રોટલી તો ગોળ થાય પણ લોટ બાંધવામાં તકલીફ પડે
રોટલી તો ગોળ થાય પણ લોટ બાંધવામાં તકલીફ પડે
‘૧૭૬૦ સાસુમા’, ‘મહેક’ જેવી અનેક સિરિયલ, ‘કાચિંડો’, ‘બાકીમાંથી બાદબાકી’, ‘લંડન કૉલિંગ’ જેવી અને ફિલ્મો અને અઢળક નાટકોમાં જોવા મળતા ઍક્ટર હિતેશ સંપટને લૉકડાઉનના સમયમાં ખબર પડી કે તે એક બેસ્ટ કુક પણ છે. હિતેશ મિડ-ડેના રશ્મિન શાહને કહે છે, ‘અગાઉ મને કુકિંગ ગમતું પણ હું મારા પૂરતી વરાઇટીઓ બનાવી લેતો, પણ લૉકડાઉનમાં મારી અંદરનો રસોઈનો કલાકાર પણ જન્મ્યો. હવે તો એવી પરિસ્થિતિ છે કે ફૅમિલીની રીતસરની ડિમાન્ડ આવે કે આ રવિવારે તારે રસોઈ બનાવવાની છે’
મમ્મી મારી અન્નપૂર્ણા.
બધાને આવું જ લાગે અને એમાં કશું ખોટું પણ નથી. નાનપણથી આપણે મમ્મીને જ કિચનમાં જોતાં હોઈએ એટલે મમ્મીના રૂપમાં સાક્ષાત અન્નપૂર્ણા તમારી આંખ સામે રહે જ રહે. હું નાનો હતો ત્યારથી હું જોતો આવ્યો છું, સવારે અગિયાર કે સાંજ સાત પછી ઘરે કોઈ પણ આવે તેમને મમ્મી ઇન્દિરાબહેન પરાણે જમવા બેસાડી દે. આ નિયમ વર્ષો સુધી અકબંધ રહ્યો. મારા અનેક ભાઈબંધો એવા છે જેઓ સેંકડો વાર કોઈ પણ જાતના આમંત્રણ વિના મારે ત્યાં જમ્યા હોય અને એનો મને ગર્વ છે. મમ્મીની રસોઈ પણ એટલી ટેસ્ટી કે ઘરે આવ્યું હોય તેને મજા પણ આવે.
હું નાનપણથી મમ્મીને કિચનમાં કામ કરતો જોતો આવ્યો છું. ઘરમાં મમ્મીનું સરનામું જ કિચન. મેં ભાગ્યે જ મમ્મીને ઘરના બીજા એરિયામાં જોઈ હશે. જાગું ત્યારથી મમ્મી કિચનમાં હોય અને રાતે હું રૂમમાં જાઉં ત્યારે પણ મમ્મીનું કિચનમાં કંઈ ને કંઈ ચાલતું હોય. તેને કિચનમાં બહુ મજા આવે અને રસોઈ બનાવવી, બધાને જમાડવાનું બહુ ગમે. મમ્મીને જમાડવાની મજા આવે અને મને મમ્મીને જોવાની. તેને પોતાનું કામ ભરપૂર વહાલું. કામની બાબતમાં મારામાં મમ્મીના આ જ સંસ્કાર આવ્યા છે તો જમાડવાની બાબતમાં પણ તમે એવું કહી શકો.
મને કંઈ પણ ખાવાનું મન થાય અને મેં એનો પ્લાન બનાવ્યો હોય એટલે મારી સાથે મિનિમમ બેચાર જણને તો મેં લઈ જ લીધા હોય. મને યાદ નથી કે મેં ક્યારેય છેલ્લે એકલા કંઈ ખાધું. કદાચ ક્યારેય નહીં. ઘરે પણ જો હું એકલો હોઉં તો જમ્યો ન હોઉં. બધું પડ્યું રહે અને કાં તો હું બહાર ફ્રેન્ડ્સને લઈને જમી આવું. મને એકલા કશું ગળે ઊતરે નહીં.
ઘાટ-ઘાટનાં વડાપાંઉ યસ, વડાપાંઉ અને પાંઉભાજી મારાં ફેવરિટ. મીઠાઈ પણ ભાવે પણ જો બધામાં પહેલું નામ કોઈ લેવાનું હોય તો એ વડાપાંઉનું. તમે માનશો નહીં પણ હું મારી લાઇફમાં ધારો કે સો જેટલાં શહેર અને દસ જેટલા કન્ટ્રી ફર્યો હોઈશ તો એ બધી જગ્યાનાં વડાપાંઉ મેં ટેસ્ટ કર્યાં છે. નાનું ગુલાબજાંબુ હોય એવડું જ વડું પાંઉમાં નાખવામાં આવે એ પણ મેં જોયું છે અને ટેનિસ બૉલની સાઇઝનું, પાંઉની ત્રણેત્રણ બાજુથી બહાર આવવા મથતું હોય એવા વડાનું વડાપાંઉ પણ મેં ખાધું છે. આટલાં વડાપાંઉ ટેસ્ટ કર્યા પછી કહેવું જ પડે કે બેસ્ટ વડાપાંઉ તો મુંબઈનાં અને એ માટે જો જશ કોઈને આપવાનો હોય તો એ આપણી સૂકી ચટણીને આપવો પડે.
બીજા નંબરે જે વરાઇટી મેં બધાં શહેરોમાં ટેસ્ટ કરી હોય તો એ છે પાંઉભાજી. લોકલ ફેમસ વરાઇટી તો ખાવાની જ ખાવાની. જો સમયનો અભાવ હોય તો કોઈને મોકલીને પાર્સલ મંગાવી લેવાનું અને ટ્રેન કે બસ કે પછી ઍરપોર્ટ પર એનો આસ્વાદ માણવાનો પણ ચૂકવાનું બિલકુલ નહીં.
મારા કેટલાક નિયમો છે. અમદાવાદ જાઓ એટલે પકવાનની થાળી જમવાની. સુરતથી ઘારી અચૂક ઘર માટે લેવાની, લોચો ખાવાનો અને દર શિયાળે ઊંબાડિયું ખાવા જવાનું. મેં તમને કહ્યું એમ, મીઠાઈ પણ આપણી ફેવરિટ એટલે જે-તે શહેરની મીઠાઈ પણ શોધી લેવાની. ફેમસ આઇટમમાં પણ હું ટ્રાય એવી કરું કે ઓરિજિનલી એ આઇટમ જેણે શરૂ કરી હોય એનો ટેસ્ટ કરવાનો અને એ જ્યાંથી શરૂ કરી હોય એ શૉપ પર જવાનું. બરોડા ગયો હોઉં અને જો સમય હોય તો બેચાર કલાક કાઢીને હું ખંભાતનું હલવાસન લેવા પણ પહોંચી જાઉં અને રતિલાલ ચુનીલાલનું જ હલવાસન ખાઉં. બરોડામાં જગદીશનો લીલો ચેવડો અને રાજકોટમાં ભગતના પેંડા અને રામ ઔર શ્યામના જ ગોલા ખાવાના. આ બધી આઇટમ હવે તો બીજા પણ બનાવવા માંડ્યા છે, પણ એ બીજા લોકોએ આઇટમને વધારે અટ્રૅક્ટિવ બનાવવાની લાયમાં એને ફૅન્સી બનાવી દીધી છે, જેને લીધે ઓરિજિનલ ટેસ્ટ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયો છે.
બહારનું ખાવાનો શોખ હોવાને લીધે નૅચરલી મારે બાકીના સમયમાં ધ્યાન રાખવું પડે. જો વીકમાં બે વખત મારાથી બહારનું ખવાયું હોય તો હું નૉર્મલ કોર્સમાં ઘરનું ખાવાનું એકદમ સાદું કરી નાખું અને ખીચડી-પાલકનું શાક કે એવી જ વરાઇટી લઉં. હું ટ્રેડિશનલ ગુજરાતી છું એવું કહું તો ખોટું નહીં કહેવાય. બહારની આઇટમમાં મેજોરિટી હું ચાઇનીઝ, મેક્સિકન કે પછી ઈવન પંજાબી આઇટમ ઓછી ખાતો હોઉં છું. મેંદો શક્ય હોય ત્યાં સુધી અવૉઇડ કરવાનો અને તીખાશ પણ ઓરિજિનલ જ વાપરવાની. તમારી જાણ ખાતર કે હવે અતિશય તીખું બનાવવા માટે સલ્ફ્યુરિક ઍસિડ જેવા કેમિકલ વાપરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકર્તા છે.
ટિફિન ઘરનું જ શૂટ ચાલુ હોય ત્યારે શેડ્યુલ ફિક્સ હોય. ટિફિન ઘરેથી જ લઈ જવાનું. વાઇફ ફાલ્ગુની બનાવે. ટિપિકલ આપણું ગુજરાતી ટિફિન હોય. ગુજરાતી ટિફિનની વાત આવે એટલે નૅચરલી તમે સમજી ગયા હશો કે એમાં શાક, રોટલી, દાળ, ભાત, પાપડ, સૅલડ અને છાશની એક મોટી બૉટલ હોય. ફાલ્ગુની બહુ જ સરસ કુક છે, મમ્મીના હાથની રસોઈ ક્યારેય મિસ નથી થવા દીધી. જે ટેસ્ટ મમ્મીની રસોઈમાં હતો એ જ ટેસ્ટની રસોઈ ફાલ્ગુની બનાવે છે.
મારા ટિફિનમાં ક્વૉન્ટિટી હંમેશાં વધારે હોય અને એમાં બેથી ત્રણ વ્યક્તિ અમે જમી શકીએ. આવું કરવાનું કારણ કહું. આપણે ત્યાં મુંબઈના દરેક સેટ પર તમને મિનિમમ ચારથી પાંચ લોકો એવા મળી જ આવે જે મુંબઈના ન હોય, મુંબઈમાં એકલા રહેતા હોય અને સતત બહારનું જ ખાતા હોય. એ લોકો ઘરનું ફૂડ સતત મિસ કરતા હોય એટલે હું તો બપોરે ડાયરો જમાવીને એ બધાને બોલાવી લઉં, બધા સાથે મળીને જમીએ.
બ્રેકફાસ્ટમાં સામાન્ય રીતે દૂધ, ખાખરા કે બટાટાપૌંઆ, ઉપમા હોય. બપોરે હેવી લંચ અને સાંજે સેટ પર ખાખરા કે સૂકી ભેળ કે એવું કશું અને એ પછી સીધું ડિનર. ડિનરમાં થેપલાં કે પરાંઠાં હોય અને સાથે શાક હોય. ડિનરમાં મોટા ભાગે એવું બને કે શાકની ક્વૉન્ટિટી વધારે હોય. વીકમાં એક કે બે દિવસ બૉઇલ્ડ સબ્ઝી પર આપણું સિંધાલૂણ અને મરી છાંટીને ડિનરમાં એ જ લીધું હોય.
હું કુકિંગ પણ સારું કરું છું, જેની ખબર મને લૉકડાઉનમાં પડી. શરૂઆતમાં તો હસીમજાક અને આખો દિવસ ટીવી-ફિલ્મો અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર વેબ-સિરીઝ જોવામાં કાઢ્યા પણ પછી થયું કે વધારે વખત આ રીતે બેસી નહીં શકું એટલે મેં કિચનમાં જવાનું શરૂ કર્યું. શરૂમાં લાગતું કે આ કામ મારાથી નહીં થાય, પણ પછી મેં વાઇફના સુપરવિઝનમાં કુકિંગ સ્ટાર્ટ કર્યું. હવે તો એવી માસ્ટરી આવી ગઈ છે કે ન પૂછો વાત.
લૉકડાઉનમાં મેળવેલી એ માસ્ટરીની આડઅસર એ થઈ કે હવે બધું ચાલુ થઈ ગયું છે તો પણ વાઇફ અને ફૅમિલી મેમ્બરની મારી વરાઇટીની ફરમાઈશ આવે છે અને ખરું કહું તો મને પણ મજા આવે છે એટલે હું પણ ઘૂસી જાઉં કિચનમાં. મગદાળનાં વડાં, બટાટાપૌંઆ, ચેવડો, સેવ, સફેદ ઢોકળાં અને ચકરી જેવા નાસ્તાથી માંડીને રોટલી અને રસાવાળા કાંદા-બટાટાનું શાક પણ ફાવે છે.
શરૂઆતમાં મને મસાલા નાખવામાં ફાલ્ગુનીની જરૂર પડતી, પણ હવે તો એમાં પણ ફાવટ આવી ગઈ છે. રોટલી મારાથી થતી નથી. વણવાનું કામ તો આસાન છે પણ લોટ બાંધતાં હજી નથી ફાવતું એટલે આજે પણ એ બાંધવાનું હું શીખું છું. તમને નવાઈ લાગશે કે પરાંઠાં બનાવતાં મને આવડે છે. હું ત્રિકોણ પણ બનાવી શકું અને લચ્છા પરાંઠાં પણ મારાથી બની શકે. વાઇફનું સુપરવિઝન હતું એટલે બ્લન્ડર તો રસોઈ બનાવવામાં કોઈ લાગ્યાં નહીં અને સાચું કહું તો આજે પણ એવું લાગે કે લોચો મારી દેવાશે તો હું તરત જ ફાલ્ગુનીને બોલાવી લઉં. અનાજ બગડવું ન જોઈએ.
ADVERTISEMENT
વાઇફ અને ફૅમિલી મેમ્બરની મારી વરાઇટીની ફરમાઈશ આવે છે અને ખરું કહું તો મને પણ મજા આવે છે એટલે હું પણ ઘૂસી જાઉં કિચનમાં. મગદાળનાં વડાં, બટાટાપૌંઆ, ચેવડો, સેવ, સફેદ ઢોકળાં અને ચકરી જેવા નાસ્તાથી માંડીને રોટલી અને રસાવાળા કાંદા-બટાટાનું શાક પણ ફાવે છે

