સાઇક્લિંગ, સ્વિમિંગ, રનિંગ જેવાં ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં એક પછી એક રેકૉર્ડ બ્રેક કરી રહેલાં
હેતલ તમાકુવાલા
મળો ડૉક્ટર ‘આયર્નમૅન’ લેડીને જેમણે અઢળક વખત ઇન્જર્ડ થયા પછી પણ પોતાનું પૅશન નથી છોડ્યું. સુરતનાં ૪૬ વર્ષનાં ડેન્ટિસ્ટ ડૉ. હેતલ તમાકુવાલાએ મલેશિયાની આયર્નમૅન ટ્રાયથ્લોનમાં ભાગ લઈને ટૉપ ટેનમાં સ્થાન મેળવ્યું હતું. મહિલાઓને મેનોપૉઝ આવ્યા બાદ જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે આ ડૉક્ટર.
‘ખુદ હી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહલે ખુદા બંદે સે પૂછે બતા તેરી રઝા ક્યા હૈ...’
ADVERTISEMENT
આવી જ સફર છે સુરતનાં ૪૬ વર્ષનાં ડેન્ટિસ્ટ ડૉ. હેતલ તમાકુવાલાની. ૨૦૨૨ના નવેમ્બરમાં મલેશિયાના લંકાવીમાં ‘ફુલ આયર્નમૅન ટ્રાયથ્લોન’ પૂરી કરનારાં તેઓ ભારતનાં નવમા મહિલા અને એકમાત્ર ડેન્ટિસ્ટ મહિલા બન્યાં છે. આ આયર્નમૅન ટ્રાયથ્લોન સ્પોર્ટ શારીરિક તાકાત સાથે માનસિક મક્કમતાની પણ કસોટી કરે છે, કારણ કે એમાં ૩.૮ કિલોમીટર દરિયામાં સ્વિમિંગ કર્યા બાદ ૧૮૦ કિલોમીટર સાઇકલ ચલાવવાની હોય છે અને ત્યાર બાદ ૪૨ કિલોમીટર દોડવાનું હોય છે. આ ડૉક્ટરે આકરી તાલીમ લઈને સ્પર્ધા પૂરી કરી છે એટલું જ નહીં, મનાલી-લેહ-ખારદુંગ લા ૫૨૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરવાવાળાં સુરતનાં પહેલા મહિલા બન્યાં છે. આવી રીતે એક પછી એક ધ્યેય પૂરું કરવા પાછળ તેમનો હેતુ અન્ય મહિલાઓને પ્રેરિત કરવાનો છે. ડેન્સ્ટિમાંથી ઍથ્લીટ બનવા સુધીની તેમની રોચક યાત્રા પર એક નજર.
જીતનો ચસકો લાગી ગયો
સુરતમાં જ જન્મેલાં અને ડૉક્ટર પરિવારમાં ઊછરેલાં ડૉ. હેતલ શિસ્તપાલન અને પ્રતિબદ્ધતાના ગુણોને વળગીને ૭ કલાક ક્લિનિકમાં, ૭ કલાક ટ્રેઇનિંગ અને ૭ કલાકની ઊંઘ લેવાના પોતાના ‘રૂલ ઑફ ૭’ને અનુસરે છે. પોતાની જર્ની શરૂ કેવી રીતે થઈ એની વાત કરતા તેઓ કહે છે, ‘મારી ઍથ્લીટની સફર ૩૨મા વર્ષે શરૂ થઈ હતી. ૨૦૧૦માં સુરતમાં ડૉક્ટર, સીએ અને અન્ય પ્રોફેશનલ્સ માટે ૨.૫ કિલોમીટરની ‘સુરત સિટી રન’નું આયોજન થયું હતું. એમાં હું બીજા ક્રમે આવી. ત્યારે મને નવાઈ લાગી કે વગર પ્રૅક્ટિસે જો આવું પરિણામ મળે તો થોડી મહેનત કરું તો શું થાય! મેં પોતાની ટ્રેઇનિંગ શરૂ કરી અને એક વર્ષ પછી હું આ દોડની વિનર થઈ. પછી ૨૦૧૩માં મેં ‘સુરત-નાઇટ હાફ મૅરથૉન’માં ભાગ લીધો. એમાં મેં બીજા ક્રમે દોડ પૂરી કરી. મારી ‘આયર્નમૅન ટ્રાયથ્લોન’ની સફર અહીંથી જ શરૂ થઈ ગઈ હતી. કહેવાય છેને કે એક વાર જીતનો સ્વાદ ચાખ્યા પછી તમને એનો નશો ચડે છે. બસ, પછી મારા મનમાં ધૂન સવાર થઈ ગઈ. મને બધી દોડમાં જીતવાનું મન થયું. હું સ્કૂલમાં પણ બહુ જ કૉમ્પિટિટિવ હતી. મને બીજો નંબર ગમે જ નહીં એટલે હું ટૉપ જ રહેતી હતી. એ જ જોશ સ્પોર્ટમાં આવ્યું અને હવે મેં સ્પોર્ટ-પર્સનની જેમ ટ્રેઇનિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી. એક દોડમાં જીત હાંસલ કરું એટલે બીજી જીત માટે તૈયારી શરૂ કરી દઉં. આજ સુધીમાં ૭૦ કરતાં વધારે ઇવેન્ટમાં હું ભાગ લઈ ચૂકી છું અને એમાં ૧૫ ગોલ્ડ, ૯ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેળવી ચૂકી છું.’
બૉર્ન ટુ બી વિનર
આ વર્ષે તેઓ ૧૧ જાન્યુઆરીએ થયેલી નૅશનલ ગેમ્સ ઇન્ડિયામાં સાઇક્લિંગ માટે સિલેક્ટ થયાં હતાં. આ ઇવેન્ટમાં ૧૯ વર્ષથી ઉપરના સાઇક્લિંગ કરતા ઍથ્લીટ દરેક રાજ્યમાંથી સિલેક્ટ થાય છે. નૅશનલ લેવલે સિલેક્ટ થવા માટે પહેલાં ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલમાં સિલેક્ટ થવું પડે. ત્યાર બાદ નૅશનલમાં સિલેક્શન થાય. ડૉ. હેતલ કહે છે, ‘આ વખતે ગુજરાતમાંથી સિલેક્ટ થયેલા ચાર લોકોમાં એક હું હતી. મારી સાથે ઘણા યુવાનો હતા. તમે ટીવીમાં સાઇક્લિંગની રેસ જુઓ એવી જ રીતે આ રેસ હોય. ૭૦ સ્પર્ધકોમાંથી હું ૩૨મા ક્રમે હતી. મારા માટે આ સંતોષજનક હતું, કારણ કે જે વિનર બન્યા તેમની અને મારી વચ્ચે ૩૦ સેકન્ડનું જ અંતર હતું. દરેક ઉંમરના સ્પર્ધકોને જોતાં મને એ વાતનો સંતોષ હતો કે હું આ ઉંમરે તેમની સાથે કૉમ્પિટ કરી શકું છું. આ વર્ષે એક બીજું ઍડ્વેન્ચર પૂરું થયું જે મારે ગયા વર્ષે જ કરવું હતું. મારે ‘મનાલી-લેહ-ખારદુંગ લા’ સાઇક્લિંગ કરવું હતું. સુરતમાંથી આજ સુધી કોઈએ આ કર્યું નહોતું, કારણ કે ૫૨૦ કિલોમીટરનું અંતર, પાંચ ડિગ્રી તાપમાન અને ૧૮,૫૦૦ ફીટની ઊંચાઈને કદાચ બહુ જ પડકારજનક સાહસ કહી શકાય. આ વર્ષે ગયા મહિને જ મેં આ ચૅલેન્જ પણ પૂરી કરી. મારા હસબન્ડ ડૉ. દીપક તમાકુવાલા ગાઇડ અને મેકૅનિક સાથે સપોર્ટ વેહિકલમાં હતા. આટલી ઊંચાઈએ ઑક્સિજનનું લેવલ સામાન્ય કરતાં ૫૦ ટકા ઓછું હોય છે એટલે મારું આ સાહસ ૮ દિવસમાં પૂરુ થયું. અત્યારે શૉર્ટ ટર્મ ધ્યેય એ છે કે આ જ ટ્રેકને હું બે દિવસમાં પૂરો કરું અને લૉન્ગ ટર્મ ધ્યેય એ છે કે ઑસ્ટ્રેલિયામાં યોજાનારી અલ્ટ્રામૅન ટ્રાયથ્લોનમાં ભાગ લેવો છે. એમાં સ્વિમિંગનું અંતર જ ૧૦ કિલોમીટરનું હોય છે એટલે એના માટે તૈયાર થતાં મને ત્રણ વર્ષ લાગી જશે.’
ટ્રેઇનિંગના પડકાર
ડૉ. હેતલ છેલ્લાં ૧૩ વર્ષમાં ટ્રેઇનિંગ દરમ્યાન ઘણાબધા ઍક્સિડન્ટ અને ઈજાઓનો ભોગ બની ચૂક્યાં છે. એમાં પણ ખભાના હાડકાનું, નાક, હાથનું કાંડું અને પગનું ફ્રૅક્ચર પણ સામેલ છે. આટલી બધી ઈજાઓ થવા છતાં પ્રૅક્ટિસને અકબંધ રાખતાં ડૉ. હેતલ કહે છે, ‘દરેક વખતે આવી રીતે ઍક્સિડન્ટમાં હાથ-પગ તૂટે અને રિકવર થાઉં એટલે ફરી ટ્રેઇનિંગ કરવાનું શરૂ કરી દઉં. મારા પગનું ફ્રૅક્ચર થયું ત્યારે મને સ્વિમિંગની પ્રૅક્ટિસ કરવાનું કહેવામાં આવ્યું. ધીરે-ધીરે રનિંગથી સ્વિમિંગ અને સ્વિમિંગથી સાઇક્લિંગ તરફ પ્રયાણ કર્યું. પહેલાં ડ્યુએથ્લોન અને અંતે ટ્રાયથ્લોન સુધી મારી સફર પહોંચી. ૨૦૧૪માં હું મારા છોકરાઓની સાઇકલ ચલાવતી હતી. પછી મેં ટ્રેઇનિંગ માટે સાઇકલ ખરીદી. શરૂઆતમાં સાઇકલ પરથી પડી જતી તો બહુ જ ડર લાગતો. ત્યારે મારા હસબન્ડનું મોટિવેશન કે સાઇકલ ગૅરેજમાં રાખવા નથી લીધી એટલે ફરી પાછી થોડી હિંમત ભેગી કરીને ચલાવવા માંડું. ગયા ડિસેમ્બરમાં ટ્રેઇનિંગ દરમ્યાન પડી ગઈ તો માથામાં ટાંકા આવ્યા હતા અને હજી ગયા મહિને જ મારી સાઇકલને ગાડીવાળાએ પાછળથી ટક્કર મારી દીધી તો એમાં ઈજા થતાં આઇબ્રો પર ટાંકા આવ્યા. જોકે શરૂઆતમાં જે ડર લાગતો અને ટ્રેઇનિંગમાં બ્રેક લાગી જતી એ હવે નથી લાગતો. ૨૦૨૦માં કોવિડનું વર્ષ બધા માટે બહુ કપરું રહ્યું હતું. મારી ટ્રેઇનિંગમાં ખલેલ ન પડે એટલે હું મારા બે માળના ઘરના દાદર ૨૦૦ વખત ચડ-ઊતર કરતી હતી જેમાં બે-અઢી કલાક લાગતા. ઘરમાં ડાઇનિંગ ટેબલ-ખુરશીઓ બધું દૂર કરીને રસોડાથી હૉલ સુધી દોડ લગાવતી અને ૨૧ કિલોમીટર જેટલું દોડતી. એટલે બે-ત્રણ કલાક એવી રીતે દોડતી હતી. ઘરની અગાસી પર અન્ય કસરત કરતી હતી.’
પાંચ મોટી ઇવેન્ટ અને પાંચેયમાં ટૉપ
સવારે ચાર વાગ્યે ઊઠીને ત્રણ કલાકની ટ્રેઇનિંગથી દિવસ શરૂ થાય અને રાતે ૯ વાગ્યે દિવસ પૂરો થઈ જાય એવા ટાઇમટેબલને અનુસરતાં ડૉ. હેતલ કહે છે, ‘મલેશિયાની ટ્રાયથ્લોનની મારી ટ્રેઇનિંગ જ એક સાધના જેવી રહી. ક્યારેક હું રાત્રે ૨.૩૦ વાગ્યે ટ્રેઇનિંગ શરૂ કરું, કારણ કે ત્યારે રોડ એકદમ ખાલી હોય અને તાપ થાય એ પહેલાં મારી ટ્રેઇનિંગ પૂરી કરી દઉં. બે કલાક સ્વિમિંગની પ્રૅક્ટિસ બાદ એ જ કપડાંમાં હું સુરતથી સાપુતારાના હાઇવે પર ૧૬૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરતી જેથી વિવિધ ઊંચાઈ અને ટેરેનમાં પણ ટકી શકું. નવેમ્બરમાં વાસ્તવમાં આ ટ્રાયથ્લોન કરી રહી હતી ત્યારે એમાં ઘણા પડકારો હતા. એ દિવસે સખત તાપ હતો. દરિયાના પાણીમાં જેલી ફિશના ડંખ, સખત બફારાવાળું વાતાવરણ તેમ જ વારંવાર ટેરેનની ઊંચાઈ બદલાઈ રહી હતી અને પવન પણ હતો. જ્યારે ફિનિશિંગ લાઇન ટચ કરી ત્યારે હું ટૉપ ટેનમાં હતી. આ ક્ષણે હું મારી ૧૩ વર્ષની ટ્રેઇનિંગનાં બધાં જ શારીરિક દુખ ભૂલી ગઈ હતી અને માનસિક રીતે સ્વસ્થ અને તરોતાજા થઈ ગઈ હતી. મને કંઈક હાંસલ કર્યાની અદ્ભુત લાગણીનો એહસાસ થયો હતો. એક ધ્યેય પૂરું થાય એટલે હું નવું ધ્યેય અને લક્ષ્ય નક્કી કરી રાખું છું. ૨૦૨૨-’૨૩માં ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી દરેક મહિનામાં એક મોટી ઇવેન્ટ એમ પાંચ ઇવેન્ટમાં ભાગ લીધો અને દરેકમાં સંતોષજનક પર્ફોર્મન્સ રહ્યો.’
બહુ જલદી બધું સારું થયું
ટ્રેઇનિંગ ન કરે ત્યારે પેઇન્ટિંગ અને સ્કેચિંગમાં પોતાનો સમય વિતાવતાં ડૉ. હેતલ કહે છે, ‘અત્યારે મને એક સફળ ઍથ્લીટ અને ડૉક્ટર તરીકે જોનારા લોકોને કદાચ એવું લાગશે કે મારા માટે આ બધું હાંસલ કરવું બહુ જ સરળ હતું. મહિલા તરીકે તમારે જે સામાજિક ઢાંચામાંથી પસાર થવું પડે એ થવું જ પડે. મારા પપ્પા ડૉક્ટર હતા તો ઘરમાં કોઈએ તો ડૉક્ટર બનવાનું જ છે. મારા પરિવારમાં કોઈ ડેન્ટિસ્ટ નહોતું એટલે મને MBBSમાં ઍડ્મિશન મળતું હતું. એમ છતાં હું ડેન્ટિસ્ટ્રીમાં ગઈ. અમારા સમાજમાં દીકરીઓનાં લગ્ન બહુ જલદી થઈ જતાં હોય છે એટલે હું ૧૭ વર્ષની હતી ત્યારે મારી સગાઈ થઈ ગઈ હતી અને કૉલેજના ફાઇનલ યરની પરીક્ષા પૂરી થઈ એના ચાર દિવસ પછી લગ્ન થઈ ગયાં હતાં. વર્ષ ૨૦૦૦માં મારી ઇન્ટર્નશિપ શરૂ થઈ, પરંતુ મારા હસબન્ડ ડૉ. દીપક તમાકુવાલા નેફ્રોલૉજીનું ભણી રહ્યા હતા એટલે તેમને વધુ ચાર વર્ષ લાગ્યાં. મારી કરીઅરની શરૂઆતમાં જ મારા મોટા દીકરા ધ્રુવનો જન્મ થઈ ચૂક્યો હતો અને એનાં ચાર વર્ષ પછી મારા નાના દીકરા દેવાંશનો જન્મ થઈ ગયો હતો. સાચું કહું તો ત્યારે એવું લાગતું હતું કે બધું બહુ જ જલદી થઈ ગયું, પરંતુ આજે જ્યારે મારી લાઇફને પાછા વળીને જોઉં છું તો એવું લાગે છે કે જે થયું એ બહુ જ સારું થયું. આજે હું જ્યારે સ્પોર્ટમાં આટલી ઓતપ્રોત છું અને નાની-મોટી ઈજા થયા જ કરે છે ત્યારે મારા દીકરાઓ અને મારો પરિવાર મને સાચવી લે છે.’
મેનોપૉઝ પછી મહિલાઓ ‘સેલ્ફિશ’ બને એ જરૂરી છે
દરેક મહિલાને ચાળીસી પછી સક્રિય થતી જોવા માગતા ડૉ. હેતલ તમાકુવાલા કહે છે, ‘હું ઇચ્છું છું કે મેનોપૉઝ પછી મહિલાઓ ‘સેલ્ફિશ’ બને. સેલ્ફિશ નેગેટિવ શબ્દ નથી, પરંતુ ચાળીસી પછી એ ‘પૉઝિટિવ’ શબ્દ છે. પુરુષો આખી લાઇફ પોતાના મનનું કરતા હોય છે. મહિલાઓ ભલે વર્કિંગ હોય તો પણ તેમને પરિવારની જવાબદારી હોય છે. હું વ્યવસાયે ડૉક્ટર છું, મારા ઘરમાં બધા જ ભણેલા-ગણેલા છે છતાં સમાજ દ્વારા એવી આશા રાખવામાં આવતી કે બાળકોની જવાબદારી હું જ લઉં. બાળકો મોટાં થઈ જાય ત્યાર બાદ મહિલાઓના જીવનમાં ખાલીપો આવી જતો હોય છે, તેમની પાસે દિવસ દરમ્યાન વધુ કામ નથી હોતું અને તેઓ ડિપ્રેશનમાં આવી જાય છે. આ તમારા જીવનની નવી શરૂઆત બની શકે. જીવનના જે પણ શોખ મનના ખૂણામાં દબાવી રાખેલા હોય એમને સ્પ્રિંગની જેમ ઊછળવા દો અને પૂરા કરો. મને ગરબા શીખવાનો બહુ જ શોખ હતો તો એ મેં ગયા વર્ષે પૂરો કર્યો. ગયા વર્ષે ચાર મહિના ગરબાના ક્લાસિસ અટેન્ડ કર્યા બાદ આખી નવરાત્રિ મેં ગરબા માણ્યા છે. સ્પોર્ટનો મારા જીવનમાં અનાયાસ જ પ્રવેશ થયો અને એ સફર બહુ રોમાંચક રહી. મેં મારા કરતાં ૧૦ વર્ષ સિનિયર મહિલા ડૉક્ટરને સ્પોર્ટમાં એકદમ સક્રિય જોયાં જેમનાથી હું બહુ જ પ્રેરાઈ. આ પ્રેરણાની સાંકળ મારે લાંબી કરવી છે. હજી મારે ઘણીબધી સ્પોર્ટ્સ ઇવેન્ટનાં શિખરો સર કરવાં છે અને મહિલાઓને જાગૃત કરવી છે.’