આજે ફાધર્સ ડેના દિવસે પોતાના નામમાં જીવતા પપ્પાને એ જાણીતી સેલિબ્રિટીઝ દિલથી થૅન્ક્સ કહે છે જે કહેવાની તક તેઓ ક્યારેક ને ક્યારેક ચૂક્યા છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કહેવાય છે કે મા હંમેશાં સંતાનોની આંખોમાં અને પિતા હંમેશાં સંતાનોના નામમાં જીવતા હોય છે. આજે ફાધર્સ ડેના દિવસે પોતાના નામમાં જીવતા પપ્પાને એ જાણીતી સેલિબ્રિટીઝ દિલથી થૅન્ક્સ કહે છે જે કહેવાની તક તેઓ ક્યારેક ને ક્યારેક ચૂક્યા છે
મારા ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે પપ્પાએ ફિલ્મો અને નાટકો જોવાનું છોડી દીધું હતું : મિત્ર મુકેશ ગઢવી
ADVERTISEMENT
‘છેલ્લો દિવસ’, ‘શું થયું?’, ‘૩ એક્કા’ જેવી અઢળક ફિલ્મોનો સ્ટાર
મારા પપ્પા પહેલેથી જ બહુ સપોર્ટિવ. મારા કામને લઈને જ નહીં, દરેક વાતને લઈને સપોર્ટ કરે. મારા અનુભવો પરથી, મારા ફ્રેન્ડ્સ પાસેથી પણ સાંભળ્યું હોય એ બધી વાતો પરથી મને લાગે છે કે દરેક સંતાન માટે પપ્પા બૅકબોન સમાન હોય. મને યાદ છે કે હું નાનપણથી જ નાટકોમાં અને ફિલ્મમાં રસ લેતો થઈ ગયો હતો અને એનું એકમાત્ર કારણ મારા પપ્પા. પપ્પા મને નાનપણથી નાટકો અને ફિલ્મ જોવા લઈ જાય. મને આજે પણ યાદ છે કે તેમના જેટલા પણ ફ્રેન્ડ્સને હું મળું ત્યારે દરેકના મોઢે એક જ વાત સાંભળું કે તારા પપ્પાને તો ફિલ્મો અને નાટકનો બહુ શોખ. નવી ફિલ્મ કે નવું નાટક તે છોડે જ નહીં. તેમને લીધે જ ધીમે-ધીમે મને નાટકો અને ફિલ્મોનો ચસકો લાગ્યો એ એવું સત્ય છે જેને હું ક્યારેય ભૂલી ન શકું. બાકી અમારા કુટુંબમાં દૂર-દૂર સુધી કોઈ એવું નહીં જે આ લાઇનમાં આવ્યું હોય.
કૉલેજમાં ઍડ્મિશન લેવાની વાત આવી ત્યારે મેં કૉલેજ કરવા વિદ્યાનગર જવાનું નક્કી કર્યું. મારી રીતે જ અપ્લાય કર્યું અને ઇન્ટરવ્યુ પણ ક્રૅક કર્યો. પપ્પા તો એકદમ ખુશ કે દીકરાએ પોતાની રીતે આ બધું પાર પાડ્યું અને હવે કૉલેજમાં ઍડ્મિશન લેવાનું છે; પણ મને અંદરથી થોડો ડર, કારણ એ કે મેં જે કૉલેજ સિલેક્ટ કરી હતી એની ફી અમારી એ સમયની ફાઇનૅન્શિયલ કૅપેસિટી કરતાં ઘણી વધારે. બીજું એ કે આ વધારે ફી ઉપરાંત પણ મારો હૉસ્ટેલનો અને રહેવા-જમવાનો ખર્ચ અને બીજા ખર્ચાઓ વધવાના હતા. મેં જે કૉલેજ સિલેક્ટ કરી હતી એમાં નાટકો અને બીજી એક્સ્ટ્રા કરિક્યુલમ ઍક્ટિવિટી કરવા માટે પુષ્કળ સમય મળતો હતો. પપ્પાએ રાજીખુશીથી મને પહેલી જ વારમાં હા પાડી દીધી એટલે મેં તેમને ખર્ચની વાત કરી, કૉલેજની ફી વધારે હોવાની વાત કરી. તેમણે અડધેથી જ વાત કાપીને મને કહી દીધું કે એ બધું મારા પર છોડી દે, તું બિન્દાસ વિદ્યાનગર જવાની તૈયારી કર, બાકી બધું હું જોઈ લઈશ. કૉલેજની જે ફી હતી એ બીજી કૉલેજ કરતાં ઑલમોસ્ટ અઢીગણી હતી અને એમ છતાં કોઈ પણ જાતના ખચકાટ વગર પપ્પાએ એક જ વખતમાં મને હા કહી દીધી હતી. એ પછી તો મેં ગ્રૅજ્યુએશન કર્યું અને માસ્ટર્સ પણ વિદ્યાનગરમાં જ કર્યું અને પછી ઘરે પાછો આવ્યો અને મારી કરીઅર ઊભી કરવાની મહેનત ચાલુ કરી. મને વર્ષો પછી ખબર પડી કે મારા એજ્યુકેશનના દિવસોના એ ખર્ચને પહોંચી વળવા માટે પપ્પાએ ફિલ્મો અને નાટકો જોવાનું છોડી દીધું હતું. અરે, ફરવા જવાનું પણ ટાળે અને હોટેલમાં તો વર્ષો સુધી કદાચ જમ્યા નહીં. આ પપ્પા જ કરી શકે, બીજું કોઈ નહીં.
પપ્પા, ક્યારેય તમને કહી નથી શક્યો પણ આજે પબ્લિકલી કહું છું, થૅન્ક યુ સો મચ
વીસ લાખની એજ્યુકેશન લોન લીધી ને ફન્ડ ભેગું કરીને ફી અને ખર્ચ માટે પૈસા મને આપી દીધા : ગૌરવ નરેશ પાસવાલા
‘પ્રેમ પ્રકરણ’, ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’, ‘૪૭ ધનસુખ ભવન’ જેવી અનેક ફિલ્મોનો સ્ટાર
અરે બે-ચાર નહીં, મારે તો પપ્પાને હજારો વખત થૅન્ક યુ કહેવું છે. મારા માટે કંઈ પણ કરવામાં પપ્પાએ આગળ-પાછળનો વિચાર નથી કર્યો. ન તો સમયનો, ન તો પૈસાનો. બસ, તેમણે માત્ર મારી ઇચ્છાને માન આપ્યું છે. મારી ઇચ્છા મતલબ ધી એન્ડ.
હું એજ્યુકેશન માટે ઑસ્ટ્રેલિયા જવાની તૈયારી કરતો હતો. મારું ઍડ્મિશન થયું. કૉલ લેટર અને ઍડ્મિશન લેટર આવી ગયો. ફાઇનલ થઈ ગયું કે મારે ઑસ્ટ્રેલિયા ભણવા માટે જવું. બસ આટલું જ. હું કોઈનું સાંભળું પણ નહીં અને આગળ-પાછળનો વિચાર પણ ન કરું. બધા બહુ કહે, પણ મારી હામાંથી ના ન થાય. ફાઇનલી પપ્પાએ બધાને કહી દીધું કે ગૌરવને જવું છે એટલે તે જશે. પપ્પાએ પોતાની ગવર્નમેન્ટ જૉબમાંથી વૉલન્ટરી રિટાયરમેન્ટ માટે અપ્લાય કર્યું, જેના માટે તેમને ફન્ડ મળ્યું. જોકે એ ફન્ડ કાફી નહોતું એટલે મારા માટે પપ્પાએ વીસ લાખની એજ્યુકેશન લોન લીધી અને બન્ને ફન્ડ ભેગાં કરીને ફી અને મને ખર્ચ માટે પૈસા આપી દીધા, કારણ કે મારું મન હતું. તમે વિચારો તો ખરા કે એક જ ઝાટકે વર્ષોની સિક્યૉર્ડ જૉબમાંથી વૉલન્ટરી રિટાયરમેન્ટ લઈ લેવું, કોઈ જાતની બીજી ઇન્કમ વિના એજ્યુકેશન લોન પણ લેવી અને એ બધું ફન્ડ એકઝાટકે દીકરા માટે ખર્ચી નાખવું.
બસ, તેમના મનમાં એક જ વાત હતી કે મારી ઇચ્છા છે. આવું ડેરિંગ મેં માત્ર ફિલ્મોમાં જોયું છે, પણ મારી લાઇફમાં તો મારા પપ્પાએ પોતે આ ડેરિંગ મારા માટે કર્યું છે. અફકોર્સ, એ સમયે મેં તેમને નહોતું કહ્યું, પણ મારા મનમાં એ ભાવ આવી ગયો હતો. આજે મને પહેલી વાર શબ્દોથી કહેવા મળે છે એટલે કહી દઉં છું, પપ્પા થૅન્ક્સ અ લૉટ. મજા જુઓ. ભણીને આવ્યા પછી મને રિયલાઇઝ થયું કે મારે અકાઉન્ટન્સીના ફીલ્ડમાં કંઈ નથી કરવું, મારે તો ઍક્ટિંગ કરવી છે અને પપ્પાએ મને કહ્યું, કર તું તારે...
થૅન્ક યુ પપ્પા ફૉર એવરીથિંગ.
પપ્પાએ પોતે જ MBA માટે ફી ભરી અને મારું મન લાગતું નથી એ જોઈને પોતે એ છોડાવ્યું : આરોહી સંદીપ પટેલ
‘લવની ભવાઈ’, ‘ઓમ મંગલમ્ સિંગલમ્’, ‘મૉન્ટુની બિટ્ટુ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મની સ્ટાર
પપ્પા માટે મારી ખુશી હંમેશાં સૌથી મોટી અને પ્રાયોરિટી પર રહી છે. પપ્પાને મારી દરેક નાની-નાની વાતની ખબર હોય અને પપ્પાને એ પણ ખબર હોય કે મને શેમાં મજા નથી આવતી કે સંકોચ થાય છે. પપ્પા એ તરત સમજી જાય.
માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) માટે મેં એન્ટ્રન્સ એક્ઝામ કૉમન ઍડ્મિશન ટેસ્ટ (CAT)ની તૈયારી શરૂ કરી. પપ્પાએ એ બધા માટે ફી પણ ભરી દીધી. આગળ શું ભણવું એ મારું જ સિલેક્શન હતું. મૅથ્સ મારો ફેવરિટ સબ્જેક્ટ અને હું બહુ સારા માર્ક્સ લઈ આવતી એટલે બીજી તો કોઈ આર્ગ્યુમેન્ટ હોય નહીં. એન્ટ્રન્સ એક્ઝામની મેં તૈયારી શરૂ કરી અને સાથે બૅચલર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (BBA)નું મારું લાસ્ટ યર ચાલે. એન્ટ્રન્સ એક્ઝામની તૈયારીને લીધે હું દોઢેક વર્ષથી કૉલેજમાં થતા યુથ ફેસ્ટિવલ્સ અને કલ્ચરલ ફેસ્ટિવલ્સમાં પાર્ટ ન લઈ શકું, જેને લીધે મનમાં ને મનમાં ડિસ્ટર્બ રહેવાનું ચાલુ થયું. આ જ પિરિયડમાં હું ઇન્ટર્નશિપ પણ કરતી હતી. પપ્પાએ જ મને ઍડ્વાઇઝ આપી હતી કે જો મારે મીડિયા ફીલ્ડમાં આગળ વધવું હોય તો મીડિયાના અલગ-અલગ ફીલ્ડમાં ઇન્ટર્નશિપ કરવી જોઈએ, જેથી મને ક્લૅરિટી આવે કે મીડિયામાં પણ મને કયા ફીલ્ડમાં મજા આવે છે. એને લીધે હું કૉલેજ ઉપરાંત રેડિયો અને ન્યુઝપેપર તો થોડા સમય પછી રેડિયો અને ન્યુઝ-ચૅનલ એમ બબ્બે ફીલ્ડમાં ઇન્ટર્ન તરીકે જતી હતી. કૉલેજ, એક્ઝામની પ્રિપરેશન અને ઇન્ટર્નશિપને કારણે નાટકો અને ડાન્સ-પર્ફોર્મન્સ ન કરી શકતી હોવાનું મને ફ્રસ્ટ્રેશન આવવા માંડ્યું હતું, પણ હું કોઈ પાસે બોલતી નહીં.
એક દિવસ પપ્પાએ મને શાંતિથી બાજુમાં બેસાડીને સમજાવ્યું કે જો તને કલ્ચરલ ઍક્ટિવિટી ગમતી હોય તો તું આ બધું છોડીને એમાં ભાગ લે, કારણ કે તારું મન ત્યાં છે. પપ્પાના એ શબ્દો મને આજે પણ યાદ છે. તમે કોઈ કામમાં એક્સપર્ટ હો એનો અર્થ એવો નથી કે તમારે એ જ કરવાનું; પણ એ કરવાનું જેમાં મન હોય, જેમાં તમને આનંદ આવતો હોય. એ દિવસે હું મારી જાતને ઓળખી શકી અને બીજા જ દિવસે મેં બધાં પ્રિપરેશન પડતાં મૂકીને ફેસ્ટિવલમાં ભાગ લીધો અને હું એમાં ફર્સ્ટ આવી. એ રાતની બીજી પણ એક વાત મને યાદ છે. મેં પપ્પાને કહ્યું હતું કે તમે મોટી ફી ચૂકવી દીધી છે, ટ્યુશન્સનું પેમેન્ટ થઈ ગયું છે; હવે એ બધા પૈસા જશે. પપ્પાએ મને કહ્યું કે પૈસાની ચિંતા નહીં કર, પૈસા તો કાલે ફરી કમાઈ લઈશું; પણ તારો મૂડ, તારી ઇચ્છા બીજી વાર લેવા નહીં જઈ શકાય.
બસ, એ દિવસ અને આજનો દિવસ. મને ખબર પડી કે મારા પપ્પા મારા ગાર્ડિયન લાઇટ છે. મને જેવું થાય કે હું દિશા ભટકું છું એટલે તરત તેમની સાથે વાત કરું અને પપ્પા મને રસ્તો દેખાડે અને એ જ રસ્તો મારા માટે સાચો પુરવાર પણ થાય. આજે હું માત્ર ગમતું કામ જ કરું છું તો એ કરવાની હિંમત પણ પપ્પાએ જ મને આપી છે. આઇ મસ્ટ સે પપ્પા થૅન્ક્સ, તમે ન હોત તો કદાચ અત્યારે હું કોઈ મલ્ટિનૅશનલ કંપનીમાં છ-સાત ડિજિટના ઍન્યુઅલ પૅકેજ સાથે જૉબ કરતી હોત; પણ હું હું ન હોત...
થૅન્ક યુ પપ્પા, લવ યુ પપ્પા...
એ વેકેશન, એ પિકનિક, એ સ્કૂલ-ટ્રિપ જેમાં હું જવાની ના પાડું અને તમે મને કહો; હું નથી જઈ શક્યો, તું તો જા... થૅન્ક યુ પપ્પા આ શબ્દો માટે : નેત્રી નિસર્ગ ત્રિવેદી
‘૨૧મું ટિફિન’, ‘આગંતુક’, ‘શું થયું?’ જેવી અનેક ફિલ્મોની સ્ટાર
પપ્પા એક એવી વ્યક્તિ છે જે યાદ રહી જાય એવી એક ઘટનામાં સાથ આપે અને તમને લાઇફટાઇમ એ વાત યાદ રહે. ના, પપ્પા સતત ને સતત પોતાનાં બાળકો માટે બધું જ કરતા રહે અને એ કરતા રહેવા માટે તેમની પાસે એક જ ચાલકબળ હોય. એ છે તેમનાં બાળકોની ખુશી. મારા પપ્પાએ એ બધું જ કર્યું છે જે મને સતત આગળ વધારવાનું કામ કરતું રહે. ભલે પપ્પા મારા બોર્ડની એક્ઝામ વખતે મને સ્કૂલમાં ડ્રૉપ કરવા નથી આવ્યા, ભલે દિવસો સુધી પપ્પા મને મળ્યા નથી કે હું બીમાર હોઉં કે તબિયત ઠીક ન હોય ત્યારે કદાચ મારા કપાળ પર પોતાં મૂક્યાં નથી; પણ પપ્પાએ એ બધું જ કર્યું છે જે મારા માટે સારું છે અને મને સારામાં સારી બધી જ સવલતો મળી રહે એ માટે બધું જ કર્યું છે.
મારા પપ્પા ઍક્ટર અને આ એવું ફીલ્ડ છે જેમાં તમારી કોઈ ફિક્સ ઇન્કમ ન હોય. આજે આવે અને પછી કદાચ બે મહિના સુધી તમારે બેસી પણ રહેવું પડે. એવું પણ બને કે તમે ઘણુંબધું કામ કરો અને એ પછી પણ તમને પૈસા ન આવે! એ પછી પણ પપ્પાએ મને એ બધું આપ્યું છે જેને લીધે મને એક પણ ઊણપ નથી વર્તાઈ. મને સારામાં સારું એજ્યુકેશન અપાવ્યું. મારી એકેએક જરૂરિયાતને તેમણે ધ્યાનમાં રાખી અને સૌથી અગત્યનું, તેમણે મને ઍક્ટિંગ-ફીલ્ડમાં જવા માટે પ્રોત્સાહન પણ આપ્યું. તેમણે જો ધાર્યું હોત તો આવા અનસર્ટન કહેવાય એવા ફીલ્ડમાં ન જવા માટે સમજાવી હોત અને સાચું કહું તો હું તેમની વાત માની પણ ગઈ હોત, પણ તેમણે જ મને કહ્યું હતું કે બેટા કરજે એ જે તારી ઇચ્છા હોય અને જેમાં તને ખુશી મળતી હોય.
ગમતું કરવા દેવા માટે, ક્યારેય મને નહીં રોકવા માટે અને મારા પર પૂરો વિશ્વાસ રાખીને એકધારું મારું ચાલકબળ બની રહેવા માટે પપ્પા થૅન્ક યુ વેરી મચ. જો તમે ન હોત તો હું આજે કદાચ ટિપિકલ છોકરીઓની જેમ કોઈ કૉમન પ્રોફેશનમાં હોત અને રોજ મારી જાતને એન્ટરટેઇન કરવા માટે તરસતી હોત.
થૅન્ક યુ એ બધું કરવાની છૂટ આપવા માટે, પણ જે તમે ક્યારેય નહોતા કરી શક્યા. એ વેકેશન, એ પિકનિક, એ સ્કૂલ-ટ્રિપ જેમાં હું જવાની ના પાડું અને તમે મને કહો; હું નથી જઈ શક્યો, તું તો જા... થૅન્ક યુ પપ્પા આ શબ્દો માટે.
તમારી આ બે વાત ક્યારેય નહીં ભુલાય - મગજ પર બરફ ને જીભ પર ગોળ : ભવ્ય વિનોદ ગાંધી
‘પપ્પા, તમને નહીં સમજાય’, ‘કહેવતલાલ પરિવાર’, ‘તારી સાથે’ જેવી અઢળક ફિલ્મોનો સ્ટાર
ફિલ્મોમાં હીરો હોય એમ રિયલ લાઇફમાં પણ હીરો હોય અને એ હીરો મારે મન મારા પપ્પા છે. મેં તેમની સ્ટ્રગલ-સ્ટોરી તેમના મોઢે પણ સાંભળી છે તો મમ્મી પાસેથી પણો ઘણી વાર સાંભળી છે.
મારું બૉર્ન અને બ્રૉટઅપ મુંબઈનું, પણ મારા પપ્પા વિનોદ ગાંધી અમારા મૂળ વતન બનાસકાંઠાના. વર્ષો પહેલાં તેમણે અમારું ગામ કુવાળા છોડ્યું અને મુંબઈ આવ્યા. પપ્પા આવ્યા ત્યારે લિટરલી દોરી-લોટા સાથે આવ્યા અને પછી તેમણે સ્ટ્રગલ કરીને અમને જીવનની બધી ખુશીઓ આપી. પપ્પા બહુ વર્કોહૉલિક એટલે તે સતત કામમાં ખોવાયેલા રહે. ઘરે પાછા આવ્યા પછી પણ તેમનું પેપરવર્ક ચાલ્યા કરતું. મે બી તેમણે સંઘર્ષ કર્યો એ પાછળનું એક કારણ અમે લોકો પણ હોઈએ. અમને બધી હૅપીનેસ મળે, ફૅસિલિટી મળે એ તે હંમેશાં જોતા રહે. હું કહીશ કે સતત કામ કરતા રહેવાની મારી જે આદત છે એ મને પપ્પામાંથી મળી છે.
પપ્પા ક્યારેય ફ્રન્ટમાં ન આવે અને એ વાત વર્ષો સુધી મેં પણ ઇગ્નૉર કરી, અજાણતાં. જ્યાં પણ ખુશીની વાત હોય, આનંદ કરવાની વાત હોય ત્યાં પપ્પા હંમેશાં બૅકફુટ પર અને જ્યારે પણ તકલીફ આવે ત્યારે પપ્પા સૌથી આગળ. મને લાગે છે કે બધાના પપ્પા ઇનડાયરેક્ટ ટીચર હોય છે. તે હાથમાં પેન પકડાવીને જીવનના કોઈ પાઠ ભણાવતા નથી; પણ જ્યારે લાઇફમાં ચૅલેન્જ આવે ત્યારે તમને પપ્પાના શબ્દોમાંથી ઍડ્વાઇઝ મળી જાય, રસ્તો મળી જાય અને તમે એ બધું પાર પાડી શકો. મારી સાથે એવું જ થાય છે અને મારે એ જ વાત માટે આજે પપ્પાને થૅન્ક્સ કહેવું છે.
મન હંમેશાં શાંત રાખવાનું અને જીભ પર મીઠાશ રાખવાની.
મગજ પર બરફ અને જીભ પર ગોળ રાખવાનો.
તેમણે કહેલી આ બે વાત મને ક્યારેય ભુલાવાની નથી. આ શબ્દો તેમણે જ્યારે કહ્યા ત્યારે મને ખાસ સમજાયા નહોતા. મે બી હું નાનો હોઈશ એટલે પણ તેમણે કહ્યું અને મેં સાંભળી લીધું. આ શબ્દોની વૅલ્યુ મને ત્યારે-ત્યારે સમજાય છે જ્યારે-જ્યારે સંજોગો એવા ઊભા થયા છે. જરાક અમસ્તો ગુસ્સો આવે અને પપ્પાના આ શબ્દો યાદ આવી જાય. કોઈને મોઢા પર જ કડવા શબ્દો ચોપડાવી દેવાનું મન થાય અને તરત જ પપ્પાના શબ્દો યાદ આવી જાય અને હું અટકી જઉં. એને લીધે બન્યું છે એવું કે કોઈ સાથે મારે ક્યારેય ખરાબ સંબંધો થયા નથી. તેમણે વ્યક્તિગત મારા માટે ઘણું એટલે ઘણું કર્યું, પણ એ ગણાવીશ કે એના માટે હું તેમને થૅન્ક્સ કહીશ તો એ તેમને સ્વર્ગમાં પણ નહીં ગમે અને એટલે જ તમને પપ્પા, હું એ વાત માટે થૅન્ક્સ કહું છું જે આજે પણ મને તમારી સાથે જોડી રાખે છે. જ્યાં અને જ્યારે પણ મને જરૂર પડે ત્યારે હું તમારી સાથે થયેલી વાતો યાદ કરું અને મને રસ્તો મળી આવે. મારી સાથે શૅર કરેલી એ વાતો માટે થૅન્ક્સ પપ્પા. થૅન્ક્સ લૉકડાઉનના એ દિવસો માટે જે દિવસોમાં તમે ઘરે રહ્યા અને આપણે ઘણુંબધું સાથે જીવ્યા. થૅન્ક્સ એ વાતો માટે જે વાતો આજે મારા માટે ગોલ્ડન વર્ડ્સ જેવી છે અને થૅન્ક્સ ચાર દિવસ પછી આવતા મારા બર્થ-ડે માટે કે તમે મને તમારો દીકરો બનવાનો ચાન્સ આપ્યો. થૅન્ક્સ અ લૉટ પપ્પા.
તમારી એ યાદો આજે પણ મારી આંખો ભીની કરે અને જેવી મારી આંખો ભીની થાય કે તરત જ મને : રિદ્ધિ રસિક દવે
અનેક ગુજરાતી નાટકો અને ગુજરાતી-હિન્દી સિરિયલોની જાણીતી સ્ટાર
પપ્પા એટલે મારી પહેલી સમજણ એવું કહું તો ચાલે. નાનપણથી જ પપ્પા સમજણ આપવાનું કામ કરતા હોય છે કે બહારની દુનિયામાં પગ કેવી રીતે મૂકવો. પગ મૂક્યા પછી ડરવાનું નથી એ હિંમત આપવાનું કામ પણ પપ્પા કરે છે. પપ્પાએ હંમેશાં મને સપોર્ટ કર્યો છે, પછી એ સ્કૂલનો પહેલો દિવસ હોય કે કરીઅર સ્ટાર્ટ કરતી હતી એ પહેલો દિવસ હોય; પપ્પા એક ડગલું પણ ત્યાંથી હટ્યા નથી, આયર્નમૅન બનીને સાથે ઊભા છે. હા, મેં છે જ કહ્યું, કારણ કે આજે જ્યારે પપ્પાની હયાતી નથી ત્યારે પણ હું દરેક ક્ષણે તેમને મારી સાથે અનુભવું છું. પપ્પા વિનાનો આ મારો બીજો ફાધર્સ ડે છે, પણ તેમની હયાતીના અનુભવ વિનાનો એક પણ દિવસ નથી.
મને યાદ છે સ્કૂલનો પહેલો દિવસ. દરેક પપ્પા પોતાના બાળકને સ્કૂલમાં છોડવા જાય. મારા પપ્પા પણ મને સ્કૂલમાં ડ્રૉપ કરવા આવ્યા હતા અને હું સ્કૂલની અંદર ગઈ. એક આખી નવી જ દુનિયા. બહુબધાં બાળકો. ફ્રેન્ડ શું હોય કે મિત્ર કેમ બને એ બધું જ ત્યારે સમજતા નહોતા. ટીચર્સ હતા અને એક નવું પ્રિમાઇસિસ હતું. અત્યાર સુધી તો આપણે ઘરના સભ્યો વચ્ચે જ મોટા થયા હોઈએ. હું રડતી હતી. પપ્પાએ મને ડ્રૉપ કરી અને એક ગ્લાસનો ડોર હતો ત્યાં ઊભા રહ્યા. હું રડતી હતી, પણ ધીમે-ધીમે હું એ વાતાવરણમાં ઢળતી ગઈ. પપ્પા ત્યાં જ હતા. પૂરેપૂરા ત્રણ કલાક. જ્યાં સુધી હું બહાર આવી ત્યાં સુધી પપ્પા ત્યાં જ હતા. મને એ ગ્લાસના ડોરમાંથી દેખાતું હતું કે પપ્પા પણ રડે છે. એ જ રીતે મને યાદ છે કે સાઇક્લિંગ વખતે પણ પપ્પા સવારે છ વાગ્યે જાગીને મને સાઇકલ શીખવતા. રસ્તો ખાલી હોય એટલે ડર ન લાગે એ માટે તે સવારે મને વહેલી જગાડે અને સાઇકલ શીખવે. પપ્પા રાત્રે નાટકનો શો પૂરો કરીને મોડા આવ્યા હોય તો પણ તે સવારે મારા માટે વહેલા જાગી જાય. એવું જ સ્વિમિંગ વખતે પણ બન્યું. મમ્મીને સ્વિમિંગનો થોડો ડર એટલે તે પાણીમાં ન આવે, પણ પપ્પા મને સ્વિમિંગ શીખવે. હું તેમની આંગળી પકડીને જ આ દુનિયાને જોતાં શીખી છું. પપ્પા મારા માટે એ સપોર્ટ હતા જેના વિના કદાચ હું ચાલતાં પણ ન શીખી હોત.
પપ્પા બહુ ફૂડી. દરેક વીક-એન્ડ પર નવી-નવી જગ્યાએ જવાનો અને એક્સપ્લોર કરવાનો પ્લાન બનાવે. હું કૉલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે અમે ફ્રેન્ડ્સ બન્ક મારીને મીઠીબાઈથી ટાઉન ગયા એક ફેમસ આઇસક્રીમ શૉપમાં આઇસક્રીમ ખાવા. એ વખતે એવું કે બધાને મારું શેડ્યુલ ખબર હોય. ઘરે બધાને એમ જ કે હું તો કૉલેજમાં છું. હું ફ્રેન્ડ્સ સાથે આઇસક્રીમ શૉપમાં એન્ટર થઈ અને ત્યાં જ મારું ધ્યાન ગયું કે પપ્પા સામે જ અને તે પણ આઇસક્રીમ સન્ડે ખાય. પપ્પાએ મને જોઈ કે તરત મારી પાસે આવ્યા. આવીને મને કહે કે જો બેટા, મમ્મીને નહીં કહેતી કે હું આઇસક્રીમ ખાતો હતો. મેં પણ તરત તેમને કહ્યું કે તમે તમે પણ મમ્મીને ન કહેતા કે આજે હું બન્ક મારીને અહીં આવી છું. આ વાત અમે બન્નેએ લાઇફ-ટાઇમ સીક્રેટ રાખી. હજી સુધી મમ્મીને ખબર નથી. આજે આ વાંચીને તેને પણ ખબર પડશે.
પપ્પા, થૅન્ક યુ ફૉર એવરીથિંગ. તમારી એ યાદો આજે પણ મારી આંખો ભીની કરે અને જેવી મારી આંખો ભીની થાય કે મને સ્કૂલના મારા પહેલા દિવસે ગ્લાસના ડોરની બહાર ઊભા રહીને રડતા પપ્પા યાદ આવી જાય અને પછી તમને રડતા જોઈને હું શાંત થઈ જઉં.
પપ્પાએ જ મને શીખવ્યું કે ઊગતા સૂરજને સૌ સલામ કરે એટલે...રોજ ઊગો : કિંજલ રૉબિન રાજકુમાર રાજપ્રિયા
‘વર પધરાવો સાવધાન’, ‘શું થયું?’, ‘૩ એક્કા’ જેવી અઢળક ફિલ્મોની સ્ટાર
પપ્પા એટલે મારા મૅજિશ્યન, મારા ટીચર, મારા ગાર્ડ, મારા સલાહકાર અને મારા બેસ્ટ ફ્રેન્ડ. પપ્પાની નાની-નાની વાત મને એવી યાદ રહી ગઈ છે કે આજે પણ એ યાદ કરું છું ત્યારે મારું બાળપણ યાદ આવી જાય છે અને આજે કદાચ મારામાં બાળપણ હયાત છે એનું એકમાત્ર કારણ મારા પપ્પા છે. જે ચાઇલ્ડ-ક્વૉલિટી મારામાં છે એ મારા પપ્પાને લીધે જ છે. એક બાપ અને દીકરીનું જે બૉન્ડિંગ હોય છે એ અલગ જ હોય છે આ દુનિયામાં.
મને યાદ છે કે એક વખત પપ્પા રેગ્યુલર ટાઇમ કરતાં થોડા મોડા ઘરે આવ્યા. હું તો પપ્પાની રાહ જોતી હતી કે ક્યારે પપ્પા આવે. પપ્પા રોજ ઘરે સમયસર આવી જાય, પણ એ દિવસે થોડું મોડું થયું તેમને. પપ્પા ઘરે આવ્યા અને હું તો તેમને ચોંટી જ ગઈ. પપ્પાએ વહાલ કરતાં પહેલાં તેમની ટોપીમાંથી મારા માટે જાદુ કરતા હોય એમ ચૉકલેટ કાઢી. પછી બીજા ખિસ્સામાંથી, પછી ત્રીજા ખિસ્સામાંથી, હેલ્મેટમાંથી, શર્ટના ખિસ્સામાંથી અને પછી બૅગમાંથી અને મારા માટે ચૉકલેટનો ઢગલો કરી દીધો. આ જ કારણે મારી આંખ સામે તે લાઇફટાઇમ જાદુગર બની ગયા.
પપ્પાના સ્કૂટર પર બેસીને મેં દુનિયા તેમની નજરે જોઈ છે. અમારા સ્કૂટરમાં પપ્પાએ મારા એક નાની સીટ લગાવી હતી. હું રોજ એ સ્કૂટરની સીટ પર આગળ બેસીને તેમની સાથે જઉં અને મને પપ્પા ચક્કર મરાવે. પપ્પા મને બધી જગ્યાએ ફેરવે. સ્કૂટર ચાલે ત્યારે હું આજુબાજુમાં જોતી હોઉં એ મને હજી પણ યાદ છે.
પપ્પાએ મારા અચીવમેન્ટ પર મને સાથ આપ્યો છે અને મારા દરેક ફેલ્યર વખતે મારા બૅકબોન બનીને મારી સાથે ઊભા રહ્યા છે. ફિલ્મો ફ્લૉપ જાય ત્યારે પપ્પાના શબ્દો મને હજી પણ યાદ આવે : બેટા, મનનું ધાર્યું નથી થયું પણ શીખવા તો મળ્યું છે; બસ, ચાલો ફરીથી ઊભા થવાનું છે અને નવું કામ કરવાનું છે. પપ્પાએ જ મને શીખવ્યું છે કે ઊગતા સૂરજને બધા જ સલામ કરે છે
એટલે ફરીથી ઊગો, રોજ ઊગો, દરેક ક્ષણે ઊગો. તેમના આ શબ્દો માટે જ હું તેમને થૅન્ક્સ કહેવા માગું છું અને કહેવા માગું છું કે પપ્પા, પ્લીઝ નેક્સ્ટ બર્થમાં પણ મારે તમારી જ દીકરી બનવું છે અને એમાં નો કૉમ્પ્રોમાઇઝ.

