આપણે સુવિધાને કારણે તો આખી સૃષ્ટિનું નિકંદન કાઢી નાખ્યું
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
જે વાત કહેવાની હતી એ વાત તો અત્યારે હેડલાઇનમાં આવી ગઈ અને આ હકીકત તો છે સાહેબ, તમને સુવિધા જોઈએ છે અને એ સુવિધા માટે તમે પૈસા ખર્ચવા પણ તૈયાર છો, પણ જો તમને એવું કહેવામાં આવે કે તમારે આ સુવિધા માટે પરોપકાર કરવાનો છે તો તમારી પાસે એવો સમય નથી અને એટલી ઇચ્છા પણ તમને નથી. બે દિવસ પહેલાં વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે ગયો ત્યારે જ આ સલાહ આપવી હતી, પણ બીજી વાતોની આડશમાં એ સંદેશ ભુલાઈ ગયો.
આપણે સુવિધાને કારણે તો આખી સૃષ્ટિનું નિકંદન કાઢી નાખ્યું. રસ્તા માટે જંગલો કાપ્યાં, આગના બળતણ માટે જંગલ કાપ્યાં, નડતર બન્યાં એટલે ઝાડ કાપ્યાં અને જરૂર પડી ત્યારે ઝાડ કાપ્યાં. આપણી આ જે નીતિરીતિ રહી છે એને લીધે તો આજે સૃષ્ટિ પાસે સારા ઑક્સિજનની પણ અછત ઊભી થવા માંડી છે. અમેરિકા, કૅનેડા જેવી કન્ટ્રીમાં તો શુદ્ધ ઑક્સિજન માટે હવે બૂથ બનવા માંડ્યાં. જરા વિચાર તો કરો, જરા જુઓ તો ખરા કે કુદરતે આપેલો ઑક્સિજન હવે તમારે પૈસા આપીને ખરીદવો પડે છે.
ADVERTISEMENT
એક સુવિધા, એક પરોપકાર. બીજા પર નહીં, આપણે આપણી જાત પર જ કરીએ, આપણી સૃષ્ટિ પર જ કરીએ. બહુ લાંબું ન વિચારીએ, માત્ર એક એવો નિયમ બનાવીએ કે જેકોઈ વ્યક્તિને ઠંડકમાં રહેવું હોય, જેને ઍરકન્ડિશન ખરીદવું હોય તેણે એક ઝાડ ઉગાડવું પડશે. આ નિયમ જરૂરી છે, કારણ કે ઐશ્વર્ય વાપરવાની આર્થિક ક્ષમતા ધરાવનારાઓએ જ સૃષ્ટિ સચવાઈ રહે એ માટે મહેનતની પહેલ કરવી જોઈએ. ઇલેક્ટ્રિસિટીનો વેડફાટ ન થાય એ માટે સરકાર દ્વારા જ સ્ટાર સિસ્ટમ બનાવવામાં આવી અને એ સિસ્ટમને જરૂરી બનાવવા માટે આવનારા દિવસોમાં એવો ઑર્ડર પણ મળવાનો છે કે નૉન-સ્ટાર ઇલેક્ટ્રૉનિક ઉપકરણ ઘરમાં રાખી જ નહીં શકાય. ઍરકન્ડિશનમાં પણ અમુક પ્રકારના ગૅસથી ચાલતાં કૉમ્પ્રેસરને આવતાં બે-ચાર વર્ષમાં બંધ કરી દેવાનાં છે, કારણ કે એ ગૅસ પૃથ્વીના ઓઝોનના લેયરને નુકસાન કરી રહ્યો છે. જો આ નિયમોને સરકાર પાળતી હોય તો સામાજિક સ્તરે પણ આપણે એવો નિયમ બનાવી શકીએ કે ઍરકન્ડિશન ખરીદનાર જવાબદારી સાથે એક ઝાડ ઉગાડવાની જવાબદારી લે.
જેઓ આ સુવિધા નથી વાપરતા તેમને માટે આવો કોઈ નિયમ બનાવવાની જરૂર નથી, કારણ કે તેઓ દુનિયાદારી અને પોતાના આર્થિક ઉપાર્જન સાથે જ એ સ્તરે અટવાયેલા હોય છે કે એક ઝાડની માવજત કરવાનું કે પછી એને માટે સમય આપવાનું કામ એ ન કરી શકે, પણ જેને આજીવિકાની ચિંતા નથી અને જે ઐશ્વર્ય માણવા માગે છે કે પછી જેની પાસે એ માણવાની ક્ષમતા છે તેમને માટે આ નિયમ પાળવો અઘરો નથી. કાં તો સોસાયટીએ કે પછી કંપનીએ આ નિયમ બનાવવો જોઈએ અને કાં તો કૉર્પોરેશન કે સેન્ટ્રલ ગવર્નમેન્ટે આ નિયમ બનાવવો જોઈએ; એવી કોઈ પણ ફરિયાદ વિના કે જમીન નથી, અમારે તો ઝાડ વાવવું જ છે. ઝાડ ઉગાડવાથી જમીન રોકાશે એવું વિચારનારાઓને એટલું જ કહેવાનું કે એક ઝાડ પહેલાં ઉગાડી તો જુઓ, એ ઊગશે પછી બધી જમીન એ ઝાડ પર ન્યોછાવર કરવામાં પણ તમને ખચકાટ નહીં થાય, કારણ કે એ ઝાડ તમારું દિલ જીતી લેશે.