લગભગ વીઆઇપીનાં સંતાનો ત્યાં ભણે છે. મેં કુતૂહલ ખાતર પૂછ્યું, ‘કેટલી ફી છે વર્ષની?’ ‘દાદા, મને એટલું યાદ છે કે દોઢ લાખ રૂપિયા ડિપોઝિટ છે. બાકી એક્ઝૅટલી ફી કેટલી છે એ તો ડૅડને ખબર.’
માણસ એક રંગ અનેક
ડિગ્રિયાં તો શિક્ષા કી વો રસીદ બન ગઈ હૈ જિસે કહીં ભી કોઈ ભી ખરીદ સકતા હૈ!
શિક્ષણ વેપાર બની ગયું છે એનું કારણ આપણે પોતે પણ છીએ. બધા પોતાનાં સંતાનોને પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાવવા ઇચ્છે છે. સારી સરકારી નોકરી કે પ્રાઇવેટ કંપનીના તગડા પૅકેજનું સપનું બધાને લલચાવી રહ્યું છે.
સગાં-મિત્રોમાં કોઈ માંદું હોય તો ઘરે ખબર કાઢવાનો રિવાજ લગભગ બંધ થઈ ગયો છે. રિવાજ ભલે બંધ થઈ ગયો હોય, પણ ક્યાંક-ક્યાંક લાગણી હજી અકબંધ રહી છે. એ રૂહે હું મારા મિત્ર કલ્યાણજી ગાલાના ખારના ફ્લૅટમાં એક સાંજે પહોંચી ગયો. ત્યાં મને ગાલાના પૌત્ર કિયાનની પહેલી વાર મુલાકાત થઈ. તે મને પગે લાગ્યો. તેના શિષ્ટાચારથી મને આનંદ થયો. હું તેની સાથે વાતે વળગ્યો, ‘શું કરે છે તું?’
‘દાદા, ભણું છું.’ ‘કયા સ્ટાન્ડર્ડમાં?’ ‘11thમાં.’ ‘અગિયારમા ધોરણમાં?’ ‘કઈ કૉલેજમાં?’ ‘માઉન્ટ લિટેશ સ્કૂલ.’
‘માઉન્ટ લિટેશ’ નામ મેં સાંભળ્યું હતું. બાંદરાની હાઇ-ફાઇ સ્કૂલ છે. લગભગ વીઆઇપીનાં સંતાનો ત્યાં ભણે છે. મેં કુતૂહલ ખાતર પૂછ્યું, ‘કેટલી ફી છે વર્ષની?’ ‘દાદા, મને એટલું યાદ છે કે દોઢ લાખ રૂપિયા ડિપોઝિટ છે. બાકી એક્ઝૅટલી ફી કેટલી છે એ તો ડૅડને ખબર.’ કિયાનનાં દાદી શોભનાબહેન ત્યાં બેઠાં હતાં. તેમણે કહ્યું કે ‘પ્રવીણભાઈ, ૯ લાખ રૂપિયા જેટલી ફી છે એવું ભાવિન (કિયાનના પપ્પા) કહેતો હતો.’ મેં ચમકીને પ્રશ્ન દોહરાવ્યો. ‘કેટલાં, કેટલાં?’ ‘૯ લાખ’ શોભનાબહેને મક્કમતાથી કહ્યું.
૯ લાખનો આંકડો સાંભળીને ક્ષણભર તો મને ટાઢક વળી ગઈ. તમને થશે ‘ટાઢક’ કેમ? ૬ મહિના પહેલાં મારો પૌત્ર મોનાર્ક પાર્લાની એક કૉલેજના ફર્સ્ટ યર એન્જિનિયરિંગ માટે ઍડ્મિશન લઈને ઘરે આવ્યો ત્યારે મેં મારા પુત્ર દર્શનને સહજ રીતે પૂછ્યું, ‘ફીના કેટલા રૂપિયા લીધા.’ તેણે સહજ રીતે કહ્યું કે ‘સાડાપાંચ લાખ રૂપિયા એક વર્ષના વિથ લીગલ રસીદ.’
તે ખુશ હતો, પણ મારું મગજ ફરતું હતું. કૉલેજના પહેલા વર્ષની ફી સાડાપાંચ લાખ રૂપિયા મારા મગજમાં બેસતી નહોતી એટલે કિયાનની ૯ લાખ રૂપિયા ફી સાંભળીને મને ટાઢક થઈ, પણ પછી મને જે જાણવા મળ્યું એ સાંભળીને મારા મગજનો પારો એકદમ ઉપર ચડી ગયો. સાંભળવા મળ્યું કે કેટલાંક કિન્ડરગાર્ટનની ફી મહિને લાખ રૂપિયા છે. કેટલીક સ્કૂલ-કૉલેજમાં એવા નિયમ છે કે અભ્યાસને લગતી દરેક વસ્તુ ત્યાંથી જ ખરીદવી પડે. યુનિફૉર્મ, પુસ્તકો, સ્ટેશનરી. કેટલીક
સ્કૂલ-કૉલેજની બસમાં જ ટ્રાવેલિંગ કરવું ફરજિયાત છે અને એની ફી અલગથી. એવું પણ જાણવા મળ્યું કે પ્રવેશ-ફી ઉપરાંત વર્ષ દરમ્યાન જુદા-જુદા પ્રસંગે, જુદા-જુદા બહાના હેઠળ પણ વિદ્યાર્થીઓ પાસેથી ફન્ડ ઉઘરાવવામાં આવે છે. ટૂંકમાં અમુક શિક્ષણ સંસ્થાઓ શિક્ષણનો વ્યાપ કેમ વધે એનું નહીં, પણ નફાનું પ્રમાણ કેમ વધે એના પર જ એમનું ધ્યાન હોય છે. શિક્ષણ વેપાર બની ગયો છે અને ગરીબ વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષણ માટે લાચાર બની ગયા છે.
દરેક બાળકને શિક્ષણ મળી રહે એ બંધારણીય હક છે, પણ દેશની કમનસીબી છે કે બંધારણના પૂઠા વચ્ચે છપાયેલી અનેક કલમોનો અમલ થઈ નથી રહ્યો.
દેશની સર્વોચ્ચ સમસ્યા કઈ? સુરક્ષાની? હૂંડિયામણની? બેકારી-ગરીબીની? જીએસટી- નોટબંધીની? આ બધી સમસ્યા અગત્યની છે એ બાબતે કોઈ બેમત ન હોઈ શકે, પણ આ બધી સમસ્યાનો હલ ક્યારે નીકળી શકે? જ્યારે દેશનું શિક્ષણ ક્ષેત્ર અને સ્વાસ્થ્ય ક્ષેત્ર મજબૂત હોય.
દેશના પાયાના બે સ્તંભ છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય. આ બન્ને આમપ્રજા માટે સુલભ હોવા જોઈએ, કિફાયતી હોવા જોઈએ. આપણા દેશમાં આ બન્ને લોકોની આર્થિક સ્થિતિ અનુસાર અલગ-અલગ અભિગમમાં મળે છે જે ઇચ્છનીય નથી જ. મ્યુનિસિપાલિટી કે સરકારી સ્કૂલ કે હૉસ્પિટલની હાલત કેવી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. સ્કૂલમાં પૂરતા શિક્ષકો નથી હોતા, હૉસ્પિટલમાં નથી હોતા પૂરતા ડૉક્ટર. બન્નેમાં પ્રાથમિક સગવડનો અભાવ જ હોય છે.
‘તમસો મા જ્યોતિર્ગમય’ - અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો રસ્તો શિક્ષણ છે. કમનસીબે શિક્ષણ આજે વ્યવસાય બની ગયું છે. એક સારા નાગરિક બનવા માટે, એક સારા ઇન્સાન બનવા માટે, સંસ્કારી અને શિસ્તબદ્ધ બનવા માટે, ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે.
શિક્ષણના ખાનગીકરણે ઘણી બધી સમસ્યા ઊભી કરી છે. ખાટલે મોટી ખોડ આપણી શિક્ષણનીતિની છે. શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી થતા અવનવા અખતરા ખતરા બની ગયા છે.
શિક્ષણનું ખાનગીકરણ ચિંતાનો વિષય તો છે જ, પણ ચિંતા એ વાતની છે કે આ બાબત કોઈને ચિંતા કેમ નથી થતી? એક બાજુ સરકાર સૂત્ર આપે છે કે ‘પઢેગા ઇન્ડિયા, તભી તો આગે બઢેગા ઇન્ડિયા’, પરંતુ સૂત્ર સફળ બનાવવાનાં પગલાં કેમ લેવાતાં નથી?
એક છાપ એવી પણ ઊભી થઈ છે કે આપણો દેશ સૂત્રો અને નારાબાજીનો છે. હક માટે મોરચા કઢાય છે, પણ ફરજ માટે સભાનતા નથી.
એક શિક્ષણશાસ્ત્રીએ તાજેતરમાં જે તારણ કાઢ્યું છે એ વિચારવા જેવું છે.
રાજનીતિ અને આખ્યાનકારો પછી મોટામાં મોટો ફળદાયક ઉદ્યોગ આજે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રનો રહ્યો છે. અહીં ગ્રાહકો ગરજાઉ અને માલિકો સર્વોપરી છે. એના કારખાનામાં દર વર્ષે લાખો એન્જિનિયર્સ અને સીએનું ઢગલાબંધ ઉત્પાદન થાય છે. કોરોનાકાળમાં જગતઆખું બંધ હતું, પણ ઑનલાઇન શિક્ષણ ધમધમતું હતું. ફીની આવક ચાલુ જ હતી. સરકાર અને શિક્ષણ ક્ષેત્રની સાઠગાંઠ હંમેશાં મજબૂત રહી છે.
શિક્ષણ વેપાર બની ગયું છે એનું કારણ આપણે પોતે પણ છીએ. બધા પોતાનાં સંતાનોને પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાવવા ઇચ્છે છે. સારી સરકારી નોકરી કે પ્રાઇવેટ કંપનીના તગડા પૅકેજનું સપનું બધાને લલચાવી રહ્યું છે.
દેશના ભવિષ્યનો આધાર પ્રજાની આગલી પેઢીના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર નિર્ભર છે. પ્રજા અશિક્ષિત અને રોગી હશે તો દેશનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકશે?