ગુજરાતીઓની વિશેષતા એ છે કે કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરી નાખે
સોશ્યોલૉજી
ઉમાશંકર જોશી
‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ ૧૮૬૭માં પ્રગટ થયું. લેખક રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર. એક ખ્રિસ્તી પાદરી. ‘નિતરી ગુજરાતી ભાષા બોલીએ તો એ એકબીજાને સમજવી કઠણ પડશે’ એમ કહેનાર પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાન. એક અંગ્રેજ, બીજા પારસી. ફાધર વૉલેસ, કાકા કાલેલકર જેવા મૂળ ગુજરાતી ન હોય તેમણે આપણી ભાષાને સમૃદ્ધ કરી છે. તો સામે ગુજરાતીઓએ પણ ગુજરાત અને ભારત બહાર ગુજરાતીને ધબકતી રાખી છે. બૉમ્બે પ્રેસિડેન્સીમાં મુંબઈ ગુજરાતી સંસ્કૃતિનું કેન્દ્ર હતું. આજે પણ ગુજરાતી ભાષા અને કળાને સંવર્ધિત કરતી ઘણી સંસ્થાઓ અહીં કાર્યરત છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય ઍકૅડમી સ્કૂલોમાં, કૉલેજોમાં, જ્ઞાતિની અને અન્ય સંસ્થાઓ સાથે મળી સતત અનેકવિધ કાર્યક્રમો કરે છે અને ગુજરાતીને જીવંત રાખે છે.
૧૮૬૨માં બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના થઈ ત્યારે બ્રિટનના મહારાણીએ છ જજની નિમણૂક કરી હતી. એમાંના એક તે ઍલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ. ગુજરાતનો ઇતિહાસ ‘રાસમાળા’ નામે અંગ્રેજીમાં લખનાર ગુજરાતપ્રેમી અમલદાર. તેમણે ૧૮૬૫માં ‘ગુજરાતી સભા, મુંબઈ’ના નામે સ્થાપેલી સંસ્થા આજે તેમની યાદગીરીમાં ‘ફાર્બસ ગુજરાતી સભા’ તરીકે ઓળખાય છે. ફાર્બસ સાહેબની ‘રાસમાળા’ના તંતુને પકડીને પ્રખ્યાત લેખક અને જર્નલિસ્ટ શ્રી સલિલ ત્રિપાઠીએ ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની વાત વિશિષ્ટ શૈલીમાં તેમના પુસ્તક ‘ધ ગુજરાતીઝ : અ પોર્ટ્રેટ ઑફ ધ કમ્યુનિટી’માં કરી છે. એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈના ‘મુંબઈ રિસર્ચ સેન્ટર’ના ઉપક્રમે તાજેતરમાં તેમનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. ઐતિહાસિક દરબાર હૉલમાં પ્રેક્ષકોની ભરચક હાજરીમાં પુસ્તકનાં વિવિધ પ્રકરણોની અને તેમની લેખનસફરની રસપ્રદ વાતો કરી. અન્યભાષી પ્રેક્ષકો પણ તેમની અસ્ખલિત વાણીથી અને શૈલીથી પ્રભાવિત થયા. ભારત અને પાકિસ્તાન એ બે દેશની કરન્સી નોટ્સ પર બે ગુજરાતીના ફોટો છે એ ગૌરવની વાત સાથે ગુજરાતીઓ બીજા દેશોમાં પણ કેવા ઓતપ્રોત થઈ ગયા છે એની વાત તેમણે કરી. એના અનુસંધાનમાં જ તેમણે ઉમાશંકર જોશીની ગાંધીશાહીમાં ઝબોળાયેલી પંક્તિ ટાંકી : ‘એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી?’ ઉમાશંકર જોશીએ વધુમાં ઉમેર્યું છે, ‘જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાય દૃઢમૂલ’. બે પૈસા કમાવવા વિશ્વમાં ગમે ત્યાં જાય, પણ ગળ્યું ખાય છે ને મીઠું બોલે છે એટલે એની ખ્યાતિ બધે ફેલાય છે.
ADVERTISEMENT
ગુજરાતીઓની વિશેષતા એ છે કે કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરી નાખે. એટલે જ સલિલભાઈએ છેલ્લે વ્યંગમાં કહ્યું કે ‘મારું પુસ્તક પિન્ચ ઑફ સોલ્ટ સાથે નહીં પણ પિન્ચ ઑફ શુગર સાથે વાંચજો.’