હા, અંતિમ ૨૪ કલાક. આજે દિવાળી અને પછી નવા વર્ષનો આરંભ, પણ એ પહેલાં વર્ષના અંતિમ ૨૪ કલાક. સનાતન ધર્મનું કહેવું છે કે આજે ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતા.
મેરે દિલ મૈં આજ ક્યા હૈ
પ્રતીકાત્મક તસવીર
હા, અંતિમ ૨૪ કલાક. આજે દિવાળી અને પછી નવા વર્ષનો આરંભ, પણ એ પહેલાં વર્ષના અંતિમ ૨૪ કલાક. સનાતન ધર્મનું કહેવું છે કે આજે ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતા. આ જ વાતને, આ જ થિયરીને અને આ જ માન્યતાને જો પકડીને ચાલવાનું હોય તો ભગવાન શ્રીરામ પાછા ફર્યા પછી બીજા દિવસની સવારથી તેમણે રાજ્યનું શાસન હાથમાં લીધું ને બીજા દિવસથી તેમણે અયોધ્યામાં રામરાજ્યની શરૂઆત કરી. આમ પણ રામની પાદુકાનું શાસન તો ચાલુ જ હતું એટલે એ સમયથી જ રામરાજ્ય ગણવામાં આવે છે, પણ સદેહ ભગવાન શ્રીરામે આવતી કાલથી શાસન હાથમાં લીધું હતું અને અયોધ્યાવાસીઓએ આજે રામને પામ્યા હતા.
આજે આપણે પણ આપણી અંદરનો રામ પામવાનો છે અને આપણે પણ આજના દિવસે અંદરના રામને ઘરે લાવવાનો છે. એક વખત, માત્ર એક વખત એક કલાક શાંતિથી બેસીને ગયા વર્ષનાં લેખાંજોખાંને ધ્યાનથી જોજો અને જોઈ લેજો કે આ વર્ષ દરમ્યાન શું ભૂલ કરી અને શું કરવા જેવું ચૂકી ગયા? એ પણ જોઈ લેજો કે આ વર્ષે કેટલાની પીઠ પાછળ ખંજરો પોરવ્યાં અને કેટલાએ પીઠ પાછળ મારેલાં ખંજરોને દૂર કરવા માટે તાકાત ખર્ચી? આજના આ વર્ષના અંતિમ દિવસે કરેલાં સારાં કામો પણ યાદ કરીને એનો સુખદ અનુભવ લેવાનો છે અને કરેલાં ખરાબ કામોને યાદ કરીને અફસોસ પણ મનોમન વ્યક્ત કરી લેવાનો છે. ઇચ્છા પડતી હોય અને ક્ષમતા હોય, ત્રેવડ હોય તો કરેલી ભૂલોને કારણે જેમને પણ દુઃખ થયું છે એ સૌકોઈને સોરી કહેવાની તૈયારી પણ રાખજો અને દિવાળીના આજના આ દિવસને સંવત્સરી જેવું માહાત્મ્ય આપીને એનું ગૌરવ વધારજો. જો ઇચ્છા પડે તો એક વખત એ પણ નક્કી કરી લેજો કે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત બીજી કઈ રીતે થાય અને લાગે તો એ પ્રાયશ્ચિત્ત પણ કરી લેજો.
અંતિમ કલાકોને વિદાય કરવા માટે ગૅલરીમાં અને બારણાના ઉંબરે દીપ પ્રગટાવવામાં આવશે અને મા લક્ષ્મી ઘરમાં આવે એની માટે પ્રકાશનું આયોજન કરવામાં આવશે. આ એકાદ દીપક નહીં જલે તો ચાલશે. હા, સાચું વાંચ્યું, એકાદ દીવડો નહીં પ્રગટે તો ચાલશે, જો તમે કોઈ અંધારિયા ઘરમાં રહેતા બાળકના ચહેરા પર રોશની લઈ આવવાનું કામ કરશો. નિદા ફાઝલીનો એક શેર મને અતિપ્રિય છે.
ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર ચલો યૂં કરે લે,
કીસી રોતે હૂએ બચ્ચે કો હસાયા જાએ.
આ માત્ર પંક્તિ નથી, હું તો કહીશ કે આ પંક્તિમાં જીવનસાર છે અને જો આ જીવનસાર પામીને બેચાર દીવડા ઓછા ઘરે મૂકીને ગરીબનાં બાળકોને ખુશ કરવાનો પ્રયાસ કરશો તો મા લક્ષ્મી વધારે ખુશ થશે. એને પણ લાગશે કે આ એવું ઘર છે જ્યાં વસ્યા પછી એ તિજોરીમાં નહીં પૂરે, પણ જરૂર પડ્યે કોઈના પેટના ખાડાની આગ પૂરવા માટે મારો સદુપયોગ કરશે. મિત્રો, દિવાળીના આજના આ વિક્રમ સંવતના અંતિમ દિવસે એક વાત ખાસ કહેવાની. ઉપયોગમાં આવે એ પૈસો, પણ સદુપયોગમાં આવે એનું નામ લક્ષ્મી. પૈસા પાછળ ભાગવાને બદલે લક્ષ્મીને આવકારવાનું કામ કરજો, એવી શુભેચ્છા સાથે દિવાળીની અઢળક શુભકામનાઓ.