ચાર મહિનાથી ચાલતા આ સ્ટાર્ટઅપમાં છઠ્ઠાથી બારમા ધોરણના ૧૮ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને પ્રૉફિટેબલ બિઝનેસ કરે છે
અમદાવાદ અને અન્ય સ્થળે યોજાયેલા મેળામાં પોતે બનાવેલાં આર્ટિકલ્સ સાથે વિદ્યાર્થીઓ.
અમરેલી પાસેનાં ઈશ્વરિયા ગામની ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલની હૉસ્ટેલમાં રહેતા ૧૮ વિદ્યાર્થીઓએ ભણવાની સાથે-સાથે શરૂ કર્યું એવું સ્ટાર્ટઅપ જે તેમની પ્રોફેશનલ સ્કિલ્સ ખીલવવાની સાથે આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થયું છે. ચાર મહિનાથી ચાલતા આ સ્ટાર્ટઅપમાં છઠ્ઠાથી બારમા ધોરણના ૧૮ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને પ્રૉફિટેબલ બિઝનેસ કરે છે
ડૉ. અબ્દુલ કલામ. આ નામ જ પૂરતું છે લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા માટે. તમે કોઈ પણ જગ્યાએ રહેતા હો, પરંતુ તમારામાં કંઈક સારું કરી છૂટવાની તમન્ના હોય અને તમારા લક્ષ્યમાં તમે આગળ વધવા પ્રયત્ન કરો તો એનું પરિણામ કંઈક જુદું જ મળે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામમાંથી પ્રેરણા લઈને સૌરાષ્ટ્રના ઈશ્વરિયા ગામે શાળાના સંચાલકે વિદ્યાર્થીઓ સાથે મળીને એવું કામ શરૂ કર્યું છે કે ‘કમાલ કરી દીધી’ એવું સ્વાભાવિક રીતે બોલાઈ જવાય.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં અમરેલીથી આશરે ચાર કિલોમીટર દૂર ઈશ્વરિયા ગામ આવ્યું છે. આ ગામમાં ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલ છે જેમાં ગુજરાતી માધ્યમમાં નર્સરીથી બારમા ધોરણ (કૉમર્સ) સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલમાં કલામ યુથ સેન્ટર પણ ચાલે છે અને એની શરૂઆત સ્કૂલના સંચાલકને આવેલા એક સદ્વિચારથી થઈ છે. એક સદ્વિચાર કેવું પરિવર્તન લાવી શકે એનું ઉત્તમ ઉદાહરણ બની રહેલી આ શાળાના સંચાલક જય કાથરોટિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘આઠેક મહિના પહેલાં અમારી સ્કૂલની હૉસ્ટેલની ફી ભરવા માટે એક વાલીએ તેમની બાઇક વેચી દીધી અને તેમના દીકરા માટે ફી ભરી હતી. આ વ્યક્તિ સ્વમાની હતી એટલે ફીમાં ડિસ્કાઉન્ટ પણ નહોતું માગ્યું. આ વાતને દોઢેક મહિનો થયા બાદ એની મને ખબર પડી ત્યારે મને થયું કે હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી પાસે ૨૪ કલાક રહે છે તો વાલી અને શિક્ષકની જવાબદારી આપણી છે. બેઝિકલી અહીં હૉસ્ટેલમાં ગામડાના વિદ્યાર્થીઓ રહેતા હોય છે. તેમના વાલીઓ ખેતી કે મજૂરીકામ કે અન્ય કોઈ નાનાં-મોટાં કામધંધા પર નિર્ભર હોય છે એટલે વિચાર આવ્યો કે સ્કૂલના પ્રિમાઇસિસમાં એવી વ્યવસ્થા ન થાય જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કિલ પણ ખીલે અને વાલીઓને સહયોગ પણ મળી રહે.?’
ઍસેમ્બલિંગનું કામ, મગ અને ટી-શર્ટ પ્રિન્ટિંગનું કામ, મુખવાસદાનીનું કામ, પર્સની ડિઝાઇનિંગનું કામ અને લેસર મશીન પર કામ કરી રહેલા વિદ્યાર્થીઓ.
શરૂઆત કેવી રીતે?
વિદ્યાર્થીઓની સ્કિલ ખીલી ઊઠે અને તેમના પેરન્ટ્સને મદદ થઈ શકે એવા ઉદ્દેશથી સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવા માટે સ્ટાર્ટઅપ શરૂ થયું એની વાત કરતાં જય કાથરોટિયા કહે છે, ‘અમારી સ્કૂલમાં સ્ટુડન્ટ્સ વેલ્ફેર ક્લબ ચાલે છે જેનું નામ ડૉ. કલામ યુથ સેન્ટર છે. એમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને ફ્રી સમયમાં વિદ્યાર્થીઓ કામ શીખી શકે એવું આયોજન હાથ ધરીને આઠ-નવ મહિના પહેલાં હૉસ્ટેલમાં રહેતા હોય એવા વિદ્યાર્થીઓને ટેક્નિકલ સ્કિલ શીખવવાનું શરૂ કરેલું. પહેલાં અમે ટી-શર્ટ અને મગ પર પ્રિન્ટિંગ થાય એવું મશીન લાવ્યા અને સ્ટાર્ટઅપ સ્ટુડિયો નામ આપીને કામ શરૂ કરાવ્યું. એની સાથે લૉસ બૅન્ક આપી, કારણ કે વિદ્યાર્થીઓ નવું કંઈક શીખતા હોય તો ભૂલ થાય, નુકસાન થાય, મશીન ખરાબ થાય, મગ કે ટી-શર્ટ પર મિસપ્રિન્ટ થાય તો એ નુકસાનની ભરપાઈ કરવા માટે લૉસ બૅન્ક આપી જેમાં ૫૦,૦૦૦ રૂપિયા જમા રાખ્યા છે અને કોઈ વસ્તુ બગડે, ભૂલ થાય તો આ લૉસ બૅન્કમાંથી પૈસા રિકવર થઈ શકે. શરૂઆતમાં પ્રિન્ટરનું હેડ ખરાબ થઈ ગયું, કૉઇલ બળી ગયું, ટી-શર્ટ મિસપ્રિન્ટ થયાં અને ૪૦૦૦ રૂપિયાનો લૉસ થયો. જોકે ત્રણ મહિનાના અંતે આ છોકરાઓએ ૨૫,૦૦૦ રૂપિયાનો પ્રૉફિટ કર્યો અને એ પણ તેમની મેળે અને આજે આ સ્ટાર્ટઅપ સ્ટુડિયો વિદ્યાર્થીઓની ઇકો-સિસ્ટમ બની ગયો છે. આખી સિસ્ટમ સ્ટુડન્ટ્સ જ ચલાવે છે.’
અમદાવાદમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓએ બનાવેલી વસ્તુઓ જોઈને તેમને બિરદાવ્યા હતા.
વિદ્યાર્થીઓ જોડાતા ગયા
આ સ્ટાર્ટઅપમાં કઈ રીતે હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ એક પછી એક જોડાતા ગયા એ વિશે વાત કરતાં જય કાથરોટિયા કહે છે, ‘આ કામ શરૂ કર્યું ત્યારે હૉસ્ટેલમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓ એમાં જોડાયા હતા. જે દીકરાના પિતાએ બાઇક વેચીને ફી ભરી હતી તે પણ આ કામમાં જોડાયો હતો. જોકે જેમ-જેમ અવનવી વસ્તુઓ બનાવતાં શીખવવાનું કામ આગળ વધતું ગયું એમ હૉસ્ટેલમાં રહેતા બીજા વિદ્યાર્થીઓને પણ આ પ્રવૃત્તિમાં રસ પડ્યો. આજે છઠ્ઠાથી બારમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૮ વિદ્યાર્થીઓને આ કામમાં જોડાઈને વિવિધ વસ્તુઓ બનાવી રહ્યા છે. ડાયરી, પેન-સ્ટૅન્ડ, લેડીઝ પર્સ, ડ્રાયફ્રૂટ બૉક્સ, મની બૅન્ક, ટી કોસ્ટર, વૉલ-ક્લૉક જેવી પ્રોડક્ટ વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છે જેમાં પર્સ, વૉલ-ક્લૉક તેમ જ પેન-સ્ટૅન્ડનાં અલગ-અલગ મૉડલ બનાવે છે. બીજી ખાસ વાત એ છે કે દરેક પ્રોડક્ટ પર મેડ ઇન અમરેલી, મેડ બાય સ્ટુડન્ટ્સનો ટૅગ લગાવીએ છીએ જેથી લોકોને ખબર પડે કે આ પ્રોડક્ટ વિદ્યાર્થીઓએ બનાવી છે.’
અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં પોતાના સ્ટાર્ટઅપ વિશે રજૂઆત કરી રહેલા વિદ્યાર્થીઓ.
ટ્રેઇનિંગ
વિદ્યાર્થીઓ જાતે જ કામ શીખે અને એનો અનુભવ કરે અને ક્યાંક કોઈ ટેક્નિકલ બાબતે મૂંઝવણ હોય તો એક્સપર્ટની મદદ લે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે એ વિશે વાત કરતાં જય કાથરોટિયા કહે છે, ‘વિદ્યાર્થીઓના આ કામમાં શાળાના કોઈ શિક્ષક ઇન્વૉલ્વ નથી. હું તેમનું મેન્ટરિંગ કરું છું. એ ઉપરાંત તેઓ યુટ્યુબમાં જુએ કે કેવી રીતે કામ થાય છે, મશીન કેવી રીતે ઑપરેટ થાય છે. એક સંસ્થાએ લેધર કટર મશીન આપ્યું જેમાં વિદ્યાર્થીઓ ડિઝાઇન કરે, કટિંગ કરે, ઍસેમ્બલિંગ કરે અને ઇલેક્ટ્રિક કામ પણ કરે છે. એ ઉપરાંત તેમને જ્યારે સલાહ કે સહાયની જરૂર હોય ત્યારે એવા માર્ગદર્શક મિત્રો પણ છે જેમના થકી વિદ્યાર્થીઓને ગાઇડન્સ મળી રહે છે. ટેક્નિકલ બાબતે કોઈ પ્રશ્ન હોય તો અમદાવાના ધ્રુવભાઈ સૈડવા તેમને તમામ મદદ કરે છે. જ્યારે અમરેલીના કલ્પેશભાઈ સરધારા બિઝનેસમૅન છે અને વિદ્યાર્થીઓને બિઝનેસને લગતી આંટીઘૂંટીઓ સમજાવે છે. અમુક પ્રોડક્ટ માર્કેટમાં ચાલશે કે નહીં એના સહિતની બાબતો સમજાવે છે અને ગાઇડ કરે છે. બીજી ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ જે કામ કરતા હોય એની નોંધ પણ રાખે છે અને દરેક મશીન પર કામના સમયની ડાયરી મેઇન્ટેન કરે છે. કેટલો સમય મશીન પર કામ કર્યું કે ઍસેમ્બલિંગનું કામ કર્યું કે ટી-શર્ટ કે મગ-પ્રિન્ટિંગનું કામ કર્યું એની નોંધ એક વિદ્યાર્થી ડાયરીમાં કરે છે જેથી કયા વિદ્યાર્થીએ કેટલો સમય કામ કર્યું એ નોંધાય છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓએ ડેવલપ કરી છે.’
સેલ અને પ્રૉફિટ
પહેલાં બાળકો સ્કૂલ-પ્રિમાઇસિસમાં રહીને બિઝનેસ કરતા હતા, પરંતુ હવે આ વિદ્યાર્થીઓ અમરેલીના સીમાડા વટાવીને આગળ વધી રહ્યા છે અને બિઝનેસ કરતા થયા છે એની વાત કરતાં જય કાથરોટિયા કહે છે, ‘પહેલાં તો વિદ્યાર્થીઓ શાળામાં રહીને તેમની પ્રોડક્ટ સેલ કરતા હતા અને નાના-મોટા ઑર્ડર પણ લેતા હતા, પરંતુ ડિસેમ્બર ૨૦૨૪માં અમદાવાદમાં સાત્ત્વિક મહોત્સવ થયો હતો એમાં અમારા ૮ વિદ્યાર્થીઓ તેમની પ્રોડક્ટ લઈને ગયા હતા અને ત્યાં ચાર દિવસમાં ચાર લાખ રૂપિયાનું સેલિંગ કર્યું હતું. અમને એવી અપેક્ષા નહોતી કે એક દિવસમાં એક લાખ રૂપિયાનું સેલિંગ થશે. આ તેમનું પહેલું બહારનું માર્કેટ હતું. વિદ્યાર્થીઓની પ્રોડક્ટને ત્યાં આવકાર મળ્યો. આમ તો અમારા વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ આઠેક મહિનાથી ચાલે છે, પરંતુ વિદ્યાર્થીઓ ડિસેમ્બર ૨૦૨૪થી માર્કેટમાં આવ્યા અને ડિસેમ્બરથી માર્ચ સુધીના છેલ્લા ૪ મહિનામાં ૮ લાખ રૂપિયાનું સેલિંગ કર્યું છે.’
આટલું કામ થયા પછી વિદ્યાર્થીઓને નફો થયો છે એની વાત કરતાં જય કાથરોટિયા કહે છે, ‘વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે કોઈ પણ વસ્તુ પર ૨૦ ટકાથી વધુ નફો લેવો નહીં, કેમ કે વિદ્યાર્થીઓ જે કામ કરી રહ્યા છે એમાં મશીન, લાઇટ-બિલ અને જગ્યાના ભાડાનો ખર્ચ સ્કૂલ કરી રહી છે જેના માટે લૉસ બૅન્ક છે. આ વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં બિઝનેસ કરીને અંદાજે ૧,૬૦,૦૦૦ રૂપિયાનો નફો કર્યો છે. પહેલાં મૅન્યુફૅક્ચરિંગ ટીમમાં ૪ વિદ્યાર્થીઓ હતા અને આજે આ ટીમ ૧૨ વિદ્યાર્થીઓની થઈ છે જેમને મશીન ઑપરેટ કરતાં આવડે છે. બીજા ૬ વિદ્યાર્થીઓને ઍસેમ્બલિંગનું અને ઇલેક્ટ્રૉનિક્સનું કામ આવડે છે તથા લેઝર મશીન ઑપરેટ કરે છે. બહાર આર્કિટેક્ટ અને એન્જિનિયરિંગનો કોર્સ થાય છે, પરંતુ અમારા વિદ્યાર્થીઓ અત્યારથી આ મશીન ઑપરેટ કરતા થઈ ગયા છે.’
વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહેલા જય કાથરોટિયા.
રાજ્યપાલની સરાહના
વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓની સરાહના થઈ રહી છે એની વાત કરતાં જય કોથરોટિયા કહે છે, ‘અમદાવાદમાં મિલેટ મહોત્સવ યોજાયો હતો ત્યાં વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. અહીં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોની પ્રોડક્ટ જોઈને તેમને બિરદાવ્યાં હતાં. એ ઉપરાંત અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં જાન્યુઆરીમાં વિદ્યાર્થીઓએ એજ્યુકેશન અને ઇનોવેશનની કૉન્ફરન્સમાં સંવેદના, સર્જનશીલતા અને આત્મનિર્ભરતા વિશે છોટે ઑન્ટ્રપ્રનર તરીકે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ગુજરાત ટેક્નૉલૉજી યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે અવૉર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.’
એક સદ્વિચાર કેવું પરિવર્તન લાવી શકે એનો દાખલો ઈશ્વરિયા ગામની ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલ બની છે. હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ૧૮ વિદ્યાર્થીઓમાં શાળાના સંચાલકે સ્કિલ ડેવલપ કરવામાં મદદ કરી જેને પગલે આ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાયો છે અને નવી-નવી વસ્તુ બનાવવામાં ઉત્સુકતા જાગી છે અને વિવિધ પ્રોડક્ટ બનાવીને ઘરમાં મદદ કરવાના સપના સાથે આગળ વધી રહ્યા છે.
વિદ્યાર્થીઓએ બનાવેલી હનુમાનદાદાની ફોટોફ્રેમ, કી-સ્ટૅન્ડ, મુખવાસદાની.
ફ્રી ટાઇમનો સદુપયોગ કરીને મારે એવું કંઈક કરવું છે જેથી મારા માતાપિતાને આર્થિક રીતે સપોર્ટ મળી રહે
ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં હૉસ્ટેલમાં રહીને નવમા ધોરણમાં અભ્યાસ કરતો રુદ્ર વેકરિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘મારે સાયન્ટિસ્ટ બનવું છે. હું માનું છું કે અભ્યાસ કર્યા બાદ ફ્રી ટાઇમનો સદુપયોગ જુદી-જુદી વસ્તુઓ બનાવવામાં કરું. હું માનું છું કે ફ્રી ટાઇમનો સદુપયોગ કરતાં શીખી જઈએ તો અત્યારથી આપણે કંઈક નવું શીખી શકીએ અને આપણને અને આપણાં માતાપિતાને આર્થિક રીત સપોર્ટ મળી શકે. હું અહીં ટી-શર્ટ પર પેઇન્ટિંગ કરું છું, પર્સ બનાવવા સહિતનાં કામ કરું છું અને એ પ્રવૃત્તિ મને ગમે છે અને એમાં મને રસ છે, પૈસા મળે છે. આ પૈસા માતાપિતાને આપું અને તેમની પાસે ઇન્વેસ્ટ કરાવું એવી મારી ઇચ્છા છે.’
નવમા ધોરણમાં અભ્યાસ કરતો અલ્કેશ વાઘેલા ‘મિડ-ડે’ને કહે છે, ‘મારે એન્જિનિયર બનવું છે અને આ કામ હું કરું છું અને એ મને ગમે છે. રોજ હું અભ્યાસ બાદ બેથી ત્રણ કલાક ઘડિયાળ બનાવું, ટી-શર્ટ અને મગ પર પેઇન્ટિંગ કરું તથા નાઇટ-લૅમ્પ બનાવવાનું કામ કરું છું. આ બધાં કામ કરતાં શીખવાનું મળે છે. આગળ જતાં પૈસા કમાઈને હું મારા ઘરે મમ્મી-પપ્પાને મદદરૂપ થઈશ.

