દરેક દેશની પોતાની ઓળખપત્ર પ્રણાલી હોય છે. આપણા દેશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે બૅન્કને આધાર કાર્ડ સાથે જોડી ડિજિટલ પેમેન્ટને વધારે સક્ષમ બનાવ્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકામાં ટ્રમ્પ સરકાર જે પ્રમાણે ધરમૂળથી ફેરફારો કરી રહી છે એના કારણે ત્યાં વસવા ઇચ્છતા તો શું વર્ષોથી વસેલા લોકો પણ મૂંઝાઈ ગયા છે. અમને અહીં રહેવા દેશે કે નહીં એવી શંકા ઉદ્ભવી છે. ડંકી રૂટથી ત્યાં પહોંચેલા ઘણા લોકોને અમેરિકાએ સપ્રેમ પાછા મોકલી આપ્યા છે. ડૉ. મહેશ રાવલની વાત અનેક સંદર્ભે જોઈ શકાય છે...
આધારભૂત આધાર ક્યાંથી કાઢવા
અહીં એટલા દાતાર ક્યાંથી કાઢવા
ADVERTISEMENT
ઠેબે ચડે છે રોજ અહીંયાં લાગણી
સંબંધ મુશળધાર ક્યાંથી કાઢવા
દરેક દેશની પોતાની ઓળખપત્ર પ્રણાલી હોય છે. આપણા દેશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે બૅન્કને આધાર કાર્ડ સાથે જોડી ડિજિટલ પેમેન્ટને વધારે સક્ષમ બનાવ્યું છે. UPI પેમેન્ટને કારણે રોકડાની લેવડદેવડ ઓછી થઈ છે. હવે છ રૂપિયાની કટિંગ ચાનું પેમેન્ટ પણ UPI મારફત થાય છે. જોકે ડિજિટલ ક્રાન્તિ માટે દીર્ઘાયુ શાબાશી લઈ શકાય એમ નથી, કારણ કે ભ્રષ્ટ સરકારી અધિકારીઓના ઘરે કરોડો રૂપિયાની રકમ રોકડામાં મળી આવે ત્યારે આંખો ફાટી જાય. મહેશ દાવડકર દુન્વયી સમીકરણો સામે દિલની વાત માંડે છે...
ભીતર જુએ, બસ એને એ દેખાઈ રહ્યું છે
નાટક તો સતત ભીતરે ભજવાઈ રહ્યું છે
માણસ અહીં હોવાપણાના ઢોલ વગાડે
ને ડાળ ઉપર પંખી તો બસ ગાઈ રહ્યું છે
પંખી પારિતોષિક મેળવવા નથી ગાતું. એના માટે સહજતા એ જ એનું પારિતોષિક છે. આપણા દરેક કામમાં ગણતરી હોય અને દરેક પગલામાં ગણિત હોય. કેટલું મળશે, શું મળશે, ક્યારે મળશે એ બધું જ મનની ચોપાટમાં મંડાતું હોય. આપણે દરેક કામની કિંમત કરીએ છીએ, મૂલ્ય નથી કરતા. ખુશામત અને સન્માનની લૉલીપૉપ આપણને ગમે છે. શ્યામ સાધુ લખે છે...
હોવાના પર્યાયતણું જો ભાન થવાનું
શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું
સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા
કોને કહેવું? કોનું અહીં બહુમાન થવાનું
હોવાનું આપણને ભાન હોય છે પણ જ્ઞાન નથી હોતું. પ્રયોજનની અસ્પષ્ટતા જિંદગીમાં અસમંજસ ઉમેરતી જાય. કઈ દિશામાં જવું છે એ નક્કી ન હોય તો વર્ષો વેડફાય છે. પ્રવીણ શાહ આ અવઢવને નિરૂપે છે...
કંઈ મનોમન આશ લઈ ચાલ્યા કરો
દુન્યવી કંપાસ લઈ ચાલ્યા કરો
કોઈ કારણ હોય કે ના હોય પણ
અહીં અવિરત શ્વાસ લઈ ચાલ્યા કરો
સામાન્ય રીતે એક માણસ એક દિવસમાં બાવીસ હજાર શ્વાસ લેતો હોય છે. ઉંમર પ્રમાણે એમાં વધઘટ થાય. બાળકો વધારે શ્વાસ લે, મોટેરાઓ ઓછા શ્વાસ લે. આખરે પ્રશ્ન છે આ શ્વાસોને સાર્થક કઈ રીતે કરવા. ડૉ. કિશોર મોદી વાસ્તવિકતા બયાં કરે છે...
રોજ દિલમાં થાય કે સાલસ થવું
ખૂબ અઘરું છે અહીં માણસ થવું
સંત તુલસીદાસની ચોપાઈ છું
કોઈ કલરવતા તીરે સારસ થવું
માણસ તરીકે જન્મવું નિયતિને આધીન છે પણ ખરા અર્થમાં માણસ બનવું અઘરું છે. એ માટે સ્વથી સર્વસ્વ સુધી વિચારવું પડે. વિચારવું પણ ન પડે, એ તો લોહીમાં જ વહેતી વિચારધારા હોય. જિંદગીનું લક્ષ્ય હોય એ પ્રમાણે દિશાનિર્દેશ થાય. આ સફરમાં અનેક અંતરાયો આવે અને કસોટીએ ચડાવે. આપણે કેવા લોકોની સંગત કરવી છે એ આપણે નક્કી કરવાનું છે. નીતિન વડગામા ચેતવે છે...
ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે
હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે
જાતને સંભાળીએ નહીં તો એ તૂટી જાય. બીજાને સાચવવા માટે પણ પોતાની જાત સાચવવી જરૂરી છે. જિંદગીમાં કેટલાક એવા વસમા અનુભવો પણ થશે કે આપણા કામની કોઈ નોંધ ન લેવાય. અરે કામની તો જવા દો, આપણી હાજરી પણ નોંધાય નહીં. હરકિસન જોષી આશ્વસ્ત કરે છે લપડાક મારે છે એ સમજવું અઘરું છે...
તમે સાત દરિયા તરી જાવ તોયે
મળે છે જ ક્યાં એ મરી જાવ તોયે
અહીં નોંધ લેવાય છે ક્યાં કદાપિ
તમે મઘમઘીને ખરી જાવ તોયે
લાસ્ટ લાઇન
અહીં કાચ ને પથ્યરો પણ અહીં છે
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે
કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં
બચેલો મધુર અંતરો પણ અહીં છે
ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે
ખબર પણ પડે ના અને ખોઈ બેસો
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે
અહીં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે
- બકુલેશ દેસાઈ

