અથાણાં સીઝન ચાલે છે, યાદ છેને?
પહેલાંના લોકો એટલે કે વડીલો આખા વર્ષ માટે જાત-જાતનાં અથાણાં આ સમયમાં બનાવી લે છે.
કોરોના વાઇરસને કારણે ચાલી રહેલા લૉકડાઉનમાં લોકોએ ભલે ઘરે રહેવાનું છે, પણ સૂર્યએ તો ઋતુ પ્રમાણે કામ કરતા જ રહેવું પડે છે અને તેથી દર વર્ષની જેમ જ આ વર્ષે પણ માર્ચ મહિનાથી કડક તડકો પડવાની શરૂઆત થઈ ગઈ છે. અથાણાં બનાવવા માટે આ યોગ્ય ઋતુ છે. ગુજરાતીઓ માર્ચ મહિનાના અંતથી મે મહિના સુધીમાં અથાણાં બનાવી લે છે.
અથાણા બનાવવાં એ અનુભવ અને રુચિનો વિષય છે. પહેલાંના લોકો એટલે કે વડીલો આખા વર્ષ માટે જાત-જાતનાં અથાણાં આ સમયમાં બનાવી લે છે. આના પ્રકારમાં ખાટું, તીખું, મીઠું આવા વિવિધ સ્વાદનો અને અલગ-અલગ પ્રકારની કાચી કેરી, ગુંદા, કેરડાં, ગરમર, લીલાં-મોળાં મરચાંમાંથી તૈયાર થવાવાળાં અથાણાંનો સમાવેશ થાય છે.
બોરીવલીમાં રહેતાં વર્ષોથી અથાણાં બનાવવામાં પારંગત અને માત્ર પોતાના ઘર માટે જ નહીં પણ પોતાનાં સગાં-સંબંધીઓને માટે પણ વર્ષભર ચાલી રહે એમ બરણી ભરીને વિવિધ અથાણાંઓ બનાવીને આપનાર ગૃહિણી અને રિટાયર્ડ શિક્ષિકા લતા દિનેશ દેસાઈએ અહીં પરંપરાગત રીતે બનાવવામાં આવતા સંભાર, ગુંદા-કેરીનું ખાટું અથાણું, છૂંદો અને પાંચી કેરીની રીત આપી છે વર્ષોથી પોતાના ઘરે વિવિધ પ્રકારનાં અથાણાં બનાવવામાં નિપુણ અને રિટાયર્ડ શિક્ષિકા બોરીવલી નિવાસી ભારતી બિપિન શાહ તેમના અનુભવથી ગોળકેરી, રાયતી કેરી અને મેથી-ચણાનું ખારું અથાણું બનાવવાની રીત અહીં બતાવે છે.
અથાણાંનો સંભાર
સામગ્રી
☞ ૩૦૦ ગ્રામ રાઈના કુરિયા
☞ ૨૦૦ ગ્રામ મેથીના કુરિયા
☞ ૧ કિલો મરચું
☞ ૫૦ ગ્રામ અથાણાની ખાસ હિંગ
☞ આશરે ૨૦૦ ગ્રામ (સ્વાદ મુજબ) શેકેલું મીઠું
☞ અડધો કિલો તલનું તેલ
☞ ૫૦ ગ્રામ હળદર
સંભાર બનાવવાની રીત
એક તપેલામાં તલનું તેલ ગરમ કરવા મૂકવું. એ દરમ્યાન બીજા એક મોટા તપેલામાં મેથીના કુરિયા પાથરવા. એની ઉપર રાઈના કુરિયા પાથરવા. પછી વચ્ચે ખાડો કરવો. એમાં ગરમ થયેલું તલનું તેલ નાખવું. તપેલાને ઢાંકીને એક બાજુ મૂકી દેવું. આશરે દસેક મિનિટ પછી તપેલાને ઢાંકણું ખોલ્યા વગર હલાવવું જેથી કુરિયા તેલમાં બરાબર ભળી જાય અને ચડી જાય. અડધો કલાક પછી હિંગ, શેકેલું મીઠું, મરચું અને હળદર આ મિશ્રણમાં ઉમેરી એને ચમચાથી હલાવીને વ્યવસ્થિત ભેળવી લેવાં. બસ, સંભાર તૈયાર છે. એને એક કોરી અને હવાચુસ્ત બરણીમાં ભરી લેવું.
ADVERTISEMENT
છૂંદો (તડકા-છાંયાનો)
સામગ્રી
☞ ૧ કિલો છીણેલી લાડવા કેરી
☞ ૧ દેશી કેરીની છીણ નાખવી (વધુ ખટાશ જોઈએ તો)
☞ સવા કિલો સાકર
☞ ૧૦૦ ગ્રામ મરચું
☞ થોડું મીઠું
☞ ૧ ચમચી હળદર
☞ સ્વાદ પ્રમાણે હિંગ
બનાવવાની રીત
અથાણું બનાવવાની આગલી સાંજે છીણેલી લાડવા કેરીને એક મોટા તપેલામાં નાખવી પછી એમાં મીઠું અને હળદર ભેળવીને ઢાંકીને બે કલાક માટે એક બાજુ મૂકી દેવું. બે કલાક પછી એમાં પાણી છૂટી ગયું હશે. એમાં સવા કિલો સાકર ભેળવી દેવી.
બીજે દિવસે સવારે તપેલાને કપડું બાંધી તડકામાં મૂકી દેવું. સાંજે આશરે પાંચ વાગ્યે ઘરમાં લાવી એમાં ચમચો નાખી છૂંદાને હલાવવો. આમ એકધારું આઠ દિવસ તડકામાં આ તપેલું મૂકવું અને રોજ સાંજે ચમચાથી હલાવવું. આઠ દિવસ પછી સાકર ભળી ગઈ હશે અને છૂંદામાં એકથી દોઢ તારી ચાસણી થઈ જશે. ચાસણી થઈ હોવાની ખાતરી કરીને પછી એમાં મરચું ભેળવી, હિંગ નાખી વ્યવસ્થિત હલાવીને છૂંદો બરણીમાં ભરી લેવો.
નોંધઃ જો ખટાશ જોઈએ તો રાજાપૂરી કેરી વાપરી શકાય, પણ લતાબહેનના કહેવા મુજબ રાજાપૂરી કેરીની છીણ સમય જતાં કડક થઈ જાય છે, જ્યારે લાડવા કેરી નરમ રહે છે.
પાંચી કેરી
સામગ્રી
☞ નાની કાચી કેરી
☞ આખું મીઠું
☞ હળદર
☞ બે ચમચી દિવેલ
રીત
૧ કિલો કાચી નાની કેરી લાવીને પાણીથી ધોઈ લેવી. એક તપેલામાં એને નાખી એમાં આખું મીઠું અને હળદર નાખી સરખી ભેળવી લેવી. બે કલાક તપેલામાં રહેવા દેવી. ત્યાર બાદ જે બરણીમાં કેરી ભરવી હોય એ બરણીમાં દિવેલનો હાથ ફેરવી લેવો. એમાં મીઠા અને હળદરમાં ભેળવેલી કેરી, જેમાં બે કલાક પછી પાણી છૂટ્યું હશે એ પાણી સાથે ભરી લેવી. દરરોજ દિવસમાં એક વાર હાથ અથવા ચમચો ફેરવવો. અઠવાડિયા પછી કેરી પર થોડી કરચલી આવી ગઈ હશે અને એનો રંગ પીળાશ પડતો થઈ જાય. બરણીમાં દિવેલવાળો હાથ ફેરવવાથી કેરી કડક રહેશે તેથી એ ભૂલવું નહીં. અથાણું ખાવા માટે તૈયાર છે. આ અથાણું ચોખાના રોટલા અને વાલની દાળ સાથે ખાવા માટે ઉત્તમ છે.
મેથી-ચણાનું ખારું અથાણું
સામગ્રી
☞ ૧ કિલો લાડવા કેરી
☞ ૨૦૦ ગ્રામ દેશી ચણા
☞ ૨૦૦ ગ્રામ આખી મેથી
☞ ૩૦૦ ગ્રામ જેટલો સંભાર
☞ ૧/૨ ચમચી વિનેગર
બનાવવાની રીત
૧ કેરીની છાલ કાઢી છીણી નાખવી. મીઠું, હળદર નાખી ૧/૨ કલાક રાખી મૂકવી. એક થાળીમાં સંભાર લઈ કેરીને નિચોવી લેવી. એમાં મેથી, ચણા નાખી સંભારમાં ભેળવી લેવા. બાકીની કેરીના નાના ટુકડા કરી એમાં ભેળવવા. ૧/૨ ચમચી વિનેગર નાખવો અને બરણીમાં ભરી લેવું. ત્રીજા દિવસે અથાણું ડૂબે એટલું તેલ ૧/૨ કિલો ગરમ કરી નાખવું.
૦૦૦
ગુંદા-કેરીનું ખાટું અને તીખું અથાણું
સામગ્રી
☞ ૧ કિલો મોટા ગુંદા
☞ દોઢ કિલો દેશી કેરી (ખટાશવાળી)
☞ ૧ કિલો સંભાર
☞ ૨૦૦ ગ્રામ શેકેલું મીઠું
☞ ૧ ચમચી હળદર
☞ અડધો કિલો તલનું તેલ
અથાણું બનાવવાની રીત
આ અથાણું બનાવવાના આગલે દિવસે કેરીને ધોઈને કટકા કરીને હળદર અને સ્વાદ મુજબ મીઠામાં અથાવા મૂકી દેવી. બીજે દિવસે સવારે એમાં મીઠાને કારણે પાણી છૂટ્યું હશે. એમાંથી કેરીના કટકા કાઢી એક કપડા પર પાથરી પંખા નીચે સૂકવી દેવા.
ગુંદાને સારી રીતે ધોઈ કોરા કરી લેવા. મીઠાવાળો હાથ કરી ગુંદા ભાંગી લેવા. છરી મીઠાવાળી કરી એનાથી ગુંદામાંથી ઠળિયા કાઢી લેવા. પછી એ ગુંદામાં મેથીનો સંભાર દાબીને ઉપર સુધી ભરવો. એક પહોળી થાળીમાં કેરીના સૂકવેલા કટકા લઈ એમાં તેલ અને સંભાર ભેળવવા. એક કોરી બરણીમાં એક થર કેરીનો અને એક થર ગુંદાનો નાખી એમાં જરૂર લાગે તો થોડો સંભાર પણ નાખવો. પછી બરણી બંધ કરીને મૂકી દેવી. ત્રીજે દિવસે અથાણું ડૂબે એટલું તેલ નાખવું.
ગોળકેરીનું અથાણું
સામગ્રી
☞ ૧ કિલો લાડવા કેરી
☞ પા કિલો ગુંદા
☞ ૧૦૦ ગ્રામ ખારેક
☞ ૪૦૦ ગ્રામ ગોળ (બારીક સુધારી લેવો)
☞ બે ચમચી આખા ધાણા
☞ બે ચમચી લખનવી વરિયાળી
☞ ૨૦-૨૫ દાણા મરી
☞ ૧ ચમચી વિનેગર
☞ બે ચમચી ખાવાનું તેલ
☞ ગોળકેરીનો સંભાર
☞ ૧૦૦ ગ્રામ ધાણાના કુરિયા
☞ ૧૦૦ ગ્રામ રાઈના કુરિયા
☞ ૫૦ ગ્રામ મેથીના કુરિયા
☞ ૩ ચમચી હળદર
☞ ૧/૨ ચમચી હિંગ
☞ સ્વાદ પ્રમાણે કાશ્મીરી મરચાંનો ભૂકો
બનાવવાની રીત
આગલા દિવસે ખારેકને મીઠાના પાણીમાં બોળવી. કેરી છોલીને કટકા કરવા. ગુંદાના ઠળિયા કાઢવા. કેરી અને ગુંદામાં હળદર અને મીઠું નાખી રાખવા. વારંવાર ઉછાળવા. પલાળેલી ખારેક એમાં નાખવી. બીજા દિવસે સાંજે કેરી, ગુંદા અને ખારેકને હળદર-મીઠાના પાણીમાંથી નિતારી કપડા પર કોરાં કરવાં. ત્યાર પછી તૈયાર કરેલા સંભારમાં સમારેલો ગોળ ભેળવી લેવો. બે ચમચી કોઈ પણ ખાવાનું તેલ ગરમ કરીને ઠંડું થાય પછી એમાં નાખવું. વિનેગર નાખી બધું બરાબર ઓગળી જાય એટલે બરણીમાં ભરી લેવું.
રાયતી કેરી
સામગ્રી
☞ ૧ કિલો લાડવા કેરી
☞ ૨૦૦ ગ્રામ રાઈના કુરિયા
☞ ૫૦૦ ગ્રામ ઝીણો સમારેલો ગોળ
☞ ૧/૨ ચમચી હિંગ
☞ મીઠું
☞ હળદર
☞ નાની ચમચી વિનેગર
બનાવવાની રીત
કેરીના નાના ટુકડા કરી હળદર અને મીઠામાં ચોળી લેવા. બીજા દિવસે ટુકડા નિતારીને કપડા પર કોરા કરવા મૂકવા. ત્યાર બાદ રાઈના કુરિયાને ગોળમાં ભેળવી નાની ચમચી વિનેગર નાખી હલાવી લેવા. હવાચુસ્ત બરણીમાં ભરી લેવું.