ભારતના એક સમયના વડા પ્રધાને નિખાલસભાવે એવી કબૂલાત કરી હતી કે હું મારી પત્નીને સમજી શક્યો નથી.
લાઈફની સાપસીડી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
એક વાર એક પતિ-પત્ની કે જેમની ઉંમર ૬૦ વર્ષની આજુબાજુ હતી તેમણે પોતાની લગ્નની વર્ષગાંઠ ઊજવી. તેમનાં સંતાનો પણ હર્ષભેર માતાપિતાને શુભેચ્છાઓ પાઠવવા આવી પહોંચ્યાં. ધામધૂમથી આખો પ્રસંગ સંપન્ન થયો. આવેલાં સંતાનો વિદાય થયા પછી પતિદેવે સપ્રેમ પત્નીને જણાવ્યું કે લાવ, આજે હું ચા બનાવું અને તે ચા બનાવીને લાવ્યા. ત્યારે પત્ની રડી પડી. પતિએ રડવાનું કારણ પૂછ્યું ત્યારે પત્નીએ જણાવ્યું કે તમે મને પૂછો તો ખરા કે તને ચા ભાવે છે કે નહીં. ત્યારે પતિએ કહ્યું કે આપણે વર્ષોથી સાથે ચા પીએ છીએને? ત્યારે પત્નીએ જણાવ્યું કે એ તો હું તમને કંપની આપવા પીઉં છું, બાકી ભાવતી નથી. આવું ઘણું આપણી જિંદગીમાં પણ જિવાતું હોય છે કે આપણે આપણી મસ્તીમાં એટલા મસ્ત હોઈએ છીએ કે જેની સાથે રહીએ છીએ તેને શું ભાવે છે, શું ફાવે છે એવો વિચાર સુધ્ધાં કદી કરતા નથી.
જીવન ખરેખર એક સાપસીડીની રમત છે. સ્વકેન્દ્રીપણાનો સાપ આપણને એવો ગળી જાય છે કે સૌ સાથે રહેવા છતાં આપણે એકલતાની ખાઈમાં આવી પડીએ છીએ. ભારતના એક સમયના વડા પ્રધાને નિખાલસભાવે એવી કબૂલાત કરી હતી કે હું મારી પત્નીને સમજી શક્યો નથી. તે આજે નથી ત્યારે હું તેને સમજવા મથું છું. તે હતી ત્યારે તેને સમજવાની પૂરતી કોશિશ મેં કરી જ નહીં. તે અત્યંત સ્વમાની હતી, અત્યંત સંવેદનશીલ હતી. હું મારી જાતને બહુ જ બુદ્ધિશાળી ગણતો. તે ઓછું ભણેલી છે એમ હું માનતો. એટલે આખી જિંદગી મારે તેની સાથે સંવાદ રચાયો જ નથી.
ADVERTISEMENT
અહીં પ્રમુખસ્વામી મહારાજના જીવન દ્વારા સંવાદિતાની સીડીનું એક પગથિયું ચડવા મળે છે. એ છે બીજાની રસ-રુચિનો વિચાર કરવો. બીજાને સમજવા પ્રયત્ન કરવો. બીજાની અનુકૂળતાનો વિચાર કરવો. ૧૯૮૮માં સ્વામીજી લંડનમાં ભોજન લઈ રહ્યા હતા. સામે નટુભાઈ નામના ભક્તને જોયા એટલે એક સંતને તેમને પ્રસાદ આપવા જણાવ્યું. એ સંતે જેવો મીઠાઈ લેવા હાથ લંબાવ્યો કે તરત સ્વામીજીએ તેમને અટકાવીને કહ્યું કે તેમને ડાયાબિટીઝ છે એટલે મીઠાઈ સિવાયનો પ્રસાદ આપો. લાખોની સંખ્યામાં ભક્તો હોવા છતાં કોને શી તકલીફ છે, શું ફાવે છે, ભાવે છે એ બધું જ જાણતા.
સ્વામીજીની આ સ્નેહવર્ષાથી માનનીય શ્રી નરેન્દ્ર મોદી પણ બાકાત રહ્યા નહોતા. સન ૨૦૦૦માં દિલ્હીમાં અક્ષરધામના શિલાન્યાસ વખતે તેઓ પણ પૂજનવિધિમાં બેઠા હતા. ત્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન પણ નહોતા. પૂજનવિધિના ભાગરૂપે કળશમાં સિક્કો પધરાવવાનો હતો. ત્યારે સ્વામીજીએ એક સંતને નજીક બોલાવી સૂચના આપી કે તમે કોઈક હરિભક્ત દ્વારા નરેન્દ્રભાઈને સિક્કો અપાવો, કારણ કે તેમના ખિસ્સામાં કંઈ જ નહીં હોય તો એ પધરાવશે શું?
આ પણ વાંચો : સાચું શિક્ષણ
કેવળ ભક્તો કે મહાનુભાવો જ નહીં, જેનો તેમની સાથે કોઈ સંબંધ ન હોય એવા લોકોની પણ લાગણી સમજીને તેમણે સૌની સેવા કરી છે. જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે રાહતકાર્યના ભાગરૂપે તેમણે ૧ વર્ષ સુધી રોજ હજારોને ગરમાગરમ ભોજન તો જમાડ્યું પણ એમાંય સંતોને સૂચના આપી કે રોજ મેનુ બદલવું કે જેથી લોકો એકનું એક જમીને કંટાળે નહીં. સાથે દૂરનાં અંતરિયાળ ગામોમાં ફૂડ-પૅકેટ પણ પહોંચાડ્યાં. અને જાતે એ ફૂડ-પૅકેટ તપાસીને સૂચના આપી કે સુખડી સાથે આથેલાં મરચાં પણ મૂકજો, જેથી તેમને ભાવે.
આમ સ્વકેન્દ્રીપણાના વર્તુળમાંથી બહાર નીકળી આપણે જેમની સાથે રહીએ છીએ તેમને સમજવાનો અલ્પ પ્રયત્ન પણ કરીશું તો અવશ્ય એ આપણને પારિવારિક તેમ જ સામાજિક સુખ-શાંતિ આપનારી સીડી બની રહેશે.
આ પણ વાંચો : તો આપત્તિ પણ ઉત્સવ બની જાય
લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય feedback@mid-day.com પર