લગ્ન હોય એવો ઉત્સાહ સોસાયટીના એકેક સભ્યમાં હોય. નાના બાળકથી લઈને વડીલો સુધીના બધા જ દોરી ખેંચવાના કામમાં, ફૂલથી બાલદી ભરવામાં, ફૂલને છૂટાં પાડીને એની પાંખડીઓને અલગ કરવાના કામમાં મચી પડતા હોય.’
અહીં ઉલ્લેખનીય છે કે શ્રોફ બિલ્ડિંગ દ્વારા થતી પુષ્પવૃષ્ટિ એટલી હિટ છે કે ઍડ્વર્ટાઇઝરો દ્વારા પોતાના બ્રૅન્ડિંગ માટેનાં હોર્ડિંગ્સ પણ બિલ્ડિંગની ફરતે લગાડાય છે. બિલ્ડિંગના સભ્યોથી લઈને આસપાસના દુકાનદારો અને દાદરના ફૂલવાળાઓ પણ પુષ્પવૃષ્ટિના આ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપતા હોય છે. આ કાર્યક્રમને પોલીસ વિભાગ, બીએમસીનો એફ-દક્ષિણ વિભાગ, ટ્રાફિક-પોલીસ, ફાયર-બ્રિગેડ અને ભગવાન ગણેશના ભક્તોનો પૂરતો સાથ-સહકાર મળતો હોય છે.
આ વર્ષે ભગવાન વિષ્ણુના બીજા અવતાર દ્વારા થશે પુષ્પવૃષ્ટિ
અત્યાર સુધીમાં વર્લ્ડ કપથી લઈને પૃથ્વી, કૃષ્ણ-અર્જુનનો રથ, નગારાં વગાડતો મૂષક, શંખ જેવી પ્રતિકૃતિઓ દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી છે, પરંતુ આ વર્ષે ૪૫ ફુટના ભગવાન વિષ્ણુનો બીજો કુર્મ અવતાર બનાવવામાં આવ્યો છે જે રસ્સીની મદદથી ફરતો હશે અને એના દ્વારા પુષ્પવૃષ્ટિ થશે.
1300
લગભગ આટલા કિલો ગલગોટા અને ગુલાબનાં ફૂલો પુષ્પવૃષ્ટિમાં વપરાતાં હોય છે.
200
ગણેશજીની આટલી મૂર્તિઓ પર પુષ્પવૃષ્ટિ થાય છે.