ભૂલતા નહીં, તમારું ધ્યાન રાખવું એ તમારી પ્રાથમિક ફરજ છે
ભૂલતા નહીં, તમારું ધ્યાન રાખવું એ તમારી પ્રાથમિક ફરજ છે
હમણાં જ સાંભળ્યું, ૩૨ વર્ષના એક યુવાનને હાર્ટ-અટૅક આવ્યો. થોડા સમય પહેલાં જ મારા એક અંગત મિત્ર એવા યુવા લેખકને ચાળીસીના ઉંમરે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. આ સમાચાર કંઈ આજકાલના નથી. આ આવ્યા જ કરે છે અને એ સતત આવે છે, એટલે જ કહેવાનું મન થાય છે કે આપણાં યંગસ્ટર્સે પોતાના પર જુલમ કરવાનું શરૂ કરી દીધું છે.
તમે આ યુવાનોની ફિઝિકલ તકલીફો વિશે સાંભળો તો તમને પણ નવાઈ લાગે. ૩૦ અને ૪૦ના યુવાનો છોડો, ૨૫ અને ૨૭ વર્ષની ઉંમરના યુવકો ૧૦ ડગલાં ચાલે અને તેને શ્વાસ ચડી જાય છે, હાંફી જાય છે. ત્રીસીમાં રહેલા યુવાનો પણ જો બીમારીઓથી ગ્રસ્ત હોય તો બાકીના લોકોની તો શું વાત કરવી. લૉકડાઉન પહેલાં એક તબક્કો એવો આવી ગયો હતો જેમાં મૅરથૉન અને એના જેવી બીજી સ્પોર્ટ્સનો રીતસરનો યુફોરિયા દેખાવા માંડ્યો હતો. સારી વાત હતી એ, જરૂરી પણ હતું. દેખાદેખીમાં પણ એમાં જોડાવાની હોંશ દેખાડનારો એક વર્ગ ઊભો થવા માંડ્યો હતો. અફકોર્સ, એ વર્ગ તુલનાત્મક રીતે ઘણો ઓછો હતો, પણ હતો એની તો ના કોઈ ન પાડી શકે એ પણ એટલું જ સાચું છે.
પહેલું સુખ તે જાતે નર્યા.
આપણે ત્યાં આ કહેવત પૂર્વજોએ આપી એ આજના સમયમાં ખૂબ વધારે સાપેક્ષ અને અમલમાં મૂકવા જેવી લાગે છે. પહેલું સુખ તે જાતે નર્યા. તમારી તંદુરસ્તી, તમારું સ્વાસ્થ્ય બરાબર હશે તો જીવનનો મોટામાં મોટો જંગ તમે લડી શકશો. આ કેટલી સીધી અને સરળ વાત છે. મહત્ત્વપૂર્ણ પણ. સારામાં સારું જ્ઞાન અને સાચી સમજણ આવા જ ટૂંકા શબ્દોમાં ભરપૂર પ્રમાણમાં કહેવતોના માધ્યમે આપણને મળ્યું છે, પણ આપણે એને મહત્ત્વ આપી શક્યા નથી. નથી સમજાતું આપણને જે સરળ છે. નથી સમજાતું આપણને જે સામાન્ય સ્તર પર છે. કહેવાય છેને કે આજે કૉમન સેન્સ સૌથી વધુ અનકૉમન બનતું જાય છે. વાત ચાલી રહી છે તમારી પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખવાની. અઘરું નથી, જરા પણ અઘરું નથી. થોડી સારી આદતોને જીવનમાં ઉતારવાની જ તો વાત છે. એમાં વળી ક્યાં કોઈ રૉકેટ સાયન્સ આવી જાય છે.
ના, પણ આપણને સરળ વાતો નથી સમજાતી. જ્યાં સુધી શરીર હારે નહીં અને આગળ વધવાની ના પાડે નહીં ત્યાં સુધી આપણને આ સત્ય સમજાતું નથી. આજના યુવાનોને કહેવાનું મન થાય છે કે શરૂઆતથી જ તમારા સ્વાસ્થ્યની, ફિટનેસની કદર કરો. તમારી તંદુરસ્તી અને ફિટનેસને સાચવો. આજે જ સમય છે, હજી દોરી તમારા હાથમાં છે. આજના યુથની ખાવા-પીવાની ખોટી આદતો અને ફિઝિકલ ઍક્ટિવિટીનો અભાવ તેમના સ્વાસ્થ્યની હાનિ માટે સૌથી પ્રાઇમ કારણ છે. ક્યારેક જન્ક ફૂડ ટેસ્ટ માટે ખાઓ એ હજી ચાલે, પણ જન્ક ફૂડ તમારો મુખ્ય ખોરાક બને અને પૌષ્ટિક આહારની સંપૂર્ણ બાદબાકી જ થઈ જાય એ સહેજ પણ ન ચાલે.
આજે સમય છે મા-બાપે પોતાના યુવાન સંતાનોના સ્વાસ્થ્યની આદતોને બદલવાની અને એ જવાબદારીને નિભાવવાની.

