Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ખાઈ શકાય એવું સનસ્ક્રીન તમે વાપરશો?

ખાઈ શકાય એવું સનસ્ક્રીન તમે વાપરશો?

Published : 09 May, 2023 04:43 PM | IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

મોસમ કોઈ પણ હોય, સનસ્ક્રીન તો લગાડવું જ જોઈએ એવું તો આપણે બહુ સાંભળ્યું, પણ હવે નવું સંશોધન આવ્યું છે ઓરલ સનસ્ક્રીનનું. અલબત્ત, આ નવી શોધ ખરેખર અસરકારક છે? હા, તો કઈ રીતે? આવો જાણીએ એક્સપર્ટ ડર્મેટોલૉજિસ્ટ્સ પાસેથી

પ્રતીકાત્મક તસવીર

બ્યુટી કૅર

પ્રતીકાત્મક તસવીર


સ્કિન-કૅરની વાત આવે એટલે ડર્મેટોલૉજિસ્ટ હોય, બ્યુટિશ્યન હોય કે પછી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવનારી કંપનીઓ હોય; બધાનું કહેવું છે કે તમે બીજું કંઈ વાપરો કે ન વાપરો, સનસ્ક્રીન તો વાપરવું જ જોઈએ. શિયાળો હોય, ચોમાસુ હોય કે ઉનાળો હોય; સનસ્ક્રીન તો વાપરવું જ જોઈએ. અરે, સવાર હોય, સાંજ હોય, તમે ઘરની અંદર હો કે ઘરની બહાર; સનસ્ક્રીન તો વાપરવું જ જોઈએ. બલકે દિવસમાં ફક્ત એક કે બે વાર નહીં, દર બે-ત્રણ કલાકે વાપરવું જોઈએ. તેમ છતાં મોટા ભાગના લોકો હજીયે સનસ્ક્રીનનો ઉપયોગ કરતા નથી. જેઓ કરે છે તેઓ પણ દિવસમાં ફક્ત એકાદ વાર માંડ કરે છે. જેઓ બહુ બ્યુટી કૉન્શિયસ હોય અને ઘરની અંદર રહેતા હોય તેઓ કદાચ બે-ત્રણ વખત કરતા હશે, પરંતુ જેઓ ઘર બહાર કામ કરે છે તેમની પાસે આવી લક્ઝરી હોતી નથી. તેથી જ હવે સ્કિન-કૅર સાયન્સે એક નવી શોધ કરી છે, જે છે ઓરલ સનસ્ક્રીન. 

 


ઓરલ સનસ્ક્રીન એટલે ટૅબ્લેટના સ્વરૂપે લેવાતું સનસ્ક્રીન. આજકાલ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં આ ટૅબ્લેટ્સને લઈને તરખાટ મચી ગયો છે, કારણ કે આ ટૅબ્લેટ્સ સૂર્યના આકરા તાપથી થતી આડઅસરો સામે શરીરને અંદરથી રક્ષણ આપે છે. આ ટૅબ્લેટ્સની અંદર એવા ઍન્ટિઑક્સિડન્ટ્સનું મિશ્રણ રહેલું છે, જે સૂર્યનાં આકરાં કિરણો સામે શરીરને સેલ્યુલર લેવલ પર પ્રોટેક્ટ કરે છે. આ વાતને વધુ વિસ્તારથી સમજાવતાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ફેશ્યલ પ્લાસ્ટિક એન્ડોસ્કોપિક સર્જ્યન ડૉ. મોહન થોમસ કહે છે, ‘મધ્ય અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધવાળા વાતાવરણમાં પોલીપોડિયમ લ્યુકોટોમોસ નામનો બારીક પાંદડાંવાળો એક સુંદર છોડ ઊગે છે. આ છોડમાં કૉમેરિક ઍસિડ, ફેરુલિક ઍસિડ, કેપિક ઍસિડ, વેનિલિક ઍસિડ વગેરે જેવા અનેક ઍસિડ ઉપરાંત ઍન્ટિઑસ્કિડન્ટ પ્રૉપર્ટી રહેલી છે. અનેક સંશોધનોમાં આ છોડનો અર્ક સૂર્યનાં આકરાં કિરણો સામે રક્ષણ પૂરું પાડતો હોવાનું પુરવાર થયું છે. સાથે જ એ અલ્ટ્રાવાયલેટ રેડિયેશનને પગલે થતા ત્વચાના કોષોના મૃત્યુને રોકવામાં પણ મદદ કરે છે, સ્કિન-કૅન્સર થતું અટકાવે છે, સેલ્સની અંદર રહેલા ડીએનએનું રક્ષણ કરે છે અને એના રિપેરિંગને પણ પ્રોત્સાહન આપે છે. સૉરાયસિસ, અટૉપિક ડર્મેટાઇટિસ, મેલાઝ્મા, હાઇપર પિગમન્ટેશન, એક્ઝિમા જેવા અનેક ત્વચા સંબંધી રોગોમાં મદદરૂપ થતો આ છોડનો અર્ક કોલોજનનું ઉત્પાદન વધારી રોજિંદા વેર એન્ડ ટેર સામે પણ ત્વચાનું રક્ષણ કરે છે. આ અર્ક હવે બજારમાંથી ક્રીમ, મલમ તથા ટૅબ્લેટ સ્વરૂપે આસાનીથી ઉપલબ્ધ છે.’

 

 
સામાન્ય રીતે આપણે જ્યારે સનસ્ક્રીન લગાડીએ છીએ ત્યારે આંખ, કાન તથા ગરદનની પાછળ જેવા શરીરના અનેક ભાગોમાં એ લગાડવાનું ચૂકી જઈએ છીએ. એવી જ રીતે જ્યારે વેકેશન પર જઈએ ત્યારે પણ એને અપ્લાય કે રીઅપ્લાય કરવાનું ભૂલી જઈએ છીએ. ઓરલ સનસ્ક્રીન આવા વખતે ખૂબ સગવડદાયક બની રહે છે. આ ટૅબ્લેટ્સનો વપરાશ કેવી રીતે અને કઈ માત્રામાં કરવો એનો ખુલાસો કરતાં કાંદિવલી ખાતેની ધ ઍસ્થેટિક ક્લિનિકના કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ અને ડર્મેટો સર્જ્યન ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘સામાન્ય સંજોગોમાં ઘરની બહાર નીકળવાના અડધોથી એક કલાક પહેલાં ઓરલ સનસ્ક્રીનની એક ટૅબ્લેટ લેવી જોઈએ. બહુ લાંબો સમય આકરા તડકામાં રહેવાના હો તો બપોરે વધુ એક ટૅબ્લેટ લઈ લેવી. જેઓ ફક્ત વેકેશન દરમિયાન એનો ઉપયોગ કરવા માગે છે તેમણે વેકેશન પર જવાના બે દિવસ પહેલાં એનું સેવન શરૂ કરી દેવું જોઈએ. અલબત્ત, ગર્ભવતી મહિલાઓએ એનો ઉપયોગ ટાળવો જોઈએ. સાથે જ પોતાના બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ ઓરલ સનસ્ક્રીનના સ્થાને મિનરલ સનસ્ક્રીન વાપરવું વધુ હિતાવહ છે. બજારમાં ઓરલ સનસ્ક્રીનની ૧૦ ટૅબ્લેટ સરેરાશ ૨૫૦ રૂપિયામાં મળે છે, પરંતુ એ ખરીદતાં પહેલાં એની એક્સપાયરી ડેટ જોવાનું ભૂલવું નહીં.’
 
જૂજ કિસ્સાઓમાં આ દવાથી લોકોને થાક લાગવો, માથું દુખવું, ત્વચા પર ખંજવાળ આવવી તથા અપચો જેવી સમસ્યાઓ થતી હોવાનું નોંધવામાં આવ્યું છે. તેથી ઓરલ સનસ્ક્રીન લેવાથી આવી સમસ્યા સતાવે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ એમ જણાવતાં ડૉ. થોમસ કહે છે, ‘ત્વચા પર લગાડાતા ટૉપિકલ સનસ્ક્રીનનો વિકલ્પ ઓરલ સનસ્ક્રીન નથી. અમેરિકન ઍકૅડેમી ઑફ ડર્મેટોલૉજી તો ગ્રાહકોને ઓરલ સનસ્ક્રીનની સાથે ટૉપિકલ સનસ્ક્રીન તથા સન પ્રોટેક્ટિંગ ક્લોધિંગ વાપરવાની પણ ભલામણ કરે છે.’ 

આ પાછળનું કારણ સમજાવતાં ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘ત્વચાને યુવી રેથી થતા નુકસાનથી બચાવવા માટે ઓરલ સનસ્ક્રીન ત્વચાની અંદરથી રક્ષા કરે છે ત્યાં જ ટૉપિકલ સનસ્ક્રીન બહારથી એને સુરક્ષિત રાખે છે. બલકે ટૉપિકલ સનસ્ક્રીન ત્વચાને બ્લુ લાઇટ, આર્ટિફિશ્યલ લાઇટ તથા ઇન્ફ્રારેડ લાઇટથી પણ બચાવે છે. તેથી ઓરલ સનસ્ક્રીન લેતી વખતે ટૉપિકલ સનસ્ક્રીન વાપરવાનું બંધ ન કરવું જોઈએ.’

 ઓરલ સનસ્ક્રીન ત્વચાની અંદરથી રક્ષા કરે છે જ્યારે ટૉપિકલ સનસ્ક્રીન બહારથી સુરક્ષિત રાખે છે, જોકે ઓરલ કદી ટૉપિકલનો વિકલ્પ નથી - ડૉ. રિન્કી કપૂર

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2023 04:43 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK