Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અફસોસને આસન કદી જો આપશું...

અફસોસને આસન કદી જો આપશું...

Published : 23 December, 2022 05:17 PM | IST | Mumbai
Dr. Gyanvatsal Swami | feedback@mid-day.com

જીવનમાં પ્રશ્નો તો આવવાના છે, પણ સકારાત્મકતાની આ સીડી જો ચડીએ, તો જિંદગીમાં હંમેશાં ઉન્નતિ અને આનંદ જ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

લાઇફની સાપસીડી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


ડૉ. અબ્દુલ કલામે પોતાની ઇઝરાયલયાત્રાનો એક અનુભવ કહ્યો. તેઓ એક વાર તેલઅવિવમાં ઇઝરાયલી વર્તમાનપત્ર વાંચતા હતા. આગલા દિવસે હમાસ નામના એક સંગઠને ઇઝરાયલ ઉપર ઘણા હુમલા અને બૉમ્બમારા કર્યા હતા, પણ વર્તમાનપત્રના પહેલા પાને એક સદ્ગૃહસ્થનો ફોટો હતો, જેમણે ૫ વર્ષમાં રણને ફળના બગીચા અને અનાજના ખેતરમાં ફેરવી નાખ્યું હતું. આ પ્રેરણાદાયી સમાચારથી બધાનું પરોઢ ઊગ્યું. બૉમ્બમારા અને મૃત્યુની કારમી ઘટનાઓના સમાચાર અંદરના પાને ક્યાંય ડૂબી ગયા હતા. આપણે ભારતનો વિચાર કરીએ તો આથી ઊલટું હોય છે, અને એટલે જ ભારતીય પ્રજાની માનસિકતા પણ નકારાત્મકતા તરફ ઢળે છે.


થૉમસ આલ્વા એડિસનના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. બલ્બના શોધક તરીકે તેમને સૌ ઓળખે છે. તદુપરાંત ટેલિગ્રાફના ટ્રાન્સમીટર ને રિસીવર, ગ્રામોફોન, પ્રોજેક્ટર જેવાં ૧૩૦૦ સંશોધનો અને ૧૦૯૩ પેટન્ટ પણ તેમના નામે છે. તેમને માત્ર ૧૨ વર્ષની ઉંમરે કોઈ અકસ્માતથી બહેરાશ આવી હતી. તેમને કોઈકે પૂછ્યું, ‘તમને એમ નથી લાગતું કે બહેરાશ ન હોત તો વધુ સિદ્ધિઓ મળત?’ તેમણે ના પાડી તો પત્રકારે કારણ પૂછ્યું, ત્યારે તેઓ કહેઃ બહેરાશથી ૩ લાભ થયા. ૧. લોકો સાથે ગપ્પાં મારવાને બદલે એકાંતમાં મારી પ્રિય પ્રયોગશાળામાં સંશોધન કરી શકું છું. ૨. જગતમાં જે કંઈ બોલાય એ બધું સાંભળવા જેવું હોતું નથી. ૩. સૌથી મોટો લાભ – અસત્ય હંમેશાં ધીમા સાદે બોલાતું હોય છે. ઊંચા અવાજે બોલનાર કદી જૂઠું બોલતો નથી.



જીવનમાં પ્રશ્નો તો આવવાના જ છે, પણ સકારાત્મકતાની આ સીડી જો ચડીએ, તો જિંદગીમાં હંમેશાં ઉન્નતિ અને આનંદ જ છે. અને જો નકારાત્મકતાનો સાપ ગળવા માંડે તો જીવતાં છતાં નરકનો અનુભવ થાય.


પ્રમુખસ્વામી મહારાજ એક વાર વિદેશ ધર્મયાત્રાએ હતા. એક શહેરમાં તેમની રહેવાની વ્યવસ્થા જ્યાં હતી, એ ઘર ખૂબ નાનું હતું. સ્વામીજીની રૂમ ખૂબ સાંકડી હતી. માંડ ૭-૮ જણ બેસી શકે. એક સંતે ફરિયાદના ભાવે કહ્યું કે સ્વામી, રૂમ સાવ નાની છે. ક્ષણના પણ વિલંબ વિના સ્વામીજીએ કહ્યું કે રૂમ નાની હોય તો સારું, વીજળીની બચત થાય.

આ પણ વાંચો: સાચું શિક્ષણ


આ જ ધર્મયાત્રામાં આગળ બીજા શહેરમાં જવાનું થયું. અહીં સ્વામીજીની રહેવાની વ્યવસ્થા જ્યાં થઈ હતી, તે ઓરડો ખૂબ વિશાળ હતો. કોઈએ સ્વામીજીને કહ્યું કે બાપા, આગળના શહેરમાં રૂમ બહુ નાની હતી, અહીં બહુ મોટી છે. સ્વામીજીએ જવાબ આપતાં કહ્યું, ‘રૂમ મોટી હોય તે સારું. ઘણા બધા લોકો બેસી શકે એટલે એકસાથે બધા સાથે વાતો થઈ શકે.’

પ્રમુખસ્વામી મહારાજને નાની રૂમ પણ સારી લાગી અને મોટી રૂમ પણ. જે સમયે જે વ્યવસ્થા મળી એને તેઓ અનુકૂળ થયા. જીવનમાં બનતી દરેક ઘટનાનું વિશ્લેષણ કરીએ તો એમાં સારાં અને નરસાં બંને પાસાં જોવા મળે. આપણું ધ્યાન મોટા ભાગે નરસાં પાસાં તરફ ખેંચાય છે, પણ જો સારાં પાસાં સામે દૃષ્ટિ હોય તો જીવન એક મહોત્સવ બની જશે. અરે, આપત્તિ પણ અવસર બની જશે.

આ પણ વાંચો: સ્વકેન્દ્રીપણાનો સાપ અને સંવાદિતાની સીડી

એટલે જ મકરંદ દવેની એક કવિતા અહીં યાદ આવે છે :

અફસોસને આસન કદી જો આપશું, 
જે રહ્યું થોડુંય તે લૂંટી જશે; 
જો ગુમાવ્યાની ગણતરીમાં પડ્યા, 
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે;
આંખ સામે ઊગતો દિન રાખીએ, 
જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, 
રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.

લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય feedback@mid-day.com પર

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2022 05:17 PM IST | Mumbai | Dr. Gyanvatsal Swami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK