બજેટ રજૂ કરતી વખતે ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે બિહારની મધુબની આર્ટવાળી સાડી પહેરી હતી જે તેમને દુલારી દેવી નામનાં પદ્મશ્રી આર્ટિસ્ટે ભેટ આપી હતી.
દુલારી દેવી
બજેટ રજૂ કરતી વખતે ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે બિહારની મધુબની આર્ટવાળી સાડી પહેરી હતી જે તેમને દુલારી દેવી નામનાં પદ્મશ્રી આર્ટિસ્ટે ભેટ આપી હતી. દુલારી દેવીનાં મિથિલા આર્ટનાં ૫૦થી વધુ એક્ઝિબિશન થઈ ચૂક્યાં છે અને તેઓ હજારો લોકોને આ કળા શીખવી ચૂક્યાં છે. હાઉસહેલ્પનું કામ કરતાં દુલારી દેવી કઈ રીતે બન્યાં મિથિલીનાં મહાન કળાકાર એની કહાની જાણીએ
બિહારના રાંતી ગામમાં માછીમારી પરિવારમાં જન્મેલાં દુલારી દેવીએ અત્યંત ગરીબીનો અનુભવ કર્યો. ૧૨ વર્ષની બાલ્યાવસ્થાએ તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. લગ્નજીવનના થોડા મહિનામાં જ તેમનું પહેલું સંતાન ૬ મહિનામાં મૃત્યુ પામ્યું. મમ્મીના ઘરે આવ્યા પછી એવી પરિસ્થિતિ સર્જાઈ કે ક્યારેય સાસરે પાછાં જઈ ન શક્યાં. આવા અંધકારમય જીવનમાં સૂરજ ત્યારે ઊગ્યો જ્યારે તેમણે પોતાના હાથમાં પેઇન્ટિંગ કરવા માટે બ્રશ પકડ્યું.
ADVERTISEMENT
૨૦૨૧માં દુલારી દેવી પોતે પણ પોતાનાં પદ્મશ્રી ગુરુ મહાસુંદરી દેવીની જેમ પદ્મશ્રી બન્યાં. શિષ્યનું આ સન્માન જોવા માટે તેમના ગુરુ હયાત નહોતાં.
ડ્રેસ, કુરતી કે ટૉપ પર કાં તો ટૂરિસ્ટ-સ્પૉટ પર જ્યાં હોમ સ્ટેની દીવાલો છાણાંની બનેલી હોય એના પર તમે તીક્ષ્ણ ભ્રમર, અણિયાળું લાંબું નાક, મોટી આંખો અને વાઇબ્રેન્ટ રંગોથી ભરેલી કૃતિઓ જોઈ હશે. ક્યારેય સવાલ નહીં પૂછ્યો હોય કે એ શું છે? તો એ જ બિહારમાં ઉદ્ભવેલી મધુબની કે મિથિલા આર્ટ છે જે હવે ભારતભરમાં આવા ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે મધુબની પેઇન્ટિંગની વાત હોય ત્યારે મિથિલા પ્રદેશનાં સીતા દેવી, ગંગા દેવી અને મહાસુંદરી દેવીનું નામ પહેલાં આવે. આ મહાન કલાકારોની યાદીમાં દુલારી દેવી પણ ૨૦૨૧માં મધુબની આર્ટમાં પદ્મશ્રી દુલારી દેવી બની ગયાં. અચાનક શા માટે આજે આપણે દુલારી દેવીની વાત કરી રહ્યા છીએ? એટલા માટે કે પોતાની કળા માટે જાણીતાં આ મહિલા દેશ-વિદેશમાં તેમની કળા માટે પ્રખ્યાત બન્યાં છે અને તેમણે આપણાં હાલનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણને મધુબની આર્ટની સાડી ભેટ આપી હતી. આ સાડી નાણાપ્રધાને ગયા અઠવાડિયે બજેટ રજૂ કરતી વખતે પહેરીને દુલારી દેવીનો આદર કર્યો હતો જેને કારણે આજે આપણે મધુબની કળા અને દુલારી દેવીની જીવની વિશે વાત કરી રહ્યા છીએ. દુલારી દેવીની કહાની પર ફિલ્મ બની શકે એટલી રોચક છે. મધુબની આર્ટ પર બનેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં તો તેમની સફર દર્શાવી છે, પરંતુ ફીચર ફિલ્મ હજી નથી બની. જાણીએ આ કળાકારને જેઓ પોતાની આજીવિકા કમાવા લોકોનાં ઘરકામ કરતાં હતાં અને પછી સન્માનનીય પદ્મશ્રી કલાકાર-પેઇન્ટર બની ગયાં.
નાણા પ્રાધાન નિર્મલા સીતારમણે મધુબની પેઇન્ટિંગવાળી સાડી પહેરીને આ કળાકારની કલાની કદર કરી હતી.
દુલારી દેવીનું સંઘર્ષભર્યું જીવન
દુલારી દેવીનો જન્મ બિહારના રાંતી ગામમાં મલ્લાહ જાતિમાં થયો હતો. આ જાતિના લોકો માછીમારી પર નિર્વાહ કરવા માટે જાણીતા છે. પરિવારમાં અત્યંત ગરીબી હતી અને શિક્ષા માટે કોઈ જાગૃતિ નહોતી એથી દુલારી દેવીને વાંચતાં-લખતાં નહોતું આવડતું. નાનપણથી જ મમ્મી સાથે લોકોનાં ઘરમાં કે ખેતરમાં મજૂરીકામ કરવા જતાં. ૧૨ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. લગ્નજીવનના થોડા મહિનામાં જ તેમનું પહેલું સંતાન ૬ મહિનામાં જ મૃત્યુ પામ્યું. અંદાજે ૧૪ વર્ષની ઉંમરે તેઓ પોતાની મમ્મીના ઘરે પાછાં આવી ગયાં અને સંજોગો એવા ઊભા થયા કે ફરી પાછા પતિના ઘરે જઈ ન શક્યાં. ઘર ચલાવવા માટે નાનાં-મોટાં દરેક કામ કરતાં. એવા દિવસો પણ જોયા જ્યારે ખાધા વગર જ સૂઈ જવું પડતું. જીવનમાં એવી ઉદાસી કે ક્યાંયથી આશાનું કે ખુશીનું કિરણ પણ ન દેખાય. એવામાં મિથિલા આર્ટિસ્ટ કર્પૂરી દેવીને ત્યાં ઘરકામ કરવાનું કામ મળ્યું. કર્પૂરી દેવી મહાસુંદરી દેવીનાં દેરાણી હતાં એથી દુલારી દેવીને મહાસુંદરી દેવીના ઘરમાં પણ કચરા-પોતાં કરવાનું કામ મળી ગયું. અહીંથી તેમની મિથિલા કળાકાર તરીકેની સફર શરૂ થઈ. આ દેરાણી-જેઠાણીને પેઇન્ટિંગમાં ઓતપ્રોત જોઈને પોતાને પેઇન્ટિંગ શીખવાની ઇચ્છા જાગી. તેમની એવી કોઈ આર્થિક પરિસ્થિતિ નહોતી કે તેઓ કંઈ પણ ખરીદી શકે એટલે ઘરે જઈને જમીન પર ધૂળમાં અને પોતાના ઘરની દીવાલો પર પોતાની કલ્પનાનાં ચિત્રો દોરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તેઓ એકદમ સરળ ચિત્રો બનાવતાં હતાં અને બાદમાં તેમણે મધુબનીની કચની અને ભરણી સ્ટાઇલમાં નિપુણતા હાંસલ કરી. કચની એટલે સ્કેચિંગ જેમાં રંગો ન હોય અને ભરણી એટલે એમાં રંગોનો ઉપયોગ થાય. દુલારી દેવીની પ્રિય પેઇન્ટિંગ ભરણી સ્ટાઇલ છે એથી તેમના દરેક પેઇન્ટિંગમાં રંગ જોવા મળે છે. જેને લખતાં-વાંચતાં નહોતું આવડતું એ મહિલા પોતાના વિચારો ચિત્રો દ્વારા વ્યક્ત કરતાં શીખીને વિશ્વભરમાં પ્રખ્યાત બની ગયાં.
દુલારી દેવીને વાંચતાં-લખતાં નથી આવડતું છતાં ૨૦૧૧માં સહ-લેખિકા ગીતા વૉલ્ફ સાથે મળીને તેમણે પોતાની આત્મકથા ‘ફૉલોઇંગ માય પેઇન્ટ બ્રશ’ મધુબની દ્વારા તાદૃશ કરી છે. તેમના ચિત્રોમાં રોજબરોજનાં દૃશ્યોનું ચિત્રણ થાય છે. આ ચિત્રમાં આઇસક્રીમવાળાની લારીને બાળકો ઘેરી લે છે.
પહેલું પેઇન્ટિંગ પાંચ રૂપિયામાં અને સૌથી મોંઘું પેઇન્ટિંગ ત્રણ લાખમાં વેચાયું
ઘરકામ કરતી વખતે દુલારી દેવી કર્પૂરી દેવીને પેઇન્ટિંગ અને રંગ વિશે બહુ સવાલ પૂછતાં હતાં. તેમની ઉત્સુકતા જોઈને કર્પૂરી દેવીએ તેમને હાથમાં બ્રશ પકડતાં શીખવાડી દીધું. ત્યાં સુધી કે કર્પૂરી દેવીએ દુલારી દેવીને તેમનું નામ પણ મધુબનીમાં લખતાં શીખવ્યું. મહાસુંદરી અને કર્પૂરી દેવીની સંગતમાં દુલારી દેવી પેઇન્ટિંગની નવી-નવી ટેક્નિક શીખતાં ગયાં. આ જ સંગતમાં તેમને ઘણા કલાકારો સાથે મળવાનો મોકો મળ્યો અને તેઓ પોતાના આર્ટને એક્ઝિબિશનમાં રજૂ કરતાં પણ થયાં. તેમને ફુલટાઇમ પેઇન્ટિંગ કરવું હતું, પરંતુ જ્યાં સુધી પેઇન્ટિંગ તેમને આર્થિક રીતે સપોર્ટ ન કરે ત્યાં સુધી તેઓ ઘરકામ છોડી ન શકે. પચીસ વર્ષ સુધી આ મહાન કલાકારોનાં ઘરકામ કર્યા બાદ એ દિવસ પણ આવ્યો જ્યારે તેમનું ફુલટાઇમ પેઇન્ટિંગ કરવાનું સપનું સાકાર થયું. ૨૦૧૧થી તેઓ ફુલટાઇમ પેઇન્ટર બની ગયાં હતાં. તેમની પેઇન્ટર તરીકેની શરૂઆતની સફરમાં તેઓ પોસ્ટકાર્ડ સાઇઝના પેપર પર પેઇન્ટિંગ કરતાં હતાં. તેમણે કરેલું પહેલું પોસ્ટકાર્ડ સાઇઝ પેઇન્ટિંગ પાંચ રૂપિયામાં વેચાયું હતું. જપાનથી આવેલા મહેમાનોએ તેમણે કરેલા પેઇન્ટિંગવાળાં ૭ પોસ્ટકાર્ડ ખરીદ્યાં હતાં. તેમનું આજ સુધીનું સૌથી મોંઘું પેઇન્ટિંગ ૩ લાખ રૂપિયામાં વેચાયું છે જે બિહાર સરકારે ખરીદીને પટનાના બિહાર મ્યુઝિયમમાં મૂક્યું છે. આ પેઇન્ટિંગ કમલા પૂજા જે માછીમારો માટે ખાસ માનવામાં આવે છે એ થીમ પર આધારિત છે. ૫૭ વર્ષનાં દુલારી દેવી આજ સુધીમાં ૮૦૦૦ કરતાં વધુ પેઇન્ટિંગ્સ બનાવી ચૂક્યાં છે. લૉકડાઉન દરમ્યાન તેમણે બનાવેલું એક પેઇન્ટિંગ અમેરિકાની એક ઇન્સ્ટિટ્યૂટે ૫૦,૦૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું જે પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યું હતું. ફુલટાઇમ પેઇન્ટિંગ કરતાં દુલારી દેવીનું ગણેશનું પેઇન્ટિંગ બહુ પ્રખ્યાત છે. તેમણે બનાવેલું ગણેશનું પેઇન્ટિંગ તો પૂરું થયાના થોડા સમયમાં જ લોકો ખરીદી લે છે. તેમના પેઇન્ટિંગનાં એક્ઝિબિશન અવારનવાર થયા કરે છે. આજ સુધી ૫૦થી વધારે એક્ઝિબિશન થઈ ચૂક્યાં છે.
દુલારી દેવીનું ગણેશનું પેઇન્ટિંગ તાત્કાલિક વેચાઈ જાય છે અને તેમને ગણેશનું પેઇન્ટિંગ કરવાનું બહુ ગમે છે.
પોતાના પદ્મશ્રી ગુરુને પોતાનો પદ્મશ્રી ન બતાવી શક્યાં
પદ્મશ્રી શું કહેવાય એની પણ તેમને મહાસુંદરી દેવીના ઘરમાં કામ કરતી વખતે જ ખબર પડી હતી. ૨૦૧૧માં જ્યારે મહાસુંદરી દેવી પદ્મશ્રીથી નવાજિત થયાં ત્યારે મહિલાઓ એ સન્માન જોવા આંગણામાં આવી હતી ત્યારે દુલારી દેવીએ કર્પૂરી દેવીને પૂછ્યું હતું કે આ શું છે? ત્યારે તેમને કર્પૂરી દેવીએ પદ્મશ્રી સન્માન વિશે સમજાવ્યું હતું. જોકે ત્યારે કદાચ સપનામાંય નહીં વિચાર્યું હોય કે તેમના ગુરુને જે સન્માન મળ્યું છે એ સન્માન દુલારી દેવી પ્રાપ્ત કરશે. પ્રાચીન સમયની કહેવત છે કે ‘જેવો સંગ એવો રંગ’ આજે પણ એટલું જ તથ્ય ધરાવે છે જેમાં દુલારી દેવીની જીવનસફર સારું ઉદાહરણ પૂરું પાડે છે. ૨૦૨૧માં જ્યારે તેમને પદ્મશ્રી એનાયત થયો ત્યારે તેમના મોઢા પર એક જ વાત હતી કે મારાં ગુરુ આ સન્માન જોઈને બહુ ખુશ થયાં હોત. દુલારી દેવી પેઇન્ટિંગને પૂજા માને છે. તેઓ ખુરસી પર બેસીને નહીં, પણ જમીન પર બેસીને જ કરે છે. આ પેઇન્ટિંગ કરવા માટે સવારે ૪ વાગ્યે ઊઠે છે, કારણ કે તેઓ માને છે કે બ્રહ્મમુહૂર્તમાં કામ સારું થાય છે. તેમને પદ્મશ્રી સન્માન પહેલાં અઢળક રાજ્ય અને રાષ્ટ્રીય સન્માન તથા પુરસ્કાર મળી ચૂક્યાં હતાં. પોતાના જીવન પરથી એટલું શીખ્યાં હતાં કે ઇચ્છુક દીકરીઓને આ કળાનું જ્ઞાન હોવું જોઈએ જેથી તેઓ પોતાને આર્થિક રીતે સપોર્ટ કરી શકે. છેલ્લાં ૧૧ વર્ષથી મિથિલા આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ મિથિલા આર્ટ શીખવે છે જેથી આ કળા વધુ ને વધુ પાંગરે. એ સિવાય ઑનલાઇન દુલારી દેવીના મધુબની આર્ટ શીખવતા ક્લાસિસ ઉપલબ્ધ છે.
મધુબનીનો ઇતિહાસ શબ્દોમાં જાણો, પરંતુ સાક્ષાત્કાર કરવા માટે મધુબની રેલવે-સ્ટેશનની મુલાકાત જરૂર લેવી
મધુબની પેઇન્ટિંગની શરૂઆતનાં મૂળ પ્રાચીન ભારતની રામાયણમાં મળી આવે છે. મિથિલાના રાજા જનકે માતા સીતાનાં લગ્ન સમારંભના ચિત્રને કંડારવા મધુબની આર્ટ કરતા કલાકારોને બોલાવ્યા હતા. આ પ્રસંગના પગલે મહિલાઓ લગ્ન, જન્મ, તહેવારો જેવા ખાસ પ્રસંગોએ પોતાના ઘરની દીવાલ અને લાદી પર મધુબની પેઇન્ટિંગ કરતી થઈ હતી. આ કળા વિશે લગભગ કોઈનું ધ્યાન નહોતું. બ્રિટિશકાળમાં ૧૯૩૬ની આસપાસ કોલોનિયલ ઑફિસર વિલિયમ જી. આર્થરે આ કળા તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કુદરતી પદ્ધતિથી કરવામાં આવતાં આ પેઇન્ટિંગ્સ તડકા-છાયા અને વરસાદને કારણે અદૃશ્ય થઈ જતાં હતાં એટલે કે એનું કોઈ કાયમી રૂપ નહોતું. ૧૯૬૮માં દુકાળ પડતાં મિથિલા પ્રદેશમાં પેઇન્ટિંગ બંધ થઈ ગયું હતું અને લોકોની આજીવિકા પર પ્રહાર થયો હતો. ‘ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ ઍન્ડ કલ્ચર હેરિટેજ’ (INTACH)ના એ સમયના અધ્યક્ષે આ વિસ્તારની મુલાકાત લીધી અને મહિલાઓને રોજગાર મળી રહે એ માટે તેમને કાગળ પર ચિત્રો દોરવામાં પ્રવૃત્ત કર્યાં. આવી રીતે સમય સાથે આ આર્ટનો વિકાસ થયો અને પછી આ મધુબની આર્ટે ઘરની દીવાલો પરથી કપડાં અને કૅન્વસ પર કાયમી સ્વરૂપ લીધું. આવી રીતે આજે પણ આ પેઇન્ટિંગ મહિલાઓનું આજીવિકાનું સાધન બન્યું છે.
૨૦૧૮માં મધુબની રેલવે-સ્ટેશનના બ્યુટિફિકેશનમાં સ્થાનિક મધુબની કલાકારોને નીમવામાં આવ્યા હતા. આ સ્ટેશન પર મધુબની કળાનો સાક્ષાત્કાર થાય છે.
મધુબની પેઇન્ટિંગ પારંપરિક રીતે મહિલાઓ દ્વારા બિહારના મધુબની જિલ્લાના જીતવાપુર, રાંતી અને રસીદપુરમાં શરૂ કરવામાં આવ્યું હતું એથી એને મધુબની કહેવામાં આવે છે. આ જિલ્લાઓ અને શહેરો મિથિલા પ્રદેશમાં આવતાં હોવાથી એને મિથિલા આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારની ભાષા મૈથિલી તરીકે જાણીતી છે. જોકે લોકજીહ્વા પર મધુબની પેઇન્ટિંગ વધારે પ્રચલિત છે. એમાં દોરવામાં આવતાં ચિહ્નો અને ચિત્રોને વિપુલતા, સૌભાગ્ય અને સકારાત્મકતાના પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય રીતે આ પેઇન્ટિંગ લોકો અને પ્રકૃતિ સાથેના તેમના જોડાણને દર્શાવે છે. મોટા ભાગનાં ચિત્રોમાં દેવી-દેવતાઓ અને તેમના પ્રસંગો જ દર્શાવવામાં આવ્યાં છે. આ ચિત્રોમાં ચંદ્ર, સૂર્ય, વૃક્ષો, માછલીઓ, કાચબા, મોર ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે જેમાં મોર પ્રેમ અને સુંદરતાનું, માછલી ફળદ્રુપતાનું, કાચબા સારા નસીબનું, વૃક્ષો જીવનનું, સૂર્ય આત્મા, ઇચ્છાશક્તિ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે.
આ કળાનું જતન કરવા માટે સરકારે ૨૦૦૭માં મધુબની પેઇન્ટિંગને જ્યોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન GIનો ટૅગ આપ્યો છે. આ ટૅગ મુખ્યત્વે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાંથી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો, કુદરતી અથવા કૃત્રિમ ઉત્પાદન, હસ્તકલા અને ઔદ્યોગિક માલસામાન માટે આપવામાં આવે છે એટલે કે આ કલા જે-તે જગ્યાની ઓળખ બને છે. એ સિવાય ટેક્સટાઇલ મંત્રાલય આ કળાને પૂરતો સપોર્ટ આપવા માટે અવારનવાર કલાકારોને ફન્ડ, ટ્રેઇનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. બિહાર સરકારે ગ્રામીણ મહિલાઓને આજીવિકા મળી રહે એ માટે જીવિકા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એ અંતર્ગત મહિલાઓને આ પેઇન્ટિંગ માટે તાલીમ આપીને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં આવે છે. ૨૦૧૮માં મધુબની રેલવે-સ્ટેશનના બ્યુટિફિકેશન માટે સ્થાનિક કલાકારોને દીવાલ પર પેઇન્ટિંગ કરવા માટે નીમવામાં આવ્યા હતા. આ કળાને લોકોમાં વધુ પ્રચલિત બનાવવા માટે ઑનલાઇન તેમ જ ફૅશન ઇન્ડસ્ટ્રીનો સહારો લેવામાં આવ્યો છે એથી આજે લોકોને મધુબની પ્રિન્ટનો તરત જ ખ્યાલ આવી જાય છે.

