એક આઠ વર્ષની છોકરી. સવારનો પહોર, હાથમાં એક ગુલાબનું ફૂલ લઈને જતી હતી. એકદમ સરસ અને સાવ નિર્દોષ બાળા. એક ભાઈ સામે આવ્યો. છોકરીના હાથમાં તાજું ગુલાબનું ફૂલ જોઈને તે ભાઈએ છોકરીને પૂછ્યું, ‘બેટા, તારા હાથમાં આ ફૂલ છે એ કોના માટે છે?’
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
એક આઠ વર્ષની છોકરી. સવારનો પહોર, હાથમાં એક ગુલાબનું ફૂલ લઈને જતી હતી. એકદમ સરસ અને સાવ નિર્દોષ બાળા. એક ભાઈ સામે આવ્યો. છોકરીના હાથમાં તાજું ગુલાબનું ફૂલ જોઈને તે ભાઈએ છોકરીને પૂછ્યું, ‘બેટા, તારા હાથમાં આ ફૂલ છે એ કોના માટે છે?’
દીકરીએ બિલકુલ સ્વાભાવિક જવાબ આપ્યો અને કહ્યું, ‘ભગવાન માટે.’
ADVERTISEMENT
સમય તો ક્યાં ક્યારેય કોઈની રાહ જુએ છે. એ તો વહેતો જ જાય છે. એવું જ બન્યું અને સમય પસાર થતો ગયો. આ વાતને ૧૦ વર્ષ થઈ ગયાં.
દીકરી ૧૮ વર્ષની થઈ. યોગ એવો સર્જાયો કે ૧૦ વર્ષ પહેલાં જે માણસે પૂછ્યું હતું એ જ માણસ દીકરીને પાછો સવારમાં મળ્યો અને એવો જ ઘાટ હતો કે આજે પણ દીકરીના હાથમાં ફૂલ હતું. ભાઈ તે દીકરીની પાસે આવ્યા અને પૂછ્યું,
‘બહેન, કોના માટે આ ફૂલ લઈ જાય છે?’
આ વખતે જવાબ થોડો ફર્યો. પેલી દીકરી કહે, ‘આ ફૂલ મારા માટે છે.’
તેને એ ફૂલ પોતાના વાળમાં લગાડવું હશે કદાચ કે પછી એ ફૂલ તેને ગમ્યું હશે એટલે તેણે નિખાલસતાથી જવાબ આપ્યો હશે કે ફૂલ મારા માટે છે.
ફરી સમય ભાગ્યો અને બીજાં ૧૦ વર્ષ પસાર થઈ ગયાં. ભગવાનનું કરવું ને એ જ ગામ, એ જ રસ્તો, એ જ સવારના પહોરમાં દીકરીનું ફૂલ લઈને નીકળવું અને એ જ માણસ સામો મળે છે. તે માણસે દીકરીને જોઈને પૂછ્યું,
‘બહેન, મોટી થઈ ગઈ છે. હું તને ત્રીજી વખત પૂછું છું, આ ફૂલ કોના માટે?’
પેલી દીકરીએ શરમાતાં-શરમાતાં જવાબ આપ્યો, ‘આ ફૂલ તેમના માટે છે.’
તે દીકરીનાં લગ્ન થઈ ગયાં હતાં એટલે તેમના માટે અર્થાત્ પોતાના પતિ માટે ફૂલ હતું. બીજાં ૪૦ વર્ષ વીતી ગયાં. હવે તે દીકરી ૬૮ની વૃદ્ધા થઈ ગઈ છે. પૂછનારો લગભગ ૮૦નો થયો છે. યોગ પાછો આવ્યો. હવે તે ૬૮ વર્ષની વૃદ્ધા પાછું હાથમાં ફૂલ લઈને સામી મળે છે. ૮૦ વર્ષનો એ જ માણસ સામો મળ્યો. ફરી એ જ સવાલ પુછાયો તો આંખમાં આંસુ સાથે જવાબ મળ્યો, ‘આ ફૂલ ભગવાન માટે છે, બાપ!’
જીવનના આદિમાંય ભગવાન, જીવનના અંતમાંય ભગવાન! વચ્ચે થોડું ‘મારા માટે અને તેના માટે’ કરવાની છૂટ છે, પણ આદિ અને અંતમાં ઈશ્વર હોવો જોઈએ.