આ દરેકેદરેક માબાપને લાગુ પડે છે. પોતે ભલે દસમામાં બે ટ્રાયે પાસ થ્યા હોય પણ છોકરો-છોકરી નેવું ટકાથી ઓછા માર્ક લાવવો જ નો જોય
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમારા ગુજરાતમાં તો SSC અને HSCની પરીક્ષાઓનો જ્વાળામુખી શાંત થ્યો ને નેટ પર જોયું કે મહારાષ્ટ્રમાંયે શાંતિ થઈ ગઈ છે. હવે મારા યુવાન દોસ્તો બાબા રામદેવના અનુલોમ-વિલોમ જેવો રાહતનો શ્વાસ ખેંચી રહ્યા છે. મેં ઘણા પરિવારોમાં નજરે જોયું છે કે સંતાન બોર્ડમાં આવે એટલે માતા-પિતા જાણે બાળકને ચીનની સરહદ પર ધિંગાણું કરવા મોકલતાં હોય એવું વાતાવ૨ણ કરી નાખે છે. ટીવી બંધ, રમવાનું બંધ, હસવાનું બંધ, ફરવાનું બંધ, વૉટ્સઍપ બંધ, નેટ બંધ એટલે અંતે છોકરાવના મગજ પણ બંધ થઈ જાય છે. કારકિર્દીના મહત્ત્વના વર્ષને આપણે કાળા પાણીની આંદામાન-નિકોબારની જેલ બનાવી દીધી છે.
હિમાદાદા પોતાના જમાનાની SSCની પરીક્ષાની તુલનાત્મક સમીક્ષા કરતાં જણાવે છે કે અમારા વખતમાં તો પરીક્ષામાં ઢગલે ધિંગાણાં થાતાં, બહુ ઝાઝી બુદ્ધિ નહોતી એટલે પરીક્ષાની બહુ કાગારોળ પણ નહોતી. આખા વર્ષમાં ધોતિયાને ઇસ્ત્રી પરીક્ષા વખતે જ કરવામાં આવતી. એ ઇસ્ત્રી પણ ઇલેક્ટ્રિકલ નહીં હોં, પાણીના બોઘરાને લાકડાની ભઠ્ઠી પર તપાવીને ધોતિયા ૫૨ છાપાનો કાગળ રાખી સાવ મફતમાં ઇસ્ત્રી કરવામાં આવતી. ઇસ્ત્રીટાઇટ ખાદીનાં ધોતી-ઝભ્ભો, માથે ટોપી અને માથામાં ચપોચપ નાખેલું તેલ એ શિક્ષિત અને સંસ્કારી વિદ્યાર્થી હોવાનાં લક્ષણ હતાં. પરીક્ષા પહેલાં ગામના દરેક મંદિરે પગે લાગવા જાવાનું ફરજિયાત હતું. વળી ગામના વિદ્વાન વડીલોની આશિષ લીધા વિના તો પરીક્ષામાં જવાતું જ નહીં. ઈશ્વર પાસે એ જમાનામાં માત્ર પાસ થવાની જ પ્રાર્થના કરવામાં આવતી. ગામના બધાય છોકરાની માર્કશીટોનો સ૨વાળો કરો તોય નેવું કે અઠ્ઠાણું ટકા ન થાતા.
ADVERTISEMENT
હિમાદાદાની આ વાત સાંભળીને મેં દાદાને કહ્યું, ‘હિમાદાદા, તમે ખરેખર નસીબદાર કે તમે ટેન્શન-ફ્રી એજ્યુકેશન સિસ્ટમમાં ભણ્યા. અત્યારે તો એજ્યુકેશનને માર્કશીટ અને ટકાવારીનું ગ્રહણ લાગી ગયું છે. તમારા જમાનામાં વિદ્યાર્થીઓ સંસ્કારી અને શિક્ષિત દેખાવાનો પ્રયત્ન કરતા હતા અને હવેના જમાનામાં વિદ્યાર્થીઓ મૉડર્ન અને સેક્સી દેખાવા મથે છે. સ્કૂલ અને કૉલેજ જાણે ફૅશન પરેડમાં જાતા હોય એવાં કપડાં પહેરીને જાય છે. પહેલાં વિદ્વાનોના આશીર્વાદ લેવા તમે જાતા, હવે તો સંતાનોના વાલીઓ સુપરવાઇઝરો અને પટાવાળાની લાઇન ગોતે છે. ગમે ત્યાંથી ઓળખાણ કાઢી પોતાના ડફોળ સંતાનને ચોરી કરવા દેજો આવી ભલામણો કરાવે છે. દીકરા-દીકરીનો નંબર જ્યાં આવ્યો હોય એ સ્કૂલની લૉબી કન્ડક્ટર-સુપરવાઇઝર કે છેવટ પોલીસવાળાના ઘરે વાલી CBIની જેમ પગેરું સૂંઘતાં વધતાં પહોંચી જાય છે. પોતાના નંગની રિસીટની વણમાગી ઝેરોક્સ સુપરવાઇઝરના ચરણે પધરાવીને અર્થ વગરનાં સગપણ કાઢે ને પછી કહે... સાહેબ, તમને યાદ નહીં હોય પણ અમદાવાદ રેલવે-સ્ટેશન પર આપણે બે વર્ષ પહેલાં સાથે ભજિયાં ખાધાં’તાં ત્યારે તમારી પાસે છૂટા પૈસા નહોતા ને બિલ મેં આપ્યું હતું. તમારા સાળાની દીકરાની દીકરી અમારા કુટુંબમાં છે એટલે આમ તો આપણે વેવાઈ થાય. હવે જરાક દીકરીનું પરીક્ષામાં ધ્યાન રાખજો.’
પ્રિન્સિપાલ બોલાવી-બોલાવીને થાકી જાય તોય નિશાળે વાલી તરીકે કદી ન જનારા (મ)વાલીઓ પરીક્ષા ટાણે પોતાના પગ હેઠે રેલો આવતાં એ જ પ્રિન્સિપાલશ્રીના ઘરે વીકમાં ત્રણ વાર ધક્કા ખાય છે.
મારા પાડોશમાં એક ભાઈને મેં પૂછ્યું કે શું કરવાને દિવેલ પીધા જેવું મોઢું કરીને ફરો છો તો મને ઈ વડીલ ક્યે, ‘ઓણ મીનાનું બારમું હતું.’
મને તો ધ્રાસકો પડ્યો. મેં તરત જ હાયકારો નાખતાં કીધું, ‘હાઇલા, તમારી મીના ક્યારે ગુજરી ગઈ?’
સાલું, મનમાં થયું કે હું મહિનામાં પંદર દી’ ડાયરામાં બહાર રખડું છું. સોસાયટીમાં કોણ જન્મી ને કોણ ગુજરી જાય છે એની ખરેખર મને ખબર નથી હોતી.
હું કંઈ વધારે પૂછું એ પહેલાં તો એ ઈ વડીલે ચોખવટ કરી કે ‘અરે સાંઈભાઈ, મીના બારમા ધોરણમાં છે એટલે ક્યાંય બહાર નીકળ્યા નથી.’
મારા જેવડી આખી એક પેઢી જે માત્ર નવમા ધોરણ સુધી બૉય્ઝ સ્કૂલમાં જ ભણી છે તેને તો દસમાની એક્ઝામ ટાણે જ છોકરી પાસે બેસવાનો સુખદ ને પ્રથમ અનુભવ પ્રાપ્ત થાય છે. બોર્ડની એક્ઝામમાં છોકરીનો નંબર બાજુમાં આવે એટલે ફૂટડો યુવાન અમથેઅમથો મલક્યા કરે છે. દરેક પેપરમાં ડ્રેસ-કોડ બદલી જાય છે. મોટા ભાઈનો મસ્ત શર્ટ ભલેને લઘરવઘર ઘઘા જેવો લાગે તો પણ બાજુવાળી છોકરીને ઇમ્પ્રેસ કરવા પહેરવામાં આવે છે.
પેપર પૂરું થાય ત્યારે હિંમત ભેગી કરીને છોકરીને નામ પૂછવાનું મન થાય છે, પણ પહેલા દિવસે શબ્દો નીકળતા નથી એટલે પ્રશ્ન પાંચમાનો બ તમને આવડ્યો એટલું જ પૂછી શકાય છે! બીજા દિવસે નામ તો પૂછી જ લેવું છે એવી હિંમત કરીને આખી ઈ બાજુવાળી છોકરીના વિચારમાં જુવાન વિતાવે છે. બીજે દી’ હળવેથી જુવાન પૂછે છે કે તમારું નામ, ત્યારે વળ ખાઈને છોકરી કહે છે, ‘સ્મિતા, પણ ભાઈ, મારા પપ્પા પીએસઆઇ...’
એ પછી તો એવી બીક મનમાં પેસી જાય કે છોકરી જોવા ગ્યા હોય તો એ છોકરીની હાયરે વાત કરતી વખતે એને ‘બહેન’ કે’વાય જાય.

