ચૂંટણીમાં મતદાન વધારવા માટેનાં અભિયાનો સામાન્ય રીતે ભારતનું ચૂંટણી પંચ કરતું હોય છે, પરંતુ ચૂંટણી પંચે હજી સુધી આ ભંડોળ રદ કરવા વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ડોનલ્ડ ટ્રમ્પ
ચૂંટણીમાં મતદાન વધારવા માટેનાં અભિયાનો સામાન્ય રીતે ભારતનું ચૂંટણી પંચ કરતું હોય છે, પરંતુ ચૂંટણી પંચે હજી સુધી આ ભંડોળ રદ કરવા વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે ભૂતપૂર્વ CEC એસ. વાય. કુરેશીએ જણાવ્યું હતું કે ૨૦૧૨માં તાલીમ માટે IFES સાથે કરાર થયો હતો, પરંતુ એમાં કોઈ ભંડોળ સામેલ નહોતું
આપણે ગયા અઠવાડિયે અહીં કહ્યું હતું કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ તેમના પહેલા ૧૦૦ દિવસમાં આખી વિશ્વ વ્યવસ્થા ઉપરતળે કરી નાખવાના એવા મૂડમાં છે જેનાં પરિણામો દૂરગામી હશે, અમુક સારાં અને અમુક અત્યંત ખરાબ. તેમના અનેક નિર્ણયો દેશ અને દુનિયાને દઝાડી રહ્યા છે અને એની એક ઝાળ ભારતની રાજનીતિને પણ લાગી છે.
ADVERTISEMENT
ટ્રમ્પે અમેરિકાના અબજોપતિ વેપારી અને તેમના અંગત વિશ્વાસુ ઇલૉન મસ્કના વડપણમાં એક નવા વિભાગની રચના કરી છે, ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE-ડોજ). એનું કામ સરકારી વિભાગોમાં સાફસફાઈ કરવાનું અને તેમની કાર્યક્ષમતા વધારવાનું છે.
ટ્રમ્પે આ ડોજને અમર્યાદ સત્તાઓ આપી છે. આ વિભાગ કામચોર સરકારી કર્મચારીઓની છટણી કરી રહ્યો છે અને નકામા ખર્ચા પર લગામ કસી રહ્યો છે. એનું સૌથી મોટું નિશાન યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ (USAID) છે. મસ્ક અને તેની ટોળકી આ એજન્સીનાં શટર પાડી રહી છે.
આ એજન્સી ભારત સહિત વિશ્વભરમાં અબજો ડૉલરની સહાયનું વિતરણ કરે છે. આવી સ્થિતિમાં આ નિર્ણયની અસર એના દ્વારા ચલાવવામાં આવતા ઘણા આરોગ્ય અને પોષણ સંબંધિત કાર્યક્રમો પર પડશે. આ એજન્સી ભારતને આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, સ્વચ્છ ઊર્જા, પાણી અને સ્વચ્છતા જેવાં ક્ષેત્રોમાં મદદ કરે છે.
USAIDનાં ચોપડાં તપાસી રહેલા મસ્કના વિભાગે એવો દાવો કર્યો છે કે આ એજન્સી દ્વારા ભારતમાં મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી ફાળવવામાં આવતું ૧૮૨ કરોડ રૂપિયાનું ભંડોળ રદ કર્યું છે. USAIDની સ્થાપના ૧૯૬૧માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જૉન એફ. કેનેડી દ્વારા કરવામાં આવી હતી. એ વિશ્વભરમાં આશરે ૧૦,૦૦૦ કર્મચારીઓ ધરાવે છે અને આશરે ૪૦ બિલ્યન ડૉલરનું વાર્ષિક બજેટ ધરાવે છે, જ્યારે અમેરિકન સરકારનું વિદેશી સહાય બજેટ ૬૮ બિલ્યન ડૉલર છે.
બાકી હોય એમ ખુદ ટ્રમ્પ પણ બોલ્યા છે કે ‘આપણે ભારતને અમેરિકન કરદાતાઓના પૈસા કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કર લાદતા દેશોમાંથી છે. આપણને ભાગ્યે જ ત્યાં એન્ટ્રી મળે છે કારણ કે ટૅરિફ ખૂબ વધારે છે. હું ભારત અને તેના વડા પ્રધાનનું ઘણું સન્માન કરું છું, પરંતુ અમેરિકા ભારતને મતદાન માટે પૈસા કેમ આપી રહ્યું છે?’
આ દાવાથી ભારતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.
‘માનવ ઇતિહાસમાં આ (USAID) સૌથી મોટું કૌભાંડ છે’ એવો દાવો કરીને વડા પ્રધાનના આર્થિક સલાહકાર સંજીવ સન્યાલે કહ્યું છે કે ‘(ભારતમાં) આ ભંડોળ કોને મળતું હતું એ જાણવાનું મને ગમશે. આ ભારતીય લોકતંત્રમાં બાહ્ય હસ્તક્ષેપનો સીધો પ્રયાસ છે.’
BJPના નેતા અને પ્રચારક અમિત માલવિયાએ એક પગલું આગળ જઈને કહ્યું છે કે આ લેવડદેવડમાં (મોદી સરકારના ટીકાકાર) અબજોપતિ રોકાણકાર જ્યૉર્જ સોરોસનો હાથ છે. તેમણે કૉન્ગ્રેસ પર નિશાન સાધીને કહ્યું છે કે ગાંધી પરિવારના ગમતા સોરોસનો ચૂંટણી પ્રક્રિયા પર પડછાયો દેખાઈ રહ્યો છે.
કૉન્ગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ૨૦૧૨-’૧૩માં કૉન્ગ્રેસના નેતૃત્વવાળી UPA સરકાર સામે મતદારોમાં અસંતોષ પેદા કરવામાં આ ભંડોળનો ઉપયોગ થયો હતો. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કહ્યું છે કે તેમનો પક્ષ દેશની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ વિદેશી હસ્તક્ષેપની નિંદા કરે છે. એમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવાં જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે ૨૦૧૨માં જે પૈસા આવ્યા હતા એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
ઍક્સ પર એક પોસ્ટમાં કૉન્ગ્રેસ નેતા અને કર્ણાટકના પ્રધાન પ્રિયાંક ખડગેએ કહ્યું હતું કે ‘સરકારની સત્તાવાર વેબસાઇટ અનુસાર શ્રીમતી સ્મૃતિ ઈરાનીના બાયોમાં જણાવાયું છે કે તેમણે ભારતમાં USAIDનાં ‘ગુડવિલ ઍમ્બૅસૅડર’ તરીકે સેવા આપી છે. આનો અર્થ એ થાય છે કે BJPના રાજકારણીઓ જ જ્યૉર્જ સોરોસના વાસ્તવિક એજન્ટો છે?’
ચૂંટણીમાં મતદાન વધારવા માટેનાં અભિયાનો સામાન્ય રીતે ભારતનું ચૂંટણી પંચ કરતું હોય છે, પરંતુ ચૂંટણી પંચે હજી સુધી આ ભંડોળ રદ કરવા માટે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે ભૂતપૂર્વ CEC એસ. વાય. કુરેશીએ જણાવ્યું હતું કે ૨૦૧૨માં તાલીમ માટે ધ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન ફૉર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ (IFES) સાથે કરાર થયો હતો, પરંતુ એમાં કોઈ ભંડોળ સામેલ નહોતું.
ચાર દિવસ સુધી આ મુદ્દે ઘમસાણ ચાલ્યું, પછી એમાં ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના એક અહેવાલથી વળાંક આવ્યો છે. અખબારે એવો દાવો કર્યો છે કે આ ભંડોળ ભારત માટે નહીં પણ બંગલાદેશ માટે હતું. તો શું ટ્રમ્પ ભારતનું નામ ભૂલથી બોલ્યા હતા? કે પછી આ ભારતને બચાવવાનો પ્રયાસ છે? જો એવું હોય તો ટ્રમ્પની આખી કારવાઈ શંકાસ્પદ બની જાય છે. દરમિયાનમાં કૉન્ગ્રેસે માગણી કરી છે કે મોદી સરકારે આ વિવાદ પર શ્વેતપત્ર જાહેર કરીને દૂધનું દૂધ અન પાણીનું પાણી કરવું જોઈએ.
નવા ચૂંટણી-કમિશનરની વરણીનો વિવાદ
જ્ઞાનેશ કુમાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ દેશના નવા અને ૨૬મા મુખ્ય ચૂંટણી-કમિશનર તરીકે વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ કુમારે પદ સંભાળી લીધું છે. આ સમિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાળ સભ્યો છે. રાહુલ ગાંધીએ પસંદગીની આ પ્રક્રિયા પર તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
જ્ઞાનેશ કુમારના ખભા પર આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે પશ્ચિમ બંગાળ, આસામ અને તામિલનાડુની ચૂંટણી યોજવાની જવાબદારી છે. મુખ્ય ચૂંટણી-કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ ૨૦૨૯ની ૨૬ જાન્યુઆરી સુધી રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન ૨૦ વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. ૨૦૨૭ની રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અને ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીની તૈયારી પણ તેમના જ કાર્યકાળમાં થશે.
કેરળ કેડરના ૧૯૮૮ના બૅચના IAS અધિકારી જ્ઞાનેશ કુમારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે સેવા આપી છે. ૬૧ વર્ષના કુમારે કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં તેમ જ ટ્રિપલ તલાક નાબૂદી સંબંધિત ડ્રાફ્ટિંગ કમિટીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
એ ઉપરાંત તેમણે અયોધ્યામાં રામ મંદિર સંબંધિત કેસમાં સંબંધિત દસ્તાવેજોની સંભાળ રાખી હતી. કુમારને ગૃહપ્રધાન અમિત શાહની નજીકના માનવામાં આવે છે. તેઓ ગયા વર્ષે જાન્યુઆરીમાં સહકારિતા મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે કૉન્ગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારમાં રક્ષા મંત્રાલયમાં પણ સેવા આપી હતી.
તેમની વરણી નિર્વિવાદ નથી. રસપ્રદ વાત એ છે કે મુખ્ય ચૂંટણી-કમિશનરની નિમણૂકને સંચાલિત કરતા નવા નિયમને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.
કૉન્ગ્રેસે આનો વિરોધ કર્યો છે. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે ‘મુખ્ય ચૂંટણી-કમિશનરની પસંદગીના નવા કાનૂનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ૧૯મી તારીખે એની સુનાવણી હતી અને સરકારે ત્યાં સુધી રાહ જોવી જોઈતી હતી.’
કૉન્ગ્રેસનાં સૂત્રોએ ‘ધ હિન્દુ’ને જણાવ્યું હતું કે આ મુદ્દા પર જ રાહુલ ગાંધી વડા પ્રધાનના નિવાસસ્થાને બેઠકમાંથી નીકળી ગયા હતા. અખબારના અહેવાલ મુજબ, રાહુલ ગાંધીએ બેઠક છોડતા પહેલાં લેખિતમાં પોતાનો વાંધો રજૂ કર્યો હતો. નામોની ચર્ચા વખતે રાહુલ ગાંધી હાજર નહોતા.
એ નોંધવું જોઈએ કે નવા કાયદા હેઠળ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) હવે મુખ્ય ચૂંટણી-કમિશનરની નિમણૂક કરવા માટેની પૅનલમાં નથી. અગાઉ CJI સામેલ હતા પરંતુ ગયા વર્ષે કેન્દ્ર સરકારે કાયદામાં ફેરફાર કરીને તેમનું સ્થાન હટાવ્યું હતું. કૉન્ગ્રેસે CIIનો વિરોધ કર્યો હતો. કૉન્ગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આસામમાં સરમા અને ગોગોઈનું યુદ્ધ વકર્યું
આસામમાં મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય ગૌરવ ગોગોઈ વચ્ચેની રાજકીય લડાઈ વકરી છે. આસામ પોલીસે ગોગોઈની પત્ની એલિઝાબેથ ગોગોઈના પાકિસ્તાની મિત્ર અલી તૌકીર શેખ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આરોપ છે કે શેખ ISI માટે કામ કરતો હતો અને આસામમાં કોમી સંવાદિતાને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યો હતો.
મુખ્ય પ્રધાન શર્માએ તો ખુલાસો કર્યો કે એલિઝાબેથ અને શેખ એક જ NGOમાં કામ કરતાં હતાં. ગોગોઈએ મુખ્ય પ્રધાન અને BJP પર તેમને અને તેમના પરિવારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ યોગ્ય કાનૂની પગલાં લેશે.
હેમંત બિસ્વા સરમા
શર્માએ એનું સ્વાગત કર્યું છે. રાજ્ય સરકારે પણ કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી છે એમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન કૉન્ગ્રેસ નેતા જયરામ રમેશે ઍક્સ પર શર્મા પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું હતું કે આસામના મુખ્ય પ્રધાન અને BJPએ મારા સહયોગી ગૌરવ ગોગોઈ વિરુદ્ધ ખરાબ અભિયાન શરૂ કર્યું છે. આ ચરિત્ર હત્યાનું સૌથી ખરાબ સ્વરૂપ છે. આ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગૌરવ ગોગોઈ
તેમણે દાવો કર્યો હતો કે આ અભિયાન એટલા માટે ચલાવવામાં આવી રહ્યું છે કારણ કે આસામના મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનો જોરહાટમાં પડાવ નાખીને તેમની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા હોવા છતાં ગૌરવ ગોગોઈએ ૨૦૨૪ના જૂનમાં જોરહાટ લોકસભા બેઠક જીતી હતી. વધુમાં તેઓ મુખ્ય પ્રધાનના ઘોર ભ્રષ્ટાચાર અને કાળાં કૃત્યોનો પર્દાફાશ કરવામાં મોખરે રહ્યા છે.
શર્માએ તેમના આરોપને દોહરાવતાં કહ્યું કે આ જાસૂસીનો મામલો નથી પણ તેઓ રાષ્ટ્રીય સુરક્ષા વિશે ચિંતિત છે, જેની સાથે સમાધાન ન કરી શકાય. તેમણે કહ્યું હતું કે ‘આગામી મહિનાઓમાં તમને આશ્ચર્ય થશે. હું જે પણ કરી રહ્યો છું એ સંપૂર્ણપણે રાષ્ટ્રીય સુરક્ષાનાં હિતો માટે છે, એક એવું ક્ષેત્ર જ્યાં કોઈ સમાધાન ન થઈ શકે. મેં મારા દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા કરવાના શપથ લીધા છે અને ગમે તે થાય, હું એને જાળવી રાખીશ.’

