માંદગીને શરીર ધર્મ તરીકે ઓળખાવી શકાય છે. એવો કોઈ માણસ ન હોય જેમને શરદી-ઉધરસ જેવી સામાન્ય અસ્વસ્થતાથી માંડીને કૅન્સર જેવા જીવલેણ રોગનો ક્યારેય સામનો કરવો પડ્યો ન હોય.
ઉઘાડી બારી
પ્રતીકાત્મક તસવીર
માંદગીને શરીર ધર્મ તરીકે ઓળખાવી શકાય છે. એવો કોઈ માણસ ન હોય જેમને શરદી-ઉધરસ જેવી સામાન્ય અસ્વસ્થતાથી માંડીને કૅન્સર જેવા જીવલેણ રોગનો ક્યારેય સામનો કરવો પડ્યો ન હોય. આવી અસ્વસ્થતાને સરભર કરવા માટે જે ચિકિત્સક પાસે જાય છે તેને પહેલાં આપણે વૈદ કહેતા. આ વૈદ દરદીની તપાસ તેના કાંડાની નાડીથી કરતા. નાડી સિવાય બીજી કોઈ તપાસ કરવાની હોય ત્યારે વૈદ ક્યારેક દરદીની આંખ તપાસતા તો ક્યારેક તેમના પેટ પર હાથ ફેરવીને રોગનું નિદાન કરતા. હવે આજે જો કોઈ પોતાની ચિકિત્સા માટે ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર દરદનું કંઈ પણ નિરાકરણ કર્યા પૂર્વે હૃદયના ધબકારા અને લોહીનું દબાણ આ બધું તપાસે અને તપાસ્યા પછી દરદીને લોહીની તપાસ કે એક્સરે માટે મોકલી દેતા હોય છે. આ એક્સરે માંડ થોડાક દસકા પહેલાંની જ શોધ છે. એક્સરે આજે MRI સુધી પહોંચ્યો છે. એક્સરેથી દરદીની ઉપરછલ્લી તપાસ નથી થતી પણ જે કંઈ આંતરિક રોગ હોય એની તપાસ થાય છે.
વાસ્તવમાં એક્સરે અસલિયત છે. એક્સરે રોગના નિવારણ માટેની કેડી ખુલ્લી કરે છે પણ અસલિયત અઘરી વાસ્તવિકતા છે. માણસ અસલિયતને એમ ને એમ સ્વીકારી શકતો નથી. આ અસલિયતને આપણે ડ્રૉઇંગ રૂમની દીવાલ ઉપર લટકાવતા નથી. કૅમેરાથી લેવાયેલા રૂપાળા ફોટોને આપણે દીવાલ પર લટકાવીએ છીએ. એક્સરે શરીર ધર્મ નિભાવવાનો રાજમાર્ગ હોવા છતાં માણસ એનું હોંશે-હોંશે દર્શન નથી કરતો. ફોટોગ્રાફ આપણે બીજાઓને બતાવીએ છીએ અને એ કેવો સરસ આવ્યો છે એવું કહીએ છીએ અને બીજા પાસે સાંભળીએ પણ છીએ. આમ જે સચ્ચાઈ નથી એનાથી આપણે દૂર રહીએ છીએ અને વાસ્તવિકતાને નજર સામે રાખતા નથી. માણસની ખોપરીમાં અદ્ભુત હિકમતો ઠાંસી-ઠાંસીને ભરાયેલી હોય છે. એ ખોપરી જ્યાં સુધી માંસ-મજ્જા, રક્ત અને ત્વચા વગેરેથી આવૃત્ત હોય છે ત્યાં સુધી જ પ્રિય અને દર્શનીય લાગે છે અને જ્યારે એ જ ખોપરી એના અસલ સ્વરૂપે આપણા હાથમાં તો ઠીક પણ આપણી નજર સામે આવે તો આપણે ચોંકી ઊઠીએ છીએ અને મોં ફેરવી લઈએ છીએ.
ADVERTISEMENT
‘છે’ અને ‘નથી’ વચ્ચેની વઢવાડ
પ્રત્યેક માણસ જેવો હોય એ કરતાં પોતે કેવો હોવો જોઈએ એનું એક મનોરમ્ય ચિત્ર મનોમન દોરી કાઢતો હોય છે. આ પછી એવું બને છે કે પોતાના વિશે દોરેલા આ ચિત્રને જ માણસ સાચે પોતે જ છે એવું માનવા માંડે છે. કોઈ પણ માણસ સ્વભાવે ક્રોધી હોય તો પણ ક્રોધી હોવું તેને ગમતું નથી. સ્વભાવ તે છોડી શકતો નથી એટલે ક્રોધી હોવા છતાં પોતે ક્રોધી નથી, પણ કેટલાક વિપરીત સંજોગો પોતાને ક્રોધ તરફ દોરી જાય છે એવો તે દેખાવ કરવા માંડે છે. માણસ સ્વભાવે લોભી હોય, પણ લોભી તરીકે ઓળખાવાનું તેને ગમતું નથી એટલે પોતે લોભી નથી એવું મનોમન ચિત્ર તે દોરી કાઢે છે અને પછી આ ચિત્રને જ પોતાના બદલે અન્ય લોકોની સામે ધર્યા કરે છે. દુર્ગુણોમાં જે બને છે એવું જ સદ્ગુણોમાં પણ બને છે. પોતે સ્વભાવે ઉદાર છે, પ્રેમાળ છે, ન્યાયપ્રિય છે, સત્યવક્તા છે આવું બધું પોતાના વિશે ધારી લઈને માણસ પોતાની એક ચોક્કસ પ્રતિભાને યેનકેન પ્રકારેણ આગળ ધકેલતો રહે છે. આમ તે પોતાને જે છે એ કરતાં કેવો હોવો જોઈએ એના પ્રદર્શન પાછળ જ પોતાનાં શક્તિ અને સમય વાપરતો રહે છે. આવો દેખાડો ‘છે’નો નથી હોતો પણ ‘નથી’નો હોય છે. આનું પરિણામ એ આવે છે કે માણસ જિંદગીભર આ ‘નથી’ને જ ‘છે’ના વાઘા પહેરાવીને મથામણ કર્યા કરે છે. એક વાર જો માણસ મનથી નક્કી કરે કે પોતે જે છે એ જ રહેવું છે અને જેવો છે એવું જ દેખાવું છે તો પછી પેલા ‘નથી’ને પાછું ‘છે’ દર્શાવવાની જે મથામણ થાય છે એમાંથી તે ઊગરી
જાય છે.
આપણે ક્યાં જવું છે?
પરમાત્માએ મને શેક્સપિયર નથી બનાવ્યો, તેણે મને બિલ ગેટ્સ પણ નથી બનાવ્યો. સચિન તેન્ડુલકર કે અમિતાભ બચ્ચન પણ નથી બનાવ્યો. સર્જનહારની ઇચ્છા જો મને આવું કંઈ બનાવવાની હોત તો તેમણે મને એવું બનવા માટેના સાજસરંજામ સાથે જ મોકલ્યો હોત. રેલવે રસ્તે મુંબઈથી વલસાડ જવું હોય તો આપણે ભાતાનો ડબ્બો લેતા નથી પણ મુંબઈથી રાજકોટ જવું હોય તો ભાતાનો ડબ્બો રાખીએ છીએ. જો પ્રવાસ વિમાન માર્ગે કરવાનો હોય તો કોઈ ભાતાનો ડબ્બો લેતા જ નથી. સર્જનહારે આપણને અહીં ચોક્કસ સાજસરંજામ સાથે મોકલ્યા છે, કારણ કે આપણું ગંતવ્ય સ્થાન તે જાણે છે. દુઃખ માત્ર એટલું જ છે કે આપણે એ જાણતા નથી એટલું જ નહીં, એ જાણવાની કોશિશ સુધ્ધાં કરતા નથી.
આપણે આપણને શોધીએ
હસતા ચહેરે તસવીર આપણે હોંશે-હોંશે પડાવીએ છીએ. પચાસ માણસના ટોળામાં આપણે ક્યાંક ઊભા હોઈએ તો એ ટોળાની તસવીરમાં પણ આપણે આપણને શોધીએ છીએ. તસવીરનો ચહેરો આપણે ઓળખીએ છીએ. સ્વાસ્થ્યનું સાચું દિશાસૂચન તસવીર નથી કરતી પણ એક્સરે કરે છે એમ છતાં આપણને તસવીર પડાવવી ગમે, પણ અક્સરે પડાવવો નથી ગમતો. જે અસલિયત નથી એ તસવીર દીવાલ પર લટકે છે, પણ જે આપણું સાવ સાચું સ્વરૂપ છે એ એક્સરે આપણે દીવાલ પર લટકાવતા નથી. એને થેલીમાં પૅક કરીને કબાટના કોઈક ખૂણે મૂકી દઈએ છીએ.
આપણી નબળાઈઓ અને સબળાઈઓ, આપણો રાગ અને દ્વેષ, આપણા ચહેરાઓ અને ચહેરાઓ પર કોઈ ઓળખી ન શકે એવાં મોહરાંઓ સાથે આપણે જીવીએ છીએ.