પુરુષની તુલનામાં મહિલા વધુ ફરિયાદ કરે છે. કમ્પ્લેઈન્ટ કર્યા વિના તેનો દિવસ પૂરો થતો નથી એવું એક અભ્યાસ કહે છે. શું મહિલાઓ પોતે સહમત છે? ચાલો જોઈએ
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
ફરિયાદો તો સ્ત્રી અને પુરુષ બન્નેના મનમાં ઊઠતી જ હોય છે, પણ બન્નેની ફરિયાદની રજૂઆત કરવાની ઢબ અલગ-અલગ હોય છે અને એટલે સ્ત્રીની ફરિયાદો વધુ આંખે ચડે છે.
કોઈ પણ વ્યક્તિ લગ્ન કરે છે ત્યારે તેના મનમાં એક આદર્શ જીવનસાથીની કલ્પના હોય છે. જેમ જેમ વર્ષો વીતે ચિત્ર બદલાતું જાય છે. એનું મુખ્ય કારણ છે ઢગલાબંધ ફરિયાદો. વાસ્તવમાં ફરિયાદ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે અને એમાં કશું ખોટું નથી. આ સ્વભાવને જેન્ડર સાથે આમ તો કોઈ લેવાદેવા નથી, પરંતુ અભ્યાસ કહે છે કે ડે ટુ ડે લાઇફમાં પુરુષની સરખામણીએ મહિલાઓ વધુ કમ્પ્લેન કરતી હોય છે. વિશ્વમાં ભાગ્યે જ એવી કોઈ મહિલા હશે જેનો ફરિયાદ કર્યા વિના દિવસ પૂરો થાય. ઘણી વાર સતત ફરિયાદ કરવાની ટેવના કારણે તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને સામેવાળી વ્યક્તિ પર અસર થતી નથી. આ રિસર્ચમાં કેટલો દમ છે એ મહિલાઓને જ પૂછીએ.
ADVERTISEMENT
ખોટા સમયે રજૂઆત નકામી
મહિલાઓમાં ફરિયાદનો સૂર વધુ જોવા મળે છે એવા રિસર્ચ સાથે સહમત થતાં કાંદિવલીનાં સિંગર ગીતા ચિત્રોડા કહે છે, ‘હાલમાં જ એક શો કરીને પાછાં ફરતી વખતે જોયું કે સ્કૂટરની પાછળ બેઠેલી વાઇફ સતત ફરિયાદ કરતી હતી. અમારાં બન્નેનાં વેહિકલ સાથે-સાથે ચાલતાં હોવાથી તેનો અવાજ કાનમાં સંભળાતો હતો. ફરિયાદનાં કારણોની ખબર નથી, પરંતુ અનુમાન લગાવ્યું કે પારિવારિક બાબત હતી. કારણ જે પણ હોય, રસ્તામાં ઉગ્ર અવાજે હસબન્ડ સાથે વાત કરવાથી તમારી પબ્લિક ઇમેજને અસર થાય છે. અનેક મહિલાઓની રજૂઆત કરવાની રીત અને સમય ખોટાં હોવાથી તેમની કમ્પલેન મૅટર કરતી નથી. રોજબરોજના જીવનમાં મોટા ભાગની મહિલાઓને હસબન્ડના કામમાં ભૂલો કાઢવાની ટેવ હોય છે જેને ફરિયાદનું નામ આપી શકાય. આ શાક મગાવ્યું હતું ને પેલું લઈ આવ્યા. ઈડલી સાથે ચટણી વધારે લાવવાની હતી, સંભાર કોઈ ખાતું નથી, તમારા કામમાં ભલીવાર નથી. આવી ફરિયાદો વિના તેનો દિવસ આથમતો નથી એ વાત સાચી છે. પછી હસબન્ડ કંટાળીને કહી દે કે તું જાતે લઈ આવ. એમાંય વાંધો પડે કે કામમાં મદદ નથી કરતા. મારી અંગત વાત કરું તો રૂટિન લાઇફમાં ફરિયાદો નથી હોતી, પણ ઘરનું રિનોવેશન ચાલતું હતું ત્યારે અમુક જગ્યાએ વાંધાવચકા કર્યા હતા ખરા. જોકે, ફરિયાદો માત્ર મહિલાઓ જ કરે છે એવું નથી, પુરુષોને પણ અનેક ફરિયાદો હોય છે. વાઇફ મોબાઇલમાં પડી રહે છે એવી તેમની ફરિયાદમાં દમ નથી.’
એક્સપ્રેસિવ છીએ
મહિલાઓને કાયમ કચકચ કરવાની અને કમ્પ્લેન કરવાની ટેવ છે એવા નિષ્કર્ષવાળા અભ્યાસમાં પૂરેપૂરી સચ્ચાઈ નથી એવો મત વ્યક્ત કરતાં કાંદિવલીનાં વર્કિંગ વુમેન સેજલ દોશી પાંડે કહે છે, ‘મહિલાઓ પુરુષો કરતાં એક્સપ્રેસિવ હોય છે. મનમાં જે પણ ચાલતું હોય એને એક્સપ્રેસ કરવાનો બાય ડિફૉલ્ટ જે નૅચર છે એના કારણે કમ્પેલન કરતી હોય એવું લાગે છે. હકીકતમાં તેઓ માત્ર ફરિયાદ નથી કરતી, પોતાનાં ઇમોશન્સ અને હૅપીનેસને પણ શૅર કરે છે. દાખલા તરીકે અમે ફરવા જઈએ ત્યારે મારે ઘણા બધા ફોટા પાડવા હોય. હસબન્ડ અને દીકરો ક્યારેક કંટાળી જાય. તેમનો રિસ્પૉન્સ ઓછો મળે એટલે હું ફરિયાદ કરું. તેમની આવી નાની-નાની ફરિયાદો હોય છે. મહિલાઓ એક્સપ્રેસિવ છે અને પુરુષો ઇન્ટ્રોવર્ટ તેથી આવી તુલના ન થવી જોઈએ. અગાઉના સમયમાં સંયુક્ત કુટુંબમાં રહેતી મહિલાઓ કદાચ ફરિયાદો કરતી અને ઘણી ખરી તેમની ફરિયાદો સાચી પણ હતી. હવે સમય બદલાઈ ગયો છે. મહિલાઓ પોતે ઇન્ડિપેન્ડ્ન્ટ હોય ત્યારે કમ્પ્લેન કરવાની જરૂર રહેતી નથી. અમે બન્નેએ લવમૅરેજ કર્યાં હોવાથી રોજબરોજના જીવનમાં ફરિયાદો ઓછી છે. જોકે, બે બાબતની કમ્પ્લેન રહે છે. એક તેઓ મને પૂરતો સમય નથી આપતા. મને કહેવાનું મન થાય કે ક્યારેક રાતના જમીને આંટો મારવા લઈ જાઓ. બીજું એ કે મને કોઈ વાતની ના કેમ નથી પાડતા? હું ઇચ્છું છું કે તેઓ કોઈ વસ્તુની પહેલાં ના પાડે અને પછી એ જ વસ્તુ સરપ્રાઇઝના રૂપમાં લાવીને આપે. મારી આ ફરિયાદ ક્યારે સાંભળશે એની રાહ જોઉં છું.’
પુરુષો પણ સમજી ગયા
મહિલાઓ પોતાના મગજમાં જે હોય એ બધું ઠાલવી દે છે એમાં તેમની ઇમેજને અસર થાય છે. મહિલા એટલે કચકચ કરવાવાળું પાત્ર આ માન્યતા ખોટી છે એવી વાત કરતાં વિલે પાર્લાનાં ગૃહિણી મેઘા દેસાઈ કહે છે, ‘મહિલાઓ કોઈ વાતને મનમાં ભરીને નથી રાખતી. ફરિયાદ કરીને પોતાનું ફ્રસ્ટ્રેશન બહાર કાઢી નાખે છે. આ સ્વભાવના કારણે જ પુરુષોની તુલનામાં તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. ફરિયાદ કરવી એ અવગુણ નથી એમ છતાં તેને બદનામ કરવામાં આવે છે, કારણ કે પુરુષો વ્યક્ત નથી કરતા. મારું ઑબ્ઝર્વેશન કહે છે કે મોટા ભાગની મહિલાઓ પોતાના હસબન્ડ સમક્ષ સંતાનોને લઈને ફરિયાદ કરતી હોય છે. જો આમ ન કરે તો ભવિષ્યમાં તેને જ સાંભળવું પડે. રસોડાના કામકાજને લઈને પણ તેમની ઘણી બધી ફરિયાદો વાજબી હોય છે. પૅન્ડેમિકમાં અનેક પુરુષોને સમજાઈ ગયું છે કે સિનિયર સિટિઝન, કિડ્સ અને કિચન વચ્ચે બૅલૅન્સ કરવું ડિફિકલ્ટ જૉબ છે. વાઇફની કમ્પ્લેન સાવ ખોટી નથી હોતી. હા, સતત ફરિયાદ કરો તો તમારું કોઈ સાંભળશે નહીં. વસ્તુને લઈને મારી કોઈ ફરિયાદ નથી, પરંતુ કામમાં પર્ફેક્શનની અપેક્ષા હોય. જોકે, પુરુષો પણ અમુક બાબતમાં કમ્પ્લેન કરતા હોય છે. પતિ ઘરે આવે ત્યારે પત્ની ટીવી જોતી હોય એ દેખાઈ આવે, પણ એ ન જુએ કે રસોઈ તૈયાર છે. પારિવારિક જીવનમાં અરસપરસ માટે આવી નાની-નાની ફરિયાદો ઘર ઘર કી કહાની છે. એનાથી અંગત સંબંધોને અસર થતી નથી.’
મહિલાઓ કોઈ વાતને મનમાં ભરીને નથી રાખતી. ફરિયાદ કરીને પોતાનું ફ્રસ્ટ્રેશન બહાર કાઢી નાખે છે. ફરિયાદ કરવી એ અવગુણ નથી એમ છતાં તેને બદનામ કરવામાં આવે છે.
મેઘા દેસાઈ
સાયન્સ શું કહે છે?
સાયન્સ કહે છે કે ફરિયાદો કરવાથી તમારું ફ્રસ્ટ્રેશન બહાર નીકળી જાય છે તેથી અમુક સમયે કરવી જોઈએ, પણ કૉન્સ્ટન્ટ કમ્પલેન એક પ્રકારની માનસિક બીમારી છે. સોશ્યલ સાઇકોલૉજી રિસર્ચ અનુસાર લાંબા ગાળે આ સ્વભાવ બાય ડિફૉલ્ટ રિસ્પૉન્સમાં પરિવર્તિત થઈ જતાં આસપાસના લોકો એને ગણકારતા નથી. ફરિયાદને કોઈ ગંભીરતાથી સાંભળે નહીં ત્યારે વ્યક્તિ નિરાશાવાદી બની જાય છે અને એ ફ્રસ્ટ્રેશનમાં વધુ ફરિયાદો કરે છે. તબીબી ભાષામાં એને ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર કહે છે. આ રોગથી બચવા માટે મગજને નિયંત્રણમાં રાખવાની ટેક્નિક વિકસાવવી જોઈએ. ફરિયાદ કરવાનું તમારી પાસે સચોટ કારણ હોવું જોઈએ અને રજૂઆતમાં સ્પષ્ટતા હોવી જોઈએ. તમે કોઈનાથી પરેશાન છો એટલે વારંવાર ફરિયાદ કરો એ યોગ્ય નથી. સામેવાળી વ્યક્તિનો પ્રતિસાદ કેવો હોઈ શકે એ ભૂતકાળના અનુભવોથી ચકાસી લેવું. ફરિયાદનો સૂર ધીમો હોવો જોઈએ, અન્યથા આક્ષેપ કરતા હો એવું પ્રતીત થાય. દરેક જગ્યાએ તમારા કામની કદર થવી જોઈએ એવો આગ્રહ રાખવો નકામો છે. આટલું સ્વીકારી લેવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે.’