સિત્તેરના દસકા પહેલાં બનેલાં સ્વામીનારાયણ મંદિર સિમેન્ટ-કૉન્ક્રીટનાં હતાં, પણ એ પછી પ્રમુખસ્વામીની ઇચ્છા થઈ કે આપણે પથ્થરનું મંદિર બનાવીએ અને ૭૦ના દસકામાં દાદરમાં મંદિર બનાવવાની વાત આવી, જેને માટે અમારો સંપર્ક કર્યો
અરાઉન્ડ ધી આર્ક
દાદર મંદિરની પ્રતિકૃતિ આજે પણ સ્વામીનારાયણ મંદિરમાં અકબંધ છે
છેલ્લા થોડા સમયથી આપણી વાત ચાલે છે ઘરમંદિરની અને ઘરમંદિરની બાબતમાં કરેલી એ વાત પછી હવે વાત કરવાની છે આપણે દાદરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરની.
દાદર-ઈસ્ટના એલ. એન. રોડ પર આવેલું આ મંદિર પહેલાં નહોતું. પ્રમુખસ્વામી મહારાજની બહુ ઇચ્છા હતી કે મુંબઈ મધ્યમાં સરસ મંદિર બને અને એમાં આ જગ્યા મળી. જગ્યા ખુલ્લી જ હતી અને મેઇન રોડ પર હતી. લોકેશન સરસ અને જગ્યાની ઊર્જામાં ભારોભાર સકારાત્મકતા. વાત છે ૭૦ના દસકાના પૂર્વાર્ધની. સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારીસ્વામી, જો મારી ભૂલ ન થતી હોય તો તેઓ અત્યારે પણ દાદરના મંદિરે જ છે. તેમણે મારા વિશે સાંભળ્યું હતું એટલે તેમણે પૃચ્છા કરી, અમારો સંપર્ક શોધી મારો સંપર્ક કર્યો અને મળવાનું કહ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો અગાઉ પુષ્કળ બન્યાં હતાં, પણ એ મંદિરો સિમેન્ટ-કૉન્ક્રીટનાં હતાં અને પ્રમુખસ્વામીની ઇચ્છા એવી હતી કે આ નવું મંદિર પથ્થરમાંથી બનાવીએ. પથ્થરના મંદિરમાં અમારી માસ્ટરી અને એ જ કારણે અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
હું તેમને રૂબરૂ મળ્યો અને તેમની તમામ પ્રકારની જરૂરિયાત વિશે જાણકારી મેળવી. જો તમે શરૂઆતમાં જ જરૂરિયાત જાણી લો તો તમારું કામ આસાન થઈ જાય અને તમારી પાસે જેઓ કામ કરાવવા માગતા હોય તેમની તમારી રિક્વાયરમેન્ટનો પણ તમે તમારા પ્લાનમાં સમાવેશ કરી શકો.
મને કહેવામાં આવ્યું કે પ્રમુખસ્વામીની ઇચ્છા છે કે તમે અહીં પથ્થરનું મંદિર બનાવો અને એને માટે જગ્યા જોઈ લો. અમે જગ્યા જોવા ગયા. જગ્યા મને બહુ પસંદ આવી. જગ્યાની સૌથી મોટી ખાસિયત એ હતી કે એ રોડ પર જ હતી અને બીજી ખાસિયત, જગ્યાનું મોઢું ખાસ્સું વિશાળ હતું. જગ્યા જોયા પછી મને પહેલો વિચાર આવ્યો કે આ જગ્યાએ બનાવેલું મંદિર ઊંચાઈવાળું હોય તો એની શોભા વધશે અને રોડની શોભામાં અભિવૃદ્ધિ થશે. જગ્યા જોતી વખતે જ મેં કહ્યું હતું કે આપણે અહીં બે માળનું મંદિર બનાવીએ.
આ પણ વાંચો: શું જાણો છો તમે કે મંદિર પર શિખર શું કામ હોય છે?
બે માળ એટલે ગ્રાઉન્ડ પ્લસ એક ફ્લોર અને એની ઉપર શિખર. તેમને વાત બરાબર લાગી એટલે તેમણે પ્લાન અને ડિઝાઇન બનાવવાનું કહ્યું અને એ પછી અમે ડિઝાઇન તૈયાર કરી. જે પહેલી ડિઝાઇન બનાવી હતી એ ડિઝાઇન જ પ્રમુખસ્વામીને ગમી ગઈ અને તેમણે આગળ વધવાની ત્યારે જ પરમિશન આપી દીધી. વાત તો પહેલાં જ થઈ હતી કે આપણે આ મંદિર પથ્થરમાંથી બનાવવું છે એટલે તેમને સજેશન આપ્યું કે આપણે બંસી પહાડપુરના પથ્થરમાંથી જ આ મંદિર બનાવીએ. એ સમયે બહુ ઓછાં મંદિરો બંસી પહાડપુર પથ્થરમાંથી બનાવવામાં આવ્યાં હતાં. પથ્થર મોંઘો અને એના પર કારીગીરી પણ કરવાની એટલે એ રીતે પણ આ પથ્થરનો વપરાશ મોંઘો પડે, પણ પ્રમુખસ્વામીની એને માટે પૂરતી તૈયારી હતી અને અમે કામ પર લાગ્યા.
સ્વામીનારાયણ મંદિર માટે જરૂરી હતો એમાંથી અડધો પથ્થર મુંબઈ લાવવામાં આવ્યો અને અહીં એના પર કામ શરૂ કર્યું, તો બીજા પથ્થર પર રાજસ્થાનમાં જ કામ શરૂ કરાવી દીધું, જેથી સમય બચે અને કામ ફટાફટ આગળ વધતું જાય. તમને એક ખાસ વાત કહેવાની કે સ્વામીનારાયણ મંદિરમાં આ પહેલું મંદિર જે બંસી પહાડપુર પથ્થરથી બન્યું. પ્રમુખસ્વામીને આ મંદિર એટલું ગમ્યું કે તેમણે રીતસર આ બંસી પથ્થરથી બનેલાં મંદિરોને સ્વામીનારાયણ સંપ્રદાયની ઓળખ બનાવી દીધી. તમે જુઓ, ૮૦ના દસકા પછી સંપ્રદાયે જે મંદિરો બનાવ્યાં એમાંથી મોટા ભાગનાં મંદિરો બંસી પહાડપુર પથ્થરનાં જ બન્યાં. હા, અમુક મંદિર માર્બલનાં બન્યાં, પણ જે અક્ષરધામ બન્યાં એ અક્ષરધામ આ પથ્થરનાં જ બન્યાં, તો સાથોસાથ બીજી પણ એક વાત તમે ધ્યાનમાં રાખજો કે દાદરના મંદિરમાં અમે જે ડિઝાઇન બનાવી એ ડિઝાઇન જ અક્ષરધામમાં પુનરાવર્તિત થઈ છે. કહેવાનો ભાવાર્થ એ જ કે એ ડિઝાઇન પ્રમુખસ્વામીને એવી તો ગમી કે એનો પ્રયોગ પછી સતત થતો રહ્યો અને એ જ પૅટર્નને આગળ વધારવામાં આવી.
સમય તો ચોક્કસ યાદ નથી, પણ હા, એટલું યાદ છે કે દાદરના મંદિરનું કામ ૮૦ના પ્રારંભમાં થયું અને ૧૯૮૩માં મંદિરનું પ્રમુખસ્વામીના હસ્તે લોકાર્પણ થયું. દાદર મંદિરની વધુ વાતો અને એ દિવસોમાં થતા કામ વિશે વધુ ચર્ચા હવે કરીશું આપણે આવતા રવિવારે.
સ્વામીનારાયણ મંદિરોમાં આ પહેલું મંદિર જે બંસી પહાડપુર પથ્થરથી બન્યું. પ્રમુખસ્વામીને આ મંદિર એટલું ગમ્યું કે તેમણે રીતસર આ બંસી પથ્થરથી બનેલાં મંદિરોને સ્વામીનારાયણ સંપ્રદાયની ઓળખ બનાવી દીધી. ૮૦ના દસકા પછી સ્વામીનારાયણ સંપ્રદાયે જે મંદિર બનાવ્યાં એમાંથી મોટા ભાગનાં મંદિરો બંસી પહાડપુર પથ્થરનાં જ બન્યાં.