ડૉ. નિમિત્ત ઓઝાની ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’માં આ જ વાત કહેવામાં આવી છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે વૃત્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ માણસને કઈ હદે વમળમાં ફસાવવાનું કામ કરે છે
બુક ટૉક
ડૉ. નિમિત્ત ઓઝાની ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’
‘જે સવાલ સાંભળવા માટે દરેક પુરુષ પોતાની યુવાની ખર્ચી નાખતો હોય છે એ સવાલ સાઠ વર્ષની ઉંમરે કોઈ પુરુષને પુછાય ત્યારે એના જીવનમાં ઉત્સાહ, ઉત્સવ અને ઉજવણીનું એનાથી મોટું બીજું કોઈ જ કારણ નથી હોતું. આવનારાં દસથી પંદર વર્ષોમાં મૃત્યુની નજીક સરકી રહેલા પુરુષને આવો સવાલ સાંભળીને ફરી પાછી જીવવાની ઇચ્છા થઈ જાય એ સ્વાભાવિક છે. જીવનના છેલ્લા પડાવમાં ધીમી પરંતુ મક્કમ ગતિએ મૃત્યુ તરફ ધકેલાઈ રહેલા કોઈ પણ પુરુષને હવે યમના આવવાનો ડર નથી હોતો, એને સંયમના જવાનો ડર હોય છે. હું એક ખીણની ધારે ઊભેલો જ્યાંથી મેં ધાર્યું હોત તો પાછો ફરી શક્યો હોત, પણ કદાચ લપસી જવું મારા ફાયદામાં હતું.’
ડૉ. નિમિત્ત ઓઝાની નવલકથા ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’માં બાયોલૉજી પ્રોફેસર વિનાયક ત્રિવેદી એક સિચુએશન પર આ વાત કહે છે. વિનાયક ત્રિવેદીના શબ્દોમાં માત્ર તે નહીં પણ સમગ્ર પુરુષ જાતિ પ્રકાશિત થાય છે અને એ જ ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’ની સૌથી મોટી જીત છે. આપણે ત્યાં લાગણીઓની વાત આવે ત્યારે દરેક સર્જકની આંખ સામે સ્ત્રી પહેલાં આવી જાય અને એ હંમેશાં સેલેબલ પૉઇન્ટ પણ રહ્યો છે પણ ડૉ. નિમિત્ત ઓઝાએ પહેલી વાર પુરુષોનાં ઇમોશનની એ દુનિયામાં જવાનો પ્રયાસ કર્યો છે જે દુનિયામાં જવાનું કામ આજ સુધી કોઈ ગુજરાતી સાહિત્યકારે કર્યું નથી. ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’ માટે જો એક વાક્યમાં કશું કહેવાનું હોય તો કહેવું પડે કે આ એક જલદ, વિદ્રોહી અને ક્રાન્તિકારી વિચારધારા ધરાવતી નવલકથા છે જે દેખીતી રીતે સાવ નવી અને એમ છતાં પરિચિત દુનિયામાં લઈ જવાનું કામ કરે છે.
વાત એક એવા પપ્પાની... | સાઠ વર્ષની, હા બરાબર વાંચ્યું, વાનપ્રસ્થાશ્રમની ઉંમર પણ ક્રૉસ કરી ગયેલા કોઈ પુરુષના જીવનમાં તેનાથી વીસ વર્ષ નાની ગર્લફ્રેન્ડની કલ્પના થઈ શકે ખરી અને ધારો કે કલ્પના કરી શકાય તો જવાબ આપો, એ રિલેશનને કઈ રીતે કોઈ જસ્ટિફાય કરી શકે? આ કામ ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’માં ડૉક્ટર નિમિત્ત ઓઝાએ કર્યું છે અને અદ્ભુત રીતે કર્યું છે. વાર્તાના નાયક વિનાયક ત્રિવેદીના મોઢે એક ડાયલૉગ છે જે આ આખી ઘટનાને સુપર્બ્લી સમજાવે છે. વિનાયક ત્રિવેદી કહે છે, ‘જેને આપણે સિવિલાઇઝેશન કહીએ છીએ એ હિપોક્રસી છે ઍન્ડ આઇ હેટ હિપોક્રેટ્સ. કોઈના ગમવા પર સમાજના કોઈ નિયમો, કોઈ નિયંત્રણો લાગુ નથી પડતાં. કોઈ બે વ્યક્તિ એકબીજાને ચાહે તો બ્રહ્માંડનાં પરિબળો પણ એમને અનુકૂળ થઈ જતાં હોય છે.’
જો તમને એવું લાગે કે આ એક્સ્ટ્રામૅરિટલ અફેરની કથા છે તો તમે ભૂલ કરો છો. ડૉ. નિમિત્ત ઓઝા સ્પષ્ટતા કરતાં કહે છે, ‘આ કથા એક એવા યુદ્ધની કથા છે જે દરેક વ્યક્તિમાં, માનવ શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું યુદ્ધ, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું યુદ્ધ. હૉર્મોન્સ વિરુદ્ધ ઇન્ટેલિજન્સનું યુદ્ધ. કૉન્શિયસ વિરુદ્ધ સબ-કૉન્શિયસ માઇન્ડનું યુદ્ધ. ઈડ વિરુદ્ધ સુપર-ઈગોનું યુદ્ધ. અને ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’માં એ જ વાત કહેવામાં આવી છે.’
વાત ખોટી પણ નથી. જ્યાં સુધી માનવ સભ્યતા છે ત્યાં સુધી આ યુદ્ધો અવિરત ચાલ્યા કરવાનાં છે. નેચર અને સિવિલાઇઝેશનની બરાબર વચ્ચે ફસાયેલી આપણે એક એવી પ્રજાતિ છીએ જેની નિયતિમાં જ સંઘર્ષ લખેલો છે. ન તો આપણે ક્યારેય આપણી વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકીશું, ન તો ક્યારેય પૂરેપૂરા સિવિલાઇઝ્ડ બની શકીશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બન્ને છેડાઓની બરાબર મધ્યમમાં આપણે ફસાયેલા છીએ, જેને કારણે પ્રકૃતિ પાસેથી મળેલા આવેગો અને સંસ્કૃતિ પાસેથી મળેલા સિદ્ધાંતો વચ્ચે માણસ અટવાયેલો, ફસાયેલો રહે છે અને સૌથી મોટી કમનસીબી એ છે કે આવેગો અને એથિક્સ બન્ને પ્રતિ ક્ષણ પોતાની તરફ ખેંચ્યા જ કરે છે; જેને કારણે સંઘર્ષ વધારે તીવ્ર બને છે. ડૉ. નિમિત્ત ઓઝા કહે છે, ‘આ જે સંઘર્ષ છે એ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સૉફિસ્ટિકેટેડ હોમોસેપિયન્સ વચ્ચેનો છે.’
જોવી ગમે, કરવી નહીં... | હા, આ સ્ટેટમેન્ટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા સુપરસ્ટારનું છે જેના નામ પર બૉક્સ-ઑફિસ બુધવારે છલકાઈ જાય છે. ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’ પરથી ફિલ્મ બનાવવા માટે એક ક્રીએટિવ ડિરેક્ટરે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે સહજ રીતે કહ્યું હતું કે સબ્જેક્ટ બહુ સરસ છે પણ ગુજરાતી આ પ્રકારની કન્ટેન્ટ સ્વીકારી ન શકે એટલે મારે એ સબ્જેક્ટ કરવો નથી.
અન્ય એક બહુ સારા ઍક્ટરે પણ આ સબ્જેક્ટ પરથી ફિલ્મ બનાવવાની બાબતમાં કહ્યું હતું કે ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’ મને જોવી ચોક્કસ ગમે, પણ મારી ઇમેજને ધ્યાનમાં રાખી હું આ બોલ્ડ સબ્જેક્ટ કરવા રાજી નથી.
બન્ને નકાર પછી સૌથી પહેલો અફસોસ એ ક્રીએટિવ ડિરેક્ટરને એ બાબતનો થયો હતો કે કાશ, ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’ ઇંગ્લિશમાં લખાઈ હોત. જો એવું થયું હોત તો ગુજરાતી સાક્ષરોએ એની દુહાઈઓ આપી-આપીને કહ્યું હોત કે આવું સર્જન આપણે ત્યાં થતું નથી અને થાય છે ત્યારે...
સ્ટોરી શૉર્ટકટ
ADVERTISEMENT
‘પપ્પાની ગર્લફ્રેન્ડ’માં વાત વૃત્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે અટવાયેલા બાયોલૉજીના પ્રોફેસર વિનાયક ત્રિવેદીની છે. ૬૦ વર્ષના વિનાયક ત્રિવેદી દસ વર્ષથી વિધુર છે. કૅન્સરગ્રસ્ત વાઇફના મૃત્યુ પછી તે એકલા રહે છે. દીકરી અમૃતાનાં મૅરેજ થઈ ગયાં છે. તે હસબન્ડ અભિષેક સાથે એ જ શહેરમાં છે જ્યાં વિનાયક ત્રિવેદી રહે છે. બાપ-દીકરી વચ્ચેની રિલેશનશિપમાં મિત્રતા છે પણ એમાં ખટાશ ત્યારે ઊભી થાય છે જ્યારે દીકરીને પપ્પાની કારમાં કૉન્ડોમનું પૅકેટ મળે છે, જેમાંથી બે પીસ વપરાઈ ગયા છે!
વાત ત્યારે વણસે છે જ્યારે પપ્પાની સોસાયટીમાં રહેતી અમૃતાની ફ્રેન્ડ ફોન કરીને તેને કહે છે કે અંકલને મળવા માટે એકાંતરા છોકરી આવે છે અને તે આખી રાત પપ્પા સાથે રહે છે! પપ્પાની ગર્લફ્રેન્ડની વાત સાંભળીને દીકરીના જીવનમાં વણદેખ્યો ધરતીકંપ આવે છે. ધર્મધ્યાનની ઉંમરે પપ્પા પોતાનાથી વીસ વર્ષ નાની છોકરીના પ્રેમમાં પડી કઈ રીતે શકે એ વાત હવે વિરાટ સ્વરૂપ લે છે અને અમૃતા પપ્પા અને તેની ગર્લફ્રેન્ડ સિમીને રંગેહાથ ઘરમાંથી પકડે છે. વિનાયક ત્રિવેદી એક તબક્કે જે કહે છે એ સ્ટોરીનો સૂર સમજાવી જાય છે. ત્રિવેદી કહે છે, ‘દરેક પુરુષમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ રહેલો છે. ઉત્તેજના મળતાની સાથે જ એ પોતાનું મૂળભૂત સ્થાન અને સ્વરૂપ ગુમાવી દે અને સ્પ્રિંગની જેમ ઊછળે.’ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે વિનાયક ત્રિવેદીની શું હાલત થાય છે અને કેવી રીતે સોસાયટીમાં બદનામી વહોરવાનો વારો આવે છે એ વાત ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’માં છે તો સાથોસાથ દીકરી અને જમાઈ અમૃતા-અભિષેક કેવી રીતે પપ્પાને સમાજની બદનામીના એ કણકમાંથી બહાર લાવી નવેસરથી સન્માનનીય સ્થાન પર લઈ જાય છે એ વાત નવલકથામાં દર્શાવવામાં આવી છે.