પ્રવીણ જોષી, કાન્તિ મડિયા અને અન્ય દિગ્ગજોએ ઘડેલી ઑડિયન્સ આજે પણ થિયેટરમાં આવે છે. આ કામ હવે એ પછીની પેઢીએ કરવાનું છે
એક માત્ર સરિતા
કાન્તિ મડિયા, પ્રવીણ જોષી
નવી અને જૂની રંગભૂમિ વચ્ચે જે મોટો બદલાવ આવ્યો તેથી એ કૃતિ પ્રસ્તુત કરવાની રીત બદલાઈ અને એ બદલાયા પછી લોકોની પાસે રહેતા સમયના અભાવ વચ્ચે નાટકની અવધિ નાની થઈ. પહેલાંના સમયમાં નવી રંગભૂમિમાં પણ ત્રિઅંકી નાટકો હતાં, જેનો અંદાજિત સમયગાળો પોણાત્રણથી ત્રણ કલાકનો રહેતો, પણ એ પછી દ્વિઅંકી નાટકો થયાં.
આપણે વાત કરતા હતા સાઠના દસકાની રંગભૂમિની, જેમાં મેં તમને કહ્યું કે એ સમયે બધા જ કલાકારોનું મૂળ કામ જુદું હતું. કોઈ બૅન્કમાં હોય તો કોઈ વેપારીનો દીકરો દુકાને જતો હોય. કોઈ ડૉક્ટર હોય તો કોઈ સરકારી નોકરી કરતો હોય. બધા સાંજે ૬ વાગ્યે ફ્રી થઈને રિહર્સલ્સમાં આવે અને ૯ વાગ્યા સુધી રિહર્સલ્સ ચાલે. એ સમયે મોડે સુધી રિહર્સલ્સ કરવાં હોય તો એને માટે માત્ર શનિવાર કે જાહેર રજાની આગલી સાંજ માત્ર મળે અને એ પણ નોકરિયાત કલાકાર હોય તો. જો વેપારી કે વેપારીનો દીકરો નાટકમાં હોય તો તેની સવલતને પણ ધ્યાનમાં રાખવામાં આવે. એ સમયે રિહર્સલ્સ બે-અઢી મહિના લાંબાં ચાલતાં એની પાછળનું એક કારણ આ છે એવું ધારનારાઓને કહેવાનું કે આ તો સૌથી છેલ્લું કારણ, પહેલું કારણ તો એ કે નાટક જેલ-અપ થાય એને માટે જ લાંબો સમય રિહર્સલ્સ ચાલતાં, જેને લીધે સૌકોઈ કૅરૅક્ટરમાં આવી જાય અને ઊંઘમાંથી જગાડીને પણ જો પૂછવામાં આવે તો તે પોતાની લાઇન તોજ બોલે જ, પણ સાથોસાથ આગળ-પાછળ આવતી બીજાની લાઇન પણ તેને ભાવ સાથે કંઠસ્થ હોય.
ADVERTISEMENT
મારી વાત તો મેં તમને કરી જ. મેં નક્કી કર્યું હતું કે હું ઍક્ટિંગ સિવાય બીજું કશું નહીં કરું. મારી આજીવિકા માત્ર રંગદેવતા જ રહેશે અને સાહેબ, રંગદેવતાની મહેરબાની જુઓ તમે. આજીવન હું માત્ર અભિનયના આધારે જ જીવી, અને જીવી પણ કેવું?!
ભૂતકાળ યાદ કરું તો ગર્વ સાથે મારું પોતાનું શિર પણ ઊંચું થઈ જાય.
ઘણી વાર મને મારા પ્રેક્ષકો પૂછે કે તમારા ચહેરા પર હંમેશાં ખુશી કેમ જોવા મળે, તમે હંમેશાં સ્માઇલ સાથે જ કેમ હો? ત્યારે મને કહેવાનું મન થાય કે આ જે સ્માઇલ છે એ ખુમારીનું સ્માઇલ છે. ઇચ્છ્યું એ કર્યું અને ઈશ્વરે, નટદેવતાએ એમાં પૂરેપૂરો સાથ આપ્યો.
જીવનમાં બીજું શું જોઈએ?
lll
જૂની અને નવી રંગભૂમિ વચ્ચેનો એક ફરક અચાનક યાદ આવ્યો તો એ તમારી સાથે શૅર કરી લઉં. એ સમયની રંગભૂમિની એક ખાસ વાત એ હતી કે એમાં નાટક શરૂ થતાં પહેલાં રંગભૂમિ પર સરસ્વતી અને લક્ષ્મીજીની સ્થાપના કરવામાં આવતી અને તેમને હાર પહેરાવવામાં આવતો, ઑડિયન્સની સામે અને ઑડિયન્સ પણ ભાવપૂર્વક એ આખી વિધિમાં સામેલ થતી. નવી રંગભૂમિમાં હવે રંગદેવતાની પૂજા થાય છે અને એ કર્ટન બંધ હોય એવા સમયે, પણ હા, મારે કહેવું જ રહ્યું કે આસ્થા હજી પણ એ જ છે જે જૂની રંગભૂમિના સમયે હતી.
નવી અને જૂની રંગભૂમિ વચ્ચે જે મોટો બદલાવ આવ્યો તે એ કૃતિ પ્રસ્તુત કરવાની રીત બદલાઈ અને એ બદલાયા પછી લોકોની પાસે રહેતા સમયના અભાવ વચ્ચે નાટકની અવધિ નાની થઈ. પહેલાંના સમયમાં નવી રંગભૂમિમાં પણ ત્રિઅંકી નાટકો હતાં, જેનો અંદાજિત સમયગાળો પોણાત્રણથી ત્રણ કલાકનો રહેતો, પણ એ પછી દ્વિઅંકી નાટકો થયાં અને સમયમર્યાદા પણ ઘટીને બેથી સવાબે કલાકની થઈ.
જૂની રંગભૂમિમાં સેટ બદલવાનો આવતો ત્યારે સ્ટેજ પર કૉમિકનો પડદો પથરાતો અને કલાકાર આવીને કૉમેડી કરતા, જેથી ઑડિયન્સ એમાં ગૂંથાયેલી રહે અને પાછળના ભાગ પર સેટ બદલાઈ જાય, પણ નવી રંગભૂમિમાં ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ થયો અને એનો લાભ અનેક ડિરેક્ટરને મળ્યો, પણ અફસોસ સાથે કહેવું પડે કે સમય આગળ વધતાં એ ટેક્નૉલૉજી વધારે માત્રામાં સ્ટેજ પર દેખાવી જોઈએ, પણ બજેટની ચિંતામાં ટેક્નૉલૉજીનો ઉપયોગ બહુ ઓછો થયો અને ધીમે-ધીમે નાટક એક કે વધીને બે સ્ટેજ પર આવવા માંડ્યું. પહેલાંના સમયમાં તો રિવૉલ્વિંગ સેટની હેલ્પથી નાનકડી રંગભૂમિ પર કેવો સરસ માહોલ ઊભો કરવામાં આવતો. કોઈ એ સ્ટેજ પર કાશ્મીર લઈ આવે તો કોઈ એ સ્ટેજ પર આખેઆખું ઍરપોર્ટ લઈને આવે.
મારા જમાઈ રસિક દવેએ તેના નાટક ‘બાજનજર’માં મારમાર આવતી ટ્રક સ્ટેજ પર લાવ્યો હતો, તો પ્રવીણ જોષીએ તો અનેક પ્રકારનાં કારસ્તાન સ્ટેજ પર કર્યાં હતાં, પણ હવે એ સમય રહ્યો નથી. આશા રાખીએ કે આપણને નવી ટેક્નૉલૉજીથી થતો ચમત્કાર ફરીથી સ્ટેજ પર જોવા મળે અને એના થકી નવી જનરેશન ગુજરાતી રંગભૂમિ તરફ ફરી વળે. આજે બધા એવી દલીલ કરે છે કે હવે ગુજરાતી રંગભૂમિની ઑડિયન્સ છે એ ૪૫થી ૬૦-૬૫ વર્ષની ઉંમરનું જ રહ્યું છે. યંગસ્ટર્સ હવે રંગભૂમિ તરફ નથી આવતા, પણ સાહેબ, એ લોકો રંગભૂમિ તરફ ખેંચાઈ આવે એવું તમે આપો તો ખરા.
પ્રવીણ અને એ સમયની અમારી આખી જે જનરેશન હતી એ સતત એવું કામ કરતાં હતાં. એવી કૃતિઓ લાવતાં, સ્ટેજ પર એવા-એવા નવા અખતરા દેખાડતા કે લોકોને થતું કે આપણે તો આ નાટક જોવું જ રહ્યું. એ સમયે તો આજ જેટલી પબ્લિસિટીની પણ સુવિધા નહોતી. આજે તો કેટલાં પેપરો થઈ ગયાં, સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ ને એ બધું કેટલું આવી ગયું છે અને એમ છતાં મોટા ભાગનાઓની ફરિયાદ એવી છે કે ઑડિયન્સ આવતી નથી. બધા વહેણ નદી પાસે જાય અને એ પછી પણ નદી ખાલી રહે એનો અર્થ એ જ થાય કે કાં તો વહેણ પહોંચતાં પહેલાં જ સુકાઈ જાય છે અને કાં તો એ વહેણની વચ્ચે કોઈ અન્ય રસ્તો છે, જે પાણીને તારવી લે છે.
નવી પેઢીને રંગભૂમિમાં ઇન્ટરેસ્ટ નથી એવું કહેવાને બદલે એનો સ્વીકાર કરવો જોઈએ કે નવી પેઢીને ગુજરાતી નાટકોમાં રસ પડે એવું આપવામાં આપણે ફેલ જઈએ છીએ. બસ, એના પર કામ શરૂ કરો. નવી ઑડિયન્સ, નવી પેઢી ૧૦૦ ટકા રંગભૂમિ તરફ આવશે. આજે ગુજરાતી નાટક જોવા માટે થિયેટરમાં બેઠેલી ઑડિયન્સ કોણે તૈયાર કરી છે સાહેબ? કાન્તિ મડિયા, પ્રવીણ જોષી, શૈલેશ દવે, અરવિંદ જોષી, દિનકર જાની જેવા દિગ્ગજો દ્વારા એ તૈયાર થઈ છે. હવે એ કામ તમારે કરવાનું છે અને એવું જ આપણી લાઇનનું હોય છે. દરેક નવી પેઢીના સર્જકો નવી પેઢીનું ઑડિયન્સ તૈયાર કરતી જાય. જો સર્જક નિષ્ફળ તો ઑડિયન્સની ગેરહાજરી કન્ફર્મ.
lll
પહેલી વાર મેં સ્ટ્રેચેબલ પૅન્ટ પહેર્યું અને હું તો પહોંચી ‘ચંદરવો’ના રિહર્સલ પર. પ્રવીણ હજી આવ્યા નહોતા. તેમની અસિસ્ટન્ટ રીટા આવી ગઈ હતી. હું સીધી રીટાને જ મળી અને મેં રીટાને કહ્યું,
‘પ્રવીણ જોષીએ તને દેખાડેલી એ મૂવમેન્ટ મને જરા દેખાડને...’ મેં તેને યાદ દેવડાવ્યું, ‘સોફા પર સૂવાવાળી જે મૂવમેન્ટ હતી એની વાત કરું છું...’
‘હા, એ તો હું સમજી ગઈ, પણ સરિતા, પ્રવીણને આવી જવા દે...’ રીટાએ દરવાજા તરફ નજર કરીને કહ્યું, ‘આમ પણ આવવાનો ટાઇમ થઈ જ ગયો છે...’
‘હા, પણ ત્યાં સુધીમાં તું તો મને મૂવમેન્ટ દેખાડ...’
‘ના, આવી જવા દેને પ્રવીણને...’
ખબર નહીં, પણ કેમ, રીટાને ખચકાટ થતો હતો કે પછી તેના મનમાં શું હતું? મેં પણ તેની સાથે દલીલ કરવાનું ટાળ્યું.
‘વાંધો નહીં...’
અને મારા મનમાં એ દિવસ આખો રિવાઇન્ડ થવાનો શરૂ થયો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)