આ માત્ર એક તંત્ર-યંત્ર નહીં, પણ સાયન્ટિફિક રીતે પુરવાર થયું છે, જે વ્યક્તિના મગજ ઉપર પણ સીધી અસર કરે છે
અરાઉન્ડ ધી આર્ક
શ્રીયંત્ર
આજે આપણે વાત કરવી છે શ્રીયંત્રની. શ્રીયંત્ર વિશે મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે પણ આ જે શ્રીયંત્ર છે એની વિગતવાર ચર્ચા બહુ ઓછી થઈ છે. શ્રીયંત્રમાં શબ્દ ‘શ્રી’ એ સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને યંત્ર એક સાધન તરીકેનું કામ કરે છે. આખા શ્રીયંત્રને દુન્યવી ભાષામાં સમજવું હોય તો એ સમજાવે છે કે એ એક એવું યંત્ર છે જે એના ધારકને સંપત્તિ આપવાનું અને સંપન્ન બનાવવાનું કામ કરે છે, પણ માત્ર એટલો જ એનો ભાવ નથી, આ શ્રીયંત્રનો અંતિમ હેતુ સમજવો બહુ જરૂરી છે.
કોઈ પણ પ્રકારની ઇચ્છાઓ અધૂરી ન રહે અને સુખી, સાધન-સંપન્ન થવાની તમામ મહત્ત્વાકાંક્ષાઓ આ જન્મે જ પૂરી થાય અને એનો ધારક પૂર્ણ ઇચ્છા સાથે ઉચ્ચ આત્મા બનીને ઉચ્ચ માર્ગે જાય એવો એનો અંતિમ હેતુ છે. શ્રીયંત્ર તમામ ગૂઢ વિજ્ઞાન અને વિદ્યાઓમાં સર્વોચ્ચ દરજ્જો ધરાવે છે. શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ શ્રીયંત્રને ઇચ્છાપૂર્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું છે.
ADVERTISEMENT
શ્રીયંત્ર તમામ સાંસારિક ઇચ્છાઓ અને ભૌતિક સંપન્નતા પ્રાપ્ત કરવા અને એને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બને છે. શ્રીયંત્ર ગાણિતિક રીતે ચોક્કસ ડિઝાઇન છે અને ચોક્કસ અંકગણિતના રેશિયો પર આધારિત છે. શ્રીયંત્રમાં ૯ ત્રિકોણ છે, જેના દ્વારા અન્ય ૪૩ નાનાં ત્રિકોણને બાંધવામાં આવે છે, જે સમગ્ર સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે.
શ્રીયંત્રનાં એકેક ત્રિકોણ, પાંદડી અને એનું ટોચનું બિંદુ માત્ર ગણિતને જ આધારિત રહેવાને બદલે એ મન પર પણ અસર કરે છે અને એ મગજમાં અમુક સ્રાવ એવા ઊભા કરે છે જે જીવનને સકારાત્મક બનાવવાનું કામ કરે છે. માટે જ કહેવાયું છે કે શ્રીયંત્ર એ સુખ આપવાનું જ નહીં, પણ ખુશ રાખવાનું કામ પણ કરે છે. કનખલમાં જ્યારે શ્રીયંત્ર મંદિરનું કામ ચાલતું હતું એ વખતે શ્રીયંત્ર પર ઘણું રિસર્ચ કર્યું ત્યારે કોઈકે મને કહ્યું હતું કે શ્રીયંત્ર સૌથી પહેલાં તો તમને સંતોષી બનાવવાનું કામ કરે છે એને લીધે મનનો ઉદ્વેગ દૂર થાય છે અને અન્યનું જોઈને ઈર્ષ્યા કરવાનું કે પછી જીવ બાળવાનું કામ પણ એનો ધારક આપોઆપ બંધ કરે છે.
જો જીવનમાં સંતોષ હોય તો જ આત્મવિશ્વાસ વધે અને નવા કામ પર ફોકસ શરૂ થાય. શ્રીયંત્રને માત્ર યંત્ર માનવાને બદલે એને જો જીવનશૈલીમાં આવેલા એક સુધાર તરીકે જોવામાં આવે તો એ ચોક્કસપણે લાભદાયી બને છે. શ્રીયંત્ર થકી ઊંઘની પૅટર્નમાં પણ સુધારો જોવા મળ્યાનું સાયન્ટિફિક રીતે પુરવાર થયું છે. કનખલના શ્રીયંત્ર મંદિરે ઊંઘની સમસ્યા ધરાવતા લોકોએ માનતા માનવાનું પણ શરૂ કર્યું હોવાનું થોડા સમય પહેલાં સાંભળ્યું હતું. અલબત્ત, એવી માનતા અસરકારક હોય એવું અંગત રીતે માનતો નથી, પણ શ્રીયંત્રનું સાંનિધ્ય ચોક્કસ લાભદાયી છે એ વાત તો સાચી જ છે.
શ્રીયંત્રને નૉર્થમાં શ્રીચક્ર પણ કહે છે, જે કાશ્મીર શૈવવાદના હિન્દુ ફિલસૂફી પર આધારિત છે.