રુક્મિણીના ભાઈ રુક્મિ શિશુપાલના ઘનિષ્ઠ મિત્ર હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમની બહેનનાં લગ્ન શિશુપાલ સાથે થાય. પણ રુક્મિણીજીની ઇચ્છા કંઈક જુદી જ હતી.
વસંત પંચમી સ્પેશ્યલ
દ્વારકાધીશ શયનકક્ષમાં, રુક્મિણીજી
શ્રૃત્વા ગુણાન્ભુવનસુન્દર શ્રૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણવિવરેર્હતોડગતાપમ્,
રૂપં દ્રશાં દ્રશિમતામખિતાયંલાભં ત્વાચ્યુતાવિશતિ ચિતમપત્રપં મે
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કે જ્યાં પ્રભુ શ્રીકૃષ્ણ રહેતા હતા એ દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં આજે પણ રોજ રાત્રે શયન પહેલાં પ્રભુને તેમનાં રાણી રુક્મિણીજીએ લખેલા આ શ્લોક સાથેનો સ્નેહપત્ર પ્રભુને વાંચી સંભળાવાય છે, જેમાં રુક્મિણીજીએ શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાનો સ્નેહભાવ પ્રગટ કર્યો હતો કે ‘હે દ્વારકાધીશ, હું આપને મનથી વરી ચૂકી છું. આપ આવીને મને લઈ જાઓ.’
ADVERTISEMENT
રુક્મિણીના ભાઈ રુક્મિ શિશુપાલના ઘનિષ્ઠ મિત્ર હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમની બહેનનાં લગ્ન શિશુપાલ સાથે થાય. પણ રુક્મિણીજીની ઇચ્છા કંઈક જુદી જ હતી. તેઓ શ્રીકૃષ્ણને મનોમન વરી ચૂક્યાં હતાં. જ્યારે ભાઈ રુક્મિ અને માતાપિતાએ તેમનાં લગ્ન શિશુપાલ સાથે નિર્ધારિત કરી દીધાં ત્યારે રુક્મિણીજીએ શ્રીકૃષ્ણને પોતાના મનની લાગણી વ્યક્ત કરતો સ્નેહપત્ર લખ્યો અને વિનવણી કરી કે મને આવીને લઈ જાઓ. રુક્મિણીજીએ એકાંતમાં લખેલો આ પ્રેમના ચિહ્નરૂપ પત્ર એક બ્રાહ્મણ દ્વારા દ્વારકામાં પ્રભુ સુધી પહોંચ્યો. પત્ર વાંચ્યા બાદ ઠાકોરજી રુક્મિણી પાસે પહોંચી ગયા અને તેમનાં શિશુપાલ સાથે લગ્ન થાય એ પહેલાં જ તેમને ભગાડીને લઈ આવ્યા. માધવપુરમાં રુક્મિણીજીના વિવાહ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંપન્ન થયાની આધ્યાત્મિક બાબતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ત્યારે આજે વસંત પંચમીએ સરસ્વતી માતાને વંદન કરીને આજનો દિવસ રંગ પંચમી તરીકે પણ ઓળખાય છે.
આજે વસંત પંચમી અને મૉડર્ન યુગનો વૅલેન્ટાઇન્સ ડે બન્ને એક જ દિવસે છે ત્યારે આપણાં પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એવા, કદાચ કોઈ સ્ત્રીએ પ્રભુને લખેલા સૌપ્રથમ સ્નેહપત્રની વાત જાણીએ.
પ્રભુ શ્રી દ્વારકાધીશ બિરાજમાન છે એ દ્વારકાધીશ મંદિરમાં રાણી રુક્મિણીજીએ પ્રભુ પ્રત્યેના સ્નેહનો એકરાર કરતો દિવ્ય પત્ર રોજ રાત્રે વંચાય છે એની વાત કરતાં દ્વારકા મંદિરના પૂજારી દીપક રમણીકલાલ પૂજારી કહે છે, ‘મંદિરમાં રુક્મિણીજીનો પત્ર વાંચવાની વર્ષોથી પરંપરા અને નિત્યક્રમ છે. જેમ ઠાકોરજીની પૂજા કરીએ એમ પત્ર પણ રાતે શયન વખતે પ્રભુ સમક્ષ વંચાય છે, એનું ગાન થાય છે. શયન વખતે પૂજારીઓ અને ગામના ભક્તો આવીને ઠાકોરજીને શયન સ્તુતિ ગાય છે અને પ્રભુ શયનમાં જાય છે. આ બધી પરંપરા છે, ઠાકોરજીને સેવા ને લાડ લડાવવાનો ભાવ છે. હું સમજણો થયો એ પહેલાંથી ગામના લોકો, બ્રામણો, પૂજારીઓ તેમ જ યાત્રિકો આવ્યાં હોય તો તેમને પણ આ પત્ર અપાય છે અને સૌ પત્રનું ગાન કરે છે. પત્ર છાપીને રાખ્યો છે એટલે જેને કંઠસ્થ ન હોય તેઓ જોઈને ભગવાનને ગા, સંભળાવી શકે છે. રુક્મિણીજીએ પ્રભુને વિનંતી કરી હતી એ જ પત્ર છે જે અક્ષરસઃ વર્ષોથી પ્રભુશ્રીને વાંચી સંભળાવાય છે.’
રુક્મિણીજીના પત્ર પાછળના આધ્યાત્મિક ભાવની વાત કરતાં તેઓ કહે છે, ‘ઠાકોરજી સાથે રુક્મિણીજીને પરણવું હતું એટલે પત્ર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી કે હું આવી-આવી અવસ્થામાં છું. તમારા સિવાય મારું કોઈ નથી, મેં તમને મારા પ્રાણ સમજી લીધા છે. મારું સર્વસ્વ તમને અર્પણ કર્યું છે. તમે એક જ છો જેની સાથે વિવાહ કરીશ. એ રીતની વિનંતી કરતો ભાવ રુક્મિણીજીએ શ્લોકમાં પ્રગટ કર્યો છે અને સંદેશો આપ્યો છે કે હું આ જગ્યાએ હોઈશ, આ જગ્યાએ પૂજા કરવા આવીશ ત્યાંથી મને લઈ જજો. આવો ભાવ પ્રગટ કરતો પત્ર લખ્યો હતો. રુક્મિણીજીએ પત્ર મોકલ્યો હતો એ સનાતન સત્ય છે અને આ ભાવની વાત શાસ્ત્રો કહે છે. રુક્મિણીજીનો પત્ર રોજ રાત્રે મંદિરમાં પ્રભુને વાંચી સંભળાવવાની પ્રથા આજે પણ ચાલુ છે.’
દ્વારકાધીશ પ્રત્યેના સેવાભાવની વાત કરતાં તેઓ કહે છે, ‘મંદિરના ગર્ભગૃહમાં ઠાકોરજીનો સોનાચાંદીનો પલંગ છે, સેજ સૈયા છે. સીડી રાખવામાં આવે રાત્રે અને શયનભાવથી ઠાકોરજીનું બાળસ્વરૂપ હોય તેને પલંગમાં પોઢાડવામાં આવે છે અને શયન આરતી–શયન સ્તુતિનું ગાન થાય છે. અહીં પ્રભુના રાજા ભાવની પૂજા થાય છે. કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા ઠાકુર હતા એટલે ગાદી-તકિયા-બિછોના બિછાઈ જાય, ભગવાનને ચોપાટ રમાડાય. સોનાના પાસા, ચાંદીનાં સોગઠાંથી રોજ રુક્મિણીજી, પટરાણીઓ સાથે રમતાં હોય એ ભાવ કરવામાં આવે.’
સંસ્કૃતમાં સ્નેહપત્ર
સંસ્કૃત ભાષામાં લખાયેલા પત્રની વાત અને રુક્મિણીજી પણ મંદિરમાં આવે છે એવો ભાવ વ્યક્ત કરતાં દ્વારકા મંદિરના અન્ય પૂજારી જગદીશચંદ્ર પાટ કહે છે, ‘અમે પોતે રાત્રે સૂવા ટાણે ભગવાન સમક્ષ રુક્મિણીજીનો પત્ર વાંચીએ છીએ. હું પોતે છેલ્લાં ૫૦ વર્ષથી વાંચું છું.’