Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > કૃષ્ણ-અર્જુનનું નરનારાયણ મંદિર

કૃષ્ણ-અર્જુનનું નરનારાયણ મંદિર

Published : 15 February, 2025 05:27 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આપણે રાધા-કૃષ્ણનાં તો ઘણાં મંદિર જોયાં છે, પણ શું ક્યારેય કૃષ્ણ અને અર્જુનનું મંદિર જોયું છે? કાલબાદેવીમાં જ આવું એક ઐતિહાસિક મંદિર છે.

ડેલામાં દાખલ થયા બાદ દેખાતું સુંદર મંદિર, વર્ષો જૂનું કદંબનું વૃક્ષ અને ચણ ચણતા કબૂતરો.  (તસવીરો : નિમેશ દવે)

ડેલામાં દાખલ થયા બાદ દેખાતું સુંદર મંદિર, વર્ષો જૂનું કદંબનું વૃક્ષ અને ચણ ચણતા કબૂતરો. (તસવીરો : નિમેશ દવે)


આપણે રાધા-કૃષ્ણનાં તો ઘણાં મંદિર જોયાં છે, પણ શું ક્યારેય કૃષ્ણ અને અર્જુનનું મંદિર જોયું છે? કાલબાદેવીમાં જ આવું એક ઐતિહાસિક મંદિર છે. આ મંદિરનું નામ નરનારાયણ છે. નર એટલે અર્જુન અને નારાયણ એટલે ભગવાન કૃષ્ણ.  ૧૦૦ વર્ષથી વધુ જૂના આ મંદિરના ઇતિહાસ અને એની સાથે સંકળાયેલી રસપ્રદ વાતો જાણીએ


દ​ક્ષિણ મુંબઈનો કાલબાદેવી વિસ્તાર અહીંના વેપાર-ધંધાને કારણે ગીચ વસ્તીથી ધમધમતો રહે છે. સતત માણસોનો કોલાહલ અને ટ્રાફિકનો અવાજ કાનમાં ગુંજતો રહે છે. એવામાં બે પળની શાંતિ જો ક્યાંય મળી શકે એમ હોય તો એ નરનારાયણ મંદિર છે. આ મંદિર કાલબાદેવી રોડ પર જ આવેલું છે તેમ છતાં નરનારાયણના ડેલામાં દાખલ થાઓ એટલે નીરવ શાંતિ મળે. એક મોટા પ્રાંગણમાં દેખાય સુંદર મંદિર, મંદિરનાં પગથિયાંની બન્ને બાજુ મોટા તુલસીક્યારા, બાજુમાં મોટું કદંબનું વૃક્ષ, આગળના ભાગે ચણ ચણી રહેલાં કબૂતરો અને બાજુમાં ગૌશાળા. સામાન્ય રીતે આવાં મંદિરોની કલ્પના આપણે ગામડામાં જ કરી શકીએ. મુંબઈ જેવા ગીચ શહેરમાં આવા ખુલ્લા પ્રાંગણમાં આવેલાં મંદિરો જોવા મળે તો આશ્ચર્ય અને આનંદની બન્ને લાગણી થાય. નરનારાયણ મંદિર પણ કંઈક આવું જ મંદિર છે. ડેલામાં દાખલ થયા બાદ મંદિર અને પ્રકૃતિનું જે સાંનિધ્ય જોવા મળે એ છે એ જોઈને ચોક્કસ નીરવ શાંતિનો અનુભવ થશે. મંદિરનાં દર્શન કર્યા પછી અહીં બે ઘડી બેસવાનું મન થશે. આ મંદિરના ઇતિહાસ, બાંધકામ અને અહીં ઊજવાતા તહેવારો વિશે મંદિરના વ્યાસજી જિગર વ્યાસે ઘણી રસપ્રદ માહિતી આપી છે.




કાલબાદેવી રોડ પરથી પસાર થતી વખતે દેખાતો મંદિરનો મોટો ડેલો.

ઇતિહાસ અને બાંધકામ


આ મંદિરનું નિર્માણ મનમોહનદાસ કહાનદાસે ૧૯૦૦ની સાલમાં કરાવ્યું હતું. મંદિરનું નિર્માણ કરાવવાની તેમના પિતા અને જાણીતા પરોપકારી કહાનદાસ નારાયણદાસની છેલ્લી ઇચ્છા હતી. ભગવાને કહાનદાસને સપનામાં દર્શન આપીને ત્યાં મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો. મંદિરની સૌથી આકર્ષક વસ્તુ કોઈ હોય તો એ એની છત છે જેના પર રંગબેરંગી કલરથી કૃષ્ણની લીલાઓ અને તેમના અવતારોનું સુંદર નકશીકામ કરેલું છે. તમે ધ્યાનપૂર્વક જોશો તો દેખાશે કે એમાં ભગવાનના દસ અવતારો દેખાડવામાં આવ્યા છે. એ સાથે જ કૃષ્ણજન્મનો પ્રસંગ છે. એ સિવાય ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા કરી રહ્યા છે એનું દૃશ્ય છે. આ સંપૂર્ણ મંદિર કુલ ૨૦ સ્તંભો પર ઊભું છે. આ સ્તંભો પર પણ સુંદર નકશી કરવામાં આવેલી છે. આ આખું મંદિર પથ્થરોથી બનેલું છે જે આજે પણ એકદમ અડીખમ ઊભું છે. આજથી સવાસો વર્ષ પહેલાં પણ આ મંદિરના નિર્માણમાં એક લાખનો ખર્ચ આવ્યો હતો. હાલમાં આ મંદિરનું સંચાલન શેઠ શ્રી કહાનદાસ નારાયણદાસ ચૅરિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

મંદિરની છત પર કરવામાં આવેલું સુંદર નકશી કામ.

પૂજાપાઠ

મંદિરના ગર્ભગૃહમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનની મૂર્તિઓ સાક્ષાત બિરાજમાન છે, જેની દરરોજ ​ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. નરનારાયણ મંદિરમાં સવારે સાડાછથી સવાસાત મંગળા દર્શન, સાડાઆઠથી દસ શણગાર દર્શન, અગિયારથી સાડાઅગિયાર રાજભોગ દર્શન, ચારથી સવાપાંચ ઉત્થાપન, સાડાપાંચથી સવાછ ભોગ આરતી અને સાતથી સાડાસાત શયન હોય છે. એ સિવાય દરરોજ સાંજે સવાછથી સાત દરમિયાન બહેનો આવીને અહીં ભજન કરે છે. મંદિરના વ્યાસજીનું કહેવું છે કે દેશમાં બે જ કૃષ્ણ-અર્જુનનાં મંદિર છે. એક બદ્રિકાશ્રમમાં અને બીજું મુંબઈમાં. ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને આપેલું જ્ઞાન છે જે આજે પણ આપણા માટે જીવનના દરેક તબક્કે મદદરૂપ બની શકે એવું છે. નરનારાયણ મંદિર આ જ્ઞાનનું પ્રતીક છે.

મંદિરમાં બિરાજમાન માર્બલની નર-નારાયણની મનોહર મૂર્તિ.

કદંબનું વૃક્ષ

પૌરાણિક કથાઓ અનુસાર કદંબના વૃક્ષને ભગવાન કૃષ્ણનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે. માનવ અવતારમાં ભગવાન કૃષ્ણ આ કદંબના વૃક્ષની છાયામાં જ ગોપીઓ સાથે રાસલીલા કરતા હતા, વાંસળીના સૂર છેડતા હતા, રાધા સાથે ઝૂલે ઝૂલતા હતા. એટલે જ વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવતું કદંબનું વૃક્ષ નરનારાયણ મંદિરના પ્રાંગણમાં ઉગાડવામાં આવ્યું છે. આ વિશાળકાય વૃક્ષ વર્ષો જૂનું છે. મંદિરના પગથિયાંની બન્ને બાજુ મોટા તુલસીક્યારા પણ છે. એમ પણ આપણાં પુરાણોમાં તુલસી વગર વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે.

ગૌશાળા

આપણા ધર્મમાં ગાયોને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે એ આપણું પાલનપોષણ કરનારી છે. એનું દૂધ, ગોબર બધું જ કામમાં આવે. પુરાણો અનુસાર કૃષ્ણને ફક્ત ગાયો જ નહીં પણ દૂધ, દહીં, માખણ પણ એટલાં જ પ્રિય હતાં. કૃષ્ણ કિશોરાવસ્થામાં મિત્રો સાથે ગાયોને ચરાવવા જતા. કૃષ્ણનું બાલ્યજીવન ગૌસેવામાં વીત્યું છે એટલે તેમને ગોપાલ પણ કહેવાય છે. એટલે જ નરનારાયણ મંદિરમાં એક ગૌશાળા પણ છે. મંદિરના પ્રાંગણમાં બંધાયેલા વાડામાં હાલમાં બે ગાયો છે. એક ગાયનું નામ હિના અને બીજી ગાયનું નામ ભક્તિ છે. આ ગાયો ગીરની છે. ખાસ વાત એ છે કે આ ગાયોને સવારે બહાર છોડીએ ત્યારે મંદિર સામે ઊભી રહીને નરનારાયણનાં દર્શન કરે છે અને પછી જ ગૌશાળામાં જાય છે. એ એમનો નિત્યક્રમ છે.

મંદિરમાં એક ગૌશાળા પણ છે જ્યાં ગાયોની સેવા થાય છે.

તહેવારોની ઉજવણી

હોળીનો સંબંધ કૃષ્ણ અને રાધા સાથે છે. પુરાણો અનુસાર રંગોથી હોળી રમવાની શરૂઆત રાધા અને કૃષ્ણએ જ કરી હતી એટલે કૃષ્ણ મંદિરોમાં હોળીની ઉજવણીનું ખાસ મહત્ત્વ હોય છે. નરનારાયણ મંદિરમાં ખાસ હોળીરસિયાનો કાર્યક્રમ ઊજવાય છે. એમાં બહેનો ભજન ગાય. રાધા-કૃષ્ણના વેશમાં સજ્જ કલાકારો નૃત્ય કરે. બહેનો ગરબા રમે. ફેરફુદરડી ફરે. બધા જ ભક્તો ભક્તિના રંગમાં રંગાય. મંદિરનું આખું પ્રાંગણ ભક્તોથી ભરાઈ જાય. અન્ય કૃષ્ણમંદિરોની જેમ નરનારાયણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવે છે. લાલાને પંચામૃતથી સ્નાન કરાવી વસ્ત્ર-આભૂષણોથી સજાવી પારણે બેસાડીને ઝુલાવવામાં આવે છે. શરણાઈવાદન, મંત્રોચ્ચાર અને ભજનો ગાઈને ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવે છે. એવી જ રીતે નવા વર્ષના દિવસે ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે અને સાંજે ભગવાનને છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવે છે. ભાદરવા મહિનામાં મંદિરમાં સાત દિવસની શ્રીમદ્ ભાગવતની પારાયણ પણ બેસાડાય છે.

ગર્ભગૃહની બહારની દિવાલ પર નમસ્કારની મુદ્રામાં બિરાજમાન હનુમાનજી.

પાટોત્સવ

સન ૧૯૦૦ની સાલમાં જેઠ મહિનાની શુક્લ પક્ષની નિર્જળા એકાદશીના દિવસે સંપૂર્ણ વિધિવિધાન સાથે નર અને નારાયણની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એટલે દર વર્ષે આ તિથિ​એ મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સવારે ધજારોહણ કરવામાં આવે છે. સાંજે સંગીતસંધ્યાનો મોટો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે સાતમી જૂનના મંદિરના ૧૨૫મા પાટોત્સવની ઉજવણી થશે.

કુપ્રથાના અંતમાં યોગદાન

આપણને બધાને ખબર છે કે દેશમાં ભૂતકાળમાં છૂતઅછૂતની કુપ્રથા હતી. સવર્ણો દ્વારા દલિતો પર ખૂબ અત્યાચારો કરવામાં આવતા. દલિતોને મંદિરમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ હતો. એ વખતે મદનમોહન માલવિયા દલિતો માટે લડ્યા હતા. તેમને મંદિરમાં પ્રવેશ મળે એ માટે પ્રયત્નો કર્યા હતા. એ સમયે આ કુપ્રથાને ખતમ કરવા માટે નરનારાયણ મંદિરે દલિતોને મંદિરમાં પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2025 05:27 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK