પારસી દોરાબજી નાનાભાઈ મુંબઈમાં આવનારા પ્રથમ ગુજરાતી હતા
મુંબઇમાં વસેલું એક પારસી કુટુંબ
ચલ મન મુંબઈ નગરી
વાર શનિ. મહિનો ડિસેમ્બર. તારીખ બીજી. અને વર્ષ ઈ. સ. ૯૯૯. મુંબઈની તવારીખમાં એ દિવસનું મહત્ત્વ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું છે. એ દિવસે કેટલાક પારસીઓ મુંબઈ નજીકની કાન્હેરી ગુફાઓ જોવા આવ્યા હતા અને જતાં પહેલાં પોતાનાં નામ ગુફાની એક દીવાલ પર કોતરી ગયા હતા, તારીખ-વાર સાથે. અલબત્ત, આ લખાણ પહેલવી ભાષામાં છે. પણ મુંબઈની ધરતી પર પગ મૂકનારા આ પહેલવહેલા ગુજરાતીઓ. કાન્હેરીનું મૂળ નામ તો કૃષ્ણગિરિ એટલે કે કાળો પર્વત. એ પર્વત પર કુલ ૧૦૯ ગુફાઓ આવેલી છે. એનું નિર્માણ ઈ.સ.પૂર્વે પહેલી સદીમાં શરૂ થયું હતું અને ઈ. સ.ની ૧૧મી સદી સુધી એ કામ ચાલ્યું હતું. જોકે ઈ.સ.ની ત્રીજી સદી સુધીમાં તો કાન્હેરી બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ચૂક્યું હતું. એટલે કે આ પારસીઓએ જ્યારે મુલાકાત લીધી ત્યારે કાન્હેરી કંઈ આજની જેમ એક પર્યટન ધામ નહોતું, પણ બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. એટલે કોઈ બીજા – પારસી – ધર્મના અનુયાયીઓ અહીં આવે એ વાત મહત્ત્વની ગણાય.
ADVERTISEMENT
પણ એ પારસીઓ તો મુલાકાતીઓ હતા. પણ અંગ્રેજોએ મુંબઈમાં પહેલી વાર પગ મૂક્યો એ પહેલાં ગુજરાતથી આવીને અહીં કેટલાક લોકો વસ્યા હતા. સુરત પાસેના એક ગામડામાંથી દોરાબજી નાનાભાઈ ઈ. સ. ૧૬૪૦માં મુંબઈ આવીને વસ્યા હતા. મુંબઈના એ પહેલા ગુજરાતી વસાહતી. મુંબઈ આવ્યા એ પહેલાં દોરાબજી વેપાર કરતા હતા અને એને કારણે જુદા-જુદા લોકોના પરિચયમાં આવેલા. એને કારણે તેઓ મરાઠી અને પોર્ટુગીઝ જેવી ભાષાઓના પણ જાણકાર બની ગયા હતા. મુંબઈ આવ્યા પછી તેઓ અહીંના કોળી લોકો સાથે સારી રીતે હળીભળી ગયા હતા. એ વખતે પોર્ટુગીઝ શાસકો અહીંની સ્થાનિક ભાષાઓ જાણતા નહોતા. એ ભાષાઓ તથા પોર્ટુગીઝ જાણનાર દોરાબજી તેમની આંખમાં વસી ગયા. એટલે પોર્ટુગીઝ શાસકો મુંબઈના વહીવટમાં નિયમિત રીતે તેમની સલાહ લેતા એટલું જ નહીં, વહીવટની કેટલીક જવાબદારી પણ તેમને સોંપેલી. પણ પછી પોર્ટુગીઝ રાજાએ દાયજામાં મુંબઈ શહેર અંગ્રેજોને આપ્યું અને પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. પણ જતાં પહેલાં તેમણે દોરાબજીની વફાદારીપૂર્વકની સેવાની કદર કરી અને આજે જે કાવસજી પટેલ સ્ટ્રીટ તરીકે ઓળખાય છે એ વિસ્તારમાં તેમને જમીન અને એક બંગલો ભેટ આપતા ગયા એટલું જ નહીં, જતાં-જતાં તેઓ નવા આવેલા અંગ્રેજ શાસકોને દોરાબજી માટે ભલામણ કરતા ગયા. મુંબઈ પોતાના તાબામાં આવ્યું એ પછી ૧૬૬૮માં અંગ્રેજોએ મુંબઈના લોકો પર મુંડકા વેરો લાદ્યો. દેખીતી રીતે કેટલાક લોકોએ એનો વિરોધ કર્યો. અહીંના લોકોને જો કોઈ સમજાવી-પટાવી શકે તો એ દોરાબજી. એટલે આ વેરો ઉઘરાવવાનું કામ સરકારે તેમને સોંપ્યું. દોરાબજીએ લગભગ ૨૬ વર્ષ સુધી અંગ્રેજોની સેવા વફાદારીપૂર્વક કરી. એ પછી ઈ. સ. ૧૬૮૮માં તેઓ બેહસ્તનશીન થયા. આમ દોરાબજી ગુજરાતથી આવીને મુંબઈમાં વસનારાઓમાં સૌથી પહેલા હતા એટલું જ નહીં, મુંબઈના વહીવટમાં મહત્ત્વનો ભાગ ભજવનાર પહેલા ગુજરાતી હતા.
દોરાબજી પછી તેમની જગ્યા તેમના બેટા રુસ્તમજીએ લીધી. તેમણે તો બાપ કરતાંય સવાઈ વફાદારી અંગ્રેજ સરકાર તરફ બતાવી અને ૧૬૯૨માં એક પ્રસંગે તો તેમણે અસાધારણ હિંમત, કુનેહ અને વફાદારી બતાવી. બન્યું એવું કે એ વર્ષમાં જંજીરાના સીદીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું. એ વખતે અંગ્રેજોની ફૅક્ટરી (ઑફિસ)નો વડો બહારગામ ગયો હતો.
રુસ્તમજીએ મુંબઈના સ્થાનિક કોળી યુવાનોને ભેગા કર્યા અને તેમનું સૈન્ય બનાવી સીદીઓ સામે લડ્યા એટલું જ નહીં, તેમને હરાવીને ભગાડ્યા. આ હુમલાના ત્રણ દિવસ દરમ્યાન આખા શહેરનો કારભાર પણ રુસ્તમજીએ જ સંભાળ્યો હતો. ત્યારથી લોકો તેમને જનરલ રુસ્તમજી તરીકે ઓળખવા લાગ્યા અને સરકારે તેમને ‘મુંબઈના પટેલ’નો ખિતાબ આપ્યો. ત્યારથી તેમના વંશજોએ પટેલ અટક અપનાવી. આજે વિચિત્ર લાગે એવો બીજો એક હક પણ અંગ્રેજોએ રુસ્તમજીને આપેલો : માછલી પકડીને જેટલા મછવા મુંબઈના કોઈ પણ બંદરે આવે તેણે એક-એક માછલી રુસ્તમજીને વેરા તરીકે આપવી પડતી! વળી મુંબઈનાં ખેતરોમાં પાક લણતાં પહેલાં ખેડૂતે રુસ્તમજીને વેરો ચૂકવવો પડતો અને એ પછી જ પાકની લણણી શરૂ થઈ શકતી. બ્રિટિશ સરકારની ૭૧ વર્ષ સુધી વફાદારીપૂર્વક સેવા કર્યા પછી ૯૬ વર્ષની પાકટ વયે ૧૭૬૩ના એપ્રિલની ૧૨ તારીખે રુસ્તમજી બેહસ્તનશીન થયા.
રુસ્તમજીના અંગત જીવનનો એક કિસ્સો પણ મજેદાર છે. પહેલા લગ્ન પછી થોડાંક વર્ષોમાં તેમનાં પત્ની ગુજરી ગયાં. એ વખતના સામાન્ય રિવાજ મુજબ રુસ્તમજીએ બીજાં લગ્ન કર્યાં. દામ્પત્યજીવન સુખી, પણ ઓલાદ નહીં. પણ જેવી ખોદાયજીની મરજી એમ માની મન મનાવી લીધેલું. પીરોજાબાનુ નામની ૧૩-૧૪ વર્ષની છોકરી એક જર્મન મુસાફર સાથે ઈરાનથી મુંબઈ આવી. પીરોજા હતી રૂપ-રૂપનો અંબાર અને એ વખતે ઈરાનના મુસલમાનો આવી છોકરીઓને ઉઠાવી જઈને તેમની સાથે બળજબરીથી નિકાહ પઢતા. એટલે કોઈ સારો પારસી મુરતિયો જોઈ તેની સાથે પરણાવી દેવાની વિનંતી સાથે પીરોજાના પિતાએ જ તેને પેલા જર્મન મિત્ર સાથે મુંબઈ મોકલેલી. કોટ વિસ્તારમાં આજે જ્યાં ફૉર્બ્સ સ્ટ્રીટ છે ત્યાં એ વખતે એક તળાવ હતું. સાંજ પડ્યે પારસી પુરુષો એના કાંઠે ભેગા થઈ ગામગપાટા હાંકતા. એક દિવસ શેઠ ભીખા બહેરામ પોતાની સાથે પીરોજાને લઈને ત્યાં આવ્યા. કહ્યું કે આ બધા બેઠા છે એમાંથી કોઈ એકને પસંદ કરી લે. પીરોજાએ વારાફરતી બધા પુરુષો સામે જોયું. પછી ત્યાં બેઠેલા રુસ્તમજીનો હાથ પકડીને બોલી કે પરણું તો એવણને જ પરણું. આ સાંભળી રુસ્તમજી જનરલ તો ઊભી પૂંછડીએ ભાગ્યા, કારણ કે ભલે ઓલાદ નહોતી; પણ ઘરસંસાર સુખી હતો. ત્રીજું ઘર માંડવાની ઇચ્છા નહોતી. બીજી સાંજે પણ શેઠ ભીખા બહેરામ પીરોજાને લઈને ત્યાં આવ્યા. બીકના માર્યા રુસ્તમજી તો આવ્યા જ નહોતા! ફરી એ જ વાત : આ બધા બેઠા છે એમાંથી કોઈ એક મુરતિયો પસંદ કરી લે. પણ છોકરી માની નહીં. કહે, પરણું તો રુસ્તમજીને નહીંતર નહીં. છેવટે ભીખા બહેરામ અને બીજા કેટલાક પારસી આગેવાનો રુસ્તમજીના ઘરે ગયા. સમજાવ્યા : છોકરી સારી, સુશીલ, ગુણવાન છે. તમારું ઘર ઉજાળશે. અને ખોદાયજીની ઇચ્છા હશે તો તમારો વંશવેલો પણ વધારશે. બીજાં પત્નીએ પણ સંમતિ આપી. એટલે છેવટે રુસ્તમજી પીરોજાને પરણી ગયા. વખત જતાં પીરોજા અને રૂસ્તમજીને ચાર દીકરા થયા : કાવસજી, દોરાબજી, કેખુશરૂ, અને તેમુલજી.
રુસ્તમજીના અવસાન પછી તેમના વડા બેટા કાવસજી સરકારી કામમાં જોડાયા. તેમને સરકારે એક નવી જવાબદારી સોંપી : સરકારી માલસામાનની હેરફેર માટે જરૂરી વહાણો ભાડે મેળવી આપવાની. વખત જતાં મુંબઈ નજીકનાં થાણે અને વસાઈ પણ અંગ્રેજોના તાબામાં આવ્યા. તેના સઘળા વહીવટની જવાબદારી સરકારે કાવસજીને સોંપી એટલું જ નહીં, આ બે જગ્યાએથી મુંબઈની મુલાકાતે આવતાં પહેલાં અને મુંબઈથી એ બે જગ્યાએ જતાં પહેલાં હરકોઈ ‘દેશી’એ કાવસજીની લેખિત મંજૂરી લેવી પડતી. આ કાવસજીના માનમાં જ કોટ વિસ્તારના એક રસ્તાનું નામ કાવસજી પટેલ સ્ટ્રીટ રાખવામાં આવ્યું અને હવે તો એ તળાવનું નામોનિશાન રહ્યું નથી, પણ હજી આજેય એ ખેતવાડી નજીકનો જે વિસ્તાર સી. પી. ટૅન્ક તરીકે ઓળખાય છે. એ તળાવ ઈ. સ. ૧૭૭૫માં કાવસજીએ પોતાના ખર્ચે બંધાવેલું એટલું જ નહીં, એની જાળવણી અને સમારકામનો બધો ખર્ચ દાયકાઓ સુધી પટેલ ખાનદાનના નબીરાઓ કરતા હતા. કાવસજીએ બંધાવેલું આ તળાવ એ જ કાવસજી પટેલ (સી. પી.) ટૅન્ક. મુંબઈમાં બાંધવામાં આવેલું જૂનામાં જૂનું તળાવ. ૧૭૯૯ના ઑગસ્ટની છઠ્ઠી તારીખે માત્ર ૫૭ વર્ષની ઉંમરે કાવસજી બેહસ્તનશીન થયા.
એક વાર દોરાબજીએ મુંબઈનાં બારણાં ઉઘાડી આપ્યા પછી તો ગુજરાતથી અહીં પારસીઓ આવ્યા, કપોળ વાણિયા અને નાગર આવ્યા, વોરા, ખોજા અને મેમણ આવ્યા, જાતભાતના કારીગરો અને વસવાયા આવ્યા. એક જમાનામાં મુંબઈનો સી વૉર્ડ ગુજરાતીઓનો ગઢ ગણાતો. ગુજરાતના બધા પ્રદેશની, બધી જ્ઞાતિઓની, બધા વ્યવસાયોની, બધા કારીગરોની બોલી જો કોઈ એક જ જગ્યાએ સાંભળવી હોય તો એ ગુજરાતમાં નહીં; મુંબઈના સી વૉર્ડમાં સાંભળવા મળતી.
આ પણ વાંચો : દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ
અમદાવાદવાસી કવિ દલપતરામ બે-ત્રણ વખત મુંબઈ આવ્યા હતા અને મુંબઈને જોઈને દંગ થઈ ગયા હતા. આથી જ તેમણે લખ્યું :
જનો દેશદેશો તણા ત્યાં ફરે છે,
જુદી વાણી ને વેશ જુદા ધરે છે;
દિસે જાણીયે ઈશ્વરે ધારી લીધું,
જનોનું ભલું સંગ્રહસ્થાન કીધું
લંકાની લક્ષ્મી બધી છે મુંબઈ મોઝાર
જેણે મુંબઈ જોઈ નહીં, અફળ ગયો અવતાર