મૌલવીઓ કેવી-કેવી વાતો કરીને આતંકવાદીઓ તૈયાર કરે છે અને મૌલવીની કેવી-કેવી વાતોને નિર્દોષ યુવાનો સાચી માની ખોટા રસ્તે ચાલે છે એ સંદર્ભની આ ફિલ્મ છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
આવું કહી-કહીને મુસ્લિમોનું જીવન ખરાબ કરવામાં આવ્યું છે અને અફસોસની વાત એ છે કે આ પ્રકારની કહેવાયેલી વાતોને મુસ્લિમ યુવકો સાચી પણ માને છે. આ જ વાતને પુરવાર કરતી અને દર્શાવતી ફિલ્મ ‘બહત્તર હૂરેં’નું ટ્રેલર રિલીઝ થયું છે. મિત્ર અશોક પંડિતની આ ફિલ્મ છે અને આ ફિલ્મે એના ટાઇટલ સાથે જ દેકારો બોલાવ્યો હતો. ટ્રેલર પછી તો એ વધારે આકરી બનશે એ નક્કી છે અને ફિલ્મ રિલીઝ થશે એ પછી તો રીતસર ફિલ્મ તહેલકો મચાવશે.
મૌલવીઓ કેવી-કેવી વાતો કરીને આતંકવાદીઓ તૈયાર કરે છે અને મૌલવીની કેવી-કેવી વાતોને નિર્દોષ યુવાનો સાચી માની ખોટા રસ્તે ચાલે છે એ સંદર્ભની આ ફિલ્મ છે. અફસોસની વાત એ છે કે આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. જો તમે ધર્મ માટે તમારો જીવ આપો, જો તમે જેહાદ ખાતર તમારું સર્વસ્વ ભૂલીને મોતને ભેટો તો તમે મરતા નથી, તમે શહીદ થયા કહેવાઓ છો અને શહીદીની આ જે નીતિ છે એ નીતિને ખુદા સહર્ષ સ્વીકારી તમારી જવાબદારી બોંતેર અપ્સરાઓને સોંપે છે. મર્યા પછી તમે સ્વર્ગમાં જશો અને સ્વર્ગમાં તમે આંખો ખોલશો ત્યારે તમારું મસ્તક હૂરના એટલે કે અપ્સરાના ખોળામાં હશે અને એ તમને સ્વર્ગમાં આવકારશે. એક નહીં, બોંતેર અપ્સરા, બોંતેર હૂર તમારી રાહ જોઈને બેઠી છે. માટે જવાનો, તૈયાર થઈ જાઓ અને જેહાદના કામમાં આગળ વધો.
ADVERTISEMENT
આ સંદર્ભની વાતો કરનારા મૌલવીઓ કેવી રીતે યુવાનોની ધાર્મિક ભાવનાને ઉશ્કેરે છે અને કેવી રીતે તેમને પોતાના સ્વાર્થ ખાતર ખોટા રસ્તે વાળે છે એની વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ટ્રેલર જોતાં એટલું સમજાય છે કે એ યુવાનોની આંખો ખૂલે છે અને તેમને સાચી વાતની ખબર પડે છે કે એવું કશું હોતું નથી. હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નથી, તે કશું કરી શકે એમ નથી, કારણ કે તેમનું મોત થઈ ગયું છે. માનવબૉમ્બ બનીને તેમણે અસંખ્ય નિર્દોષ લોકોનો જીવ લઈ લીધો છે. હવે એ બધાના જીવ તેની પાછળ પડ્યા છે અને મર્યા પછી પણ હવે તેમને શાંતિ નથી.
પેલા યુવાનોની આંખો ખૂલે છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે, પણ આપણે અપેક્ષા રાખીએ કે આ યુવાનોની આંખો સમયસર ખૂલે અને તે હયાત છે એ દરમ્યાન ખૂલે. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને એટલે જ તેમને ક્યારેય કોઈ હૂર મળવાની નથી. હૂર કોઈના જીવનમાં ત્યારે આવે જ્યારે તે વ્યક્તિએ અન્યના જીવનમાં સુખ પાથર્યું હોય. જરા વિચાર તો કરો કે જગતની કઈ અપ્સરા એવી હોય જે લોહીથી રંગાયેલા હાથ સાથે બેઠેલી વ્યક્તિનો હાથ પકડી તેને જીવનસાથી બનાવે? કોઈ નહીં અને ક્યારેય નહીં.
‘બહત્તર હૂરેં’માં પણ આ જ વાત કહેવામાં આવી છે અને આ વાત વહેલી તકે, લાર્જર લેવલ પર કહેવાય એ બહુ જરૂરી છે. ભલું થજો, રાઇટર-ડિરેક્ટર અને મેકર્સનું કે તેમણે ફિલ્મોના આ યુગમાં સિનેમાનું સર્જન કર્યું. એવા સિનેમાની જેની આ દેશને, આ દુનિયાને તાતી જરૂર હતી, છે અને રહેશે.