નાદુરસ્ત તબિયત છતાં રાજ કપૂરે ‘રામ તેરી ગંગા મૈલી’નું શૂટિંગ હિમાલયના દુર્ગમ પહાડોમાં કરવાનું નક્કી કર્યું
વો જબ યાદ આએ
નાદુરસ્ત તબિયત છતાં રાજ કપૂરે ‘રામ તેરી ગંગા મૈલી’નું શૂટિંગ કર્યું
જુલાઈ, ૧૯૮૩માં રણજિત વિર્ક નામના ઓછા જાણીતા પ્રોડ્યુસરે પોતાની નવી ફિલ્મ ‘મઝલૂમ’નું મુરત કર્યું, જેમાં હીરો તરીકે તેમણે પોતાના દીકરા અમનને ‘લૉન્ચ’ કર્યો. તેને પબ્લિસિટી મળવાને બદલે નવી ફિલ્મની ચર્ચા ફિલ્મી વર્તુળોમાં થવાનું મુખ્ય કારણ એ હતું કે ફિલ્મની હિરોઇન તરીકે તેમણે માધુરી નામની એક નવી અભિનેત્રીને પસંદ કરી હતી.
મેરઠના મિડલ-ક્લાસ ઍન્ગ્લો ઇન્ડિયન પરિવારની યાસ્મિન જોસેફ (માધુરી) ‘ગ્લૅમર ફોટોગ્રાફર’ જે. પી. સિંઘલની શોધ હતી. સિંઘલ તેનો ‘પોર્ટફોલિયો’ પ્રોડ્યુસર્સને બતાવતા અને હિરોઇન બનાવવાની સિફારિશ કરતા. બે-ત્રણ પ્રોડ્યુસર્સ તૈયાર પણ થયા, પરંતુ વાત આગળ ન વધી. એમાંના એક હતા પંજાબના કપૂરથલાના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રમેશ ખોસલા, જે પાર્ટીઓના શોખીન અને ‘બોલ બચ્ચન’ તરીકે જાણીતા હતા. ‘સંગમ’ના દિવસોમાં રાજ કપૂરે ભારતનાં અનેક શહેરોમાં પોતાની પૂરી ટીમ સાથે ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. એ ઉપરાંત ફિલ્મની સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે રમેશ ખોસલા અને રાજ કપૂર એકમેકના સંપર્કમાં આવ્યા.
ADVERTISEMENT
વર્ષો બાદ તેમણે પોતાના દીકરા રઘુ અને માધુરીને હીરો-હિરોઇન તરીકે લઈને ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. ડિરેક્ટર તરીકે સાઉથના બાલચંદ્રને સાઇન કરવામાં આવ્યા. સંજોગવશાત્ એ પ્રોજેક્ટ આગળ ન વધ્યો અને માધુરીનું સ્વપ્ન અધૂરું રહી ગયું. જ્યારે રણજિત વિર્કની ફિલ્મના મુરતની આમંત્રણપત્રિકામાં ભૂરી આંખોવાળી માધુરીનો મારકણી અદાવાળો ફોટો છપાયો ત્યારે તેને આશા બંધાઈ, પરંતુ એ ઠગારી નીવડી. રણજિત વિર્ક પોતાની નવી ફિલ્મની શરૂઆત માટે ઉતાવળા નહોતા. તેમની આ પહેલાંની ફિલ્મનું શૂટિંગ હજી બાકી હતું. નવી ફિલ્મનું મુરત કરવાની મકસદ એ હતી કે અમનની હીરો તરીકેની કારકિર્દી શરૂ થઈ જાય.
આમ ફરી એક વાર કિસ્મતે માધુરીને હાથતાળી આપી. જોકે તેણે હિંમત હાર્યા વિના પોતાના પ્રયત્નો છોડ્યા નહીં. એક વાતનું તેણે ખાસ ધ્યાન રાખ્યું. પ્રેસથી તે દૂર રહી, કારણ કે વધારે પડતી પબ્લિસિટી તેના માટે નુકસાનકારક હતી. એ દિવસોમાં ખબર હતી કે રાજ કપૂર નવી ફિલ્મ શરૂ કરી રહ્યા છે. જે. પી. સિંઘલની મદદથી તેની મુલાકાત રાજ કપૂર સાથે થઈ. બે-ત્રણ મુલાકાત બાદ રાજ કપૂરે સિંઘલને આશ્વાસન આપ્યું કે તે કોઈ પણ નિર્ણય લેતી વખતે માધુરીના નામનો વિચાર જરૂર કરશે.
આ તરફ પદ્મિની કોલ્હાપુરે, પૂનમ ઢિલ્લન અને બીજી યુવાન અભિનેત્રીઓ રોલ માટે રાજઅંકલને ‘કર્ટસી કૉલ’ના બહાને ચેમ્બુર કૉટેજના આંટાફેરા કરતી હતી. રાજ કપૂર કોઈને પોતાનું મન કળવા નહોતા દેતા. એક વાત નક્કી હતી. હવે તે ‘ટૅક્સી’ સાથે કામ કરવા નહોતા માગતા. (યાદ છેને જ્યારે દિવસ નહીં, પણ કલાકોના હિસાબે સમય આપતા અતિ વ્યસ્ત શશી કપૂરને તેમણે કહ્યું હતું કે તું કલાકાર છે કે ટૅક્સી? કોઈ પણ મીટર ડાઉન કરીને તને બે-ચાર કલાક માટે ભાડે લઈ જાય છે.) શશી કપૂર, ઝીનત અમાન અને પદ્મિની કોલ્હાપુરે જેવાં વ્યસ્ત કલાકારો સાથે શૂટિંગની ડેટ્સના ઍડજસ્ટમેન્ટની માથાકૂટમાં તેમને નહોતું પડવું. એટલે નવી ફિલ્મમાં હીરો તરીકે તેમણે સૌથી નાના પુત્ર ચિમ્પુ (રાજીવ કપૂર)ને પસંદ કર્યો.
એ દિવસોમાં દિવ્યા રાણા અને ચિમ્પુ એકમેકની નિકટ હતાં. લોકોના મનમાં હતું કે રાજ કપૂર દિવ્યાને હિરોઇન બનાવશે, પરંતુ કેવળ ચિમ્પુની ગર્લફ્રેન્ડ હોવાને નાતે રાજ કપૂર તેને હિરોઇન બનાવે એ શક્ય નહોતું. તેમના મનમાં હિરોઇન ગંગાની જે ઇમેજ હતી એમાં દિવ્યા બંધબેસતી નહોતી. અંતે દરેકને એમ લાગ્યું કે પદ્મિની કોલ્હાપુરે જ બાજી મારી જશે.
એ દરમ્યાન એવું કંઈક બન્યું (જેની ભાગ્યે જ કોઈને ખબર છે) કે રાજ કપૂરે નક્કી કર્યું; માધુરી ‘રામ તેરી ગંગા મૈલી’ની ગંગા બનશે. અનેક વેશભૂષામાં દરેક ઍન્ગલથી તેના સ્ટીલ ફોટોગ્રાફ્સ લેવાયા. એકથી વધારે વાર સ્ક્રીન ટેસ્ટ થઈ. સંપૂર્ણ રીતે સંતોષ પામ્યા બાદ દિવાળીને દિવસે રાજ કપૂરે ચેમ્બુરના બંગલામાં ભેગા થયેલા સ્વજનો અને અંગત મિત્રોની સામે ઘોષણા કરી. ‘મને મારી ગંગા મળી ગઈ છે. હું તેનું નામકરણ કરું છું. આજથી તે મંદાકિની કહેવાશે.’
આમ મેરઠની યાસ્મિન જોસેફમાંથી માધુરી બનેલી યુવાન અભિનેત્રીની અભિનય કારકિર્દીની શરૂઆત મંદાકિની નામે થઈ. સંગીતકાર તરીકે રવીન્દ્ર જૈનની પસંદગી થઈ ચૂકી હતી. ફિલ્મની હિરોઇન અને બીજા સાથી કલાકારો ફાઇનલ થાય એ સમયગાળામાં રાજ કપૂરે પૂરી સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખી હતી અને ‘ટાઇટલ સૉન્ગ’નું રેકૉર્ડિંગ કરી લીધું હતું. રાજ કપૂર જ્યારે ફિલ્મ વિશે વિચારતા હોય ત્યારે સાથે સાથે સંગીત વિશે પણ તેમનું મનોમંથન ચાલતું જ હોય. ફિલ્મના શૂટિંગની શરૂઆત પહેલાં જ ફિલ્મનું સંગીત કથાવસ્તુ સાથે સુસંગત છે કે નહીં એનો ખાસ ખ્યાલ રાખતા. ગીતોનું ફિલ્માંકન, એનો ‘વિઝ્યુઅલ શેપ’ અને ફિલ્મમાં એની યોગ્ય જગ્યા; આ દરેક પાસાંઓ વિશે તેમના મનમાં કોઈ પણ જાતની દ્વિધા ન હોય.
ફિલ્મની હિરોઇન નક્કી થઈ અને ‘ટાઇટલ સૉન્ગ’ તૈયાર થયું એટલે રાજ કપૂરે શૂટિંગનું શેડ્યુલ નક્કી કર્યું. પહેલાંની જેમ હવે તે ‘ટૅક્સી’ સાથે કામ નહોતા કરવાના. ‘સત્યમ શિવમ સુંદરમ’માં શશી કપૂર અને ઝીનત અમાન અને અમુક અંશે ‘પ્રેમ રોગ’માં પદ્મિની કોલ્હાપુરેની ‘ડેટ્સ’ માટે તેમણે જે લાચારી ભોગવી હતી એ તેઓ ભૂલ્યા નહોતા. આ ફિલ્મમાં તેમની પાસે પોતાનાં જ વાહનો હતાં જે તેમની મરજી મુજબ, જ્યારે ઇચ્છે ત્યારે, કામમાં આવી શકે તેમ હતાં. હવે તે ફિલ્મનું શૂટિંગ જ્યારે ચાહે ત્યારે, જેવી રીતે ચાહે તેમ, કરી શકે એવી હાલતમાં હતા. ફિલ્મના કલાકારો હવે તેમની રાહ જોતા હતા. એક ‘ક્રીએટિવ જિનિયસ’ માટે આવી પરિસ્થિતિ અત્યંત લાભદાયક હતી.
રાજ કપૂર માટે ‘રામ તેરી ગંગા મૈલી’નું આઉટડોર શૂટિંગ સૌથી મોટો પડકાર હતો. ગંગાના રોલ માટે મંદાકિની નક્કી નહોતી થઈ એ દરમ્યાન તેના પાત્રની આસપાસ ફરતાં દૃશ્યોનું શૂટિંગ રાજીવ કપૂર, કુલભૂષણ ખરબંદા, સઇદ જાફરી અને દિવ્યા રાણા સાથે આર. કે. સ્ટુડિયોમાં થતું હતું. હવે જ્યારે ગંગા બનતી મંદાકિની તૈયાર હતી ત્યારે રાજ કપૂરની પરીક્ષા શરૂ થઈ. ફિલ્મની વાર્તાને અનુરૂપ મોટા ભાગનાં દૃશ્યોનું શૂટિંગ હિમાલયના ઊંચા પહાડો અને ગંગાના ઉદ્ગમસ્થાન ગંગોત્રી જઈ કરવું જરૂરી હતું.
૨૫ વર્ષ પહેલાં ‘જિસ દેશમેં ગંગા બહેતી હૈ’ના શૂટિંગ દરમ્યાન રાજ કપૂરને ‘રામ તેરી ગંગા મૈલી’ની પ્રેરણા મળી હતી. જો એ સમયે તેમણે એ ફિલ્મ બનાવી હોત તો ત્યારે હિમાલયના દુર્ગમ પહાડોમાં શૂટિંગ કરવું; એ તેમના માટે એક ‘થ્રીલિંગ એક્સપિરિયન્સ’ બની જાત. એનું કારણ એટલું જ કે તેઓ હંમેશાં આઉટડોર શૂટિંગના આગ્રહી હતા. હવે તેમનું સ્વાસ્થ્ય કથળેલું હતું. આયુષ્યના ઢળતા પડાવે પહોંચેલા રાજ કપૂરના નબળા પડી ગયેલાં ફેફસાં અને વારંવાર થતી શરદી અને ખાંસી-કફની બીમારી; આવી પરિસ્થિતિમાં હિમાલયમાં આઉટડોર શૂટિંગ કેવળ પડકાર નહીં, ચિંતાજનક વાત હતી. કમનસીબે રાજ કપૂરની યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા થવાની પ્રક્રિયા ‘ગ્રેસફુલ’ નહોતી, કારણ કે એક વખત ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યા બાદ તેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે સદંતર બેદરકાર રહ્યા.
નાજુક તબિયત ઉપરાંત રાજ કપૂર સામે અનેક પ્રશ્નો હતા. વર્ષોથી આર. કે. ફિલ્મ્સ સાથે પ્રોડક્શન કન્ટ્રોલર તરીકે સંકળાયેલા ઓમપ્રકાશ મહેરાનું નિધન થઈ ચૂક્યું હતું. ‘સત્યમ શિવમ સુંદરમ’ સમયે કૃષ્ણા કપૂરના સાવકા ભાઈ રવિ મલ્હોત્રાને આ જવાબદારી સોંપવામાં આવી. ‘પ્રેમ રોગ’ના શૂટિંગ સમયે રાજ કપૂર તેમના કામથી નાખુશ હતા. સ્વભાવે ચીડિયા બની ગયેલા રાજ કપૂર વાતવાતમાં ધીરજ ખોઈ બેસતા અને બંને વચ્ચે ઊંચા અવાજે બોલાચાલી થતી. એક દિવસ એવો ઝઘડો થયો ત્રાસી ગયેલા રવિ મલ્હોત્રાએ આર. કે. ફિલ્મસને રામ રામ કરી દીધા.
‘રામ તેરી ગંગા મૈલી’ના પડકારજનક આઉટડોર શૂટિંગ માટે એક કુશળ અનુભવી પ્રોડક્શન કન્ટ્રોલરની જરૂર હતી. કોને આ જવાબદારી સોંપવી એ ચિંતાનો વિષય હતો. એથી વિશેષ પ્રાણપ્રશ્ન હતો રાજ કપૂરની તબિયત. તે છતાં રાજ કપૂર મક્કમ હતા કે કોઈ પણ ભોગે તે શૂટિંગ કરવા હિમાલયના પહાડોમાં જશે. કહેવાય છે ને કે When going gets tough, Toughs get going. રાજ કપૂરે મનમાં ગાંઠ વાળી હતી કે ગમે તે થાય, જીવનના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે તે કોઈ પણ કિંમત આપવા તૈયાર છે. વર્ષોથી જે ‘ડ્રીમ પ્રોજેક્ટ’ની તેમણે કલ્પના કરી હતી, એને સાકાર કરવા તેમણે યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી. એ વાત આવતા શનિવારે.