કોઈ અજાણી વ્યક્તિ ફોન કરીને તમારી પાસે આવનારા ટેક્સ્ટ મેસેજમાંથી ઓટીપી કે પછી એવું કશું માગે તો તમારે આપવાનું નથી
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બે દિવસથી આ ટૉપિક પર વાત ચાલી રહી છે ત્યારે કહેવાનું એટલું જ કે જો તમે એ ભૂલ્યા કે સોશ્યલ મીડિયા તમારી ઓળખનું પ્રતીક છે તો તમે ખરેખર બહુ ખરાબ રીતે પસ્તાવું પડે એ અવસ્થામાં મુકાઈ શકો છો. સાહેબ, હવે તમારા હાથમાં સ્માર્ટ ફોન છે અને તમારે આ સ્માર્ટ ફોનને સ્માર્ટલી યુઝ કરવાનો છે. જો તમે એનો ઉપયોગ ગાંડાની જેમ કરતા રહ્યા કે પછી એનો ઉપયોગ બુદ્ધિ ગીરવે મૂકી હોય એ રીતે કરતા ગયા તો હેરાન તમારે જ થવાનું આવશે, પરેશાની તમારે જ ભોગવવાની આવશે અને તમારે આ વાતને ખરેખર તમારા મનમાં, તમારા દિમાગમાં સ્ટોર કરીને રાખવી પડશે. જો તમે ઇચ્છતા હો કે તમે હેરાન ન થાઓ, જો તમે ઇચ્છતા હો કે તમારી તકલીફોમાં વધારો ન થાય અને જો તમે ઇચ્છતા હો કે ઘરે બેઠાં તમે બીજા કોઈને મુશ્કેલીમાં ન મૂકો તો તમારે સોશ્યલ મીડિયાને સેન્સિબલી હૅન્ડલ કરવાનું છે અને સાથોસાથ તમારે તમારા ફોનને પણ કાબૂમાં રાખવાનો છે.
અજાણ્યા વિડિયો કૉલ તમારે લેવાના નથી, કોઈ અજાણી વ્યક્તિ ફોન કરીને તમારી પાસે આવનારા ટેક્સ્ટ મેસેજમાંથી ઓટીપી કે પછી એવું કશું માગે તો તમારે આપવાનું નથી. તમારે સોશ્યલ મીડિયા પર જઈને કોઈ એવી હરકત કરવાની નથી કે જેને લીધે દેશનો સાઇબર સેલ ઇન્ક્વાયરી શરૂ કરે અને તમારે તમારા મોબાઇલ પર આવતી એક પણ અનનૉન એટલે અજાણી લિન્ક ક્લિક કરવાની નથી. ભલે મોબાઇલ તમારો રહ્યો, ભલે એની માલિકી મેળવવા માટે તમે હજારો કે પછી લાખો રૂપિયા ખર્ચ્યા હોય, પણ એ બધું કર્યા પછી પણ બની શકે કે તમને ચૂનો લગાડનારાઓ તમારા પર ત્રાટકી પડે અને તમારી પરસેવાની કમાણી કે પછી મહામહેનતે તમે એકત્રિત કરી હોય એ આબરૂને કલંક લગાડી જાય. આવું આપણે ત્યાં બની શકે છે અને એ બને એનું નામ જ હિન્દુસ્તાન છે.
ADVERTISEMENT
ખરેખર કહેવામાં સંકોચ થાય છે કે આપણે આગળ વધીએ છીએ, વધતાં જ જઈએ છીએ અને એ પછી પણ આપણે ડરવાનું તો પારકા લોકોથી છે. મોબાઇલ તમારો, પૈસા તમારા, ઓળખાણ તમારી, મહેનત તમારી અને એ પછી પણ કોઈ આવીને તમારું બૅન્ક બૅલૅન્સ ખાલી કરી જાય. કોઈ આવીને તમારી આબરૂને ચૂનો લગાડી જાય. ખરેખર આપણે બહુ બધું શીખવાનું હજુ બાકી છે અને જ્યાં સુધી એ શીખીશું નહીં ત્યાં સુધી આપણે આવી જ રીતે પસ્તાવો કરતા રહેવાનો છે.
બહેતર છે કે આપણો સાઇબર સેલ એ કામ શીખે જે કામ માટે તેમને એ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આધુનિક થવાનો સમય આવી ગયો છે. છીએ આપણે આધુનિક, પણ એ આધુનિકતામાં ક્યાંય નાના માણસને મદદરૂપ થવાની ભાવનાનો ભાવ હજુ સુધી જોવા નથી મળ્યો એ સંકોચની વાત છે. તમે જુઓ, ડિજિટલ પ્લૅટફૉર્મ પર આજે કયા સ્તર પર કૌભાંડ થતાં થઈ ગયાં છે. કોઈની મરણમૂડી ખેંચી લેવામાં આવે છે તો કોઈને મૂર્ખ બનાવીને ખંખેરી લેવામાં આવે છે. આ પ્રક્રિયા જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી દેશ વિકાસના માર્ગ પર છે એવું સ્વીકારી નહીં શકાય. ના, સહેજ પણ નહીં.