પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પણ આ ગુણ શીખવા જેવો છે
લાઇફની સાપસીડી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના પરેલમાં ૨૩ વર્ષના એક યુવાનની પત્નીએ એક વાર બપોરે ખૂબ સરસ કઢી બનાવી. યુવાનને એ ખૂબ ભાવી. તેણે પત્નીને સાંજ માટે પણ રાખી મૂકવાનું કહ્યું, પણ પત્ની જમવા બેઠી ત્યારે તેને પણ ભાવી ગઈ એટલે તે બધી જમી ગઈ. સાંજે યુવાન ઘરે આવ્યો ને જમવામાં પેલી કઢી માગી. કઢી ન મળતાં ક્રોધના આવેશમાં પત્નીને ત્રીજે માળેથી નીચે ફેંકી દીધી. પત્નીનું મૃત્યુ થયું અને પતિને જન્મટીપ.
૨૦૦૨ના વર્ષમાં મુંબઈમાં એક ચાલમાં રહેતી સાસુએ વહુને જીવતી સળગાવી દીધી. કારણ હતું વહુએ બરાબર ભોજન બનાવ્યું નહોતું. પુણેમાં ૩૫ વર્ષના યુવાનને ખાવાનો ખૂબ શોખ. દરરોજ પત્નીની રસોઈમાં ખોટ કાઢે. એમાંથી ઝઘડો થતાં પત્ની અને સાસુએ તેના પર કેરોસીન છાંટી તેને જીવતો સળગાવી દીધો. આ બન્ને બાઈઓને જેલ થઈ.
ADVERTISEMENT
‘ઘર હોય ત્યાં વાસણ ખખડે’ એ ગુજરાતી કહેવત છે, પણ આપણા ઘરમાં વાસણ ખખડવાનાં કારણોમાં એક સ્વાદવૃત્તિ પણ હોઈ શકે છે.
જેમની હાલમાં જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે એવા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પણ આ ગુણ શીખવા જેવો છે. એક વાર સાંજના ભોજનમાં સ્વામીજી ખીચડી-કઢી જમતા હતા. જે સંતે કઢી બનાવી હતી તેમણે કઢી બનાવવા દહીંને બદલે ભૂલથી ફ્રિજમાં રહેલી વાસી મલાઈને દહીં સમજીને એમાંથી કઢી બનાવી હતી. વળી, કઢી થયા પછી ચાખી પણ નહોતી એથી ભૂલ પકડાઈ નહોતી. સ્વામીજી તો રોજની જેમ જેટલી કઢી પીરસી એ જમી ગયા. પીરસનારને લાગ્યું કે સ્વામીને કઢી ભાવી હશે. ફરી આપી તો ફરી પણ જમી ગયા અને એ પણ કોઈનેય કંઈ પણ કહ્યા વગર. એટલું જ નહીં, મુખના હાવભાવ પરથી પણ કોઈ કળી ન શકે કે તેમને આ કઢી ભાવી નથી.
આ પણ વાંચો : વાર્તા વીસમી સદીની, બોધ એકવીસમી સદીનો
જ્યારે એ વખતે સાથે જમતા અન્ય સંતોને ખ્યાલ આવ્યો તો તરત જ જવાબદાર સંતનું ધ્યાન દોર્યું કે સ્વામીને કઢી જમાડતા નહીં, પણ એ વખતે તો ઘણું મોડું થઈ ગયું હતું. જમાડનાર સંતે ક્ષમા માગી ત્યારે પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘ભગવાનને થાળ ધરાવ્યો હોય, પછી એ પ્રસાદ કહેવાય. એ જમી લેવાનું અને આવી ભૂલ કંઈ રોજ થોડી થાય છે? ક્યારેક થઈ જાય તો ચલાવી લેવાનું.’
એવું નહોતું કે પ્રમુખસ્વામી મહારાજને સ્વાદમાં કંઈ ખબર પડતી નહોતી. એક વાર એક સંતે સ્વામીજીને મેસુબ ચખાડ્યો. સ્વામીજીએ સામે બેઠેલા રસોઈમાં નિપુણ એવા સંતોને એ ચખાડીને પૂછ્યું કે ‘આમાં કંઈક ગરબડ છે. તમને પકડાય છે?’ કોઈને ખબર ન પડી ત્યારે સ્વામીજીએ ફોડ પાડ્યો કે આ મેસુબ વપરાયેલા ઘીમાંથી બનાવ્યો છે, તાજા ઘીમાંથી નહીં. જે વ્યક્તિ સ્વાદનું આટલું સૂક્ષ્મ પરીક્ષણ કરી શકે તેને રસોઈમાં આવી ભારે ગરબડ થઈ હોય એ ન પકડાય?
ભલે એકની એક રસોઈ હોય, એકની એક જ વ્યક્તિ બનાવનાર હોય, એકસરખા માણસોની જ રસોઈ બનાવવાની હોય તોય કોઈક દિવસ કંઈક તો ગફલત થઈ શકે. વળી, તે વ્યક્તિએ જાણીજોઈને તો એવું કર્યું જ નથી. તો એટલું ચલાવી લેવા જેટલો સ્વાદ પર સંયમ અને ધીરજ તો કોઈએ પણ કેળવવાં રહ્યાં. માણસમાત્ર ભૂલને પાત્ર. આપણાથી પણ ભૂલ ક્યાં નથી થતી? આવા મહાપુરુષોના જીવનમાંથી આ એક ગુણ પણ જો કેળવીએ તો આપણા ઘરનાં વાસણ ખખડવાને બદલે મધુર સંગીત રેલાવી શકે.
લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય
feedback@mid-day.com પર