આ અનોખા કાર્ય સાથે સંકળાયેલી રસપ્રદ વાતો જાણી લો
શેઠ કરસનદાસ નાથા ભાટિયા બિલ્ડિંગ અને તેમના દ્વારા કરવામાં આવતી સેવા
૧૧૭ વર્ષ પહેલાં મુંબઈમાં બંધાયેલા શેઠ કરસનદાસ નાથા ભાટિયા બિલ્ડિંગના રહેવાસીઓ દ્વારા છેલ્લાં વીસેક વર્ષથી વિસર્જનના દિવસે લગભગ હજારથી બારસો પોલીસ, હોમગાર્ડ, ફાયર-બ્રિગેડ, ટ્રાફિક-પોલીસ જેવા એ દિવસે ફરજ બજાવતા કર્મચારીઓ માટે ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ અનોખા કાર્ય સાથે સંકળાયેલી રસપ્રદ વાતો જાણી લો...
ગણેશવિસર્જનના દિવસે મુંબઈની સડકો પર ક્રાઉડની કલ્પના કરશો એટલે એ દિવસે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા સંભાળતા લોકો પર કયા સ્તરની જવાબદારીઓ હશે એનો અંદાજ આવી જશે. સેંકડોની સંખ્યામાં પોલીસ, હોમગાર્ડ અને અન્ય સરકારી વિભાગના કર્મચારીઓ પહેરેદાર બનીને નાગરિકોની સુરક્ષા અને વ્યવસ્થાના કાર્યમાં મચી પડતા હોય છે. આ સમયમાં લગભગ ચોવીસ કલાક એકધારી ડ્યુટી પછી ચા-બિસ્કિટ કે વડાપાંઉ પર દિવસ પૂરો કરતા પોલીસવાળાનો વિચાર આવવો અને એ વિચારનું અમલીકરણ કરીને એને માટે વ્યવસ્થા ઊભી કરવી એ કામ કાબિલેદાદ કહેવાયને? મુંબઈના પ્રાર્થના સમાજમાં આવેલા શેઠ કરસનદાસ નાથા ભાટિયા બિલ્ડિંગના રહેવાસીઓની આ બાબતે પીઠ થાબડવી પડે. છેલ્લાં વીસ વર્ષથી મુંબઈમાં વિસર્જનના દિવસે કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ માટે બિલ્ડિંગના રહેવાસીઓ સવાર, બપોર અને સાંજના ભોજનની વ્યવસ્થા કરે છે અને હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ, પ્રેસવાળા, ફાયર-બ્રિગેડવાળા એમ જુદા-જુદા યુનિફૉર્મધારીઓ એમાં સામેલ થાય છે. શેઠ કરસનદાસ નાથા ટ્રસ્ટ અને શેઠ કેશવજી જાધવજી ટ્રસ્ટ અંતર્ગત ૨૦૦૪માં આ ક્રમ શરૂ થયો જે આજ સુધી અકબંધ છે. હવે પ્રશ્ન થાયને કે ડ્યુટી પર રહેલા અધિકારીઓને જમાડવાનો અને એ માટે બત્રીસ પકવાન બનાવવાનો આ વિચાર આવ્યો ક્યાંથી? ભાટિયા બિલ્ડિંગના રહેવાસીઓ છે કોણ અને આટલા બધા લોકોને જમાડવાની આખી વ્યવસ્થા થાય છે ક્યાંથી? આવા અઢળક સવાલોના જવાબ આજે મેળવીએ અને આ બિલ્ડિંગના રહેવાસીઓ દ્વારા શરૂ થયેલી અનોખી પરંપરાને બિરદાવીએ પણ ખરા.
ADVERTISEMENT
જ્યારે શરૂઆત થઈ
ચર્ની રોડથી હરકિસનદાસ હૉસ્પિટલ તરફ જાઓ એટલે પ્રાર્થના સમાજ તરફથી આગળ જતાં એક સિગ્નલ આવે. આ સિગ્નલ પાસે જ છે શેઠ કરસનદાસ નાથા ભાટિયા બિલ્ડિંગ. લગભગ ૧૧૭ વર્ષ જૂનું આ બિલ્ડિંગ ટ્રસ્ટ અંતર્ગત આવે છે અને અહીં બાવન રૂમ છે. ૧૦૦ ચોરસફુટથી લઈને ૩૬૦ ચોરસફુટની સાઇઝની રૂમ ધરાવતા આ બિલ્ડિંગનું કચ્છથી મુંબઈ વેપાર માટે આવતા સમાજના ભાઈઓને મુંબઈમાં ઓટલો આપવા માટે સૅનિટોરિયમ તરીકે નિર્માણ થયું હતું. સેવાભાવથી શરૂ થયેલી આ યાત્રા અહીં વસતા રહેવાસીઓના હૃદયમાં પણ સેવાનું બીજ રોપી ગઈ અને એ જ કારણ છે આ વિશિષ્ટ જમણવારના પ્રયોજનનું. ભાટિયા બિલ્ડિંગના રહેવાસી હિતેન સુંધાણી કહે છે, ‘સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓએ અમારા બાપદાદાને મુંબઈમાં રહેવાની વ્યવસ્થા કરી આપવા આ ઇમારતનું સર્જન કર્યું હતું. એ જમાનામાં પણ મુંબઈમાં રોટલો મળતો, ઓટલો નહીં. અમે આજે આગળ આવ્યા કારણ કે અમારા પૂર્વજોની મદદ અમને મળી. વર્ષોથી અહીં રહીએ છીએ અને હવે તો સધ્ધર હોવા છતાં પરસ્પર રહેવાસીઓમાં એવો પારિવારિક સંબંધ બંધાઈ ગયો છે કે નાની જગ્યામાં ઍડ્જસ્ટ કરી લઈએ, પણ અહીંથી છોડી જવાનું મન થતું નથી.’
આ બિલ્ડિંગનું લોકેશન એવું છે કે મુંબઈની અનેક ગણેશમૂર્તિઓ વિસર્જન માટે જાય ત્યારે અહીંથી પસાર થાય. હિતેનભાઈ કહે છે, ‘વર્ષોથી અમે વિસર્જન જોતા. લોકોનો જમાવડો થતો અને પોલીસ-અધિકારીઓ કલાકોના કલાકો પહેરેદારી કરતા. તેમને જમવાનો તો શું, પાણી પીવાનો સમય પણ ન મળે. ઊભા-ઊભા વડાપાંઉ ખાઈને પેટ ભરતા હોય. અરે, હવાલદાર ખિસ્સામાંથી રોટલી કાઢે, લસણની ચટણી કાઢે અને ઊભા-ઊભા દૂધની થેલી ખોલીને બે રોટલી દૂધ અને લસણની ચટણી સાથે ખાતો હોય. મોટા અધિકારીઓની સેવા માટે તો તેમનો સ્ટાફ હાજર હોય. બહારથી મગાવી લે કે હોટેલમાં ખાઈ લે, પણ નાના કૉન્સ્ટેબલને એ ન પરવડે. એ જોઈને અમને થયું કે આપણા માટે આટલો ભોગ આપતા આ લોકો માટે આપણે કંઈક કરીએ એટલે લગભગ વીસેક વર્ષ પહેલાં ચા-બિસ્કિટ મૂકવાનું શરૂ કર્યું. ત્રણેક વર્ષ આખો દિવસ અમારી સોસાયટીના સભ્યો તરફથી ચા-બિસ્કિટ હોય. પછી થોડુંક વધારે કરીને એમાં ગરમ નાસ્તો, લંચ અને ડિનરની પરંપરા શરૂ કરી. પોલીસ-અધિકારીઓને ખબર પડતી ગઈ અને અદ્ભુત રિસ્પૉન્સ મળ્યો.’
જબરી યુનિટી
ભાટિયા બિલ્ડિંગના રહેવાસીઓ હળી-મળીને આખો પ્રસંગ પાર પાડે છે. હિતેનભાઈ કહે છે, ‘અમારા ટ્રસ્ટીઓથી લઈને રહેવાસીઓનો પૂરતો સપોર્ટ છે; પરંતુ મોટા ભાગની જવાબદારી જયેશ નાણાવટી, અલકેશ ઉદેશી, મિતેશ સંપટ, પરેશ ઉદેશી, કિરણ આશર અને હું એમ છ જણ વહેંચી લેતા હોઈએ છીએ. લગભગ હજારથી બારસો માણસ જમવાનું હોય, બ્રેકફાસ્ટ અને ડિનર મળીને લગભગ સાડાત્રણસોથી ચારસો લોકો હોય. લગભગ ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ હોય, કારણ કે ક્વૉલિટી સારી હોય. મીઠાઈ, ફરસાણ, છાશ પણ મેનુમાં હોય જ. અમે આપસમાં ખર્ચ વહેંચી લઈએ. ટ્રસ્ટીની સહાય મળે અને દસેક ટકા જેટલા ખર્ચમાં નજીકના ફ્રેન્ડ્સ અને વેલવિશર્સ તરફથી મદદ મળતી હોય છે. અમારા માટે આ સમય દિવાળીના ઉત્સવ જેવો હોય છે. દર વર્ષે ઘણા તહેવારો ઊજવીએ, પણ જેટલો આનંદ આ રીતે શહેરના રક્ષકો માટે કંઈક કરવામાં આવે એવો બીજા કશાયમાં નથી આવતો. હવે લોકોમાં માહિતી ફેલાઈ છે એટલે દૂર-દૂરથી અધિકારીઓ પણ અહીં એ દિવસે અમને ભોજનનો લાભ આપવા આવતા હોય છે.’
આ કાર્યને આગળ વધારવા માટે જેમણે ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ભાટિયા બિલ્ડિંગને અડીખમ રાખવામાં જેમનું ખૂબ યોગદાન છે એવા સંસ્થાના ટ્રસ્ટી શશિકાંત જેસરાણી હવે નથી રહ્યા, પરંતુ તેમની ગેરહાજરીમાં તેમની દીકરી પ્રીતિએ તેમની પરંપરા ચાલુ રાખી છે. પ્રીતિબહેન કહે છે, ‘મારા પપ્પાને સમાજ પ્રત્યે ખૂબ જ લાગણી હતી અને તેમણે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરીને સમાજ-ઉત્કર્ષનાં કામ કર્યાં છે. ખવડાવીને ખુશ થવું એ તેમનો સ્વભાવ હતો અને એટલે જ સૌને મદદ કરવાની સાથે અન્નદાનની પણ અનોખી આ પરંપરામાં તેમણે ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. કોઈ પણ કામ શરૂ કરવું સરળ છે, પણ એને ટકાવવા માટે એકધારા પ્રયાસો કરતા રહેવું પડે છે. બિલ્ડિંગના રહેવાસીઓએ પણ ખૂબ જ સાતત્ય સાથે આ પ્રયાસો ચાલુ રાખ્યા એટલે તેમને સહયોગ આપવાનો જ હોયને.’
કેવા-કેવા અનુભવો?
પોલીસ-કર્મચારીઓને ક્યાં કોઈ વાતની કમી હોય છે એવો વિચાર તમને સહેજેય આવી જાય, પણ જ્યારે ત્યાં ભોજન લેતા પોલીસ-કર્મચારીઓના હાવભાવ જુઓ ત્યારે ખ્યાલ આવે કે કયા સ્તરનો અહોભાવ તેમના મનમાં આ કાર્યથી ઉદ્ભવ્યો છે. પોતાને અત્યાર સુધી થયેલા અઢળક અનુભવોના આધારે હિતેનભાઈ કહે છે, ‘અમે એક રજિસ્ટર જેવું રાખ્યું છે જ્યાં લોકો પોતાના અનુભવો અને સુઝાવો અમારી સાથે શૅર કરી શકે અને લગભગ દરેક પોલીસ-અધિકારી કે નાનો કર્મચારી પણ એ રજિસ્ટરમાં લખતો હોય છે. અભિનંદન અને ધન્યવાદ ઉપરાંત ઘણા અનુભવોમાં તો તેમના પરિવારે પણ અમારો ફોનમાં આભાર માન્યો હોય એવું બન્યું છે. બૉમ્બ-સ્ક્વૉડના જવાનો, બસ-કન્ડક્ટર, CRPFના જવાનો અમારે ત્યાં જમી ગયા છે અને અંદરથી તેમના જે આશિષ નીકળે એનું વર્ણન ન થઈ શકે. ઘણાની વાતો રજિસ્ટરમાં વાંચીએ ત્યારે આંખમાંથી પાણી આવી જાય. એવા પણ અનુભવો થયા છે જેમાં કૉન્સ્ટેબલે કે હોમગાર્ડે જીવનમાં ક્યારેય મીઠાઈ, ફરસાણ સાથેનું આવું ભોજન ભરપેટ નથી ખાધું અને અંતે જ્યારે અમારી સામે તે હાથ જોડીને ઊભો રહે ત્યારે અમારી પાસે કે તેની પાસે શબ્દો ન હોય. ૩૬૫ દિવસ જેઓ આપણી સેવા કરે છે તેમની એક દિવસ આપણે સેવા કરીએ. પોલીસવાળા પાસેથી અમારે કંઈ નથી જોઈતું, પણ હવે તેમના મનમાં ભાટિયા બિલ્ડિંગ વસી ગયું છે એનો સંતોષ છે.’
આ વખતનું મેનુ શું છે?
બ્રેકફાસ્ટ - ઉપમા, ચટણી, ચા, કૉફી, બિસ્કિટ
લંચ - વેજ કુરમાનું શાક, પરાઠા, શ્રીખંડ, ઢોકળાં, દાળ, ભાત, પાપડ, સૅલડ અને છાશ
ડિનર - પાંઉભાજી અને જીરા રાઇસ