Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > મુંબઈના બિગેસ્ટ એક્ઝિબિશનમાં લટાર મારી આવો, મજા પડશે

મુંબઈના બિગેસ્ટ એક્ઝિબિશનમાં લટાર મારી આવો, મજા પડશે

Published : 15 February, 2025 04:42 PM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

એવું પ્રદર્શન છે જે શહેરી લોકોને શુદ્ધ ગ્રામીણ ઉત્પાદનો સાથે જોડીને ગ્રામીણ લોકોને રોજગારી પૂરી પાડવા પ્રેરિત કરે છે

બામ્બુમાંથી બનેલાં આર્ટિફૅક્ટ્સ અને કપડાંનાં ફ્લાવર્સ.

બામ્બુમાંથી બનેલાં આર્ટિફૅક્ટ્સ અને કપડાંનાં ફ્લાવર્સ.


મહારાષ્ટ્રનાં ગામડાંઓની હસ્તકલા, બિનરાસાયણિક ખેતઉત્પાદનો, ગૃહઉદ્યોગો, શિલ્પકળા અને વિશિષ્ટ કારીગરીને શોકેસ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય રૂરલ લાઇવલીહુડ મિશનના ઉમેદ અભિયાન દ્વારા આયોજિત મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશનમાં ૫૦૦થી વધુ સ્ટૉલ્સ છે. આ એવું પ્રદર્શન છે જે શહેરી લોકોને શુદ્ધ ગ્રામીણ ઉત્પાદનો સાથે જોડીને ગ્રામીણ લોકોને રોજગારી પૂરી પાડવા પ્રેરિત કરે છે


છેક ૨૦૦૩થી મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશન મુંબઈમાં યોજાય છે. મહારાષ્ટ્ર સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશનના ઉમેદ અભિયાન અંતર્ગત યોજાતા આ એક્ઝિબિશનનો મૂળ હેતુ છે ગ્રામીણ ઉત્પાદનોને શહેરમાં મોટું માર્કેટ પ્રોવાઇડ કરીને ગ્રામીણ ઇકૉનૉમીને ઊંચી લાવવી. આ મિશન મહારાષ્ટ્રના ૩૪ જિલ્લાઓ અને ૩૫૧ તાલુકાઓમાં કામ કરે છે અને એના અંતર્ગત લગભગ ૭૧ લાખ પરિવારોને રોજગારી મળે છે. અંતરિયાળ ગામોમાં થતા ગૃહઉદ્યોગો કે સેલ્ફ-હેલ્પ ગ્રુપો દ્વારા બનતી ઇકો-ફ્રેન્ડ્લી અને સસ્ટેનેબલ લિવિંગને પ્રમોટ કરતી ચીજોનો ખજાનો છે આ એક્ઝિબિશન. અહીં કરિયાણાના સામાનથી લઈને કળાની અણમોલ કહેવાય એવી કૃતિઓ મળશે. હોમડેકોરની આઇટમોથી લઈને કિચનવેઅર પણ અહીં મળશે. ૧૧ ફેબ્રુઆરીએ શરૂ થયેલા અને હજી ૨૩ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં લગભગ ૫૦૦થી વધુ સ્ટૉલ્સ છે. મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોની કલાકૃતિઓ અને સંસ્કૃતિઓને પણ અહીં સ્થાન મળ્યું છે. ચાલો, એક નજર કરીએ આ એક્ઝિબિશનની હાઇલાઇટ્સ પર.




નવવારી સાડીને ઝટપટ સ્ટિચ કરી અપાય છે. 

હેલ્ધી ફૂડની બોલબાલા


સૌથી વધુ ફૂડ-આઇટમ્સના સ્ટૉલ્સ છે. એમાં તમને રાસાયણિક ખાતર વાપર્યા વિના કુદરતી ખેતીથી ઊગેલાં ધાન્ય મળશે. મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં પેદા થતી ચોખા, જુવાર, રાગી, મકાઈ તુવેરદાળ, તલ, સોયાબીન જેવી અનપૉલિશ્ડ અને અનપ્રોસેસ્ડ ચીજો મળશે. હવે શહેરીજનોમાં ડાયટ-ફૂડનું ચલણ વધ્યું છે એ વાતને ધ્યાનમાં રાખીને ગ્રામીણ ગૃહઉદ્યોગો હવે ફરસાણો તળેલાં નહીં પણ શેકેલાં બનાવે છે. જેમ જુવાર અને મકાઈની ધાણી હોય એમ અહીં તમને રાગી અને રાઇસની ધાણી પણ મળશે. અનપ્રોસેસ્ડ ધાન્યોમાંથી રાઇસ, રાગી ફ્લેક્સ પણ મળે છે. હેલ્ધી ચીજોને સૂકવીને એના પાઉડર બનાવવાનું પણ બહુ મોટા પાયે શરૂ થયું છે. સેવઈમાં પણ અઢળક વરાઇટી છે. તમને અહીં પાઇનૅપલ, મૅન્ગો જેવાં ફળોની ફ્લેવરની સેવઈ મળશે. દૂધમાં એ બનાવવાથી વધારાની કોઈ ફ્લેવરની જરૂર નથી રહેતી. અહીં તમને મોરિંગા, આદુ, ટમેટાં, ફુદીનો, બીટરૂટ, લસણ, કાંદા, કઢીપત્તાં, લીલાં મરચાં, કેળાં અને મશરૂમને સૂકવીને એનો રેડીમેડ પાઉડર મળી જશે. ગ્રામીણ દૂધ-માવાની મીઠાઈઓ, નારળવડી અને ચિક્કીઓની અઢળક વરાઇટી તમને મળશે. હા, લોનાવલા જેવી ફૅન્સી નહીં, એકદમ ઑથેન્ટિક મહારાષ્ટ્રિયન સ્ટાઇલની ચિક્કીઓ છે. મહુવાનાં ફૂલોનાં બનેલાં લાડવા, ચિક્કી અને શરબત પણ અહીં મળશે. અનેક સ્ટૉલ્સ પર કરવંદ, કોઠા, લીંબુ, આમળાં, મરચાંનો જૅમ મળે છે. મહારાષ્ટ્રિયનોમાં આ બહુ ફેવરિટ હોય એવું લાગે છે કેમ કે આ ચીજોના સ્ટૉલ્સ પર લોકોની જબરી ભીડ જમા થયેલી હતી. ગાયનું શુદ્ધ ઘી અને કાચી ઘાણીનું તેલ પણ અહીં છે. અથાણાંની જ વાત કરીએ તો અહીં ચાળીસેક પ્રકારનાં અથાણાં મળશે. એક વાત ઊડીને આંખે વળગે એવી છે કે દર વખત કરતાં આ વખતના એક્ઝિબિશનમાં હેલ્ધી, ઑઇલ વિનાની, ખાંડ વિનાની, ગોળવાળી ચીજો બહુ મોટા પાયે જોવા મળશે.

પશ્ચિમ બંગાળની ચલચિત્ર કલાકારી કરેલાં કીટલી અને જ્વેલરી બૉક્સ.

વનૌષધિઓ

આદિવાસી વિસ્તારોમાંથી મળતી વનૌષધિઓના પણ અહીં સ્ટૉલ્સ છે. અલબત્ત, આ ઔષધો કઈ રીતે કામ કરશે એ માટે સ્થાનિક વૈદ્યો પાસેથી માર્ગદર્શન મેળવવું જરૂરી છે. કાજુ-બદામ કરતાંય વધુ પૌષ્ટિક કહેવાતાં ગોડંબી બીજ અને ડાયાબિટીઝ તેમ જ બ્લડ-પ્રેશરની દવા ગણાતા બીબાનાં ફૂલના પણ અઢળક સ્ટૉલ્સ અહીં છે. કેટલીક મહારાષ્ટ્રિયન મહિલાઓનું કહેવું હતું કે મુંબઈમાં આ બીજ મળે છે પણ એની ક્વૉલિટી એટલી સારી નથી હોતી એટલે તેઓ આખા વર્ષનો ગોડંબી બીજનો સ્ટૉક આ એક્ઝિબિશનમાંથી જ ખરીદે છે.

પરંપરાગત કિચનવેઅર

આજે પણ પરંપરાગત રીતે રસોઈમાં ઘંટી અને ખરલ જેવી ચીજોનો ઉપયોગ થાય જ છે. અહીં સાતારાના એક ગ્રુપ દ્વારા જાતજાતની ઘંટીઓ અને ખલદસ્તાનો ખજાનો રજૂ કરવામાં આવ્યો છે. મોટી સફેદ પથ્થરની ઘંટી વપરાશમાં સારી હોવા છતાં નાની કાળા પથ્થરની ઘંટીઓ વધુ વેચાય છે એવું સ્ટૉલ પર બેઠેલાં બહેનનું કહેવું છે. ઘંટી અને ખલદસ્તો આજે પણ લગ્ન વેળાએ દીકરીને સાસરે વળાવતી વખતે આપવાની પરંપરા અનેક મહારાષ્ટ્રિયન ઘરોમાં છે.

ફૅશન અને ફૅબ્રિક

ફૅશન અને ફેબ્રિકની વાત કરીએ તો એ માટે પણ અઢળક સ્ટૉલ્સ મળશે. રેડીમેડ કુરતા-કુરતી કરતાં અહીં ફૅબ્રિક અને દુપટ્ટાઓની વરાઇટી ખૂબ વિશાળ છે. બિહારનું તસર સિલ્ક અને તસર કૉટન; આંધ્ર પ્રદેશની કલમકારી, પોચમપલ્લી ઇક્કત અને મલબેરી સિલ્ક; રાજસ્થાની-ગુજરાતી બાંધણી; ઔરંગાબાદના હિમરુ ફૅબ્રિકમાં પણ ઘણી વરાઇટી છે. અત્યાર સુધી તમે ઔરંગાબાદની હિમરુ શાલ, બેડશીટ કે બ્લૅન્કેટ જોયાં હશે, પણ અહીં આ જ ફૅબ્રિકમાંથી સુંદર અને ડિઝાઇનર બૅગ્સ પણ વેચાતી મળશે. નવવારી સાડીઓના સ્ટૉલ તો અહીં હોય જ, પણ જો તમને મહારાષ્ટ્રિયન નવવારી સાડી પહેરતાં ન આવડતું હોય તો ગોંદિયા ગામથી આવેલી લાવણ્યા નામની રૂરલ ડિઝાઇનર પાસે તમે નવવારી સાડી સ્ટિચ પણ કરાવી શકશો. તમે કોઈ પણ નવવારી સાડી લાવો એને એ બે કલાકમાં તમારી નજર સામે સીવી આપશે. અને હા, એ કમરથી ઍડજસ્ટેબલ હશે એટલે તમારા માપથી નાની કમર ધરાવતા કે પહોળી કમર ધરાવતા લોકોએ પણ જો એ પહેરવી હોય તો નાડું ઍડ્જસ્ટ થઈ શકે એમ છે.

કલાકૃતિઓ

જો તમે કળાના શોખીન હો અને ઘર માટે કે ગિફ્ટિંગ માટે કશુંક શોધતા હો તો આ એક્ઝિબિશનમાં ઘણું-ઘણું મળી જશે. માટીનાં અનોખાં આર્ટિફૅક્ટ્સ એક કપલે બનાવ્યાં છે. એમાં નાનાં માટલાં, કૂંજાથી માંડીને વિવિધ શેપમાં ગણેશ, બુદ્ધ અને ગ્રામીણ દૃશ્યો રચતાં માણસોનાં નાનાં શિલ્પો છે. લસરપટ્ટી ખાતા કે ઝાડની ડાળીએ ઝૂલતા ગણેશજી મન મોહી લે એવા છે તો સુપ્ત બુદ્ધા અને ધ્યાનમુદ્રામાં બુદ્ધની મૂર્તિને જો પેઇન્ટ કરીને તમે ટેબલ પર સજાવો તો તેમની શાંત મુદ્રા બહુ અસરકારક છે. 

આંધ્ર પ્રદેશની ચિત્રકારી હૅન્ડપેઇન્ટના ટેબલ-લૅમ્પ ખૂબ જ સુંદર છે. ગોળ, લંબગોળ ટેબલ-લૅમ્પ તેમ જ ઝૂલતા લેમ્પ દેખાવમાં ખૂબ જ સુંદર છે. જોકે એ લેધર પર બનેલા હોય છે એટલે ઇકો-ફ્રેન્ડ્લી નથી ગણાતા.

સાતારાનું એક કપલ માટીના અદ્ભુત કલાત્મક નમૂના તૈયાર કરે છે. 

શોપીસ તરીકે કંઈક ખરીદવું હોય તો પશ્ચિમ બંગાળના એક આર્ટિસ્ટનો સ્ટૉલ બહુ મજાનો છે. બે એક્ઝિબિશન હૉલને જોડતા પૅસેજમાં વિશાળ ખુલ્લી જગ્યામાં આ ભાઈ બેસેલા છે. તેઓ લાકડાનાં ટી-કોસ્ટર્સ, ચાની કીટલી, જ્વેલરી બૉક્સ જેવી ચીજો પર બ્રાઇટ રંગોથી થતું પશ્ચિમ બંગાળનું ચલચિત્ર પેઇન્ટિંગ કરે છે.

ઓડિશાનું પટ્ટચિત્ર પેઇન્ટિંગ પૌરાણિક કથાઓને એક કૅન્વસ પર ઉતારવા માટે જાણીતું છે. આ સ્ટૉલ પર તમને મહાભારત, રામાયણ, ભગવાન ગણેશ ગજમુખી કેમ છે એની કથા, વિષ્ણુના દશાવતાર એમ અનેક પૌરાણિક કથાઓ ચિત્રરૂપે એક જ ચિત્રમાં સમાવેલી જોવા મળશે.

આખું એક્ઝિબિશન ફરતાં લગભગ ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે. ખરીદી કરીને થાકો તો એની બાજુમાં જ ૧૦૦થી વધુ ફૂડ-સ્ટૉલ્સ પણ છે. એમાં મુખ્યત્વે મહારાષ્ટ્રની ગ્રામીણ મહિલાઓ દ્વારા બનેલી પૂરણપોળી, કોથંબીર વડી, વરણ-ભાત, પીઠલં જેવી ચીજો મળી જશે. અહીં વેજ અને નૉન-વેજ સેક્શન જુદાં ન હોવાથી પ્યૉર વેજિટેરિયન સ્ટૉલ શોધવાનું અઘરું જરૂર છે.  

વીક-એન્ડમાં જશો તો બાજુમાં ચાલતા મહારાષ્ટ્ર ઇન્ટરનૅશનલ ટ્રેડ એક્ઝિબિશનમાં પણ જઈ આવજો

જો તમે આ જ વીક-એન્ડમાં મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશનમાં જવાનું વિચારતા હો તો એ ગ્રાઉન્ડની બાજુમાં જ MiTEX એક્ઝિબિશન ચાલી રહ્યું છે. એમાં માત્ર ઇન્ડિયા જ નહીં, ઇન્ટરનૅશનલ માર્કેટના ૫૦૦થી વધુ સ્ટૉલ્સ અને ૫૦,૦૦૦થી વધુ પ્રોડક્ટ્સ જોવા મળશે. ફર્નિચર, હોમ ડેકોરથી લઈને અદ્ભુત આર્ટિફૅક્ટ્સ અહીં મળશે. આ એક્ઝિબિશન ૧૬ ફેબ્રુઆરી સુધી જ છે અને એન્ટ્રી માટે ૫૦ રૂપિયા ફી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2025 04:42 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK