સંખ્યાબળ ન હોવાને કારણે જે પદ ૧૦ વર્ષથી ખાલી હતું એ હવે રાહુલ ગાંધીને મળ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કેટલીયે નિમણૂકોના નિર્ણયો માટે તેમની સંમતિ લેવી પડશે
ક્રૉસલાઇન
લોકસભાની બહાર બંધારણની પૉકેટ-બુક સાથે વિપક્ષી ગઠબંધનના સંસદસભ્યો.
૧૮મી લોકસભાની અપસેટ સર્જનારી ચૂંટણી પછી એનું પહેલું સત્ર ગયા સોમવારે શરૂ થયું. અપેક્ષા મુજબ વિપક્ષોના ઉત્સાહને કારણે પહેલો જ દિવસ નોંધપાત્ર હતો. ચૂંટણીમાં BJPની બહુમતી પર બ્રેક મારીને જોશમાં આવેલા વિરોધી સંગઠન INDIAએ હાથમાં દેશના બંધારણની લાલ પૉકેટ-બુક સાથે ગૃહમાં પ્રવેશ કર્યો હતો. એ દૃશ્ય મનોહર હતું. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની સભાઓમાં લાલ પૉકેટ-બુક બતાવીને પ્રચાર કર્યો હતો કે તેમની લડાઈ બંધારણ બચાવવાની છે.