Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > મુંબઈનો આ ઉકરડો પણ છે ઐતિહાસિક

મુંબઈનો આ ઉકરડો પણ છે ઐતિહાસિક

Published : 01 March, 2025 05:45 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

લગભગ ૧૦૦ વર્ષ જૂના કચરાના ગઢને સાફ કરવો હોય તો ૨૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે મુંબઈ મહાનગરપાલિકાને ૧૪ વર્ષ જેટલો સમય લાગશે.

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ


વાત ચાલે છે દેશના સૌથી જૂના અને  વિશાળ એવા દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની.  ધારાવીના લોકોને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવા માટે રાજ્ય સરકારે ૧૨૪ એકરની જગ્યા મુંબઈ મહાનગરપાલિકા પાસેથી લીધી તો ખરી, પરંતુ લગભગ ૧૦૦ વર્ષ જૂના કચરાના ગઢને સાફ કરવો હોય તો ૨૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે મુંબઈ મહાનગરપાલિકાને ૧૪ વર્ષ જેટલો સમય લાગશે. દાયકાઓથી દુર્ગંધને કારણે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની નજીક રહેતા નાગરિકો એની સફાઈ અને સ્થળાંતર માટે અઢળક વાર આંદોલનો કરી ચૂક્યા છે પરંતુ પરિણામ ક્યારેય નથી આવ્યું.  અનેક તાજ્જુબોથી સભર એવા આ સ્થળ વિશે જાણીએ


‘હૉલ્ટ સ્ટેશન ઇન્ડિયા : ધ ડ્રામેટિક ટેલ ઑફ ધ નેશન્સ ફર્સ્ટ લાઇન’ નામના પુસ્તકમાં લેખક રાજેન્દ્ર આકલેકરે કચરાની હેરફેર માટે એક ખાસ ગાર્બેજ ટ્રેન શરૂ કરી હતી એનું વિગતવાર વર્ણન કરતું એક આખું ચૅપ્ટર લખ્યું છે. જસ્ટ ઇમૅજિન, મુંબઈના કચરા માટે ખાસ રેલવે ટ્રૅક બનાવીને ખાસ રેલ સેવા શરૂ થાય અને ટ્રેન મુંબઈ આખાનો કચરો લઈને એને ઠાલવવા જાય, ક્યાં ખબર છે? મુંબઈના વર્લ્ડ ફેમસ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીના આરંભમાં મુંબઈનો કચરો મુંબઈની બહાર ઠાલવવાની વ્યવસ્થા ભારતમાં રાજ કરતી બ્રિટિશ સરકારે એ સમયે કરી હતી. પુસ્તકમાં રાજેન્દ્ર આકલેકર લખે છે, ‘મુંબઈનો કચરો મહાલક્ષ્મીમાં આવતો અને શરૂઆતમાં સાયનમાં ડમ્પ થતો. જોકે આગળ જતાં સાયનને બદલે એક ગાર્બેજ ટ્રેનમાં ચેમ્બુર પાસે આવેલા દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર તેનો નિકાલ શરૂ થયો. પહેલાં ધ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે (અત્યારનું સેન્ટ્રલ રેલવે) દ્વારા મહાલક્ષ્મીથી દરરોજ બે વાર આ ગાર્બેજ ટ્રેન દોડાવવામાં આવતી. મહાલક્ષ્મીથી શરૂ થતી આ ટ્રેન દાદર જંક્શનથી ફંટાઈને કુર્લા થઈને ચેમ્બુર પહોંચતી. એ સમયે મુંબઈ હદની બહારનું ચેમ્બુર પહેલું સ્ટેશન હતું.’



આગળ જતાં આમાંથી જ હાર્બર લાઇન ડેવલપ થઈ અને કુર્લા ચેમ્બુર લાઇનનો પૅસેન્જર ટ્રેન માટે ઉપયોગ શરૂ થયો. જોકે આવી અઢળક વાતો છે જે મુંબઈના ઈસ્ટર્ન સબર્બના શિવાજી નગરમાં આવેલા દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડને ઐતિહાસિક બનાવે છે.


ધારાવીના લોકોનું નવું ઘર?

ભારતના સૌથી પહેલા અને સૌથી મોટા ઉકરડા વિશે અત્યારે વાત કરવાનું કારણ છે કે ધારાવીના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ધારાવીના લોકોને મુલુંડ, કુર્લા, દહિસર અને ભક્તિ પાર્કમાં પુનઃસ્થાપિત કરવાની બાબતમાં ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને નેતાઓના વિરોધ પછી તેમને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવા માટે રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી લીઝ પર રહેલી કુલ જમીનમાંથી ૧૨૪ એકર જમીન પાછી લીધી હતી પરંતુ ત્યાં રહેલા કચરાને સાફ કર્યા વિના એ જમીન BMCએ રાજ્ય સરકારને આપતાં તેમણે ફરી એક વાર પત્ર દ્વારા મુંબઈ મહાનગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન રૂલ ૨૦૧૬ મુજબની ગાઇડલાઇન પ્રમાણે દેવનારના કચરાને વૈજ્ઞાનિક રીતે સાફ કરીને જગ્યા આપવામાં આવે એવી રજૂઆત પત્ર દ્વારા કરી છે. આવી જ રજુઆત પહેલા ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતા અને હવે નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગયા વર્ષે પત્ર દ્વારા કરવામાં આવી હતી. સરકારે લગભગ એક સદી પહેલાં આ જમીનને જે કન્ડિશનમાં આપી હતી એ જ કન્ડિશનમાં એને પરત કરવામાં આવે અને ત્યાં રહેલા કચરાને સાફ કરીને સુપરત કરવાની ભલામણ કરતા આ પત્ર માટે મુંબઈ મહાનગરપાલિકાનો જવાબ પણ અચંબિત કરનારો અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ એ હકીકતમાં કઈ બલાનું નામ છે એ પ્રગટ કરનારો છે. પાલિકાના એક ઑફિસરના કહેવા મુજબ જો બાયોમાઇનિંગ પદ્ધતિ દ્વારા મુંબઈ મહાનગરપાલિકા આ કચરાને સાફ કરવાનું શરૂ કરે તો પણ એક ટન કચરાની સફાઈમાં લગભગ ૧૨૦૦ રૂપિયાનો કર્ચ આવે. અત્યારે ૧૨૪ એકરની દેવનારની જમીન પર લગભગ વીસ લાખ ટન લેગસી વેસ્ટ (જેના વિશે આગળ સમજીએ) છે જેને સાફ કરવામાં પાલિકાને લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને લગભગ ૧૪ વર્ષ લાગી જશે.


લેગસી વેસ્ટ ધરાવતા દેશના પ્રાચીનતમ ઉકરડાની લેગસી તો જુઓ કે એની સફાઈમાં આટલા કરોડોનો ધુમાડો થઈ જવાનો. સો વર્ષ સુધી મુંબઈનો કચરો સંઘરનારા દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ૨૦૧૫થી કચરો ઠાલવવાનું બંધ થયું છે. માત્ર એ વિસ્તારમાં થતો મર્યાદિત કચરો જ અહીં ઠાલવવામાં આવે છે.

બાયોમાઇનિંગ એટલે શું?

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રહેલા કચરાને સાફ કરવા માટે બાયોમાઇનિંગની પ્રોસેસને ફૉલો કરીને વૈજ્ઞાનિક રીતે આ કચરાનો નિકાલ થાય એ નવા નિયમ પ્રમાણે મહત્ત્વનું છે. બાયોમાઇનિંગ એટલે જ્યાં દાયકાઓનો કચરો જમા થયો હોય એ સાઇટનો પહેલાં અભ્યાસ કરવામાં આવે, એ પછી ખૂબ જ પદ્ધતિસર કચરાને બહાર કાઢવામાં આવે. એ પછી બાયો-ઇનોક્યુલમ નામનું સ્પ્રે જે અમુક પ્રકારના ખાસ બૅક્ટેરિયાથી બનેલું હોય એ કચરા પર છાંટવામાં આવે જે કચરામાં રહેલા મેટલને ઓગાળી દે અને પાછળથી એને ગ્રીન વેસ્ટથી અલગ કરી શકાય. કચરામાં રહેલા લોખંડ, તાંબું, સોનું જેવી મેટલને અલગ તારવી લેવાથી એની કિંમત પણ ઊપજે. પર્યાવરણની દૃષ્ટિએ બાયોમાઇનિંગ એ કચરાના નિકાલનો સુરક્ષિત રસ્તો મનાય છે.

જીવવું હરામ

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ કુલ ૩૧૧ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. દેવનારમાં અનપ્રોસેસ્ડ રહેલો સો વર્ષ જૂના કચરાને કારણે ફેલાતી બીમારી, એની દુર્ગંધ અને ત્યાં વેસ્ટ મૅનેજમેન્ટ પ્રોજેક્ટના મામલામાં દેખાડાયેલી ઉદાસીનતાને કારણે બે મહિના પહેલાં બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા એક કમિટી નીમીને આ ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાને મૅનેજ કરવામાં અને ત્યાંની કન્ડિશન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવા માટે કહેવામાં આવ્યું હતું. દેવનારમાં વીસ લાખ ટન કચરો છે જે ચાલીસ મીટરની હાઇટ જેટલો ડુંગરો બની ગયો છે.

ગોવંડી સ્ટેશનથી બે કિલોમીટરના ડિસ્ટન્સ પર દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ છે અને અહીં આસપાસના જ વિસ્તારમાં હજારો લોકો રહે છે. ચેમ્બુરના એક રહેવાસી કહે છે, ‘અહીં ભલે હવે મુંબઈ આખાનો કચરો નથી ઠલવાતો, પણ જે કચરો ભેગો થયો છે એનું શું? છેલ્લા કેટલાય દાયકાઓથી ઘાટકોપર, ચેમ્બુર, પવઈના લોકો ધરણા કરી ચૂક્યા છે. અહીં અવારનવાર આગ લાગે છે. દુર્ગંધનો તો પાર નથી. કચરાનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે ગ્રાઉન્ડ વૉટરમાં ભેળસેળ થઈ રહી છે. જોકે સરકારને અહીં રહેતા લોકોની કંઈ પડી જ નથી. કચરાના નિકાલ માટે રાજ્ય સરકારને જમીનની જરૂર પડી એટલે ચર્ચા શરૂ થઈ પરંતુ એ પહેલાં સુધી અહીં કચરાને સાયન્ટિફિકલી ટ્રીટ કરીને એનો નિકાલ કરવાની દિશામાં કેમ કોઈ પગલાં નથી લેવાયાં? આ હજારો લોકોની જિંદગીનો પ્રશ્ન છે. આમાં કમ-સે-કમ રાજનીતિ ન થવી જોઈએ.’

કચરાનો વારસો 
સામાન્ય રીતે લેગસી એટલે વારસો. યસ, અહીં પણ લેગસી વારસાના જ અર્થમાં છે, પરંતુ અહીં કચરાનો વારસો છે. ટેક્નિકલી લેગસી વેસ્ટ એટલે એવો કચરો જે દાયકાઓથી અનિયંત્રિતપણે શહેરની બહારની કોઈ એક જગ્યાએ એકઠો થયો હોય. જોકે સમયાંતરે શહેરીકરણ થતાં કચરાનો એ ઉકરડો શહેરનો હિસ્સો બનવા પામ્યો હોય. અત્યારે ધારાવીમાં આવો વીસ લાખ ટન જેટલો લેગસી વેસ્ટ છે. 

તમને ખબર છે?
મુંબઈકરો ભેગા થઈને દરરોજનો ૬૫૦૦ ટન જેટલો કચરો કરે છે જેને કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે અને ૨૦૧૬થી લગભગ ૫૦૦ ટન કચરો જ હવે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠલવાય છે જે મોટા ભાગે ત્યાંના સ્થાનિક વિસ્તારનો કચરો છે. 

સિરિયસલી?
અત્યારે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાના ઢગલાની હાઇટ લગભગ ચાલીસ મીટરની છે. એટલે કે ૧૮ માળના બિલ્ડિંગની હાઇટ હોય એટલો કચરો અહીં એકઠો થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2025 05:45 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub