પણ દર વખતે મૂર્તિકાર પિતા કંઈક ને કંઈક ભૂલ કાઢી સુધારો સૂચવે
લાઇફની સાપસીડી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નાનપણમાં એક વાર્તા ભણ્યા હતા. એક મૂર્તિકારનો પુત્ર મૂર્તિ બનાવતાં શીખતો હતો. જ્યારે-જ્યારે નવી મૂર્તિ બનાવે ત્યારે પિતાને બતાવે. પણ દર વખતે મૂર્તિકાર પિતા કંઈક ને કંઈક ભૂલ કાઢી સુધારો સૂચવે. છેવટે કંટાળીને પુત્રે પોતાની તમામ કળા નિચોવીને અદ્ભુત મૂર્તિ બનાવી અને એ એક જગ્યાએ દાટી દીધી. પછી પોતાના પિતા સાથે ફરવા નીકળ્યો. જ્યાં મૂર્તિ દાટી હતી એ જગ્યા આવતાં અંદરથી એ મૂર્તિ કાઢીને પિતાને બતાવી. પિતા એ મૂર્તિ જોઈને તેને પ્રેરણા આપતાં કહે છે, ‘જો, તું આવી મૂર્તિ બનાવતાં શીખ.’ ત્યારે પુત્રે જવાબ આપ્યો, ‘આ મેં જ બનાવી છે.’ ત્યારે પિતાએ કહ્યું, ‘હવે તું આગળ નહીં વધી શકે. સતત તારી કલામાં સુધારો થતો રહે એ માટે હું સતત તને ટકોર કરતો હતો.’
વીસમી સદીમાં આ વાર્તામાંથી કેવળ એકતરફી જ બોધ ભણાવવામાં આવતો કે જો વિદ્યાર્થીએ સતત આગળ વધવું હોય તો કોઈ સતત પોતાની ભૂલ બતાવે તો પણ રાજી થઈને એ વાત સ્વીકારવી ને સુધારો કરવા પ્રયત્ન કરવો, પરંતુ બીજી તરફ શિક્ષક માટે આ વાર્તામાંથી કોઈ બોધ સમજાવવામાં આવતો નહોતો, પણ એકવીસમી સદીમાં આ વાર્તામાંથી શિક્ષકને પણ ઉત્તમ બોધ મળી રહે એમ છે તે એ કે જો શિક્ષક હંમેશાં વિદ્યાર્થીની ખોટ જ કાઢે રાખે અને સમયે-સમયે બિરદાવે નહીં તો પરિણામે વિદ્યાર્થી કંટાળે છે અને નિરાશ થઈને આવા નુસખા અજમાવે છે. એટલે વિદ્યાર્થીને સતત નવી ઊંચાઈએ પહોંચાડવો હોય તો કેવળ ટકોરા મારવાથી કામ નહીં ચાલે. યોગ્ય સમયે યોગ્ય રીતે તેને વખાણવો પણ પડશે. આવી સુયોગ્ય પ્રશંસા કરીને જ્યારે કંઈક કચાશ તરફ ધ્યાન દોરવામાં આવે ત્યારે એ વિદ્યાર્થી નિરાશ તો થતો જ નથી, ઊલટો લક્ષ્યસિદ્ધિ પ્રત્યે તેનો ઉત્સાહ બેવડાય છે.
ADVERTISEMENT
ભગવાન સ્વામીનારાયણના આધ્યાત્મિક અનુગામી ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ જ સરળ છતાં સચોટ દૃષ્ટાંત દ્વારા આ વાત સમજાવી છે કે જેમ કુંભાર માટલું ઘડતી વખતે ચાકડા પરના માટીના પિંડમાં અંદર લાગ માટે ગોલીટો (અર્થાત્ લાકડાનો ટેકો) રાખે છે અને બહાર ટપલો (અર્થાત્ લાકડાનો એક ટુકડો જેનાથી માટીના પિંડાને ટપારીને ઇચ્છિત આકાર આપવામાં આવે) મારે છે એમ અહીં કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીને કે કોઈ પણ વાલી સંતાનોને પ્રેરણા આપવા તને ટપલી જ મારતા રહે એટલે કે કેવળ તેની ખોટ જ બતાવતા રહે તો તે કંટાળીને નિરાશ થઈ શકે છે અને એના ઘાતક પ્રત્યાઘાત પણ આવી શકે, પણ સાથે તેનાં વખાણનો ગોલીટો પણ વાપરે તો એક સુંદર આકાર સાથે તેનું ઘડતર થાય.
આ પણ વાંચો: અફસોસને આસન કદી જો આપશું...
પ્રમુખસ્વામી મહારાજની બહુ મોટી વિશેષતા હતી કે તેમણે અનેક સંતો અને યુવાનોને જે-તે ક્ષેત્રમાં પારંગત કર્યા. જેમાંના એક સંતનું તબીબી-જ્ઞાન જોઈને સુપ્રસિદ્ધ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ મહેતા પણ બોલી ઊઠે કે તેમને માનદ કાર્ડિયોલૉજિસ્ટની ડિગ્રી આપવી જોઈએ. એક સંતનું સંગીતકૌશલ્ય જોઈ વિખ્યાત સંગીતકાર દિલીપભાઈ ધોળકિયા તેમને પોતાના રોલમૉડલ માને. આ સંતોની સ્થાપત્યકલાની સૂઝ જોઈને લબ્ધપ્રતિષ્ઠ સ્થપતિ બી. વી. દોશી પણ દંગ રહી જાય. એક સંતે રચેલા પ્રસ્થાનત્રયી પરનાં વિદ્વત્તાપૂર્ણ ભાષ્યો જોઈને પ્રખર વિદ્વાનો પણ તેમને વિવિધ ઇલકાબથી સન્માને. આ સંતો ને યુવાનો દ્વારા થતાં મોટા મહોત્સવોનાં આયોજનો પર મોટા દિગ્ગજો પણ ઓવારી જાય.
પણ આ સૌ સંતો-યુવાનોના ઘડતરમાં પ્રમુખસ્વામી મહારાજે જેટલા ટપલા માર્યા હશે એથી અનેકગણો ગોલીટાનો પ્રયોગ કર્યો છે. અર્થાત્ એ સંતો તેમ જ યુવાનોને જેટલી ટકોર કરી હશે એથી અનેકગણા બિરદાવ્યા છે. એટલું જ નહીં, તેમને જે-તે ક્ષેત્રનો કોઈ અનુભવ ન હોવા છતાં તેઓમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકીને આગળ વધવા સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે અને એ માટે તેમને જરૂરી બધી વ્યવસ્થા પણ ઊભી કરી આપી છે. સંભવ છે કે એ ક્ષેત્રનો તેમને કોઈ અનુભવ ન હોય, એટલે ભૂલો થાય, એ ભૂલો પણ ઉદાર દિલે માફ કરીને યથાયોગ્ય ટકોર કરી માર્ગદર્શન આપી તેમને આગળ વધાર્યા છે.
તો ચાલો, પ્રમુખસ્વામી મહારાજના પગલે-પગલે આપણે પણ આપણાં સંતાનોના ઘડતરમાં કેવળ ટપલા નહીં, ગોલીટો પણ અજમાવીએ.
લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય feedback@mid-day.com પર