કુટુંબ, સ્વ-સુધારણા, સુખ અને સફળતા વિશે શાણપણનું અન્વેષણ કરો. આ પ્રતિબિંબ જીવનના સાચા મૂલ્યો અને પરિપૂર્ણતાના સાર પર પ્રકાશ પાડે છે.
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
- માતા-પિતા આ દુનિયામાં બે જ સાચાં જ્યોતિષી છે. મનની વાત સમજી જતી મા અને ભવિષ્યને ઓળખી જતા પિતા.
- દુનિયામાં રહેવા માટેની ચાર સુંદર જગ્યાઓ : (૧) કોઈના વિચારોમાં (૨) કોઈના હૃદયમાં (૩) કોઈની યાદોમાં (૪) કોઈની પ્રાર્થનાઓમાં.
- આપણા હોય એ જ આપણને શીખવે છે કે કોઈ આપણું નથી.
- હરખમાં વાયદા અને વચન ક્યારેય ન આપવાં. મતલબી દુનિયા વચનને નહીં મતલબને ચાહતી હોય છે.
- શું જતું કરવું અને શું જાતે કરવું એ સમજાય તો સ્વર્ગ અહીં જ છે.
- મોટું રહસ્ય એ છે કે તમને ખબર નથી હોતી કે કોણ તમારા માટે પ્રાર્થના કરે છે અને કોણ તમારી સાથે રમત રમે છે.
- સમસ્યા વિશે વિચારશો તો બેચેની વધશે. સમાધાન વિચારવાથી નવો માર્ગ મળશે.
- આ જિંદગી છે સાહેબ, અહીં કદર અને કબર તમને ક્યારેય જીવતે જીવ નહીં મળે.
- દરેક જણ આખી માનવજાતને સુધારવાનું વિચારે છે, પણ પોતાની જાતને સુધારવાનું ભાગ્યે જ વિચારે છે.
- બીજો માણસ શું કરે છે એની ચિંતા છોડીને પ્રત્યેક વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની ફરજ પૂરી કરીને જીવવાનું શરૂ કરે તો સમસ્યા છે જ ક્યાં?
- આપત્તિ કોઈ અવરોધ નથી, પણ અવસર છે. આવેલી આવી તકને ઝડપી લેશો તો સફળતા મળશે જ.
- વાચન જેટલું સસ્તું મનોરંજન કોઈ નથી અને એના જેટલો અમૂલ્ય આનંદ કોઈ આપી શકતું નથી.
- ક્રોધનો ઉપાય મૌન અને ક્ષમા.
- જૂનો હિસાબ નવાં વેર જન્માવે છે.
- ઘોર નિરાશાની પળોમાં પ્રસન્ન રહેવું.
- ઓછી બુદ્ધિ વધુ બડબડાટ, ખાલી વાસણ વધુ ખડખડાટ.
- અમલ કર્યા વગર સારા વિચારો પણ નિષ્ફળ નીવડે છે.
- જાહેરખબર વગર ધંધો કરનારની પાસે પૈસા આવતા નથી.
- ઉદ્યમી, ખંતીલો અને દીર્ઘદૃષ્ટિવાળો વેપારી પોતાના ખરાબ નસીબની ભાગ્યે જ ફરિયાદ કરે છે.
- સલાહ દેવાનો ઊભરો રોકી શકનાર અડધાં કષ્ટોથી આપોઆપ બચી જાય છે.
- એકલી પંડિતાઈ એ કાગળનું ફૂલ છે, એમાં માણસાઈ ભળે તો જ સુગંધ આવે.
- જે બહુ જાણે છે તે ઓછું બોલે છે.
- કંઈક કરવું છે તો ડર છોડીને ઝંપલાવી જ દો.
- જેના જીવનમાં પદાર્થ ગૌણ છે અને પ્રેમ મુખ્ય છે તેની પાછળ દુનિયા દોડે છે.
- લાગણીનો રંગ ક્યારેક લોહી કરતાં પણ વધારે લાલ હોય છે.
- પ્રેમ એક એવી અવસ્થા છે જેમાં તમારા કરતાં બીજી વ્યક્તિનો આનંદ વધારે મહત્ત્વનો હોય છે. -હેમંત ઠક્કર