Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દોરાબજી તાતા : કૅન્સર થયું પત્નીને, સગવડ કરી સૌની સારવાર માટે

દોરાબજી તાતા : કૅન્સર થયું પત્નીને, સગવડ કરી સૌની સારવાર માટે

Published : 25 January, 2025 05:12 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

રાતના દસ વાગવા આવ્યા છે. વિશાળ ટેબલ પાછળ નેહરુ બેઠા છે. ટેબલ લૅમ્પના અજવાળામાં કોઈક પુસ્તક વાંચે છે. બારણું ખૂલે છે એટલે નજર એ તરફ નાખે છે

તાતા મેમોરિયલ હૉસ્પિટલ, પરેલ, મુંબઈ.

ચલ મન મુંબઈનગરી

તાતા મેમોરિયલ હૉસ્પિટલ, પરેલ, મુંબઈ.


સમય : ઈ. સ. ૧૯૬૨નો કોઈ એક દિવસ


સ્થળ : ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ઑફિસ.



રાતના દસ વાગવા આવ્યા છે. વિશાળ ટેબલ પાછળ નેહરુ બેઠા છે. ટેબલ લૅમ્પના અજવાળામાં કોઈક પુસ્તક વાંચે છે. બારણું ખૂલે છે એટલે નજર એ તરફ નાખે છે, થોડા અણગમા સાથે. મનમાં થાય છે કે માંડ થોડું વાંચવાનો ટાઇમ મળ્યો છે ત્યાં અત્યારે કોણ... અંગત સચિવની સાથે ડૉ. હોમી ભાભા દાખલ થાય છે. તેમને જોતાંવેંત નેહરુ ઊભા થઈ શેકહૅન્ડ કરે છે અને કહે છે :


નેહરુ : આવ આવ હોમી! ઘણે દિવસે આવ્યો!

ભાભા : ખાસ કારણ વગર આપને...


નેહરુ : કેટલી વાર કહ્યું કે ‘આપ’ નહીં કહેવાનું મને. પણ માનતો જ નથી.

ભાભા : સૉરી પ્રાઇમ મિનિસ્ટર સર!

નેહરુ : જવા દે! તું નહીં સુધરે! 

ભાભા : પણ આજે હું સુધારવાની વાત લઈને જ ખાસ મળવા આવ્યો છું.

નેહરુ : શું સુધારવું છે તારે?

ભાભા : તાતા મેમોરિયલ સેન્ટર.

નેહરુ : એ તો આરોગ્ય ખાતાનો અખત્યાર છે. તારે...

ભાભા : એ જ તો વાત છે. સેન્ટરને આરોગ્ય ખાતામાંથી કાઢીને ઍટમિક એનર્જી ખાતાને સોંપવાની જરૂર છે.

(એટલામાં પર્સનલ ફોનની રિંગ વાગે છે. થોડા અણગમા સાથે નેહરુ ફોન ઉપાડે છે. ભાભાને પણ સામેનો અવાજ સંભળાય છે. ‘તમે હજી ઑફિસમાં જ છો? જરા ઘડિયાળ સામું અને તમારી તબિયત સામું તો જુઓ!’)

ભાભા : કોણ, ઇન્દુ બેટી છેને!

નેહરુ : બીજું કોણ મને આ રીતે ધમકાવે?

(ફોનમાં: ઇન્દુ બેટા! આ તારા ભાભા અંકલ મળવા આવ્યા છે. તે મને છૂટો કરે કે તરત આવું છું.)

નેહરુ : હોમી, તારી વાત કંઈ હજમ થતી નથી. એક હૉસ્પિટલને ઍટમિક એનર્જી ખાતામાં ગોઠવવાની કઈ જરૂર?

ભાભા : કૅન્સરની સારવાર માટે આજે સૌથી વધુ અસરકારક થેરપીને ઍટમિક એનર્જી સાથે સીધો સંબંધ છે. એટલે અમેરિકામાં કૅન્સરની સારવાર કરતી ઘણી હૉસ્પિટલોને ઍટમિક એનર્જી ખાતા નીચે મૂકવામાં આવી છે. જો આપણે પણ...

નેહરુ : બસ. સમજી ગયો તારી વાત. તું આજને નહીં, આવતી કાલને જોનારો છે એટલે તને આવું સૂઝે. એક-બે દિવસમાં સરકારી નોટિફિકેશન બહાર પડી જશે. બીજું કંઈ?

ભાભા : ના. પણ એટલું યાદ અપાવું કે ઘરે ઇન્દુ રાહ જુએ છે.

નેહરુ : બસ, હું પણ નીકળું જ છું. ગુડ નાઇટ.

ભાભા : ગુડ નાઇટ, સર!

lll

ડૉ. હોમી ભાભા અને પંડિત જવાહરલાલ નેહરુ.

આમ તો તાતાનું બીજું નામ જ સખાવત છે, પણ મુંબઈમાં કૅન્સરના દરદીઓ માટે શરૂ કરેલી હૉસ્પિટલની સાથે વ્યક્તિ માટેનો પ્રેમ કઈ રીતે બદલાઈને અનેક રોગીઓ માટેની સહાનુભૂતિ બની જાય એની આંખ જરી ભીની થઈ જાય એવી વાત છે. તાતા ખાનદાનના એક નબીરા દોરાબજી તાતા. તેમનાં ધણિયાણી મેહેરબાઈ. ૧૮૭૯ના ઑક્ટોબરની ૧૦મી તારીખે મુંબઈમાં જન્મ. પિતા હોરમસજી ભાભાના કુટુંબમાં ભણતર અને સમભાવની નવાઈ નહીં. દરિયો ઓળંગીને ઇંગ્લન્ડ જનારા પહેલવહેલા થોડા પારસીઓમાંના એક હતા હોરમસજી. મુંબઈ છોડી કુટુંબ ગયું બૅન્ગલોર. એટલે મેહેરબાઈ ત્યાંની બિશપ કૉટન સ્કૂલમાં ભણવા લાગ્યાં. ૧૮૮૪માં મેહેરબાઈના પિતા મૈસોરમાં આવેલી મહારાજાની કૉલેજના પ્રિન્સીપાલ બન્યા. એટલે કૉલેજનો અભ્યાસ મેહેરબાઈ માટે સહેલો બન્યો. અંગ્રેજી અને લૅટિનનો ઊંડો અભ્યાસ કર્યો. પછી પપ્પાજીની મસમોટી લાઇબ્રેરીમાં બેસીને જાતે અનેક વિષયો વિશે વાંચ્યું, જાણ્યું. પિયાનો વગાડવામાં માહેર બન્યાં. ૧૮૯૮ના ફેબ્રુઆરીની ૧૪મી તારીખે મેહેરબાઈ અને જમશેદજી તાતાના બેટા દોરાબજી એકબીજા સાથે અદારાયાં. બન્ને બાજુ પૈસાની રેલમછેલ. પણ મેહેરબાનુની નજર રહેલી ગરીબ, અભણ, દબાયેલી સ્ત્રીઓ તરફ. અને એટલે જ તેમણે બીજી કેટલીક સ્ત્રી આગેવાનો સાથે મળીને પહેલાં બૉમ્બે પ્રેસિડેન્સી વિમેન્સ કાઉન્સિલ શરૂ કરી અને પછી શરૂ કરી ધ નૅશનલ કાઉન્સિલ ઑફ વિમેન.

બ્રુકવુડ, સરે, ઇંગ્લૅન્ડ ખાતે આવેલો મેહેરબાઈનો મકબરો.

એ જમાનામાં હિન્દુસ્તાનની લગભગ બધી કોમમાં બાળલગ્નો બહુ સામાન્ય. કેટલાક સમાજસુધારકોના આગ્રહથી બ્રિટિશ સરકારે ‘બાળલગ્ન પ્રતિબંધક કાયદો’ (સારડા ઍક્ટ) ઘડવાની શરૂઆત કરી. સમાજના એક વર્ગ તરફથી એનો વિરોધ થયો. દેશમાં અને બીજા દેશોમાં ફરીને, ભાષણો કરીને, મેહેરબાનુએ આ કાયદાની તરફેણમાં જોરદાર પ્રચાર કર્યો. સ્ત્રીશિક્ષણની હિમાયત, પડદા પ્રથાનો વિરોધ અને અસ્પૃશ્યતા જેવાં દૂષણોનો પણ તેમણે વિરોધ કર્યો.

મેહેરબાઈ ટેનિસ રમવામાં ખૂબ માહેર હતાં. તેમણે ઑલિમ્પિક્સ રમતોમાં પણ ટેનિસની હરીફાઈમાં ભાગ લીધો હતો પણ એ વખતે તેમણે બીજા બધા ખેલાડીની જેમ સફેદ સ્કર્ટ બ્લાઉઝ નહીં પણ સફેદ સાદી પહેરી હતી, અને એ પણ પારસી ઢબે!

પણ કહે છેને કે ઉપરવાળો એક હાથે કંઈક આપે છે તો બીજે હાથે કંઈક લઈ લે છે. મેહેરબાનુ લ્યુકેમિયા (લોહીનું કૅન્સર)ના ભોગ બન્યાં. એ વખતે આપણા દેશમાં આ રોગ માટે નહોતી કોઈ દવા કે નહોતી કોઈ સારવાર. પણ તાતા ખાનદાનને શાની કમીના? સારવાર માટે મેહેરબાઈને લઈ ગયા ઇન્ગ્લન્ડના એક ખાસ નર્સિંગ હોમમાં. પણ કોઈ કારી ફાવી નહીં અને ૧૯૩૧ના જૂનની ૧૮મીએ મેહેરબાનુ ખોદાયજીને પ્યારાં થઈ ગયાં. તેમની અંતિમ વિધિ વખતે દોરાબજી હિન્દુસ્તાનમાં હતા. મેહેરબાનુની અંતિમ વિધિ બ્રુકવુડ કબ્રસ્તાનમાં કરવામાં આવી. પછીથી ત્યાં સુંદર સ્મારક બનાવ્યું પણ મેહેરબાનુની યાદ કાયમ રાખવા માટે દેશમાં શું કરવું?

દોરાબજીને વિચાર આવ્યો : આપણા પર તો ખોદાયજીની મહેરબાની છે એટલે સારવાર માટે વિલાયત સુધી મેહેરને મોકલી શકાઈ. પણ આ દેશના ઓછા નસીબદાર લોકો આવે વખતે શું કરે? એટલે શરૂ કર્યું લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટ. એનું કામ શું? લ્યુકેમિયા અને એવા બીજાં લોહીનાં દરદો વિશે સંશોધન અને સારવાર. મેહેરબાનુ પોતાના વસિયતનામામાં પણ એક ટ્રસ્ટ શરૂ કરવાનું લખી ગયાં હતાં. એ પ્રમાણે દોરાબજીએ શરૂ કર્યું લેડી મેહેરબાઈ ડી. તાતા એજ્યુકેશન ટ્રસ્ટ, જેનું કામ હતું દેશમાં અને પરદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે જવા માગતી સ્ત્રીઓને આર્થિક મદદ કરવી.  

મેહેરબાઈની છેલ્લી ઘડીઓમાં પોતે સાથે નહોતા એનો ભારે વસવસો દોરાબજીને હતો. ૧૯૩૨માં નક્કી કર્યું કે ગ્રેટ બ્રિટન જઈને મેહેરબાનુની કબરના દીદાર કરવા. ૧૯૩૨ના એપ્રિલની ૧૧મી તારીખે મુંબઈથી જહાજમાં રવાના થયા. પણ મુસાફરી દરમ્યાન જબરો હાર્ટ- અટૅક આવ્યો અને જર્મનીમાં ૧૯૩૨ના જૂનની ત્રીજી તારીખે બેહસ્તનશીન થયા. મેહેરબાનુની વરસીને દહાડે જ દોરાબજીને મેહેરબાનુની બાજુમાં જ દફનાવવામાં આવ્યા. 

પારસી ઢબે સાડી પહેરીને ટેનિસ રમતાં મેહેરબાઈ.

દોરાબજી બેહસ્તનશીન થયા પછી થોડો વખત તો લાગ્યું કે લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટનું કામ ખોરંભે પડશે કે શું? પણ દોરાબજીની જગ્યાએ આવેલા નવરોજી સકલાતવાલાના મનમાં આ કામનું મહત્ત્વ વસ્યું અને જે.આર.ડી. તાતાએ પૂરેપૂરો ટેકો આપ્યો. પરિણામે ૧૯૪૧ના ફેબ્રુઆરીની ૨૮મી તારીખે મુંબઈમાં પરળ (પરેલ) ખાતે તાતા મેમોરિયલ હૉસ્પિટલના સાત માળના મકાનનું ઉદ્ઘાટન થયું.

છેલ્લે મેહેરબાઈ અને દોરાબજીની કેટલીક વાત. ૧૮૯૭માં બન્નેનાં લગન થયાં ત્યારે દોરાબજીની ઉંમર ૩૮ વર્ષ અને મેહેરબાઈની ઉંમર ૧૮ વર્ષ! લગનની ભેટમાં દોરાબજીએ મેહેરબાઈને ૨૪૫.૩૫ કૅરેટનો હીરો મઢાવીને આપેલો (આજે એક કૅરેટના હીરાનો ભાવ ૭૫ હજારથી દોઢ લાખ રૂપિયા જેટલો થાય છે). એ વખતે આ હીરો આખી દુનિયાના સૌથી મોટા હીરામાં બીજા નંબરે હતો. વાર-તહેવારે કે સારા પ્રસંગે મેહરબાઈ એ પહેરતાં ત્યારે માત્ર તેમનો ચહેરો જ નહીં, આખા તાતા ખાનદાનનું નામ રોશન થઈ જતું. પણ ૧૯૨૪માં તાતા ખાનદાનને માથે અણધારી આફત આવી પડી. તાતા સ્ટીલના મજૂરોને પગાર ચૂકવવાના પૈસા પણ નહીં. વર્ષોથી જેની સાથે સંબંધ હતો એ બૅન્કે પણ લોન આપવાની ના કહી દીધી. દોરાબજી અને આર.ડી. તાતા સાથે બેસીને જરૂરી પૈસા કઈ રીતે ઊભા કરવા એની ચર્ચા કરતા હતા. દોરાબજીએ કહ્યું કે મારી એક કરોડની મૂડી હું આપી દઈશ અને કંપનીને બચાવી લઈશ. પણ એટલેથી કામ સરે એમ નહોતું. હજી વધુ પૈસાની જરૂર હતી. બન્ને જણ વાત કરતા હતા ત્યાં કંઈ કામસર મહેરબાઈ ત્યાં આવ્યાં. મામલો શું છે એ સમજી ગયાં. તરત પોતાના ઓરડામાં ગયાં. એકાદ મિનિટમાં પાછાં આવ્યાં અને પેલો ૨૪૫.૩૫ કૅરેટનો હીરો દોરાબજીના હાથમાં મૂકીને કહે : ‘આ ગિરવી મૂકીને પૈસા લઈ લો અને આપણી કંપનીને બચાવી લો.’

તાતા ખાનદાનની સખાવતની આવી બીજી થોડી વાતો હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2025 05:12 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK