આજે પણ આપણા દેશમાં સરકાર તરફથી મળતી મદદ માટે આવેલા સામાનનાં કાળાબજાર થઈ જાય છે જે ખરેખર ખેદજનક છે.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
દિવાળીનો પર્વ છે, ઘરે-ઘરે લોકો નાસ્તા તેમ જ મીઠાઈ અને ભેટસોગાદની આપ-લે કરીને ખુશી-ખુશી આ તહેવાર ઊજવવાની ઇચ્છા રાખતા હોય છે. મધ્યમવર્ગીય, ગરીબ કે શ્રીમંત સૌકોઈ આર્થિક અનુકૂળતા પ્રમાણે તહેવારની ઉજવણી કરતા હોય છે, પરંતુ ભારતમાં આજે પણ એવા લાખો લોકો છે જેઓ જરૂરિયાતની સામગ્રી પણ મુશ્કેલીથી ખરીદી શકતા હોય છે. એથી તહેવારની ઉજવણી તો તેમને માટે માત્ર એક કલ્પના જ હોય છે, છતાં અનેક સામાજિક સંસ્થાઓ, એનજીઓ ગ્રુપ તેમ જ વ્યક્તિગત ધોરણે આસપાસના વિસ્તારમાં જઈને અનાજ, કપડાં તેમ જ નાની-મોટી ભેટસોગાદ આપતાં હોય છે.
આ તહેવાર માટે આપણી સરકારે હાલમાં રૅશનિંગની દુકાનમાં માત્ર ૧૦૦ રૂપિયામાં ૧ કિલો તેલ, ૧ કિલો રવો, ૧ કિલો દાળ, એમાં એક કિલો સાકર જેવી ચાર વસ્તુઓની કિટ રાખી છે, પરંતુ માત્ર ૪ વસ્તુ ધરાવતી આ કિટ માટે જરૂરી ડૉક્યુમેન્ટ માટે રૅશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, બૅન્ક પાસબુક વગેરે ફરજિયાત બતાવવાનાં. શું આ યોગ્ય છે? એક રીતે જોઈએ તો આ મદદ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેની વ્યવસ્થા જ થઈ, પણ સવાલ એ છે કે આજે પણ ભારતમાં એવા અનેક ગરીબ વર્ગ છે જેમની પાસે બૅન્ક અકાઉન્ટ છે જ નહીં. તો એ લોકો કઈ રીતે બૅન્ક પાસબુક બતાવે અને જો આ ડૉક્યુમેન્ટ ન હોય તો કિટ આપતા જ નથી.
ADVERTISEMENT
આજે પણ આપણા દેશમાં સરકાર તરફથી મળતી મદદ માટે આવેલા સામાનનાં કાળાબજાર થઈ જાય છે જે ખરેખર ખેદજનક છે. યોગ્ય મદદ યોગ્ય રીતે મળે એની જવાબદારી એરિયા પ્રમાણે ગણતરીના આધારે થવી જ જોઈએ અથવા આવા પ્રકારની મદદ કરો જ નહીં, કારણ કે છેવટે તો એ મદદના નામે વપરાયેલાં નાણાં પણ દેશની જનતાનાં જ છે. માટે સરકારે પોતાની નીતિ હવે ખરેખર બદલવાની જરૂર છે. આજે ટેક્નૉલૉજી તેમ જ મૅનપાવર પણ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. એના માધ્યમથી ઘરે-ઘરે એરિયા પ્રમાણે સ્લમ વિસ્તારમાં જઈને આવા પ્રકારની કિટનું વિતરણ થવું જોઈએ અથવા તો રૅશનિંગની ઑફિસે માત્ર કાર્ડ બતાવીને આ કિટ મળવી જોઈએ.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)