Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અંગ્રેજ વિદ્વાન અધિકારીની યાદ સાચવતી ફાર્બસ ગુજરાતી સભા

અંગ્રેજ વિદ્વાન અધિકારીની યાદ સાચવતી ફાર્બસ ગુજરાતી સભા

Published : 18 February, 2023 03:28 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

બે-ત્રણ ગોરાઓ હાજર હતા. ગુજરાતી અને મરાઠી હિંદુ તેમ જ પારસી સજ્જનો હાજર હતા.

ગુજરાતી સભાની પહેલી કારોબારીના કેટલાક સભ્યો

ચલ મન મુંબઈનગરી

ગુજરાતી સભાની પહેલી કારોબારીના કેટલાક સભ્યો


શનિવાર, તા. ૨૫મી માર્ચ, ૧૮૬૫. એ જમાનાના મુંબઈમાં જાહેરસભા માટે બીજું સ્થળ તો કયું હોય? એટલે સ્થળ હતું મુંબઈનો ટાઉન હૉલ. બે-ત્રણ ગોરાઓ હાજર હતા. ગુજરાતી અને મરાઠી હિંદુ તેમ જ પારસી સજ્જનો હાજર હતા. માર્ચ પૂરો થવા આવ્યો હતો એટલે ગરમી તો શરૂ થઈ ગઈ હતી. સભાનો સમય ચાર વાગ્યાનો હતો પણ ઘણા તો વહેલા આવીને ટાઉન હૉલમાં જઈ લાકડાની ખુરસીમાં બેઠા હતા. મુંબઈમાં વીજળીના દીવા આવવાને હજી સાતેક મહિનાની વાર હતી. એટલે લાઇટ-પંખા તો ક્યાંથી હોય? પણ ટાઉન હૉલની ખૂબ ઊંચી સીલિંગ, પૂર્વ અને પશ્ચિમ બાજુએ મોટી-ઊંચી બારીઓ. એટલે ઝાઝો ઉકળાટ થતો નહોતો. તોય આવી જાહેરસભાઓ બપોરે ચારેક વાગ્યે શરૂ કરવી પડે, જેથી હાજર રહેનારા અંધારું થાય એ પહેલાં સુખરૂપ ઘરે પહોંચી શકે. 


સભાનું કામકાજ સમયસર શરૂ થયું. સંસ્કૃત, ગુજરાતી, મરાઠી જેવી ભાષાઓના સારા જાણકાર અને વિલ્સન કૉલેજના સ્થાપક રેવરન્ડ જૉન વિલ્સન સૌથી પહેલાં ઊભા થયા. તેમણે દરખાસ્ત રજૂ કરી કે આજની આ સભાનું અધ્યક્ષસ્થાન સંભાળવા ઑનરેબલ જસ્ટિસ ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બસને વિનંતી કરવી. જાણીતા લેખક મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ દરખાસ્તને ટેકો આપ્યો અને સર્વાનુમતે અધ્યક્ષસ્થાને ફૉર્બસ બિરાજ્યા. ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિનાં ક્ષેત્રોમાં કામ કરવા માટે એક સંસ્થા સ્થાપવાની દરખાસ્ત રજૂ કરતું એક પ્રસિદ્ધિપત્ર અગાઉ પ્રગટ કરવામાં આવ્યું હતું એ વાંચી સંભળાવવામાં આવ્યું. આવી સંસ્થા સ્થાપવાની દરખાસ્ત વિધિસર રજૂ થતાં શેઠ પ્રેમાભાઈ હિમાભાઈ અને શેઠ પ્રેમચંદ રાયચંદે ટેકો આપ્યો. ત્યાર બાદ સર્વાનુમતે ઠરાવ પસાર થયો કે ‘ગુજરાતી સભા’ નામની એક મંડળી સ્થાપવી અને એનાં ધારાધોરણ પણ નક્કી થયાં.  



આ નવી સંસ્થાના પ્રમુખપદે સર્વાનુમતે ઓનરેબલ જસ્ટિસ ફૉર્બસની વરણી કરવામાં આવી. પહેલી કારોબારીમાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો : અરદેશર ફરામજી, રેવરન્ડ જૉન વિલ્સન, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી, ડોસાભાઈ ફરામજી કરાકા, રેવરન્ડ ધનજીભાઈ નવરોજી, ડૉક્ટર ધીરજરામ દલપતરામ, કવિ નર્મદાશંકર લાલશંકર, પ્રેમચંદ રાયચંદ, પ્રેમાભાઈ હિમાભાઈ, ડૉક્ટર ભાઉ દાજી, મંગળદાસ નથ્થુભાઈ, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, રણછોડભાઈ ઉદયરામ, વિશ્વનાથ નારાયણ મંડલિક, વીરચંદ દીપચંદ અને સોરાબજી શાપુરજી. એમાંથી મંત્રીપદે મનસુખરામની નિમણૂક થઈ. છેક ૧૯૦૮ સુધી તેઓ આ સ્થાને રહ્યા. સંસ્થાના વિકાસમાં તેમની કામગીરી પાયાના પથ્થરની રહી છે.


૪૩ વરસ સુધી મંત્રી રહેલા મનસુખરામ ત્રિપાઠી


આજે આપણને આમાંનાં ઘણાંખરાં નામ અજાણ્યાં લાગે, પણ એ વખતે આ બધા મુંબઈ શહેરના whose who જેવા હતા. કરસનદાસ મૂળજી જાણીતા લેખક, પત્રકાર, સમાજસુધારક. રેવરન્ડ ધનજીભાઈ નવરોજી મૂળે પારસી, પણ પછી સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો અને સમાજસુધારાના એક અગ્રણી બનેલા. તો હિંદુ ગુજરાતીઓમાં પહેલવહેલા ડૉક્ટર થયેલા ધીરજરામ દલપતરામ. પ્રેમચંદ રાયચંદ એ વખતે મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા. ભાઉ દાજી જાણીતા ડૉક્ટર હોવા ઉપરાંત વિદ્વાન સંશોધક હતા, સુધારકોના સમર્થ ટેકેદાર હતા. રણછોડભાઈ ઉદયરામ અગ્રણી નાટ્યકાર હતા તો વિશ્વનાથ મંડલિક હતા વકીલ અને લેખક. સોરાબજી શાપુરજી બંગાળી કન્યા કેળવણીના પ્રખર હિમાયતી, પત્રકાર અને લેખક હતા. મંત્રીપદે વરાયેલા મનસુખરામ જાણીતા વિદ્વાન લેખક હતા. 

અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ૧૮૪૮ના ડિસેમ્બરમાં સ્થપાઈ. મુંબઈની ગુજરાતી સભા ૧૮૬૫ના માર્ચમાં સ્થપાઈ. બે વચ્ચે લગભગ સોળ વર્ષનો સમયગાળો. પણ અમદાવાદની સંસ્થાની સ્થાપના માત્ર કેટલાક અંગ્રેજ અધિકારીઓએ મળીને કરી હતી અને ૧૮૫૨ સુધી એની કારોબારી સમિતિમાં કોઈ બિનઅંગ્રેજનું નામ જોવા મળતું નથી. જ્યારે મુંબઈની સંસ્થાની સ્થાપનાની બાબતમાં ‘દેશી’ઓએ પહેલ કરી હતી અને કારોબારીના કુલ ૧૮ સભ્યોમાંથી ફાર્બસ અને  ડૉ. વિલ્સન એ બે જ અંગ્રેજ હતા, બાકીના બધા ‘દેશી’ હતા. 
બીજી ધ્યાનપાત્ર વાત એ કે મુંબઈના પચરંગી પોતનું પ્રતિબિંબ મુંબઈની સંસ્થાની પહેલી જ કારોબારીમાં જોવા મળે છે. પારસી આગેવાનોને એમાં સ્થાન મળ્યું હતું તો મરાઠીભાષી અગ્રણીઓનો સાથ પણ મળ્યો હતો. હકીકતમાં ઓગણીસમી સદીમાં સમાજ, ભાષા, સાહિત્ય, પત્રકારત્વનાં અનેક કામ મુંબઈમાં ગુજરાતી તથા મરાઠીભાષી હિંદુઓ અને પારસીઓ ખભેખભો મિલાવી કરતા હતા. અમદાવાદ અને ગુજરાતમાં આવાં કામો થયાં એમાં બિનહિંદુને સ્થાન અપાયું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે.  

ગુજરાતી સભાની પહેલી બેઠકની હસ્તલિખિત નોંધ 

સ્થાપના પછીના છએક મહિનામાં જ ‘ગુજરાતી સભા’એ બે મોટી આફતોનો સામનો કરવો પડ્યો. અમેરિકામાં ચાલતા આંતરવિગ્રહને કારણે ત્યાંથી મળતો કપાસ બંધ થયો એટલે બ્રિટનની મિલો હિન્દુસ્તાનથી મોટે પાયે કપાસ મગાવવા લાગી. પરિણામે આ દેશમાં કપાસના ભાવ અસાધારણ રીતે ઊંચા ગયા, નિકાસમાં પુષ્કળ વધારો થયો. શૅરબજારમાં અભૂતપૂર્વ તેજી આવી. નિકાસકારોની અને શૅરબજારના સટોડિયાઓની જરૂરિયાતને પહોંચી વળવા અનેક નવી બૅન્કો રાતોરાત ફૂટી નીકળી પણ પછી અમેરિકન આંતરવિગ્રહનો પ્રમાણમાં અણધાર્યો અંત આવ્યો. કપાસની નિકાસ અટકી ગઈ. ભાવ બેસી ગયા. શૅરબજાર તળિયે જઈ બેઠું. કેટલીયે બૅન્કો રાતોરાત ફડચામાં ગઈ. દેશમાં અને ખાસ કરીને પશ્ચિમ ભારતમાં આર્થિક મંદી ફરી વળી. અગાઉ જ્યારે બજારમાં તેજી હતી ત્યારે વેપારીઓએ અને ઉદ્યોગપતિઓએ ‘ગુજરાતી સભા’ને કુલ ૩૭,૫૦૦ રૂપિયાનાં દાન આપવાનાં વચન આપ્યાં હતાં પણ મંદીનું મોજું ફરી વળ્યું એ પછી એમાંથી માત્ર પાંચસો રૂપિયા ભરાયા હતા. વચન પ્રમાણે ૫૦૦ રૂપિયા આપનાર એકમાત્ર વ્યક્તિ હતી ગોકુળદાસ તેજપાલ. દેશી રાજ્યોએ પણ બધું મળીને ૨૮,૨૦૦ રૂપિયા આપવાનાં વચનો આપ્યાં હતાં. એના બદલે કુલ ૨૬,૨૫૦ રૂપિયા તેમની પાસેથી મળ્યા હતા. પરિણામે આરંભથી જ સભાને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 

પણ બીજી આફત તો ઘણી વધુ વસમી હતી. ૧૮૬૪ના ઉનાળામાં બૉમ્બે હાઈ કોર્ટના સાથી ન્યાયાધીશોએ ફૉર્બસને કહ્યું કે તમારી તબિયતમાં કશીક ગરબડ હોય એમ લાગે છે. થોડા વખત પછી તેમને મગજનો રોગ હોવાનું નિદાન તબીબોએ કર્યું. છેલ્લાં વીસેક વરસથી ફૉર્બસ સતત કામ કરતા આવ્યા હતા, આ દેશનાં ટાઢ-તડકાની પરવા કર્યા વિના. એનું આ પરિણામ હતું એમ કહેવાય છે. તેમની બીમારી વધી જતાં ડૉક્ટરોએ તેમને હવાફેર માટે પુણે જવાની સલાહ આપી. પણ ત્યાં ગયા પછી તો તેમની તબિયત વધુ ઝડપથી બગડી અને ૧૮૬૫ના ઑગસ્ટની ૩૧મી તારીખે માત્ર ૪૩ વર્ષની ઉંમરે તેમનું પુણેમાં અવસાન થયું. 

ઘેરા શોકના વાતાવરણમાં ગુજરાતી સભાની કાર્યવાહક સમિતિની બેઠક ૧૮૬૫ના ઑક્ટોબરની નવમી તારીખે મળી. શોક ઠરાવ પસાર થયા પછી બૉમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેનરી ન્યુટન, આઇસીએસની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી થઈ. ત્યાર બાદ અગ્રણી સમાજસુધારક, પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજીએ ઠરાવ રજૂ કર્યો કે ફૉર્બસસાહેબની સ્મૃતિને જાળવી રાખવાના હેતુથી હવે પછી આ સંસ્થાનું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવું (કવિ દલપતરામ કહેતા એટલે બીજા બધા પણ ‘ફૉર્બસ’ને ‘ફાર્બસ’ કહેતા). ડૉ. ધીરજરામ દલપતરામે આ ઠરાવને ટેકો આપ્યા પછી એ સર્વાનુમતે પસાર થયો. અને એ દિવસથી એ સંસ્થા ‘ફાર્બસ ગુજરાતી સભા’ બની. 

 

૧૯૩૩માં બંધાયેલું ફાર્બસ ગુજરાતી સભાનું મકાન  

અલબત્ત, એક સાંજે થોડા લોકો ટાઉન હૉલમાં મળ્યા અને એક નવી સંસ્થા શરૂ થઈ ગઈ એવું નહોતું. આવી કોઈ સંસ્થા મુંબઈમાં શરૂ કરવાનો મૂળ વિચાર મનસુખરામ ત્રિપાઠી અને રેવરન્ડ ધનજીભાઈ નવરોજીનો. તેમણે બીજા થોડા મિત્રોને વાત કરી. ડૉક્ટર  વિલ્સન પાસે જઈ તેમની સલાહ લીધી. તેમણે કહ્યું કે આ માટે તમારે જસ્ટિસ ફૉર્બસને મળવું જોઈએ. પછી મનસુખરામ અને ધનજીભાઈ ગયા ફૉર્બસને મળવા. તેમની વાત સાંભળીને ફૉર્બસે તરત કહ્યું : ‘મારા મનમાં એ વિચાર નિરંતર રમ્યા કરતો હતો, પરંતુ મારી પાસે સાધન નહોતા તેથી સિદ્ધ કરી શક્યો નથી. હવે એ કામમાં હું પણ યથાશક્તિ બહુ પ્રીતિથી સર્વ પ્રકારે સામિલ રહીશ.’ (તેઓ બહુ સરળતાથી ગુજરાતી બોલી અને વાંચી શકતા.) ફૉર્બસ તરફથી પ્રોત્સાહન મળતાં સભાના ઉદ્દેશો, સંસ્થા માટેની નાણાંની જરૂરિયાત વગેરે વિશે જાહેરાત છપાવી લોકોમાં વહેંચવામાં આવી અને પછી થઈ આ નવી સંસ્થાની સ્થાપના. 

પણ આ નવી સંસ્થા માટે જગ્યાનું શું? એટલી મૂડી તો હતી નહીં કે જગ્યા લેવાય. જેટલી હતી એમાંથી પહેલું કામ કર્યું જૂનાં-નવાં પુસ્તકો ખરીદવાનું. અને એ પુસ્તકો વર્ષો સુધી રાખ્યાં બૉમ્બે બ્રાન્ચ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી (હાલની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈ)ના મકાનમાં, પણ અલગ કબાટોમાં. પરિણામે ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં ગુજરાતી પુસ્તકોનો ખૂબ જ કીમતી સંગ્રહ ભેગો થયો. મુંબઈમાં જ નહીં, ગુજરાતમાં પણ આવો અને આટલો સમૃદ્ધ સંગ્રહ બહુ ઓછી લાઇબ્રેરી પાસે હશે. 
છેવટે ૧૯૨૭માં સંસ્થાની ઑફિસ માટે જગ્યા ભાડે લેવામાં આવી ત્યારે એ સંગ્રહને ત્યાં ખસેડવામાં આવ્યો. ૧૯૩૩ના જુલાઈની નવમી તારીખે એ વખતના ગિરગામ બૅક રોડ ખાતે સભાનું પોતાનું મકાન શરૂ થતાં પુસ્તકાલય ત્યાં ખસેડવામાં આવ્યું. છેલ્લાં કેટલાંક વરસથી આ સંસ્થા જુહુ સ્કીમમાં આવેલ ‘કીર્તન કેન્દ્ર’ના મકાનમાં ખસેડવામાં આવી છે. આજે આ પુસ્તકાલય પાસે પચીસ હજાર કરતાં વધુ પુસ્તકો છે, જેમાંનાં ઘણાં દુર્લભ બનેલાં છે. એમાં ગુજરાતી ઉપરાંત મરાઠી, સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. સભા પાસેની હસ્તપ્રતોની સંખ્યા ૧૫૦૦ કરતાં વધુ થવા જાય છે. ૧૯૩૬માં ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’નું પ્રકાશન શરૂ થયું.

અમને ખબર છે, સુજ્ઞ વાચક જરૂર પૂછશે : ‘આ તમે ક્યારના ફૉર્બસ ફૉર્બસ કર્યા કરો છો, તો એ અંગ્રેજ સાહેબ હતા કોણ?’ પણ જવાબ માટે આપે રાહ જોવી પડશે આવતા શનિવાર સુધી.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2023 03:28 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK