જાણીએ હોમમેડ જલેબી-ફાફડાનો ફન્ડા
દશેરા સ્પેશ્યલ
પ્રતીકાત્મક તસવીર
દશેરાના દિવસે જલેબી-ફાફડા ખાવાની પરંપરા કેવી જોરદાર પળાઈ રહી છે એનો અંદાજ ફરસાણવાળાની દુકાન પાસે લાગતી લાંબીલચક લાઇનથી આવી જાય છે. જોકે કેટલાક સ્માર્ટ ગુજરાતીઓ પણ છે, જેઓ આ લાઇનમાં ઊભા રહેવા કરતાં જાતે જ ઘરમાં જલેબી-ફાફડા બનાવવાનું વધુ ઉચિત સમજે છે. જાણીએ તેમનાં હોમમેડ જલેબી-ફાફડાનો ફન્ડા.
દશેરાના દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. એ ધર્મના વિજયનો દિવસ છે. કશાક સારા સમાચાર હોય ત્યારે આપણે મીઠું મોઢું કરીને એની ખુશી વહેંચતા હોઈએ. જલેબી ખાવાની પ્રથા પણ એવી જ રીતે પડી હોવી જોઈએ. દશેરાના દિવસે જલેબીની સાથે ફાફડા પણ ખવાતા હોય છે. મુંબઈ હોય કે ગુજરાત, જલેબી-ફાફડા લેવા કંદોઈની દુકાને વહેલી સવારથી લાઇન લાગતી હોય છે. લોકો બબ્બે કલાક લાઇનમાં ઊભા રહે, પણ અમુક લોકો એવા હોય છે જેઓ આવી લાઇનો લગાવવાનું ટાળે છે અને જલેબી-ફાફડા ઘરે જ બનાવી લે છે. આજે આપણે થોડા એવા લોકોને મળીશું જેઓ ક્યારેય જલેબી-ફાફડા બજારમાંથી લેતા નથી અને દર દશેરાએ અને ઈવન વચ્ચે-વચ્ચે પણ જ્યારે મન થાય ત્યારે ઘરે બનાવીને ખાય છે.
ADVERTISEMENT
દીકરાના જન્મની ઉજવણી
ભારતી ગડા દર વર્ષે દશેરાના દિવસે ઘરે જલેબી બનાવે છે. એ વિશે વાત માંડતાં તેઓ કહે છે, ‘મારા દીકરાનો જન્મ તિથિ પ્રમાણે દશેરાના દિવસે થયો છે. દશેરા છે એટલે તિથિ બરાબર યાદ રહે. કેક વગેરે તો અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણેની તારીખે કાપતા હોઈએ. જન્મદિવસના કશુંક મીઠું બનાવવાનું મન થાય અને દશેરાના દિવસે જલેબી ખાવાની પ્રથા છે એટલે મેં જલેબી ઘરે જ બનાવવાનું શરૂ કર્યું. હું પરણીને આવી ત્યારે મારી બાજુમાં એક મારવાડી પાડોશી હતા. મારવાડી લોકો જલેબી ઘરમાં જ બનાવતા હોય છે, તેમની પાસેથી હું શીખી. લગભગ પા કિલો લોટમાંથી તો આખું ઘર ખાઈ લે એટલી જલેબી બને. ઉપરથી ઘરનું સાચું ઘી હોય. હું કેસર નાખું, અન્ય કોઈ આર્ટિફિશ્યલ કલર વાપરતી નથી. પ્લાસ્ટિકની સૉસ સર્વ કરવાની બૉટલથી જલેબી પાડું, એ બહુ સવળું પડે છે. પાતળી-પાતળી અને એકદમ ક્રિસ્પી જલેબી બને. પચીસથી વધુ વર્ષથી હું જલેબી બનાવું છું. હવે તો એવો હાથ બેસી ગયો છે કે બહુ જ ફાઇન બને છે. જલેબી બનાવવા માટે મેં થોડુંક છીપતરું લોખંડનું લોયું વસાવ્યું છે. એને કારણે ઘી વેસ્ટ થતું નથી, બહુ જ ઓછા ઘીમાં બધી જલેબી તળાઈ જાય છે. જે થોડુંઘણું ઘી વધે એમાં બીજા દિવસે હું માલપૂઆ અથવા પૂડલા ઉતારું. પૂડલા પર બૂરો સાકર છાંટીને ખાવાની મજા પડે. ફાફડા પણ હું ઘણી વાર બનાવું છું, પરંતુ જલેબીની જેમ દર વખતે બનાવવા જ એવો નિયમ નથી રાખ્યો. ફાફડામાં જો તમે પાપડખાર કે ધોવાનો સોડા ન નાખો તો એ સૉફ્ટ બનતા નથી. મને આ બન્ને વસ્તુઓ વાપરવી બિલકુલ ગમતી નથી. એ તબિયત માટે જરા પણ સારી નથી. હું ક્યારેક બનાવું તો કશું નાખું નહીં એટલે બજાર જેવા સૉફ્ટ નથી બનતા, પણ અમે ખાઈ લઈએ, બહારથી તો ન જ લાવીએ. લોકો પાપડખારવાળું વધેલું તેલ પછીથી વાપરતા હોય છે જે જરાય યોગ્ય નથી. એ તેલ કડવાશ પકડી લે છે એ પછી કોઈ વસ્તુમાં વપરાય નહીં. જલેબી તો દર દશેરાએ બનાવવી જ એવો ધારો બની ગયો છે, ફાફડા ક્યારેક બનાવું, ક્યારેક ન પણ બનાવું. મારા દીકરાનું નામ જિનેશ છે. તેનો જન્મદિવસ હોય એટલે દર વર્ષે તેના નામના અક્ષરની હું જલેબી પાડું અને એ રીતે અમે તિથિ પ્રમાણેનો તેનો જન્મદિવસ ઊજવીએ.’
નાનપણની ટ્રેઇનિંગ
ડોમ્બિવલીમાં રહેતાં ધર્મિષ્ઠા ભાનુશાલી પણ ફાફડા ઘરે જ બનાવી લે છે. ધર્મિષ્ઠાબહેનનાં આ માટેનાં જુદાં કારણ છે. પોતાની વાત મૂકતાં તેઓ કહે છે, ‘મારા પપ્પાની કરિયાણાની દુકાન છે. કોઈ પણ તહેવાર હોય જેમ કે દશેરા, દિવાળી, હોળી કંદોઈઓ ઢગલાબંધ કપડાં ધોવાનો સોડા ખરીદી જાય. એ બધો સોડા ફરસાણ બનાવવામાં વાપરે. મારા પપ્પા કાયમ આ વાત કહેતા હોય. નાનપણથી જ મારા મગજમાં એ વાત ઘર કરી ગયેલી. કોઈ પણ પ્રકારનું ફરસાણ હોય કે ફાફડા-ગાંઠિયા હોય, કપડાં ધોવાના સોડા વગર બનતા નથી. એટલે મેં ફાફડા ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો અને સોડા વગર પણ ઘણા સારા ફાફડા બન્યા. જ્યારે પહેલી વખત જલેબી ટ્રાય કરી હતી ત્યારે થયું હતું કે બજાર જેવી જલેબી આપણાથી થોડી બને, પણ સાચું કહું તો આપણે જ્યાં સુધી કોઈ કામ શરૂ નથી કરતાં ત્યાં સુધી એ અઘરું હોય છે. મેં યુટ્યુબમાં જોઈને જલેબી અને ફાફડા બેઉ બનાવવાનો પ્રયત્ન કર્યો. જોકે પહેલી વાર બધું ઠીક-ઠીક બન્યું હતું, પણ ઘરના બધાએ પ્રેમથી ખાધું. બહારનું અગડમબગડમ ખાવા કરતાં ઘરનું ઘણું સારું કહેવાય. હવે તો હું મજાનાં જલેબી-ફાફડા બનાવતી થઈ ગઈ છું. અમારે ત્યાં દશેરાના દિવસે જલેબી-ફાફડા સાથે સમોસાં પણ ખાવાનું ચલણ છે, પણ મને સમોસાં બનાવતાં નથી આવડતું. હવે હું એ પણ ટ્રાય કરવાની છું. બનાવ્યું નહોતું ત્યાં સુધી મને એમ હતું કે જલેબી-ફાફડા બનાવવાં એ તો કેટલો મોટો ટાસ્ક છે, કેટલા બધા કલાક ખાઈ જશે. પણ બિલીવ મી, જરાય અઘરું નથી. એના કરતાં તો પાંઉ કે બ્રેડ બનાવવામાં વધારે જફા છે.’
વણેલા ગાંઠિયા જીવન
સૌરાષ્ટ્રવાસીઓના આ જ વણેલા ગાંઠિયા અને ફાફડાના પ્રેમ વિશે વાત કરતાં અંકિતા સંચાણિયા કહે છે, ‘અમે સૌરાષ્ટ્રવાસીઓ વણેલા ગાંઠિયા કે ફાફડા સિવાય જીવી જ ન શકીએ. સવાર પડે એટલે સૌરાષ્ટ્રવાસીઓ ચા સાથે ખાવા માટે થેલી લઈને ફાફડાની રેંકડીએ પહોંચી જાય. મહેમાન આવ્યા હોય તો તો ખાસ આ જ નાસ્તો હોય. રાતે જો મોડે સુધી જાગતા હોઈએ ત્યારેય અમને ફાફડા-ગાંઠિયા કમ્પલ્સરી જોઈએ. સૌરાષ્ટ્રમાં ગમે એટલા વાગ્યા હોય, મળી જાય. નોકરીને કારણે અમારે દાહોદ શિફ્ટ થઈ જવાનું બન્યું અને અમે અમારી પ્રિય વાનગી મિસ કરવા લાગ્યા. જોકે સૌરાષ્ટ્રની સ્ત્રીઓને ફાફડા બનાવતાં તો બાય ડિફૉલ્ટ આવડતા જ હોય. બનાવવા અઘરા છે, એ માટે ફુલ પ્રૅક્ટિસ જોઈએ. હું સ્કૂલમાં જૉબ કરતી એનાં પ્રિન્સિપાલ-મૅડમ બહુ પ્રેમ રાખતાં. તેમનું ઘર પણ ત્યાં જ હતું. ક્યારેક તેઓ અમને કહેતાં કે ચાલો છોકરીઓ ભૂખ લાગી છે તો કશું બનાવીએ અને તેમની પાસેથી હું ફાફડા અને વણેલા ગાંઠિયા બનાવતાં શીખી. આજની તારીખે પણ અમે ઘરમાં અઠવાડિયે કે ૧૦ દિવસે તો ગાંઠિયા બનાવીએ જ અને ગરમાગરમ ખાઈને પૂરા કરી નાખીએ. વધવા નહીં દેવાના. દશેરાના દિવસે પણ જલેબી બહારથી લઈ આવીએ, પરંતુ ગાંઠિયા તો કોઈ દિવસ નહીં. વણેલા ગાંઠિયા અને ફાફડામાં મારી માસ્ટરી આવી ગઈ છે. હવે તો લોકો ફાફડા બનાવવાની ફરમાઈશ કરતા થઈ ગયા છે. હું એની સાથે કાચાં પપૈયાં અને ગાજરનો સંભારો કરું, ચણાનો લોટ અને મરચાંનો બનેલો સંભારો પણ કરું. સાથે ડુંગળી અને તળેલાં મરચાં પણ હોય. પૂરતાં બનાવવાનાં અને ગરમાગરમ ખાઈ જવાનાં એ જ સાચી મોજ છે.
મેંદા વિનાની જલેબીની ખાસ રેસિપી
અંકલેશ્વરથી ૩૦ કિલોમીટર અંદર પઠાર ગામમાં રહેતાં હેતલ ચોકસીએ જલેબી બનાવવા માટે પોતાની આગવી રીત વિકસાવી છે. હેતલબહેન એ વિશે વાત કરતાં કહે છે, ‘નૉર્મલી જલેબી મેંદામાંથી બને છે અને મેંદો તબિયત માટે અત્યંત હાનિકારક વસ્તુ છે. અમારા ઘરમાં અમે ક્યારેય મેંદો લાવતા નથી. દશેરા હોય કે ન હોય, જલેબી-ફાફડા ઘરે જ બનાવવાનાં. મૂળ તો અમે તપોવન કન્યાકુમારી સાથે સંકળાયેલાં છીએ. પચીસથી વધુ વર્ષ થયાં અમે બહારનું ખાવાનું સદંતર બંધ કર્યું છે. જે મન થાય એ બધું ખાવાનું, પણ બનાવવાનું ઘરમાં જ. હું દરેકેદરેક આઇટમ ઘરે બનાવું છું, દશેરાના દિવસે જલેબી-ફાફડા ખાવાનું મન થાય, પરંતુ એ પણ ઘરે જ બનાવવાનાં.’ પોતાની જલેબીની રેસિપી શૅર કરતાં હેતલબહેન કહે છે, ‘જલેબી માટે હું ઘઉંના લોટમાં અડદની દાળ અને ઘરનું બનાવેલું માખણ ઉમેરીને આથો આવવા મૂકી દઉં. બીજા દિવસે સરસમજાનો આથો આવી જાય અને એમાંથી સરસ જલેબી બને. મેંદાનો ઑપ્શન શું હોઈ શકે એ વિચારતાં અને પ્રયોગ કરતાં-કરતાં આ રીત મને હાથ લાગી ગઈ. હું જુવારમાં અડદની દાળ ઉમેરીને પણ જલેબી બનાવું છું અને સાચું કહું તો બજારમાં મળતી જલેબી કરતાં સરસ બને છે. મેંદામાંથી બનતી દરેક ચીજ માટે મેં રિપ્લેસમેન્ટ શોધી લીધું છે.’