જબાનના પાક્કા રહેવું. કુદરતે એ જ વાત કહી છે, પણ આડકતરી રીતે. જુઓ તમે, તેણે શરીરનાં બધાં અંગ બબ્બે આપ્યાં છે; બે હાથ, બે આંખ, બે કાન, બે પગ, બે હોઠ, બે ગાલ, બે જડબાં. બધું બબ્બે, પણ તેણે જીભ એક જ આપી છે.
મમ્મી દીકરી બને અને દીકરી મમ્મી બને એ વાત કહેતા નાટક ‘મમ્મી વીસની, દીકરી ચાલીસની’માં કેતકી અને રિદ્ધિને સાથે લાવવાની અને રિદ્ધિને લૉન્ચ કરવાની ખુશી આજે પણ છે.
આપણે ત્યાં ઑડિટોરિયમ નથી એટલે જ આપણે ત્યાં મ્યુઝિકલ નાટકો બનતાં નથી વર્ષ ૨૦૦૬ અને બીજી જુલાઈ, રવિવાર.
મારું ૩૬મું નાટક ‘મમ્મી વીસની, દીકરી ચાલીસની’ ઓપન થયું. ગયા સોમવારે તમને કહ્યું એમ, આ નાટકના ઓપનિંગમાં હું હાજર નહોતો રહી શક્યો, પણ નાટકના શુભારંભ પ્રયોગમાં આપણા દેશના ધુરંધર એવા એક મહાશય પોતાની ફૅમિલી સાથે હાજર હતા. એ મહાશય એટલે આપણા મુકેશ અંબાણી. હા, નાટક જોવા માટે મુકેશભાઈ તેમની આખી ફૅમિલી સાથે તેજપાલ ઑડિટોરિયમ આવ્યા હતા. મુકેશભાઈને તેમની ડૉટર ઈશા અંબાણીએ કહ્યું હતું કે આ નાટક ફલાણી ઇંગ્લિશ ફિલ્મ પરથી છે, જે વાત મુકેશભાઈએ મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીને પૂછી હતી.
ઍનીવેઝ, અમારું નાટક ‘મમ્મી વીસની, દીકરી ચાલીસની’ ઍવરેજ રહ્યું. અમને એમ હતું કે નાટકના ૧૦૦ શો થશે, પણ એવું બન્યું નહીં અને ૯૦ શોની આસપાસ નાટકની લાઇફ પૂરી થઈ ગઈ. પણ મેં તમને કહ્યું એમ, આ નાટક ચાલુ થયું ત્યારે અમે તો નવા નાટકની શોધમાં ક્યાંય આગળ નીકળી ગયા હતા.
‘બાએ મારી બાઉન્ડરી’ અને ‘મમ્મી વીસની, દીકરી ચાલીસની’ નાટકો ચાલતાં હતાં ત્યારે નવા નાટક માટે અમારી વાતો ચાલતી હતી સિદ્ધાર્થ રાંદેરિયા સાથે. અમે એક મરાઠી નાટક જોયું હતું, જેનું ટાઇટલ હતું ‘જાદુ તેરી નઝર’. નાટકના લેખક હતા રત્નાકર મતકરી. તેમણે સેક્સપિયરના ફેમસ પ્લે ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’ પરથી પ્રેરણા લઈને આ નાટક લખ્યું હતું. જોકે મતકરીસાહેબે પોતાનું નામ લેખક તરીકે જ આપ્યું હતું. આ જ ફરક છે આપણા લેખકોમાં અને મરાઠી લેખકોમાં. આપણે ત્યાં મધુ રાય હોય કે સિતાંશુ યશશ્ચન્દ્ર હોય, તેઓએ જ્યારે-જ્યારે અન્ય ભાષાનાં નાટકો લખ્યાં છે ત્યારે તેમણે પોતાનું નામ રૂપાંતરકાર તરીકે જ આપ્યું છે. ઍનીવેઝ, આપણે આવીએ ‘જાદુ તેરી નઝર’ પર. નાટકની વાર્તા જાદુઈ આઇ-ડ્રૉપ એટલે કે આંખનાં ટીપાંની હતી. એ ટીપાં જેકોઈ આંખમાં નાખે તેના પ્રેમમાં બધા પડવા માંડે. સરસ કૉમેડી નાટક. મરાઠીમાં લીડ ઍક્ટર પ્રશાંત દામલે અને સતીશ તારેએ બહુ સરસ ઍક્ટિંગ કરી હતી.
નાટક અમને ગમ્યું એટલે અમે એના રાઇટ્સ લીધા અને મળ્યા સિદ્ધાર્થ રાંદેરિયાને. સિદ્ધાર્થ એ સમયે બહારના પ્રોડક્શન-હાઉસ માટે પણ કામ કરતો હતો. અમે સિદ્ધાર્થને ઑફર આપી કે તે જ આ નાટકનું ગુજરાતી રૂપાંતર કરે, દિગ્દર્શન કરે અને તે જ લીડ રોલ કરે.
‘રૂપાંતર અને દિગ્દર્શન માટે હું તૈયાર છું, પણ રોલ નહીં કરું...’
કંઈક આવો જવાબ સિદ્ધાર્થે આપ્યો એટલે અમે પણ તૈયારી દેખાડી કે વાંધો નહીં, અમને મંજૂર છે. અહીં હું તમને એક આડવાત કહું, જે ગણ્યાગાંઠ્યા લોકોને ખબર છે.
અમે જ્યારે નિર્ણય લીધો કે નાટકનું દિગ્દર્શન સિદ્ધાર્થ કરે ત્યાં સુધી તો અમારાં મોટા ભાગનાં નાટકો વિપુલ મહેતા ડિરેક્ટ કરી ચૂક્યો હતો. વિપુલે પણ આ મરાઠી નાટક જોયું હતું, તેને પણ ગમ્યું હતું અને તેની પણ ઇચ્છા હતી કે તે આ નાટક ડિરેક્ટ કરે, પણ અમે તો સિદ્ધાર્થ પાસે જીભ કચરી નાખી હતી એટલે બીજો કોઈ પ્રશ્ન જ નહોતો આવતો. મિત્રો, એક વાત યાદ રાખજો કે જબાનના પાક્કા રહેવું. કુદરતે પણ એ જ વાત કહી છે પણ આડકતરી રીતે. જુઓ તમે, તેણે શરીરનાં બધાં અંગ બબ્બે આપ્યાં છે; બે હાથ, બે આંખ, બે કાન, બે પગ, બે હોઠ, બે ગાલ, બે જડબાં. બધું બબ્બે, પણ તેણે જીભ એક જ આપી છે. જે સૂચવે છે કે એક વાર મોઢામાંથી જે શબ્દ નીકળે એને પાળવો, પણ વિપુલ ખૂબ નારાજ થયો મારાથી અને તેણે ટેલિફોન પર ખૂબ બળાપો કાઢ્યો. મેં તેની માફી પણ માગી.
સિદ્ધાર્થ રૂપાંતરના કામે લાગ્યો એટલે અમે કાસ્ટિંગના કામે લાગ્યા. મરાઠી ‘જાદુ તેરી નઝર’માં પ્રશાંત દામલે લીડ રોલમાં. આ પ્રશાંતવાળો રોલ કોણ કરે એ મોટી મૂંઝવણ હતી. આ જ રોલ સિદ્ધાર્થને અમે ઑફર કર્યો હતો, પણ સિદ્ધાર્થ ઍક્ટિંગ માટે તૈયાર નહીં અને તેની તોલે કોઈ આવે નહીં એટલે અમારી મૂંઝવણ વાજબી પણ હતી. ઘણી બધી વિચારણા અને મથામણ પછી અમે બધાએ લીડ રોલ માટે એક નામ નક્કી કર્યું, અલીરઝા નામદાર.
એ સમયે અલીરઝા સિરિયલોમાં ખૂબ વ્યસ્ત અને તેનું એકધારું શૂટિંગ ચાલતું જ હોય. આજે પણ એવું જ છે, તે શૂટિંગમાં બહુ વ્યસ્ત હોય છે અને એટલે જ આજે પણ તે નાટકો કરી શકતો નથી. અલીરઝાને અમે મળ્યા એટલે તેણે આ જ વાત મૂકી અને કહ્યું કે શૂટિંગ એકધારું ચાલુ છે, તો કેવી રીતે કરીશું?
‘અમે તારું શૂટિંગ ઍડ્જસ્ટ કરીશું અને તું રિહર્સલ્સમાં મોડો આવશે તો એ પણ ઍડ્જસ્ટ કરીશું.’
આવું અમે કહ્યું અને મિત્રો, આ અમારી પહેલી ભૂલ. જ્યારે પણ અમે કાસ્ટિંગની બાબતમાં કૉમ્પ્રોમાઇઝ કર્યું છે ત્યારે-ત્યારે અમને ખરાબ અનુભવ થયા છે અને આમાં અલીરઝા નામદારનો કોઈ વાંક નથી એ પણ હું તમને પહેલાં જ ક્લિયર કરી દઉં. અમે એટલા ગરજાઉ બની ગયા હતા કે તેની બધી શરતો અમે પહેલેથી જ માન્ય રાખી લીધી એટલે એમાં તેના પક્ષે કોઈ વાંક આવતો જ નથી. તેણે તો ચોખવટ સાથે શરતો મૂકી દીધી હતી, અમે એ સ્વીકારી એ અમારી ભૂલ. હકીકત એ હતી કે અમારી પાસે ઍક્ટરમાં કોઈ ઑપ્શન હતો જ નહીં એટલે નૅચરલી ગરજ અમને હતી અને તમે જ્યારે ગરજાઉ હો ત્યારે તમારું હૃદય કામ કરતું બંધ થઈ જાય.
ઠીક, હશે, જેવી અમારી બુદ્ધિ. આપણે અત્યારે વાત આગળ વધારીએ.
નાટકમાં પ્રશાંત દામલે અને સતીશ તારે મહત્ત્વનાં કૅરૅક્ટર તો બીજા કલાકારો પણ ઇમ્પોર્ટન્ટ રોલમાં હતા. સતીશ તારે જે કૅરૅક્ટર કરતો હતો એ કૅરૅક્ટર માટે અમે આશિષ ભટ્ટને કાસ્ટ કર્યો, તો હિરોઇનના રોલમાં અમે ચારુ ભાવસારને લાવ્યા. આ ત્રણ કૅરૅક્ટર સિવાય નાટકમાં બે યંગ-પૅર પણ હતી, જેમાં અમે આનંદ ગોરડિયા અને પરેશ ભટ્ટને કાસ્ટ કર્યા તો તેમની સામે છોકરીઓમાં ક્રિના શાહ અને પલ્લવી પાઠકને કાસ્ટ કરી. હજી એક મહત્ત્વનો રોલ હતો. એ માણસ જે આંખમાં નાખવાની ઔષધિ લાવ્યો હતો. એ જડીબુટ્ટીવાળાનો રોલ અમે જયદીપ શાહને આપ્યો. ટૂંકમાં કહું તો અત્યારના સમય પ્રમાણે આ નાટક એકદમ સ્ટારસ્ટડેડ હતું. ફરક માત્ર એટલો કે એ વખતે આનંદ ગોરડિયા કે જયદીપ શાહ કે આશિષ ભટ્ટ એવડા મોટા સ્ટાર બન્યા નહોતા, પણ હા, ઍક્ટર તો એ એટલા જ સારા હતા જેટલા આજે છે.
આ નાટક મ્યુઝિકલ હતું. અહીં મારે એક આડવાત કહેવી છે. આપણે ત્યાં એટલે કે ગુજરાતી રંગભૂમિ પર જેકોઈ થિયેટર છે એ બધાં સભાગૃહો છે, ઑડિટોરિયમ નથી. ઑડિટોરિયમ અને સભાગૃહ વચ્ચે એક બહુ મોટો ફરક છે જે આજનું ઑડિયન્સ ભાગ્યે જ જાણતું હશે. સભાગૃહ એટલે એ જગ્યા જ્યાં તમે નાટકો ભજવી શકો, પણ જો તમારે લાઇવ ગીતો ગાવાનાં હોય અને સાથે લાઇવ બૅન્ડ પણ વગાડવું હોય તો એને માટે ઑડિટોરિયમ જોઈએ, પણ આપણા કમભાગ્ય કે આપણે ત્યાં ઑડિટોરિયમ નથી. આ જ કારણસર મરાઠીમાં પણ રેકૉર્ડેડ સૉન્ગ હતાં, જેને અમારે ગુજરાતીમાં પણ લાવવાનાં હતાં, પણ આ વખતે અમારે કશુંક નવું કરવું હતું એટલે અમે શું કર્યું અને કોને મળ્યા એની વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.
જોક સમ્રાટ
બે ઘરડા મિત્રોને એકસાથે હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા. બન્ને ક્રિકેટના જબરદસ્ત ફૅન. એક ભાઈબંધે રાતે સૂતાં પહેલાં પોતાના ફ્રેન્ડને કહ્યુંઃ ‘જો તું પહેલાં જાય તો મારા સપનામાં આવીને મને કહેજે કે સ્વર્ગમાં ક્રિકેટ છે કે નહીં?’
એવું જ બન્યું અને પેલો ભાઈબંધ રાતે ગુજરી ગયો.
બીજી રાતે એ ભાઈબંધ પેલાના સપનામાં આવ્યો.
ભાઈબંધ-૨ઃ એક સારા સમાચાર છે ને એક ખરાબ સમાચાર. પહેલાં કયા આપું?
ભાઈબંધ-૧ : પહેલાં સારા સમાચાર દે...
ભાઈબંધ-૨ : સ્વર્ગમાં ક્રિકેટ છે.
ભાઈબંધ-૧ : અને ખરાબ સમાચાર?
ભાઈબંધ-૨ : કાલની મૅચ માટે તારું સિલેક્શન થયું છે...