યસ, આજકાલ ૭૧ ટકા જેન ઝી એટલે કે ૧૩થી ૨૫ વર્ષની વયજૂથના તરુણો અને યંગસ્ટર્સ મોબાઇલમાં પ્રોહિબિટેડ કન્ટેન્ટ જોતા હોય છે જે પૉર્નની કક્ષામાં મૂકી શકાય.
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
યસ, આજકાલ ૭૧ ટકા જેન ઝી એટલે કે ૧૩થી ૨૫ વર્ષની વયજૂથના તરુણો અને યંગસ્ટર્સ મોબાઇલમાં પ્રોહિબિટેડ કન્ટેન્ટ જોતા હોય છે જે પૉર્નની કક્ષામાં મૂકી શકાય. જીવનનો પાયો ઘડાય એ ઉંમરમાં પૉર્નનો નાદ લાગે છે, જે તેમને લાંબા ગાળે જાતીય જીવનમાં પણ અસર કરે છે. એની પાછળ ટેક્નૉલૉજીથી લઈને ક્યુરિયોસિટીને દબાવવાની સમાજની માનસિકતા સુધીનાં કેવાં કારણો જવાબદાર છે અને પૉર્નની જાળમાં યુવાનોને ફસાતાં અટકાવવા શું થઈ શકે એ સમજીએ
જેન ઝી એટલે કે આજે ૧૩થી ૨૫ વર્ષની જનરેશન. આ પેઢીમાં ઍડલ્ટ કન્ટેન્ટ જોવાનું પ્રમાણ વધ્યું છે. આવું તાજેતરમાં થયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે. બહુ નાની ઉંમરે કિશોરો ઍડલ્ટ કન્ટેન્ટ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. અગાઉ ધ્રૂમપાન, દારૂની લત હતી; હવે અશ્લીલ વિડિયો જોવાની લત વધી રહી છે. ઇન્ટરનેટ પર આ બધી વસ્તુ એટલી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે કે પછી એ લત બની જાય છે. એટલે સ્કૂલના સ્તરે જ આની શિક્ષા આપવાનું શરૂ કરી દેવું જોઈએ. દર દસમાંથી નવ છોકરા અને દર દસમાંથી છ છોકરીઓ ૧૮ વર્ષની ઉંમર પહેલાં જ પૉર્નોગ્રાફી કન્ટેટ જોઈ લે છે. આની સીધી અસર તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આવી ટિપ્પણી તાજેતરમાં મદ્રાસ હાઈ કોર્ટે કરી હતી. હવે સવાલ એ થાય છે કે શા માટે જેનઝીમાં પૉર્ન ઍડિક્શનનું પ્રમાણ વધી રહ્યું છે? તમારા બાળકને તમે આ બધાથી કઈ રીતે દૂર રાખી શકો? પૉર્ન ઍડિક્શન થયા બાદ પેરન્ટ્સે શું કરવું જોઈએ? આ બધા સવાલોનો જવાબ આપણે એક્સપર્ટ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ.
ADVERTISEMENT
શરૂઆતનું વાતાવરણ
મારું માનવું છે કે આ બધી વસ્તુની શરૂઆત ઘર અને સ્કૂલમાંથી જ થાય છે એમ જણાવતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ જિનિષા ભટ્ટ કહે છે, ‘ઘણી સ્કૂલો એવી છે જે વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન સાથે લાવવાની મંજૂરી આપે છે. ઉપરથી કોવિડ થયો ત્યારથી સ્ટુડન્ટ્સમાં મોબાઇલ, લૅપટૉપનો યુઝ વધ્યો છે. ઑનલાઇન કોઈ પણ વસ્તુ સર્ચ કરવાનું ઈઝી થઈ ગયું છે. હવે આપણને એ વસ્તુ વિશે જાણવાની જિજ્ઞાસા થાય જેના વિશે આપણને વધુ જ્ઞાન ન હોય. એટલે વાલીઓ અને સ્કૂલો દ્વારા બાળકોને તેમની ઉંમરના હિસાબે સેક્સ એજ્યુકેશન આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. કેટલીક સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન આપવાની શરૂઆત થઈ છે, પણ એનું પ્રમાણ નહીં બરાબર છે. પેરન્ટ્સે પણ ઘરમાં ફ્રેન્ડ્લી ઍટ્મોસ્ફિયર બનાવીને રાખવું જોઈએ જેમાં સેક્સ ટૉક કૉમન હોય. બાળક પ્યુબર્ટી (તરુણાવસ્થા)ની એજમાં હોય ત્યારે ઍઝ પેરન્ટ્સ તમારે તેની સાથે સેક્સ રિલેટેડ ઇન્ફર્મેશન ડિસકસ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જેમ કે ટેલિવિઝન પર કોઈ કૉન્ડોમની ઍડ આવી ગઈ તો ચૅનલ ચેન્જ કરવાને બદલે તમારે એને સેફ સેક્સ વિશે સમજાવવું જોઈએ. ટીવી પર કોઈ ઍડલ્ટ સીન ચાલતો હોય તો પેરન્ટ્સે એમ્બૅરૅસ થવાને બદલે આને એક ઑપોર્ચ્યુનિટી સમજીને બાળકને સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ. એટલે આ બધી વસ્તુનો પણ પેરન્ટિંગમાં સમાવેશ કરવાની જરૂર છે જેથી બાળક ઇન્ટરનેટ પર આ બધી વસ્તુ સર્ચ કરવાને બદલે સીધા તેમના પેરન્ટ્સને પૂછે.’
છુપાવો નહીં, સમજાવો
આપણે કિડ્સ સામે નેગેટિવ ઇમોશન એક્સપ્રેસ કરતા હોઈએ ત્યારે એ જરૂરી બની જાય છે કે આપણે લવ પણ એક્સપ્રેસ કરીએ એમ જણાવતાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ કિંજલ જૈન કહે છે, ‘આપણા કલ્ચરમાં નેગેટિવ ઇમોશનનું એક્સપ્રેશન કૉમનલી થાય છે. જેમ કે રસ્તા પર બે વ્યક્તિ ઝગડતા હોય તો આપણે એ જોવા માટે ઊભા રહી જઈશું, પણ જ્યારે એક યુવક અને યુવતી લવ એક્સપ્રેસ કરતાં હોય જેમ કે એકબીજાને હગ કરતાં હોય કે કિસ કરતાં હોય તો આપણે તેનાથી નજર બચાવીને ચાલીએ છીએ. તેમને જોઈને આપણે અજીબ લાગવા લાગે. તમે જોશો તો પેરન્ટ્સ પણ તેમનાં બાળકો સામે હગ કે કિસ નહીં કરે. તેમના માટે બાળકો સામે ઝઘડો કરવાનું કૉમન છે, પણ લવ એક્સપ્રેસ કરવાનું નહીં. સંતાનો જેમ મોટાં થાય એમ તેમના મગજમાં એ વાત સમજાવવી જોઈએ કે લવને એક્સપ્રેસ કરવામાં કોઈ બૂરાઈ નથી, પછી એ કોઈ પણ ફૉર્મમાં હોય.’
જેન ઝીને જબરદસ્ત એક્સપોઝર મળેલું છે. તેમને ખૂબ નાની ઉંમરમાં ઘણીબધી વસ્તુની ખબર પડી જાય છે. મૅચ્યોરિટી વિના જ્યારે નાની ઉંમરે ઍડલ્ટ વીડિયો જોઈને તેમની ક્યુરિયોસિટી વધે છે.
કિંજલ જૈન
સોશ્યલ મીડિયા
પૉર્ન ઍડિક્શનનું એક કારણ સોશ્યલ મીડિયા છે એમ જણાવતાં કિંજલ જૈન કહે છે કે ‘જેનઝીને જબરદસ્ત એક્સપોઝર મળેલું છે. તેમને ખૂબ નાની ઉંમરમાં ઘણીબધી વસ્તુની ખબર પડી જાય છે. જનરલી આપણે દસમાં ધોરણ પછી મોબાઇલ વાપરવા મળતો. એટલે ત્યાં સુધી આપણે થોડા મેચ્યોર થઇ જતા. એટલે કોઇ ન્યૂડ પિકચર કે વીડિયો હોય તો આપણે તેને મેચ્યોરલી લઇએ. જેઓ મેચ્યોર નથી થયા તે લોકોની આવા એડલ્ટ વીડિયો જોઇને ક્યૂરિયોસિટી વધે છે. સેક્સ કે પોર્નને લઇને એમનામાં જે ક્યૂરિયોસિટી છે તે ત્યારે જ ખતમ થઈ જશે જયારે એમને આ વિશે એજ્યુકેશન આપવામાં આવશે. આ એજ્યુકેશનન એક પેરેન્ટ્સ જ તેમને આપે તો સારું થશે. હવે આમાં ઇશ્યૂ એ થાય કે પોતાના બાળક સાથે આ અંગે વાત કરવામાં પેરેન્ટ્સ જ કોન્ફિડન્ટ ફિલ કરતા નથી. એટલે સૌથી પહેલા પેરેન્ટ્સે તેમની ઇન્સિક્યોરિટી પર વર્ક કરવાની જરૂર છે. હવે બાળક તરુણાવસ્થામાં આવે ત્યારે અચાનક તેમની સાથે સેક્સની વાતો કરવા કરતા બાળપણથી જ તેમની સાથે કેટલાક સબ્જેક્ટ્સ પર વાત કરવાનું શરૂ કરી દેવું જોઇએ. જેમ કે બાળક ચાર-પાંચ વર્ષનું થાય તો એમની સાથે ગુડ ટચ બેડ ટચની વાત કરવી જોઇએ. એ જ બાળક જયારે થોડો મોટો થાય અને સાતમા, આઠમા, નવમા, દસમા ધોરણમાં આવે ત્યારે બોય્ઝ અને ગર્લ્સ બંનેને પીરિયડ્સ અંગે એજ્યુકેશન આપવું જોઇએ, એ પછી હજુ થોડા મોટા થાય એટલે તેમને સેક્સ એજ્યુકેશન આપવું જોઇએ. એટલે બાળપણથી જ જો તમે તમારા સંતાન સાથે આ બધા ટોપિકને લઇને ડિસકશન કરશો તો સમય સાથે ઓપનલી અને કોન્ફિડન્ટલી વાત કરી શકશે. પેરેન્ટ્સે બાળકોને એ સમજાવવાની જરૂર છે કે રોટી, કપડા અને મકાન સાથે સેક્સ પણ એક બેઝિક નીડ છે. હું હંમેશા એમ જ કહું છું કે આપણી ત્રણ નહીં પણ ચાર બેઝિક નીડ છે. આ નીડ પર ઍક્શન કરવાનો એક સમય હોય છે. એક ચોક્કસ ઉંમર પહેલાં સેક્સ કરવાનું મન થઈ શકે, પણ એના પર નિયંત્રણ રાખવું જોઈએ નહીંતર એનાં ગંભીર પરિણામો થઈ શકે છે એ પછી પ્રેગ્નન્સી હોય કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. આ વસ્તુ તરુણાવસ્થામાં પ્રવેશેલાં સંતાનોને સમજાવવાની જરૂર છે.’
તમે શું કરશો?
તમને ખબર પડે કે તમારું છોકરું પૉર્ન જુએ છે તો તમારે એ વખતે ઓવર રીઍક્ટ કરવાની જરૂર નથી કે હાય હાય હવે શું થશે એમ જણાવતાં જિનિષા ભટ્ટ કહે છે, ‘આવી સિચુએશનમાં તમારે બાળક પર ગુસ્સો કરવાને બદલે કે મારવાને બદલે તેને સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ. જો તમને આઇડિયા ન હોય કે આ વિશે કઈ રીતે બાળક સાથે વાત કરવી તો તમે સ્કૂલ કાઉન્સેલરની હેલ્પ લઈ શકો. હવે મોટા ભાગની ઇન્ડિયન ફૅમિલીમાં આજે પણ સેક્સને એક ટબૂ તરીકે જોવામાં આવે છે. આ વિશે વાત કરતાં પેરન્ટ્સ કતરાય છે. એટલે જ પછી છોકરું આ બધી વસ્તુ ઇન્ટરનેટ પર ચર્ચ કરે અને પછી ખોટી વેબસાઇટના રવાડે ચડી જાય છે.’ આ વિશે કિંજલ જૈન કહે છે, ‘સેક્સને લઈને સોસાયટીમાં એક સ્ટિગ્મા છે એને બ્રેક કરવાની જરૂર છે અને એ બ્રેક ત્યારે જ થશે જ્યારે એના વિશે આપણે વધુમાં વધુ જાહેરમાં બોલતા થઈશું. બાળકોને પૉર્ન ઍડિક્શનથી દૂર રાખવા માટે તેમને સેક્સ વિશે એજ્યુકેશન આપવું જરૂરી છે. એ માટે આપણે સોસાયટી કે કમ્યુનિટીના લેવલ પર સેક્સ એજ્યુકેશન માટેના કૅમ્પેન ઑર્ગેનાઇઝ કરવાં જોઈએ.’