સાફસફાઈ પણ ઉત્સવની જેમ સાથે વહેંચીને કરવાની મજા જ કંઈ ઑર છે. એટલે જ હવે ટેક્નૉલૉજી અને તમામ સવલતો ઉપલબ્ધ હોવા છતાં આ ઘરોમાં સફાઈનું કામ માત્ર સ્ત્રીઓના શિરે જ નથી, બલ્કે બધા સાથે મળીને ઘરની સાફસફાઈ કરે છે
પ્રતીકાત્મક તસવીર
દિવાળી શરૂ થઈ ગઈ છે અને ઘરો સુંદર સજાવટથી અને લાઇટોથી ઝળહળી રહ્યાં છે. જોકે આ સુંદરતા લાવવા માટે તહેવાર અગાઉ ઘણી મહેનત કરવી પડે છે. એ છે ઘરની સાફસફાઈ. એક રિચ્યુઅલ જેવી બની ગયેલી ઘરની સાફસફાઈ કરવાનો વારો મોટા ભાગે મહિલાઓના શિરે જ હોય છે જે તેમના માટે મોટો માથાનો દુખાવો બને છે. એટલે હવે મુંબઈ જેવાં શહેરોમાં દિવાળીમાં સાફસફાઈ કરવા માટે પ્રાઇવેટ એજન્સીના અથવા તો બહારથી માણસોને હાયર કરવામાં આવે છે. જોકે તેમની ડિમાન્ડ પણ હવે એટલી વધી ગઈ છે કે માણસો સરળતાથી મળતા નથી અને તેમનો રેટ આસમાને હોય છે. આ બધા વચ્ચે મુંબઈમાં કેટલાંક એવાં ઘરો પણ છે જ્યાં સાફસફાઈ કરવા માટે બહારથી કોઈ માણસો બોલાવવામાં આવતા નથી, પણ ઘરના નાના-મોટા તમામ સદસ્યો ભેગા મળીને સફાઈ કરે છે. માત્ર ઘરની મહિલાઓ જ નહીં, બધા સભ્યો ઘરની સાફસફાઈ કરવા મંડી પડે છે. મળીએ એવા પરિવારોને જેઓ સફાઈકામમાં ખભેખભા મિલાવીને કામ કરે છે એને કારણે કોઈને આ કામ ભારે નથી લાગતું.
નાના-મોટા સૌ, અરે મારો પાંચ વર્ષનો પૌત્ર પણ ઘરની સફાઈમાં ફાળો આપે છે : કનક સોની
ADVERTISEMENT
કાંદિવલીમાં રહેતાં રિટાયર્ડ શિક્ષિકા કનક સોની કહે છે, ‘કામવાળી હોય, પણ મહત્તમ સાફસફાઈનું કામ અમે બધા ફૅમિલી મેમ્બરો મળીને જ કરીએ છીએ. જેમ કે પંખા લૂછવાના, દીવાલો લૂછવાની, માળિયા પરથી સામાન આપવાનું કામ મારો દીકરો કરે છે. આ સામાનને સાફ કરવાનું અને પ્રૉપર અરેન્જ કરવાનું કામ હું અને મારી વહુ કરીએ. કિચનનાં ખાનાં, લિવિંગરૂમનાં ખાનાં એ બધું અમે લેડીઝ સંભાળી લઈએ. વાસણો ધોવાનાં હોય તો એ મારી વહુ કરી નાખે અને જે વાસણ ધોવાઈ જાય એને મારો પાંચ વર્ષનો પૌત્ર લૂછીને મૂકતો જાય. મારા હસબન્ડ ઘરમાંથી એક્સ્ટ્રા કે નકામો સામાન નીકળે એને ભંગારવાળા પાસે લઈ જાય તેમ જ સફાઈ દરમ્યાન કોઈ વસ્તુ ડૅમેજ થયેલી દેખાય તો એને જાતે રિપેર કરી દે. એટલે એ માટે પણ અમારે કોઈને બહારથી બોલાવવા પડતા નથી.’
દિવાળીમાં જ નહીં, વર્ષમાં ચાર વખત સહિયારી ભાગીદારી સાથે સાફસફાઈ કરીએ : વિરાગ શાહ
ઘાટકોપરમાં રહેતા ઍક્ટર અને સ્ટેજ-આર્ટિસ્ટ વિરાગ શાહ કહે છે, ‘મારાં મમ્મી ખૂબ ચીવટ સાથે સાફસફાઈ કરવામાં માને છે એટલે વર્ષમાં ઓછામાં ઓછા ચાર વખત ઘરમાં બરાબર સાફસફાઈ થાય છે. એમાં ઘરના બધા સભ્યો લાગી જાય છે. હવે તો ભાભી આવી ગયાં છે એટલે આ કામ વહેંચાઈ ગયું છે, પણ પહેલાં અમે બે ભાઈ પપ્પા-મમ્મીને સાફસફાઈ કરવામાં મદદ કરતા આવ્યા છીએ. આજે પણ દિવાળીમાં અમારું ઘર અમે એકદમ ડીપ ક્લીન કરીએ છીએ. પપ્પા પોતાનું કબાટ અને મંદિર સાફ કરે, મમ્મી અને મારાં ભાભી કિચનની સાફસફાઈ સંભાળી લે, હું અને મારો ભાઈ રૂમો સાફ કરવાનું જોઈ લઈએ. આમ પણ તહેવારોમાં આપણા હાથે કરેલી ઘરની સફાઈની ચમક કંઈક અલગ જ હોય છે.’
પોતાના ઘરને સાફ કરવા બહારથી શું કામ કોઈને બોલાવવાના : બીના દેસાઈ
આપણા હાથે ઘરની સફાઈ કરવાનો આનંદ અલગ હોય છે; હા, થાક તો લાગે અને સમય પણ બહુ માગી લે છે, પણ ઘરના બધા સભ્યો સાથે મળીને કરે એટલે કામ બોજરૂપ બનતું નથી એમ જણાવતાં બોરીવલીની સ્કૂલનાં શિક્ષિકા બીના દેસાઈ કહે છે, ‘અમારા ઘરમાં મારા આવવા અગાઉ મારાં સાસુ એકલાં જ સ્ત્રીસભ્ય હતાં એટલે સાફસફાઈથી લઈને દરેક કામમાં મારા હસબન્ડ મદદ કરતા આવ્યા છે. આ નિયમ લગ્ન પછી પણ તેમણે ચાલુ રાખ્યો છે. આજે અમે ઘરમાં ચાર સભ્યો છીએ. બધાએ સફાઈનું કામ વહેંચી લીધું છે. કામવાળી છે, પણ તેણે માત્ર કિચનમાં થોડીઘણી હેલ્પ કરી હતી. બાકી અમે લોકોએ જ સંભાળી લીધું. જેમ કે મારી દીકરીએ તેનું વૉર્ડરોબ અને સ્ટડી ટેબલ સાફ કરી લીધું; અમે લેડીઝોએ કિચનનાં ખાનાં અને જાળાં સાફ કરી લીધાં; પંખા, લાઇટ, માળિયું મારા હસબન્ડે સાફ કરી આપ્યાં. આ સિવાય વજનવાળી વસ્તુઓ લેવા-મૂકવાનું કામ પણ તેઓ જ કરી આપે.’
દિવાળીની સાફસફાઈ જ નહીં, નાસ્તા બનાવવામાં પણ ઘરના પુરુષો ખડે પગે ઊભા રહે: દિવ્યા પડછ
અમે જોઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ અને સાફસફાઈ પણ જોઇન્ટમાં જ કરીએ છીએ એમ જણાવતાં ઘાટકોપરમાં રહેતાં દિવ્યા પડછ કહે છે, `અમે ઘરમાં ૧૦ સભ્યો છીએ. અમે બધાં કામ વહેંચી લઈએ છીએ. આમ પણ દિવાળીમાં કોઈ માણસ કામ કરવા માટે ઘરે આવવા તૈયાર થતો નથી. બધાને મોટો ભા કરવા કરતાં અમે ઘરના લોકો જ સાફસફાઈનું કામ જાતે કરી લઈએ છીએ. ઘરના તમામ પુરુષો વર્કિંગ છે છતાં તેઓ રજાના દિવસે સાફસફાઈ કરવા લાગે છે. આ ઉપરાંત તેઓ અમને નાસ્તા બનાવવામાં પણ મદદ કરે છે. અમારા ઘરે બહારથી નાસ્તા નથી આવતા. અમે બધું ઘરે જ બનાવીએ છે. મારાં ૮૧ વર્ષનાં સાસુ પણ અમને મદદ કરે છે. તેઓ વેફર, પાપડ વગેરે બનાવે છે. આમ અમે તહેવાર તો સાથે મળીને મનાવીએ જ છીએ, એની પૂર્વતૈયારીઓ પણ સાથે મળીને જ કરીએ છીએ.`