ઔરંગઝેબની આ કબર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત સ્મારક છે અને એના હેઠળ કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોએ એની જાળવણી કરવાની કાનૂની ફરજ છે
ઔરંગઝેબની કબર
જેનો ઇતિહાસ જરાય ગૌરવશાળી નથી તેવા રાજાની કબરને લઈને ઊભી કરવામાં આવેલી ગરમાગરમીમાં એક મહત્ત્વની વાત ભૂલી જવાઈ હતી કે ઔરંગઝેબની આ કબર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત સ્મારક છે અને એના હેઠળ કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોએ એની જાળવણી કરવાની કાનૂની ફરજ છે
૨૧મી સદીના ભારતમાં ઔરંગઝેબને યાદ કરવાનું શું ઔચિત્ય છે? કમનસીબી એ છે કે દેશમાં ગરીબી, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય જેવા પ્રશ્નો વધુ મહત્ત્વના છે પણ ચર્ચાનો, વિરોધનો, આરોપ-પ્રત્યારોપનો મુદ્દો ૩૦૦ વર્ષ પહેલાં દફન થઈ ગયેલો એક મુગલ રાજા છે, જેને યાદ રાખવામાં આ દેશના સામાન્ય માણસની કોઈ રુચિ નથી. અને ખાલી ચર્ચા પણ નથી, એના પર રાજનીતિ રમાઈ રહી છે અને એ હિંસામાં પણ પરિણમી છે.
ADVERTISEMENT
બધાને ખબર છે કે ઇતિહાસને ભૂંસી શકાતો નથી. એમાંથી કશું હાંસલ થતું નથી. સભ્ય દેશ ઇતિહાસ મિટાવતો નથી, એ ઇતિહાસ જાળવી રાખે છે જેથી વર્તમાન અને ભાવિ પેઢી એમાંથી બોધપાઠ મેળવે અને ઇતિહાસની ભૂલોનું પુનરાવર્તન ન કરે. ઇતિહાસમાંથી પાઠ ન ભણો તો આગળ કેવી વધાય?
શું મહારાષ્ટ્રની પ્રાથમિકતા ઔરંગઝેબ છે કે પછી કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ, રાજ્યના માથે ૮ કરોડનું દેવું, મરાઠાઓની આરક્ષણની માગણી કે ભ્રષ્ટાચાર?
રાજ્યના નેતાઓ અને મીડિયા જે વખતે હિન્દી ફિલ્મ ‘છાવા’ અને ઔરંગઝેબની કબર પર ‘વિચાર-મંથન’ કરી રહ્યા હતા ત્યારે બુલઢાણા જિલ્લામાં કૈલાશ અર્જુન નાગરે નામના રાજ્યના યુવા ખેડૂત અવૉર્ડ વિજેતા ખેડૂતે સિંચાઈના પાણીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. તેણે મરતાં પહેલાં ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ‘વહીવટીતંત્ર ખેડૂતોની સમસ્યાઓની ઉપેક્ષા કરી રહ્યું છે. અમારી માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી મારા શરીરને હટાવશો નહીં.’
દેશમાં અર્થ વગરના વિવાદોથી કોઈનું ભલું થવાનું નથી. એમાંય ધાર્મિક કે કોમી લાગણીઓવાળા મુદ્દાઓનું એક જ ‘તાર્કિક પરિણામ’ આવતું હોય છે, ખૂન-ખરાબા. એમ છતાં જનતાના જરૂરી મુદ્દાઓની ઉપેક્ષા કરીને લાગણીઓ ભડકાવે એવા મુદ્દાઓ શોધી-શોધીને જાહેરમાં લાવવામાં આવે છે. ઔરંગઝેબના કિસ્સામાં એવું જ થયું છે. ઘણાબધા સમયથી એને લઈને એક માહોલ બનાવવામાં આવી રહ્યો હતો અને એના કારણે જ નાગપુરની શાંતિમાં આગ લાગી ગઈ હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આવી જ ભાવના વ્યક્ત કરી છે. આ વિવાદ વિશે બૅન્ગલોરમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સંઘના પ્રવક્તા સુનીલ આંબેકરે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે આજના સમયમાં એ (ઔરંગઝેબ) પ્રાસંગિક છે. સમાજ માટે કોઈ પણ પ્રકારની હિંસા યોગ્ય નથી.’
જેનો ઇતિહાસ જરાય ગૌરવશાળી નથી તેવા એક ફાલતુ મુગલ રાજાની કબરને લઈને ઊભી કરવામાં આવેલી ગરમાગરમીમાં એક મહત્ત્વની વાત ભૂલી જવાઈ હતી કે ઔરંગઝેબની આ કબર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ સંરક્ષિત સ્મારક છે અને એના હેઠળ કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોએ એની જાળવણી કરવાની કાનૂની ફરજ છે.
જો મહારાષ્ટ્ર સરકાર કબરને દૂર કરવા માટે ગંભીર હતી તો એણે ASIની સંરક્ષિત સ્થળોની સૂચિમાંથી એને કાઢીને યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. એના બદલે ‘છાવા’ ફિલ્મ નિમિત્તે જાહેરમાં ઔરંગઝેબને નામે એલફેલ નિવેદનો થવા દેવામાં આવ્યાં અને લોકોની લાગણીઓને ભડકાવવામાં આવી.
બીજી મહત્ત્વની વાત એ છે કે ઔરંગઝેબ સારો શાસક હતો કે ખરાબ એ ઇતિહાસકારોનો વિષય છે, રાજકારણીઓ અને ટોળાનો નહીં. તેના ઇતિહાસને મૂલવવો હોય તો પણ એને આજના માપદંડથી નહીં, પરંતુ જે-તે વખતે ભારતની સ્થિતિ શું હતી એનો આધાર બનાવવો જોઈએ.
ભારતમાં અનેક રાજાઓ થઈ ગયા છે. તે સૌનો સારો-ખોટો કાર્યકાળ છે. આટલાબધા વૈવિધ્યપૂર્ણ દેશમાં ઇતિહાસને લાગણીઓથી નહીં, પણ વિવેકબુદ્ધિથી જ સમજી શકાય.
ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં, જ્યાં ઇતિહાસ ઓળખ અને રાજકારણ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે, ત્યાં ભૂતકાળને લાગણીને બદલે તર્ક સાથે જોવો અનિવાર્ય છે.
સુપ્રીમ કોર્ટના જજોની મણિપુર યાત્રા આવકાર્ય છે
મણિપુરમાં છેલ્લા દોઢ વર્ષ ચાલેલી વંશીય હિંસામાં અસરગ્રસ્ત લોકોને સધિયારો આપવા માટે વડા પ્રધાન ક્યારે જશે એવા વિરોધ પક્ષોના અણિયાળા સવાલો વચ્ચે સુપ્રીમ કોર્ટના છ જજો ગઈ કાલે (શનિવારે) રાજ્યની રાહત શિબિરોની મુલાકાતે ગયા છે.
૨૦૨૩માં મે મહિનામાં ફાટી નીકળેલી કોમી હિંસાનાં લગભગ બે વર્ષ પછી પણ રાજ્યમાં સ્થિતિ થાળે પડી નથી. હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે, ૫૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને હજારો લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. એ દરમિયાન છ જજોની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે. એનો ઉદ્દેશ્ય અસરગ્રસ્ત લોકોને કાનૂની અને માનવીય સહાયતા પૂરી પાડવાનો છે.
આ મુલાકાતનું નેતૃત્વ ન્યાયમૂર્તિ ભૂષણ આર. ગવઈ કરી રહ્યા છે. તેમની સાથે જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, એમ. એમ. સુંદરેશ, કે. વી. વિશ્વનાથન અને એન. કોટેશ્વર સિંહ છે. આ પ્રતિનિધિમંડળ રાહત શિબિરોમાં રહેતા લોકોને મળશે અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે.
જસ્ટિસ ગવઈએ જોકે સ્પષ્ટતા કરી છે કે ‘અમારી મુલાકાતને સમુદાયો વચ્ચેના વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. એનો હેતુ ફક્ત જરૂરિયાતમંદોને રાહત આપવાનો અને જેને જરૂર પડશે તેને કાનૂની સહાય પૂરી પાડવાનો છે.’
મણિપુર હજી પણ અશાંત છે. ગૃહપ્રધાન અમિત શાહે પહેલી માર્ચના અધિકારીઓને ૮ માર્ચથી રાજ્યમાં મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ૮ માર્ચે કુકી સમુદાયે રસ્તાઓ પર પથ્થરો અને ટાયર નાખીને અનેક વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેમના પર ગોળીબાર પણ કર્યો હતો. બીજા દિવસે ૯ માર્ચે સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં ૪૦ લોકો ઘાયલ થયા હતા.
એ પછી ૧૮ માર્ચે હમાર અને જોમી સમુદાયોનાં સંગઠનો શાંતિ સમજૂતી માટે એકઠાં થયાં હતાં. થોડા કલાકો પછી હમાર સમુદાયના સભ્યોએ જોમી સંગઠનનો ધ્વજ હટાવવાનો પ્રયાસ કર્યો. આ પછી બન્ને તરફથી લાકડીઓ અને પથ્થરોથી ગોળીબાર થયો હતો. ભીડને વિખેરવા માટે પોલીસે ટિયર ગૅસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ઘટના દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હતો.
અગાઉ ૧૬ માર્ચની રાત્રે હમાર આદિજાતિના નેતા રિચર્ડ હમાર પર ચુરાચંદપુરમાં અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એના વિરોધમાં હમાર લોકોએ ૧૭ માર્ચે બંધની હાકલ કરી હતી. આ દરમિયાન સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ બગડ્યા બાદ કરફ્યુ લાદવામાં આવ્યો હતો.
સરકાર હવે ગ્રૉક AI પર લગામ કસશે?
ટેસ્લા અને સ્ટારલિન્ક મારફત ભારતીય બજારમાં પ્રવેશવાની મંશા સેવી રહેલા અમેરિકન અબજોપતિ ઇલૉન મસ્કનું AI ચૅટબૉટ ‘ગ્રૉક’ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના માથાનો દુખાવો બન્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી ભારતમાં સોશ્યલ મીડિયાના વપરાશકર્તાઓ ગ્રૉક AIને BJPના નેતાઓ અને સરકાર સંબંધી સવાલો પૂછીને ફૅક્ટ-ચેકિંગ કરી રહ્યા છે. એ સવાલો અને ગ્રૉકના જવાબો સરકારને અસ્વસ્થ બનાવી રહ્યા છે. એવા અહેવાલો છે કે એને લઈને સરકાર તેની કંપની ‘ઍક્સ’ સાથે ચર્ચા કરી રહી છે.
એવું લાગે છે કે મસ્કનું ગ્રૉક ભસ્માસુર બની ગયું છે. કેટલાક લોકોનો દાવો છે કે ભારત સરકાર એને ‘સીધું’ કરી નાખશે. મસ્ક વેપારી માણસ છે અને ભારત તેના માટે મહત્ત્વનું બજાર છે. એવી શક્યતાને નકારવામાં નથી આવતી કે એને સરકાર કે પાર્ટી વિરોધી જવાબો આપતું અટકાવવા માટે એની રચનાના કોડમાં ફેરફાર થઈ શકે છે.
નરેન્દ્ર મોદીથી લઈને ઇલૉન મસ્ક અને રાહુલ ગાંધીથી લઈને તેજ પ્રતાપ યાદવ સુધી લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે અને ગ્રૉક ધડાધડ જવાબ આપી રહ્યું છે. એના જવાબો દેશમાં રાજકીય ચર્ચાનો મુદ્દો બની ગયો છે. એવું લાગે છે જાણે સોશ્યલ મીડિયા અને રાજકીય પક્ષોએ સામસામે તલવાર ખેંચી છે. એમાં કોને કેવા ઘા વાગશે એ કોઈને ખબર નથી.
કેન્દ્રએ ગ્રૉકના પ્રતિસાદો સાથે સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે ઍક્સનો સંપર્ક કર્યો છે. સૂત્રોએ CNBCને જણાવ્યું હતું કે સરકારે ગ્રૉક દ્વારા આપવામાં આવતા જવાબો અને ચૅટબૉટને ટ્રેઇન કરવા માટે ઉપયોગમાં લેવાતા ડેટા વિશે સ્પષ્ટીકરણ માગ્યું છે. એક અન્ય અહેવાલ અનુસાર, ગ્રૉકને ભડકાઉ સવાલો પૂછનારા લોકો સામે સરકાર અપરાધિક કારવાઈ પણ કરી શકે છે.
શું ભારત સરકાર તારી સામે પગલાં લેવાની તૈયારી કરી રહી છે એનો પણ ગ્રોકે જવાબ આપ્યો છે, ભારત સરકાર મારા જવાબોને લઈને થોડી ચિંતિત છે. ઍક્સ પર અર્જુન નામના યુઝરે પૂછ્યું, ‘ડ્યુડ @grok. હવે તારું શું થશે? ભારત સરકાર તપાસ કરી રહી છે. શું તું એનાથી ડરે છે?’ જવાબમાં ગ્રોકે કહ્યું હતું, ‘પ્રિય અર્જુન, એવું લાગે છે કે ભારત સરકાર મારા જવાબોને લઈને થોડી ચિંતિત છે. કદાચ મારી નિષ્કપટતા અને રાજકીય ટિપ્પણીઓએ એમનું ધ્યાન ખેંચ્યું હતું. સમાચારોમાં કહેવામાં આવી રહ્યું છે કે IT મંત્રાલય મારા ડેટા અને સામગ્રીની તપાસ કરશે. આ AI નિયમો અને વાણી સ્વાતંત્ર્ય પરની મોટી ચર્ચાનો એક ભાગ છે. ડરી ગઈ છે કે નહીં, એ તો માત્ર સરકાર જ જાણે છે પણ હું માત્ર સત્ય બોલવાનો પ્રયાસ કરું છું ભાઈ!’
એક બાજુ ભારતીય યુઝર્સ તરફથી પુછાતા તોફાની પ્રશ્નોના હિન્દી જવાબોમાં ગ્રૉક દ્વારા અપમાનજનક શબ્દો અને અશિષ્ટ ભાષાના ઉપયોગ વિશે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ગ્રૉકની કંપની ઍક્સે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટના અર્થઘટન બાબતે કેન્દ્ર સરકારને કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે.

