ડૉ. જોસેફ મર્ફીની બુક ‘ધ પાવર ઑફ યૉર સબકૉન્શિયસ માઇન્ડ’ આ જ વાત કહે છે અને ઘીથી લથબથ ખીચડીની જેમ એ તમારા ગળે પણ ઊતરી જાય છે
બુક ટૉક
ડૉ. જોસેફ મર્ફીની બુક ‘ધ પાવર ઑફ યૉર સબકૉન્શિયસ માઇન્ડ
મૂળ આયરલૅન્ડના પણ કૉલેજ પછી અમેરિકામાં સેટલ થયેલા ડૉ. જોસેફ મર્ફીએ લખેલી બુક ‘ધ પાવર ઑફ યૉર સબકૉન્શિયસ માઇન્ડ’ની વાત શરૂ કરતાં પહેલાં આ બુકની થોડી આંકડાબાજી જોઈએ.
‘ધ પાવર ઑફ યૉર સબકૉન્શિયસ માઇન્ડ’ની અત્યાર સુધીમાં ચાર કરોડથી વધારે નકલ વેચાઈ ચૂકી છે. આ બુક દુનિયાની બોતેર ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે અને એ પણ ઑફિશ્યલ. એવું માનવામાં આવે છે કે આ ભાષાઓ સિવાય પણ દુનિયાની બીજી ચાલીસ ભાષામાં એનું ગેરકાનૂની રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે. ‘ધ પાવર ઑફ યૉર સબકૉન્શિયસ માઇન્ડ’ પર આજે વિશ્વમાં બેતાલીસ ઑફિશ્યલ બ્રેઇન શો ચાલી રહ્યા છે તો જગતમાં ચાલતા સોથી વધારે બ્રેઇન શો એવા છે જેણે આ બુક’ પરથી પોતાનો શો ડિઝાઇન કર્યો છે, પણ ક્યારેય ડૉ. જોસેફ મર્ફીને એનો જશ આપ્યો નથી.
ADVERTISEMENT
‘ધ પાવર ઑફ યૉર સબકૉન્શિયસ માઇન્ડ’ની સૌથી મોટી ખાસિયત એ છે કે આ બુક માત્ર સાઇકોલૉજી પર આધારિત નથી પણ આ દુનિયાની પહેલી એવી બુક છે જેમાં સાઇકોલૉજી અને સ્પિરિચ્યુઅલિટીનો સમન્વય છે. ઈશ્વરમાં અપાર શ્રદ્ધા | ડૉક્ટર જોસેફ મર્ફી જ્યારે નાના હતા ત્યારે જ તેણે આયરલૅન્ડની જેસ્યુલ્ટસના ટૂંકા નામે ઓળખાતી ધ સોસાયટી ઑફ જિસસમાં મેમ્બરશિપ લીધી હતી અને તે જિસસના સંદેશા સમજવા માટે નિયમિતપણે ક્લાસમાં જતા. પરિણામે જોસેફમાં આધ્યાત્મિકતાના ગુણો એ સ્તર પર ડેવલપ થયા કે તે એવું માનવા લાગ્યા કે બધું પહેલેથી નિર્ધારિત છે એ ત્યારે જ શક્ય બને જ્યારે તમે નિર્ધારેલી વાતને સાકાર કરવામાં કુદરતને મદદ કરો. બસ, આટલી અમસ્તી વાત પર તેણે સાઇકોલૉજી પર પણ રીડિંગ શરૂ કર્યું.
તમને જાણીને નવાઈ લાગશે પણ હકીકત છે કે જોસેફ કૉલેજમાં આવ્યા ત્યારે તેણે ઑલરેડી કૉલેજમાં ભણાવવામાં આવતી સાઇકોલૉજીની તમામ બુક્સ વાંચી લીધી હતી. આધ્યાત્મિકતા અને મનાદર્શના અભ્યાસ પછી જોસેફને લાગ્યું કે આપણે એક સાયન્સ બિલકુલ ભૂલી ગયા છીએ, જેનું નામ તેણે આપ્યું રિલિજિયસ સાયન્સ.
આ પણ વાંચો: સ્ત્રી પૂજનીય અને એ પછી પણ તમામ ત્રાસ તેના પર, શું કામ?
‘ધ પાવર ઑફ યૉર સબકૉન્શિયસ માઇન્ડ’ આ જ રિલિજિયસ સાયન્સ પર આધારિત છે અને એના આધારે જે એમાં કહેવામાં આવ્યું છે માણસ પોતાના કૉન્શિયસ માઇન્ડ પર ભલે મુસ્તાક હોય, પણ તેની પાસે જે સાચું શસ્ત્ર છે એ સબકૉન્શિયસ માઇન્ડ છે. જો એનો સાચો ઉપયોગ કરવામાં આવે તો માણસ પોતાની લાઇફમાં ધરમૂળથી ફેરફાર કરી શકે છે અને પોતે ઇચ્છે છે એ દરેક વાતને સાકાર કરી શકે છે.
હિન્દુ ફિલોસૉફીનો પણ સમાવેશ | ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના સંબંધોને સાર્થક પુરવાર કરવા માટે જોસેફે માત્ર ક્રિશ્ચન ધર્મની ફિલોસૉફીનો જ નહીં પણ હિન્દુ ધર્મની ફિલોસૉફીનો પણ અભ્યાસ કર્યો, જેના માટે તે ઇન્ડિયા આવ્યા અને ભારતીય સાધુસંતો સાથે ઑલમોસ્ટ ચાર વર્ષ રહ્યા. પોતાના ભારત પ્રવાસ દરમ્યાન જોસેફે હિન્દુ શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો અને એ તારણ પર પહોંચ્યા કે જો વૈશ્વિક ધર્મની શરૂઆત થાય તો આખી દુનિયા સર્વશ્રેષ્ઠ પરિણામ લાવી શકે. આ દિશામાં જોસેફે કામ પણ શરૂ કર્યું, પણ સફળતા ન મળી. હા, એક સાવ જ અલગ સફળતા મળી જેણે આજે વિશ્વને એક નવો જ અભ્યાસક્રમ આપી દીધો.
આધ્યાત્મિકતા અને મનની શક્તિ વિશે જાણવા માટે સતત સક્રિય રહેલા જોસેફ મર્ફીના પ્રયાસોને કારણે અમેરિકામાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિલિજિયસ સાયન્સનો શુભારંભ થયો અને આજે એ કોર્સ અમેરિકામાં સૌથી વધારે પ્રચલિત થયો છે. આ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થયાનાં દસ વર્ષ પછી ફરીથી જોસેફ મર્ફીને લાગ્યું કે તેણે નવું જાણવું જોઈએ એટલે તેણે પીએચડીની શરૂઆત કરી અને સાઇકોલૉજી ઑફ સબકૉન્શિયસ માઇન્ડ પર સનદ મેળવી. જોસેફે કહ્યું હતું, ‘દુનિયામાં કશું જ એવું નથી જે માણસને હેલ્પ કરે, સિવાય કે તેનું સબકૉન્શિયસ માઇન્ડ. દોરા-ધાગાથી માંડીને ક્રૉસનું લૉકેટ તમે પહેરશો તો નહીં ચાલે પણ તમારે એને સતત મેસેજ આપવાનો છે કે તમે શું કરવા માગો છો. આ મેસેજ આપવાની જે પ્રક્રિયા છે એ સબકૉન્શિયસ માઇન્ડને જાગૃત કરશે અને પછી તમને જીત મેળવતાં કોઈ રોકી નહીં શકે.’