લોન લીધા પછી પણ શું પરિસ્થિતિ ઊભી થાય એ જાણવું જરૂરી છે
લાફ લાઇન
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાની બપોરનો સમય હતો. ગામડાની એક નાનકડી બૅન્કમાં ભારે ગિરદી. લોન લેવા માટે એક વડીલ કાકા ખરે તડકે બૅન્કમાં દાખલ થયા. તે મૅનેજરને મળવા માટેના વેઇટિંગ એરિયામાં બેઠા. ઉંમરલાયક માણસ એટલે થોડી વારમાં તેને તરસ લાગી. એ જ સમયે બૅન્કમાં છોકરડા જેવો એક જુવાન એન્ટર થયો. કાકાએ તેને રોકીને ઑર્ડર કર્યો કે ‘ભઈલા પાણી પાશો?’ પેલા જુવાને કાકાની સામું જોઈને ‘શ્યૉર’ કહી પાણીનો કળશિયો આપ્યો. ભવોભવના તરસ્યા હોય એમ પિતૃની જેમ કાકા પાણી ગટગટાવી ગયા. થૅન્ક યુ કહેવાનો કાકાનો સ્વભાવ નહીં. થોડી વાર પછી કાકા લોન માટે મૅનેજરની ચેમ્બરમાં દાખલ થયા.
મૅનેજરની સીટ પર બેઠેલા ભાઈને ભાળીને કાકાને વગર ભૂકંપે આશરે છ પૉઇન્ટ આઠનો આંચકો અનુભવાયો કારણ કે આ એ જ વ્યક્તિ હતી જેના હાથનું વીસ મિનિટ પહેલાં કાકાએ પાણી પીધું’તું! બહુ કોશિશ કરી પણ કાકાને ગળે થૂંક પણ ન ઊતર્યું. પેલા મૅનેજરે બેસવાનું કહ્યું પણ તોય કાકાનું શરીર માત્ર બેઠું, જીવ તો ઊભો જ રહ્યો. ફાઇલ ચેક કર્યા બાદ મૅનેજરે હળવેથી કહ્યું કે ‘કાકા, તમારી લોન મંજૂર નહીં થાય.’
ADVERTISEMENT
‘ક...ક... કારણ...’
કાકાએ ઓતરાસ લેતાં પૂછ્યું. મૅનેજરે જવાબ આપ્યો.
‘કાગળ તો બધા બરાબર છે પણ મને લાગે છે તમે હપ્તા નહીં ભરો.’
‘અરે હોય સાહેબ, હપ્તા તો ભરવાના જ હોયને!’ કાકાએ આશાનું કિરણ દેખાતાં તરત જ જવાબ વાળ્યો, પણ મૅનેજરે શંકા વ્યક્ત કરી.
‘મને ભરોસો નથી કાકા, જે વ્યક્તિ દસ ફીટ દૂરથી પાણીનો ગ્લાસ ન ભરે તે બૅન્કના હપ્તા કેવી રીતે ભરે?’
મૅનેજરના તર્ક સામે કાકાએ મૌન સેવ્યું અને ચાલતી પકડી.
‘પાણીનો કળશિયો’ કાકાને દસ લાખનો પડ્યો. ગયા અઠવાડિયે આપણી વાત અતુલની લોનની ચાલતી હતી. અતુલે રાજકોટમાં ફ્લૅટનું ટોકન આપી દીધું. વીસ લાખની લોન લેવા બૅન્કની પ્રદક્ષિણા કરી. જીવનભર S.T.માં મુસાફરી કરનારા અતુલને G.S.T. સમજાવવામાં એજન્ટને પણ ફીણ આવી ગયાં હતાં. ‘અમે ઇન્કમ-ટૅક્સવાળા, એક સાહેબની દીકરીનાં લગનનો ડાયરો પણ કરેલો છે એ ઓળખાણ ઉપર ફ્રીમાં રિટર્ન ન ભરાવી દ્યે!’
આવી તદ્દન અર્થહીન દલીલોથી અતુલનો એજન્ટ હવે પાકી ગયો.
એકાવન હજારના ટોકને જાણે આખેઆખા અતુલને ‘ટો’ કરી લીધો. ફલાણો અને ઢીંકણો કાગળ બૅન્કને આપવામાં જાણે અતુલ પોતે કાગળ જેવો થઈ ગયો. લોન રખડી પડી અને સાથે અતુલનું સપનું પણ. ગોંડલનું મકાન વેચાઈ ગયું અને રાજકોટનું મકાન લેવાયું નહીં. સલવાણી માતા ગરબે રમે જેવો ઘાટ ઘડાયો. ધારાસભ્ય તરીકે ચૂંટણીમાં જીતવાનાં સપનાં સેવનારની ડિપોઝિટ ડૂલ થાય અદ્દલ એવી જ હાલત અતુલની થઈ.
મહાણેથી કદી જેમ લાકડાં ને બર્મુડા ટ્રાયેન્ગલમાંથી વિમાન ને શૅરબજારમાંથી જેમ રૂપિયા પાછા નથી આવતા એવી જ રીતે બિલ્ડરને આપેલાં ટોકન કદી પાછાં નથી આવતાં.
ફ્લૅટનો સોદો કૅન્સલ થયો, પરંતુ અતુલનો ઇરાદો નહીં. ઘરનું ઘર વેચીને અતુલ વીર ભાડૂઆતવાળો થયો. બિલાડી જેમ પોતાનાં બચ્ચાંને મોટાં કરવામાં સાત ઘર બદલાવે એમ અતુલે પણ દોઢ વર્ષમાં સાત ઘર બદલી નાખ્યાં.
એકાવન હજારના ગુજરી ગયેલા ટોકનના બદલાની આગ અતુલના દિલમાં સતત પ્રજ્વલિત રહી. પછી તો એ થિયેટરમાં પૉપકૉર્નનું ટોકન લેવાની પણ ઘસીને ના પાડે. ફૅમિલી ફ્રેન્ડ્સ વચ્ચે હાઉઝી રમવાનું ટોકન પણ અતુલને મન ઝેર થઈ ગયેલું.
દોઢ વર્ષમાં સાત મકાન બદલાવવાનાં પણ અતુલ પાસે જેન્યુઇન કારણો હતાં. કો’ક મકાનમાં પાણી આવતું નહોતું તો કો’કમાં ઉપરથી ટપકતું હતું. ક્યાંક પાડોશી ખાંડ દેતા નહોતા તો ક્યાંક દરરોજ ખાંડ લેવા આવી જતા હતા. ક્યાંક દરરોજ છાંટોપાણીવાળા હતા તો ક્યાંક ચાપાણી પણ પીતા નહોતા. સાત ઘર ફેરવતાં-ફેરવતાં અતુલ અને ભાભી બન્નેને આખું રાજકોટ મીરાબાઈના ઝેર કટોરા જેવું લાગવા લાગ્યું.
મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ટાઉન-પ્લાનર જે નજરે દબાણ કરેલાં ઝૂંપડાઓ સામે જુએ કંઈક એવી જ શંકાસ્પદ નજરે અતુલ રાજકોટની તમામ બિલ્ડિંગ સાઇટ્સને જોવા લાગ્યો. કેટલાય મારા જેવા નિર્દોષ લોકોનાં ટોકનની સમાધિ ઉપર આટલી ઊંચી ઇમારતો ખડકાતી હશે. ‘હે ફ્લૅટધારકો...! ક્યારેક તમારી લિફ્ટ આઠમા માળે અટકી જશે, ક્યારેક તમારા ફ્લૅટમાં વાઇફાઇ નહીં આવે. તમે માથે શૅમ્પૂ કર્યું હશે અને તમારા ફ્લૅટમાં પાણી વયું જાશે. છાપાવાળો તમારા ઘરે રવિવારે જ ભૂલથી અંગ્રેજી છાપું નાખી જાશે. તમારો સિક્યૉરિટીવાળો રોજ રાત્રે સૂઈ જ જાશે! જાઓ, તમને એક ટોકનભગ્ન ભાડૂઆતના શ્રાપ છે’ આમ કહી અતુલ નવા સૉફિસ્ટિકેટેડ નાના-નાના શાપ અલગ-અલગ ફ્લૅટધારકોને રોજ આપ્યા કરે.
એવામાં દોઢ વર્ષ પછી ગોંડલથી એ ભાઈનો જ ફોન આવ્યો જેને અતુલે પોતાનું મકાન વેચ્યું હતું. તે કહે, ‘અતુલભાઈ હું વરલી મટકાના ચક્કરમાં અટવાઈ ગયો છું. મારે રૂપિયાની અર્જન્ટ જરૂર છે. તમે પચાસ હજાર ઓછા દેજો પણ તમારું મકાન તમે પાછું લઈ લો તો આપણા બેયનું સચવાઈ જાય.’
ગોંડલવાળા ગ્રાહક જાણે પ્રભુ બનીને પધાર્યા. જય હો! ભોળાનો ભગવાન હોય છે એમ માની અતુલે અને ભાભીએ બાવીસ લાખમાં વેચેલું પોતાનું મકાન એકવીસ લાખ અને પચાસ હજારમાં પાછું લીધું. રાતોરાત ભાડાનું ઘર ખાલી કરી અતુલ ગોંડલ ભેગો થયો. એકાવન હજારના પોતાના ટોકનની વ્યવસ્થા ઈશ્વરે આ ગ્રાહકને વરલી મટકામાં સલવાડીને પણ કરી દીધી આવું માનતો અતુલ હરખાયો અને ભાભીએ પણ રાજકોટની લાઇફસ્ટાઇલ અને ફૅશનની બુરાઈ ગોંડલની પોતાની પરંપરાગત ઓટલા પરિષદ પર શરૂ કરી. પોતાનું મકાન લેવાનો અને વેચવાનો અતુલને જબરો અનુભવ થયો. હવે ભાભી રાજકોટ ફિલ્લમ જોવા આવવાની પણ ના પાડે છે. પાછું ક્યાંક ટોકન દેવાઈ જાય તો?